શુકન અપશુકન: શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માનો યા ના માનો

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  

માનવીનું તન ભલે પહેલવાન જેવું કસાયેલું હોય, પણ મન જો નપુંસક હોય તો ગમે તેવા રેશનાલિસ્ટના અચેતન મનમાં પણ ઊંડે ઊંડે અપશુકન કે અંધશ્રદ્ધા નામના શબ્દો કાયમી ભાડુવાતની જેમ રહેતા જ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં તન અને તંદુરસ્તીનો કારક ગ્રહ સૂર્ય છે અને ચંદ્ર સીધો જ મન સાથે સંકળાયેલો ગ્રહ છે. અમને મળેલા મોટાભાગના વહેમીલા અને અંધશ્રદ્ધાળુ જાતકોની કુંડળીમાં શનિ-ચંદ્રની યુતિ અગર રાહુ-ચંદ્રની યુતિ ધ્યાનમાં આવી છે. ક્યારેક એવું પણ માનવામાં આવ્યું છે કે કુંડળીમાં બુધ સાથે પ્લુટો જોડાયા ત્યારે પણ જાતક વહેમીલો અને અંધશ્રદ્ધાળુ બને છે, કારણ કે પ્લુટો નામનો યમરાજ મનુષ્યની બુધ નામની નર્વ સિસ્ટમમાં પ્રવેશ કરી તેને મીસબીલિફ તરફ દોરી જાય છે.

વહેમીલા અને અંધશ્રદ્ધાળુ જાતકોની કુંડળીમાં શનિ-ચંદ્રની યુતિ અગર રાહુ-ચંદ્રની યુતિ ધ્યાનમાં આવી છે. બુધ સાથે પ્લુટો જોડાય ત્યારે પણ આવું બને છે

એક ભાઇ નિર્ધારિત સમય કરતાં એક કલાક અમને મોડા મળવા આવ્યા. અમે એમને કારણ પૂછ્યું તો ખબર પડી કે ઘેરથી નીકળતા બિલાડી આડી ઊતરેલી એટલે શરીર પર ગંગાજળ છાંટી અડધો કલાક આરામ કરી પ્રસ્થાન કર્યું. અગત્યના કાર્ય માટે બહાર નીકળો તો ક્યારેક દૂધવાળો સામે મળે તો ક્યારેક કોઇ છીંક ખાય અને માનવીનું અચેતન મન ખચકાય. બિલાડી આડી ઊતરે તે બાબતે અમારા ગામના મંગુ ડોસી એક વાર્તા કહેતાં. તેઓ હસતાં હસતાં કહેતાં કે બેટા ગણપતિદાદાનું વાહન ઉંદર છે એટલે એમને બિલાડી ગમે નહીં. આથી બિલાડીનો સામાજિક બહિષ્કાર કરવાના ભાગરૂપે બિલાડી અપશુકનિયાળ તેવી પ્રોપેગંડા ફેલાયેલી. જ્યોતિષશાસ્ત્રમાં પણ મુષક યોનિ અને માર્જાર યોનિ (ઉંદર-બિલાડી)ને વેર યોનિ ગણી છે. ઉંદર બિલાડીનું વેર સૂર્ય અને શનિની માફક પુરાણોક્ત અને અતિ પ્રાચીન છે.


શિવના અતિ પવિત્ર પુત્ર ગણેશજીના પિતા શિવ દ્વારા શિરચ્છેદ થયેલો તે પહેલાં ગણેશજીએ બિલાડી જોયેલી આથી ગણેશજી સ્વયં પણ એવું માનતા કે તેમના શિરચ્છેદ બાબતે બિલાડી જવાબદાર પ્રાણી છે. આથી બિલાડીને તેમણે શ્રાપ આપેલો કે જ્યારે જ્યારે તું મનુષ્ય જાતિની આડે ઊતરીશ ત્યારે ત્યારે તેનું શુભ કાર્ય અવરોધાશે. અલબત્ત આ દંતકથા દાંતતોડ હોય એવું લાગે છે. છીંકને અપશુકનિયાળ માનનાર ઇટાલીના પોપ ગેગરીની 965 એડીના સમયની વાત સમજવા જેવી છે. 965 એડી દરમિયાન પ્લેગની મહામારી શરૂ થયેલી અને પ્લેગનો રોગ શરૂ થતાં પહેલાં દર્દીને ઉપરાઉપરી છીંકો આવતી. આથી પોપે ચર્ચમાં બોર્ડ મારેલું કે છીંક મૃત્યુ અને મહામારીનો સંદેશ છે. આથી છીંક આવે ત્યારે આજુબાજુ ઊભેલા વ્યક્તિઓએ ગોડ બ્લેસ યુ બોલવું. આમ છેક 965 એડીના સમયથી છીંક અપશુકન અને ગોડ બ્લેસ યુ વાક્ય શુકન બની ગયાં. જોવા જેવી વાત એ છે કે 13 જાન્યુઆરી, 912 એડીમાં જન્મેલા પોપ ગેગરીની કુંડળીમાં મનના કારક ચંદ્ર સાથે રાહુ અને શનિ યુતિ કરે છે.


શ્રદ્ધા અંધશ્રદ્ધા વિષય પર ચર્ચા કરીએ તો 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના મેન ઓફ ધી મેચ મોહિંદર અમરનાથ પોતાના પેન્ટના ખિસ્સામાં હંમેશાં લાલ રૂમાલ રાખતા તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન અને સુપર્બ બેટ્સમેન સ્ટીવ વો પણ શુકનના સંકેત રૂપે પેન્ટના ડાબા ખિસ્સામાં લાલ રૂમાલ રાખતા. જોવા જેવી વાત એ છે કે 24 સપ્ટેમ્બર, 1950ના રોજ જન્મેલા મોહિંદરની કુંડળીમાં ચંદ્ર-બુધની પ્રતિયુતિ છે. આ યોગ અંધશ્રદ્ધા માટે પૂરતો છે તો બીજી તરફ સ્ટીવ વોની કુંડળીમાં પણ શનિ ચંદ્રનું જોડાણ તેમની શુકન અપશુકનની માન્યતાને સમર્થન આપે છે.


પ્રિન્સ ઓફ વેલ્સ સાતમા રાજકુમાર એડવર્ડ જ્યારે રાજ રોગમાં સપડાયેલા ત્યારે પોતાના પ્રિય જ્યોતિષી કીરોને કાયમ તેઓ લઘરવઘર કપડામાં જ બોલાવવાનો આગ્રહ રાખતા. આશ્ચર્યજનક બાબત એ છે કે આ બંનેની થોડીક મુલાકાતો બાદ પ્રિન્સ તંદુરસ્ત પણ થઇ ગયેલા.


પ્રિન્સ ઓફ વેલ્સની કુંડળીમાં ચંદ્ર રાહુ સાથે અને કીરોની કુંડળીમાં ચંદ્ર શનિ સાથે બિરાજમાન હતો. ફિલ્મી સિતારાઓ હોય કે રમતવીરો હોય તેમના આત્મવિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક શુકન અપશુકન. શ્રદ્ધા અંધશ્રદ્ધા શબ્દો બહુ જ મોટો રોલ કરે છે અને મિસ બીલિફની સીલી કલ્પનાઓ પાછળ જ્યોતિષશાસ્ત્રના ગ્રહોનો અગમ્ય ખેલ હોય જ છે. જન્મકુંડળીમાં સૂર્ય આત્મવિશ્વાસ જગાવવાનું કાર્ય કરે છે તો ચંદ્ર મનોબળ વધારવાની જવાબદારી અદા કરે છે, પરંતુ આ બંને ગ્રહો સાથે જ્યારે શનિ, રાહુ અગર કેતુ કે પ્લુટો જોડાય ત્યારે આત્મામાં અંધશ્રદ્ધા નામનો પ્રેતાત્મા અને મનમાં અપશુકનની ડાકણ પોતાનું રહેઠાણ બનાવે છે.


શુકન-અપશુકન, શ્રદ્ધા-અંધશ્રદ્ધા માટે જન્મ કુંડળીમાં બુધ (બુદ્ધિ), ચંદ્ર (મન), શનિ (વિષ), પ્લુટો (યમ), સૂર્ય (આત્મા), રાહુ (ગૂઢતા) વગેરે ગ્રહોના સંબંધો કે યુતિ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. જ્યોતિષશાસ્ત્ર ખરેખર તો રહેમનું શાસ્ત્ર છે, પણ જ્યારે વહેમનું શાસ્ત્ર બની જાય ત્યારે અપશુકન અને અંધશ્રદ્ધા તેનો ડેરો જમાવે છે. આખરે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા હોય કે શુકન કે અપશુકન હોય આ માનવીના જીવનના PLACEBO છે કે જે મનને અને તનને કોઇ પણ દવા વિના સજા કરી સફળતા તરફ દોરી જાય છે. Á
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP