Home » Rasdhar » નગીનદાસ સંઘવી
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

ગાંધી જેવા મહામાનવને સમજવો કોઇના માટે શક્ય નથી

  • પ્રકાશન તારીખ04 Jun 2018
  •  

મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મજયંતી ઊજવવાની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. જેમને ગાંધીજીનાં જીવન કે વિચારો જોડે કશી લેવાદેવા નથી તેવા પ્રચારકો અને ભાષણખોર લોકો ગાંધીના નામે ગામ ગજાવશે અને એકની એક ચીલાચાલુ વાતો ફરી, ફરીને કહેવાશે. ગાંધીજી જીવ્યા ત્યાં સુધી એક ક્ષણ પણ જંપીને બેઠા નથી તેથી મરણ પછી પણ તેમને આરામ લેવામાં ખલેલ પહોંચાડીને ગાંધીભક્તો પોતાનું વેર વાળી રહ્યા છે. ગાંધી જેવા મહામાનવને સમજવો અથવા તેમનું અનુકરણ કરવું તે કોઇના માટે શક્ય નથી પણ બધા પયગંબરોની માફક ગાંધીજી માટે પણ તેમના અનુયાયીઓ ઘણી ગેરસમજ ફેલાવી રહ્યા છે.

અહિંસાનો ખ્યાલ બંધારણમાં સામેલ કરવો જોઇએ તેવી ભલામણ કરનાર લોકો તેનાં શું પરિણામ આવે તેના વિશે બેખબર છે

સૌથી વિચિત્ર કહી શકાય તેવું સૂચન ઉડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કરેલું છે. તેમના કહેવા મુજબ ગાંધીજીની માનવંદના માટે ભારતીય બંધારણમાં અહિંસાજીવી ભાવનાનું ઉમેરણ કરવા માટે જરૂરી સુધારો બંધારણમાં લાવવો જોઇએ. ગાંધીજીએ અહિંસાની ઉપાસનામાં આખી જિંદગી કાઢી નાખી પણ તેમની અહિંસા તદ્દન અલગ પ્રકારની હતી અને ચીલાચાલુ અહિંસા જોડે ગાંધીજીની અહિંસાનો મેળ કોઇપણ રીતે બેસાડી શકાય તેમ નથી.
ગાંધીજી જિંદગીમાં પહેલી જ વખત ગીતા વાંચીને અંગ્રેજી તરજૂમા રૂપે વાંચી અને હિંદુ ધર્મના અન્ય ગ્રંથો પણ થિયોસોફિકલ સોસાયટીના કારણે શરૂ થયા. ઇંગ્લેન્ડથી પાછા ફર્યા ત્યારે ગાંધીજી પૂરેપૂરા અર્થમાં અંગ્રેજ ભારતીય હતા. ધંધાદારી સલાહ માટે એક વરસ આફ્રિકા જવાનું હતું તેમાં એકના એકવીસ થયા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી શ્રેષ્ઠ વકીલ બન્યા, સતત કાર્યશીલ આગેવાન બન્યા, આશ્રમ જીવન શરૂ થયું. અતિશય વિલાસીજીવન છોડીને ત્યાગી બનવાની શરૂઆત દક્ષિણ આફ્રિકામાં થઇ. ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ એટલો ઊંડો કે કદાચ ગાંધીજી ખ્રિસ્તી બની ગયા હોત પણ તેમની જાગરુકતાએ તેમને સાચવી લીધા. મહાત્માનું બિરુદ પાછળથી ભારતમાં મળ્યું પણ 1915માં ગાંધીએ દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યારે મો.ક. ગાંધી ખરા અર્થમાં મહાત્મા ગાંધી બની ગયા હતા. છેલ્લું પરિવર્તન રંગભેદને વરેલા અને વળગી રહેલા બોઅર સાથેના સંઘર્ષમાં ગાંધીજીને ઇંગ્લેન્ડની સરકાર અને આગેવાનોએ પૂરેપૂરો સાથ આપ્યો તેથી અહિંસાના ઉપાસક ગાંધીએ બોઅર સામેની સશસ્ત્ર લડાઇમાં બ્રિટનના પક્ષે હથિયાર બંધ લડવાની તૈયાર દાખવી પણ ભારતવાસીઓના હાથમાં હથિયાર આપવા અંગ્રેજી સેનાનીઓ તૈયાર ન હોવાથી તેમણે લડાઇમાં સેવા કાર્ય કર્યું. સ્થાનિક આદિવાસીઓ-ઝુલુ સામેની લડાઇમાં પણ ગાંધીજીએ અંગ્રેજ સેનાની સેવા કરીને મોટું પાપકર્મ કર્યું. ટ્રાન્સવાલના શાસકો સામે અને પાછળથી દક્ષિણ આફ્રિકા યુનિયન સામેની સત્યાગ્રહની લડાઇમાં પૂરો ફજેતો થયો અને ભારતના વાઇસરોય લોર્ડ હાર્ડીઝની દખલગીરી ન હોત તો સ્મટસે ગાંધી જોડે વાત પણ કરી ન હોત. ગાંધીજી ભારતમાં પાછા ફર્યા ત્યારે 1915 સુધી પૂરેપૂરા અંગ્રેજ ભક્ત અને રાજનિષ્ઠ, વફાદાર નાગરિક હતા. દક્ષિણ આફ્રિકામાં સ્થાનિક આમજનતા સામેની લડાઇમાં અંગ્રેજ સરકાર હંમેશાં ગાંધીજીની પડખે રહી. ભારતમાં અંગ્રેજ સરકાર સામેનો સંઘર્ષ શરૂ થયો ત્યારે ભારતની જનતાએ ગાંધીજીને વધાવી લીધા. આ છેલ્લું પરિવર્તન 1919માં જલિયાંવાલા બાગની કત્લેઆમના કારણે થયું.
ગાંધીની અહિંસા તદ્દન અનોખી છે. 1917માં અહિંસાના પૂજારી ગાંધીએ અંગ્રેજી લશ્કરમાં જુવાનોની ભરતી માટે જીવના જોખમે પ્રવાસો કર્યા. અમદાવાદની શેરીઓમાં રખડતાં કૂતરાઓને મારી નાખવા માટેની માગણીને ગાંધીજીએ ટેકો આપેલો. સને 1948માં કાશ્મીર પર ચડી આવેલા ખુંખાર ધાડાઓ સામે લશ્કરી બળના વપરાશને પણ તેમણે સંમતિ આપી. ગાંધીની અહિંસા બાયલાઓ અને સંસારથી ભાગી છૂટનાર લોકોની અહિંસા નથી. કાયરતા કરતાં હિંસા વધારે સારી ગણાય તેવું ગાંધીએ ઠેરઠેર કહ્યું છે.
અહિંસાનો પૂર્ણ અને ચુસ્ત ઉપદેશ માત્ર મહાવીરે જ આપેલો છે પણ જીવતા જીવ માટે અહિંસાનું સંપૂર્ણ પાલન શક્ય નથી. આપણે શ્વાસ લઇએ તેનાથી પણ સૂક્ષ્મ જીવો તો મરે જ છે. અહિંસા પાળનાર લોકો દૂધ ખાવામાં દોષ ગણતા નથી. દૂધ તે લોહી જ છે. તેથી દૂધ પણ માંસાહાર જ ગણાય છે. પૂર્ણ શાકાહારી લોકો (વેગન્સ) દૂધ ખાતા નથી.
સમાજને અને આવતી પેઢીને ગાંધીજીના અંગત જીવનમાં રસ ધરાવવાનું કારણ નથી. પણ આઝાદીની લડતમાં તેમણે અહિંસાનો પ્રયોગ સૌથી મોટા પાયા પર કર્યો. અને વિરોધમાં કશું પણ નમતું છોડવાનો ઇન્કાર કર્યો પણ ગાંધીજી જેવા પયગંબરે આપેલા ઉપદેશને બંધારણમાં સમાવી શકાય નહીં. ભારતે શસ્ત્રધારી સેના અને પોલીસો રાખવા જ પડશે. ત્રાસવાદીઓ અને આક્રમકો સામે હથિયાર વાપરીને પોતાનું અને દુશ્મનનું લોહી રેડીને લડવું જ પડે. વ્યક્તિગત અહિંસાના પાલનથી થતા લાભ-ગેરલાભની ચર્ચા લાંબીલચક થાય પણ સામાજિક અને રાજકીય જીવનમાં અહિંસાનો સ્વીકાર નર્યો આપઘાત જ નીવડે અને અહિંસક સમાજ હંમેશાં નિર્વીર્ય બનીને પરદેશીઓના પગ તળે કચડાતો જ રહે.
અહિંસાનો ખ્યાલ બંધારણમાં સામેલ કરવો જોઇએ તેવી ભલામણ કરનાર લોકો પોતે શું બોલે છે અને તેનાં શું પરિણામ આવે તેના વિશે બેખબર છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP