Home » Rasdhar » નગીનદાસ સંઘવી
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

‘નકસલવાદ’ શબ્દ બહુ છેતરામણો છે

  • પ્રકાશન તારીખ02 Jun 2018
  •  
સમાચારો તો આપણે બધા વાંચીએ છીએ, પણ આ સમાચારોના અર્થ અને સંદર્ભ સમજનાર લોકોની સંખ્યા ઘણી થોડી છે, કારણ કે સનસનાટીભર્યા સમાચારો મહત્ત્વના સમાચારોને હાંસિયામાં ધકેલે છે અને તેનું મહત્ત્વ વધારે હોવા છતાં ગણતરીમાં લેવાતું નથી. કાશ્મીરના મોરચે અવારનવાર પાકિસ્તાને મોકલેલા અને પાકિસ્તાનથી પ્રેરાયેલા ત્રાસવાદીઓના સમાચારો મોટા મથાળે છપાય છે, પણ ભારતની આંતરિક સલામતીને જોખમાવતા નકસલવાદીઓના સમાચારો પર ભાગ્યે જ ધ્યાન અપાય છે. કાશ્મીરમાં કે સરહદ પર મરે તે બધાને શહીદ તરીકેના માન-અકરામ અપાય છે. નકસલવાદી ધીંગાણાંમાં જાન ગુમાવનાર પોલીસોનો કોઈ ભાવ પણ પુછાતો નથી. નકસલવાદીઓ હલ્લો કરે કે ન કરે, પણ તેમના કબજામાં રહેલા વિશાળ પ્રદેશોમાં ભારત સરકારની આણ ફરતી નથી. સરકારી હુકમ કોઈ પાળતું નથી અને આ વિસ્તારોનો વહીવટ બધો નકસલવાદીઓનાં સ્થાનિક જૂથો ચલાવે છે. ‘નકસલવાદ’ શબ્દ બહુ જ જાણીતો છે અને બહુ છેતરામણો છે. અત્યારે અથવા છેલ્લાં 50 વર્ષથી જે પ્રવૃત્તિ ચાલે છે તેને મૂળ નામ સાથે કશી લેવાદેવા નથી. નકસલવાદની કથા લાંબી છે અને ઓછી જાણકારીના કારણે ઘણી ગૂંચવાયેલી છે. શરૂઆત 1967થી થઈ અને બંગાળના ઉત્તર છેડે આવેલા ‘નકસલબાડી’ નામના વિસ્તારમાં થઈ. જ્યાં શરૂ થયું ત્યાં અત્યારે કશી પ્રવૃત્તિ ચાલતી નથી અને નકસલી આંદોલન બંગાળ કરતાં ઘણા વધારે મોટા પ્રમાણમાં તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ, ઉડિસા, મહારાષ્ટ્રમાં ચાલે છે.
1967માં માર્ક્સવાદી પક્ષને બંગાળની વિધાનસભામાં ઘણી બેઠક મળી અને ક્રાંતિનો સૂર ઉઠાવનાર જ્યોતિ બસુ રાજ્યનાં ગ્રહમંત્રી બન્યાં, પણ હવે આપણી ગરીબ શોષિત વર્ગની સરકાર છે, તેથી બધા જમીનદારોને હાંકી કાઢવા, જમીન કબજે કરી લેવી અને શ્રીમંતોનું રાજ ખતમ કરવું તેવાં આંદોલનો શરૂ થયાં અને નકસલબાડી વિસ્તારમાં મોટા પાયે ખૂનામરકી થઈ. જમીનદારોનાં ઘર લૂંટાયાં, હત્યાઓ પણ થઈ. કેન્દ્ર સરકારે આવાં આંદોલનો કચડી નાખ્યાં અને નકસલવાદી આંદોલનના કનુ સન્યાલ અને ચારુ મજુમદારનો પ્રભાવ ખતમ થયો, પણ માર્ક્સવાદી પક્ષના ઉદ્દામવાદી આગેવાનોએ નવાં નવાં જૂથો ઊભાં કર્યાં અને દેશનાં અંતરિયાળ જંગલો અને ડુંગરાળ વિસ્તારમાં ધામા નાખ્યા. તેમનો ફેલાવો ઝડપભેર વધ્યો અને 2006માં તેમનો પ્રભાવ અને તેમની સંખ્યા સરટોચે પહોંચી. આ વખતે 10 રાજ્યોના 183 જિલ્લાઓમાં તેમની હાક વાગતી હતી અને સરકારી અમલદારો કે પોલીસો તેમાં પગ મૂકી શકતા નથી. લશ્કરી જાસૂસી ખાતાના કહેવા મુજબ કુલ મળીને નકસલવાદીઓની સંખ્યા 30 હજારે પહોંચી હતી અને તેમાંથી 20 હજાર પાસે તો હથિયારો પણ હતાં. મોટાભાગે બિહાર, ઉત્તરપ્રદેશનાં ગામડાંઓમાં પરદેશી હથિયારોની આબેહૂબ નકલ કરતાં બંદૂકો, તમંચાઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત પોલીસો જોડેની ઝપાઝપીમાંથી ઝૂંટવેલાં અદ્યતનશસ્ત્રો પણ તેમની પાસે છે. તેમના સહાયક જંગલવાસી-આદિવાસીઓ પોલીસથાણામાંથી હથિયારો ચોરી લાવે છે. 2009ની સાલમાં દેશના ત્રીજા ભાગના જિલ્લાઓમાં નકસલવાદી પ્રવૃત્તિઓ ઓછા-વધતા પ્રમાણમાં ચાલતી હતી અને વડાપ્રધાન મનમોહનસિંહે જાહેર નિવેદનમાં કબૂલ કરવું પડ્યું કે નકસલી આંદોલન ભારતની આંતરિક સુરક્ષા અને શાંતિ સામે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ તો તેમની સરખામણીમાં મગતરા પણ નથી. આદિવાસીઓના કારણે તેમને જંગલની આડીઅવળી કેડીઓ અને વંકા સ્થળોની માહિતી હોય છે, તેથી નકસલવાદીઓ આવા સ્થળે છટકાં ગોઠવીને પોલીસો અને તેમનાં વાહનોને સુરંગોથી ઉડાવી દે છે અથવા પોલીસ ટુકડીઓને ચોમેરથી ઘેરી લઈને મારી નાખે છે. કેટલાક હુમલાઓમાં તો 300-400થી માંડીને હજાર જેટલા નકસલીઓ ધીંગાણામાં ભાગ લે છે. નકસલવાદીઓ માત્ર ત્રાસવાદીઓ નથી, પણ ગરીબ અને શોષિતોના મદદગાર પણ છે. ભારતનો ઔદ્યોગિક વિકાસ વધતો જાય છે તેમ ખનિજો અને જંગલની પેદાશોની જરૂર વધારે ને વધારે પડતી હોય છે. શહેરી લોકો સંપત્તિ અને રાજકીય લાગવગનો ઉપયોગ કરીને જંગલના મોટા વિસ્તારો સરકાર પાસેથી લીઝ ઉપર અથવા વેચાણ કરાવીને કબજો જમાવે છે. ગરીબ, અભણ અને ભોળિયા આદિવાસીઓને અદાલતી કારવાઈમાં ફસાવીને અથવા રુશવતખોર પોલીસો મારફતે દમદાટી કરીને, મારહાણ કરીને તેમના રહેણાક વિસ્તારમાંથી અથવા ખેતર ચરિયાણમાંથી હાંકી કાઢે છે.
નકસલવાદનું આંદોલન ચલાવનાર સંવેદનશીલ યુવાનો દુર્ગમ પ્રદેશમાં વસવાટ કરનાર આદિવાસીઓની વચ્ચે રહેવા જાય છે, તેમની ભાષા, રીતરીવાજો અને ખાનપાનની ખાસિયતો જાણે છે. તેમની સામે થઈ રહેલા જુલમો સામે તેમને ઉશ્કેરે છે. આ દૃષ્ટિએ જોઈએ તો નકસલવાદીઓ શહેરી વિસ્તારોમાં કામ કરતા સમાજસેવકો જેવા જ છે, પણ મુખ્ય તફાવત એ છે કે સમાજસેવકો પ્રચાર અને અદાલતી સાધનાનો ઉપયોગ કરે છે, નકસલવાદીઓ હથિયાર ઉઠાવે છે. સરકારી કોન્ટ્રાક્ટ મેળવીને જમીનનો કબજો લેવા આવનાર ઉદ્યોગપતિઓ કે તેમના નોકરિયાતોને ધાકધમકીથી અથવા મારફાડ કરીને ભગાડી મૂકવામાં આવે છે. તેમની મદદે આવનાર પોલીસો જોડે ધીંગાણાંઓ કરે છે. આવા દુર્ગમ વિસ્તારમાં સરકારી તંત્ર પણ નબળું હોય છે, પોલીસ બહુ ઓછી સંખ્યામાં હોય છે. સરકારી તંત્રની નબળાઈનો નકસલીઓ પૂરો લાભ ઉઠાવે છે. પોતાની જમીન કે ઘરનો કબજો પાછો મેળવી આપનાર, હેરાન-પરેશાન કરનાર પોલીસો અને સરકારી અમલદારો સામે બાથ ભીડનાર નકસલવાદીઓને આદિવાસીઓ પોતાના તારણહાર માને છે અને તેમનો પડ્યો બોલ ઉઠાવે છે.
આદિવાસીઓનું શોષણ થતું હોય અને નજીવી કિંમત આપીને તેમની પાસેથી મોંઘા મૂલની વસ્તુઓ પડાવી લેવામાં આવતી હોય ત્યાં સુધી નકસલવાદીને ખતમ કરી શકાશે નહીં તે સમજદાર લોકો અને સરકારી અમલદારો પણ સમજે છે. નકસલવાદીઓએ અપનાવેલા માર્ગ અને સાધનો સારાં નથી. સરકાર નબળી પડે છે, દેશની સુરક્ષા જોખમમાં આવી પડે છે, ઔદ્યોગિક વિકાસ રૂંધાઈ જાય છે અને પછાત વિસ્તારો પછાત જ રહી જાય છે. આ બધી ટીકા સાચી છે, પણ નકસલવાદનું આદર્શ ધ્યેય નિર્બળનું રક્ષણ કરવાનું પવિત્ર કાર્ય છે અને તેના કારણે અનેક શિક્ષિત લોકો પણ તેમનો બચાવ કરે છે. નકસલવાદીઓએ આદિવાસીઓને સંગઠિત કર્યા છે. તેમને હથિયારો વાપરવાની તાલીમ આપી છે અને સરકારના લશ્કર અને પોલીસ સામે લડવા માટેનું વ્યવસ્થિત દળ પણ ઊભું કર્યું છે.
2007થી સરકારે બેવડી નીતિ અખત્યાર કરી છે. આદિવાસીઓની વાજબી ફરિયાદોનો નીવેડો લાવવો, તેમના વિસ્તારમાં વિકાસનાં કાર્યો શરૂ કરવાં, રસ્તાઓ, શાળાઓ દવાખાનાંઓ જેવી સુવિધાઓ ઊભી કરવી અને ભૂખે મરતા માટે નિયમિત આવકનો પ્રબંધ કરવો. સાથોસાથ લશ્કરી અને પોલીસ કારવાઈ કરીને નકસલવાદી આગેવાનોને ખતમ કરવા. વિકાસ કાર્યની બાબતમાં સરકારી કારવાઈ હંમેશાં રેઢિયાળ ઢબે ચાલે છે અને સરકારી નાણાં ભ્રષ્ટાચારી અધિકારીઓ અને આગેવાનોનાં ખિસ્સાંમાં ઠલવાઈ જાય છે. નકસલવાદ ભારતનાં વિવિધ રાજ્યો- આંધ્ર, તેલંગણા, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પથરાયેલો છે અને તેમના માટે એક જ નામ વપરાય છે, પણ ભાષા, પ્રાદેશિક પ્રશ્નો અને આદિવાસીઓની રહેણીકરણી બધી જગ્યાએ એકસરખા હોતાં નથી, તેથી આ નકસલવાદીઓ ત્રીસેક જેટલાં નાનાં-મોટાં જૂથોમાં વહેંચાયેલાં છે અને આગેવાની મેળવવા માટે અંદરોદર લડતા-ઝઘડતા પણ હોય છે. જેમ નકસલવાદી જૂથો વિભાજિત છે તેમ તેમની સામે લડનાર પોલીસો પણ એકજુટ નથી. દરેક રાજ્યનું પોલીસતંત્ર અલગ અને એકબીજા જોડે સહકાર કરવા તૈયાર ન થાય. ભારત સરકારે પોલીસદળો વચ્ચે સહકાર સ્થાપવાની ઘણી જહેમત ઉઠાવી છે, પણ તેમાં ધારી સફળતા મળી નથી. નકસલવાદનો સમૂળ ઉચ્છેદ થયો નથી અને આ કામમાં ઘણો સમય લાગવાનો છે, પણ તાજેતરમાં મહારાષ્ટ્રના ગઢ ચિરોણી વિસ્તારમાં અને છત્તીસગઢમાં નકસલી આગેવાનોને મોટી સંખ્યામાં ઠાર મારવામાં આવ્યા છે. ભારત માટે અતિશય પીડાદાયક ત્રાસવાદી પ્રવૃત્તિઓ માત્ર પાકિસ્તાન પ્રેરિત નથી. વધારે મોટું જોખમ તો આપણા સામાજિક અન્યાયોના કારણે ઊભું થાય છે. {nagingujarat@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP