Home » Rasdhar » નગીનદાસ સંઘવી
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

વિરોધપક્ષોને એકજુટ કરવાનું દિવાસ્વપ્ન

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
ઘ ણી ઊથલપાથલ અને જાતજાતની હૈયાબળતરા પછી કર્ણાટકના મામલા પર પૂર્ણવિરામ કંઈ નહીં તો અલ્પવિરામ તો મુકાયું જ છે. ધારાસભ્યોનો વિશ્વાસ મત સંપાદન કર્યા પછી નવા મુખ્યમંત્રી કુમાર સ્વામીને શ્વાસ ખાવા માટે 6 મહિના મળ્યા છે. નવી સરકાર ત્રણ મહિનામાં પડી જશે તેવી યદ્દીયુરપ્પાની આગાહી સાચી નથી, કારણ કે ભાજપ થોડાં ઘોડા-ગધેડાં ખરીદી શકે તો પણ ધારાસભાની બેઠક ક્યારે બોલાવવી તે મુખ્યમંત્રીઓએ ઠરાવવાનું છે. 6 મહિનાથી વધુ આ ગાળો લંબાવી શકાય નહીં.

ભાજપની સામે લડવા માટે
જે ભોગ આપવો પડે તેના
માટે કોઈ પ્રાદેશિક પક્ષ તૈયાર થવાનો નથી. પોતપોતાના
સત્તા ક્ષેત્રમાં બીજા કોઈનો
પ્રવેશ તેમને ફાવે તેમ નથી

કર્ણાટકના પડઘા આવતા વર્ષ સુધી સંભળાતા રહેવાના છે. કર્ણાટકનો ચુકાદો લોકસભા માટે આખરી નથી, હજુ ચાર બેરિકેડ્ઝ વટાવવા પડશે અને આ ચૂંટણીઓ ડિસેમ્બર સુધી ચાલવાની છે, પણ કુમાર સ્વામીની શપથવિધિમાં વિરોધપક્ષના આગેવાનોએ ઊલટભેર હાજરી આપી છે અને કોંગ્રેસના સાચા અધ્યક્ષ સોનિયા ગાંધી જોડે ઘરોબો દાખવ્યો છે. રાજકારણી આગેવાનોના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જુદા હોઈ શકે છે તેમ ક્યારેક એક પણ હોઈ શકે છે અને વિરોધપક્ષો ખરેખર એકતા ઇચ્છતા હોય તેવું પણ બની શકે છે. આ સમારંભમાં 14 પક્ષોએ હાજરી આપી છે તેમાં કોંગ્રેસ-જનતાદળ (એસ)ની હાજરી તો અનિવાર્ય છે, કારણ કે આ બંને પક્ષોની યુતિ સરકારનો આ સમારોહ છે, પણ દેશના તમામ ખૂણેથી આવેલા આગેવાનોના કારણે આ સમારોહને અનેરો ઉઠાવ મળ્યો છે.
2014માં અને ત્યાર પછીની 14 પ્રાદેશિક ચૂંટણીઓમાં ભાજપને મળેલી અભૂતપૂર્વ ફતેહ માત્ર કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષ નહીં, પણ પ્રાદેશિક પક્ષો માટે પણ જોખમી છે. 4-5 વર્ષ અગાઉ કેન્દ્રમાં સત્તા ભોગવનાર કોંગ્રેસી મોરચો વેરવિખેર થઈ ગયો છે અને એકલા હાથે ચૂંટણી લડવાની ભાજપની નવી રણનીતિ પ્રાદેશિક પક્ષો માટે પણ જોખમરૂપ છે. ઉત્તરપ્રદેશમાં ભાજપના વિજયના કારણે કોંગ્રેસ પક્ષ કરતાં પણ વધારે મોટો ફટકો સમાજવાદી પક્ષ અને માયાવતીને પડ્યો છે. બિહારમાં ગઠબંધન તૂટવાથી રાહુલ ગાંધી કરતાં વધારે નુકસાન લાલુ યાદવના રાષ્ટ્રીય જનતાદળને થયું છે.
બેંગ્લોરમાં એકઠા મળેલા પક્ષો કોંગ્રેસને બચાવવા માટે નહીં, પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચિંતા સેવતા થયા છે. અખિલેશ યાદવ કે મમતા બેનરજી કે શરદ પવારને કોંગ્રેસ પક્ષ માટે કે સોનિયા ગાંધી માટે હેત ઊભરાઈ જતું નથી, પણ ભાજપના ધસમસતા પૂરને ખાળવા માટે કોંગ્રેસની પ્રતિષ્ઠા અને કોંગ્રેસના વિસ્તીર્ણ સંગઠનનો ઉપયોગ કરવાની બધાને ગરજ પડી છે. માર્ક્સવાદીઓ અને મમતા બેનરજી એકબીજાના કટ્ટર દુશ્મન રહ્યા છે, પણ ડૂબતો માણસ તો બાજુમાં તણાઈ રહેલા સાપને પણ લાકડું સમજીને પકડવા જાય છે. રાજકારણમાં કોઈ કોઈના દુશ્મન પણ નથી અને દોસ્ત પણ નથી. બધા એકબીજાના ગરજાઉ છે અને ગરજ પડે ત્યારે ગધેડાને કાકા કહીને માન આપવાની સલાહ બધા ડાહ્યા માણસો આપે છે.
ભારતીય લોકશાહીની વિકાસગાથા અનોખી હોવાના કારણે શરૂઆતથી ગઈ કાલ સુધી કોંગ્રેસ પક્ષ સર્વોપરી બની રહ્યો. પાર્લામેન્ટથી માંડીને પંચાયતો સુધી કોંગ્રેસ જ સત્તાધીશ હતી અને તેથી રામ મનોહર લોહિયા જેવા વિચારપ્રધાન રાજનેતાઓએ કોંગ્રેસ વિરોધી(anti congress)નો બુલંદ નાદ ગજાવ્યો અને તેના પડઘા રૂપે 1967-69માં કોંગ્રેસનું માળખું પહેલી વખત ડગભગી ગયું. આજે ભાજપની બોલબાલા છે તેથી ભાજપ વિરોધી ગઠબંધન અન્ય પક્ષો માટે જીવાદોરી સમાન થઈ પડ્યું છે.
ભારતભરના તમામ વિરોધપક્ષોને એકજુટ કરવાનું સ્વપ્ન માત્ર દિવાસ્વપ્ન છે, કારણ કે આ પક્ષો વચ્ચેના મતમતાંતરો અને સત્તા મેળવી લેવાની હરીફાઈ એટલી ઉગ્ર છે કે ખરે વખતે આ એકતા તૂટી જાય છે. રાજકારણના પીઢ અને અઠંગ ખેલાડી દેવગૌડાએ કહ્યું છે તેમ કોંગ્રેસને સાથે રાખ્યા સિવાય વિરોધપક્ષોને એકજુટ કરી શકાય તેમ નથી. વિરોધપક્ષોની એકતા માટે કોંગ્રેસનો સાથ લેવો જરૂરી છે અને જોખમી પણ છે. કોંગ્રેસી આગેવાનો તમામ વિરોધપક્ષોની એકતા માટે આતુર છે, કારણ કે તેમની પીઠે ચડ્યા સિવાય સત્તા મેળવવાનો બીજો રસ્તો રહ્યો નથી. પોતાના બાહોશ અને અનુભવી સાથીઓને બાજુએ તારવીને રાજવંશી રાહુલ ગાંધી કે પ્રિયંકાનાં ગુણગાનના કારણે કોંગ્રેસ આજે નાભિશ્વાસ લઈ રહી છે. 29માંથી માત્ર બે રાજ્યો (પંજાબ અને કર્ણાટક)માં જ તેની આણ ફરે છે. પુડુચેરી રાજ્ય નથી અને મિઝોરમ તો મગતરું ગણાય. ભારતના માત્ર 2 ટકા વિસ્તારમાં કોંગ્રેસ રાજસત્તા ભોગવે છે.
કોંગ્રેસ વિપક્ષોની પીઠ પર બેસવા આતુર છે, પણ વિરોધપક્ષો તેની પાલખી ઊંચકવા તૈયાર નથી. સોનિયા ગાંધીની સલાહથી કોંગ્રેસે કર્ણાટકનું મંત્રીપદ છોડ્યું, પણ 2019માં ભારતનું વડાપ્રધાન પદ છોડવાની તૈયારી દેખાતી નથી. મમતા, ચંદ્રબાબુ નાયડુ કે મુલાયમસિંહ કે માયાવતી પણ વડાપ્રધાન બનવાની આકાંક્ષા સેવતાં હોય તે સ્વાભાવિક છે. વાસ્તવિકતા ગમે તેટલી વરવી હોય, પણ સ્વપ્ન અને ખાસ તો દિવાસ્વપ્ન જોવાની છૂટ તો બધાને આપવી જ પડે.
ભાજપની સામે લડવા માટે, એકજુટ થવા માટે જે ભોગ આપવો પડે તેના માટે કોઈ પ્રાદેશિક પક્ષ તૈયાર થવાનો નથી. પોતપોતાના સત્તા ક્ષેત્રમાં બીજા કોઈનો પ્રવેશ તેમને ફાવે તેમ નથી. બંગાળનાં માયાવતી મજબૂત બને તેવું મમતા બેનરજી કબૂલ રાખે નહીં. કેજરીવાલજી પંજાબમાં પ્રભાવ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમને પ્રોત્સાહન આપીને પોતાના પગ પર કુહાડો મારવા કોંગ્રેસી આગેવાનો તૈયાર થવાના નથી. વિરોધપક્ષને એક થવું છે, પણ પોતપોતાના વાડા અકબંધ સાચવી રાખવા છે અને બીજાના વિસ્તારમાં ફેલાવું છે. કટોકટી જેવા દાવાનળમાં દાઝ્યા પછી અને જયપ્રકાશ નારાયણ જેવા સાધુ પુરુષની દોરવણી છતાં 4 વિરોધપક્ષોની એકતા દોઢ વર્ષે તૂટી પડી ત્યારે આજે તો ચૌદને એકઠા મળવું છે અને રાહબર કોઈ નથી. સમારંભોમાં એકબીજાને ગળે વળગીને અભિનંદન આપનાર લોકો એકબીજાનાં ગળાં કાપવામાં જરા પણ સંકોચ રાખતા નથી.
વિપક્ષોની એકતાનું સ્વપ્ન અને તેને સાકાર કરવાના પ્રયાસ 1952થી આજ સુધી સતત થતા રહ્યા છે. વિપક્ષો એકબીજાના મત તોડે છે અને 40-45 ટકા મત મેળવનાર કોંગ્રેસ બહુમતી મેળવી જાય છે. તેથી એક થઈએ તો 60 ટકા મતે આપણે સત્તા ભોગવીએ તેવી દલીલ એટલા જોરશોરથી થતી રહી છે કે જાણકારોનાં કાન અને દિમાગ બંને દુખવા લાગ્યાં છે. આગેવાનો એક થાય તેથી મતદારો પણ એક થઈ જશે તેવું માની લેવામાં શાણપણ નથી. મતદારો કંઈ ઘાસફૂસના પૂળા નથી કે મનફાવે તેમ ખડકી દેવામાં આવે. મત ગણતરીનાં પરિણામ હંમેશાં આંકડામાં આપવામાં આવે છે, પણ દરેક મત પાછળ એક જીવતી જાગતી વ્યક્તિ છે. સાચો હોય કે ખોટો હોય, પણ તેને તેનો પોતાનો આગવો મત છે અને આવો મત ધરાવવા માટેનાં કારણો પણ છે. કોઈ વ્યક્તિના વિચાર કે અનુભવનું તોલમાપ કરનાર આગેેવાનો કઈ વાડીના મૂળા ગણાય? આપણો જ મત અથવા વિચાર સાચો છે તેવી માન્યતા સરમુખત્યારશાહીનું વાવેતર છે. જૂની વાતો જાણીએ અને આપણામાં સમજદારી હોય તો નાનપનો અનુભવ થાય. આપણે કેટલું ઓછું જાણીએ છીએ અને જાણીએ તેમાં કેટલું ઓછું સમજીએ છીએ તેનો ખ્યાલ સતત રાખવો જોઈએ. અમેરિકાના વિપક્ષના રાજપુરુષ બેન્જામિન ફ્રેન્ક્લિન હંમેશાં કહેતા કે મારી ઉંમર વધતી જાય છે તેમ મને મારી મૂર્ખતાનો વધારે ને વધારે ખ્યાલ આવતો જાય છે અને મારી વાત સાચી જ છે તેવી શ્રદ્ધા ઘટતી જાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP