તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગઠબંધન એટલે કજોડાનો સંસાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભાની આવનારી ચૂંટણીનાં પરિણામ આપણે જાણતા નથી અને આડાઅવળાં પરિમાણોના કારણે આટલી વહેલી આગાહી કરવી તે સંપૂર્ણત: ગેરવાજબી ગણાય, પણ ચૂંટણીમાં લડનાર મુખ્ય પક્ષો અને પરિબળોનો આકાર ઉપસવા લાગ્યો છે તેની નોંધ લેવી જરૂરી છે, કારણ કે પક્ષકારોના બળાબળના આધારે પરિણામો આવવાનાં છે.


ભાજપના બે મુખ્ય સાથીઓ મોરચામાં ગોઠવાઈ શકે તે અસંભવ દેખાય છે. આંધ્રપ્રદેશને વિશિષ્ઠ આર્થિક દરજ્જો આપવાની તદ્દન અશક્ય ગણાય તેવી હઠ પકડીને ચંદ્રબાબુ નાયડુના તેલુગુદેશમ્ પક્ષે મોરચા જોડે રીતસરનો છેડો ફાડી નાખ્યો છે. તેમની માગણી ગેરવાજબી છે, કારણ કે વિશિષ્ઠ આર્થિક દરજ્જો આપવાના નિયમો ઘડાયા છે તે આખા હિન્દુસ્તાનને લાગુ પડે છે.

 

કોઈ પણ પ્રદેશ આર્થિક વિકાસ અને શિક્ષણની દૃષ્ટિએ પછાત હોય, આ પ્રદેશોમાં આદિવાસીઓ અને દલિતોનું વસ્તી પ્રમાણ મોટું હોય, પ્રદેશની પાસે ખનિજ કે વ્યાપારી સંપત્તિનાં સાધન ન હોય તેને આ દરજ્જો આપી શકાય છે. આમાંથી એક પણ કારણ અાંધ્રને લાગુ પડતું નથી. આ દરજ્જો અપાયા પછી કેન્દ્ર સરકારે આપેલાં નાણાં, પ્રદેશની સરકાર મનફાવે તે રીતે વાપરી શકે છે અને તેમાં રોકટોક કરવાની સત્તા કેન્દ્રસરકાર ગુમાવે છે.


ચંદ્રબાબુ નાયડુએ આ દરજ્જો ન મળ્યાનું કારણ બતાવ્યું છે, પણ નિયમોના જાણકાર ચંદ્રબાબુ કદાચ બીજા કોઈ કારણથી પોતાની ચાલ ચાલી રહ્યા છે.

  • પ્રાદેશિક ભાવના જેટલી પ્રખર બને તેટલું નુકસાન રાષ્ટ્રીયતાએ ચૂકવવું પડે. રાષ્ટ્રીય એકતા અને પ્રાદેશિક જરૂરિયાતનો સમન્વય માત્ર રાષ્ટ્રીય પક્ષો જ કરી શકે.
    પરસ્પર અથડાતા અને અફળાતા પ્રાદેશિક હિત સંબંધોનો સંઘર્ષ લોકસભામાં નહીં, પણ પક્ષોના આંતરિક સંગઠનોમાં થવો જોઈએ

     

ભાજપના બીજા સાથીદાર અને પ્રાદેશિક ધોરણે તેલુગુદેશમ્ કરતાં થોડી ઊતરતી ગણાય તેવી શિવસેના છેલ્લાં ચાર વર્ષથી પરસ્પર વિરુદ્ધ દિશામાં એકસાથે પગલાં માંડે છે. સત્તામાં ભાગીદારી કરવી છે, પણ કેન્દ્ર કે રાજ્ય સરકારની એક પણ બાબતમાં વાંકું પાડ્યા સિવાય તેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રહી શકતા નથી.

 

જે નિર્ણયોની ટીકા થાય છે તે નિર્ણય કરવામાં તેમના પોતાના જ પ્રધાનો સામેલ છે, કારણ કે પ્રધાનમંડળમાં, કેબિનેટમાં જે નિર્ણય લેવાય તે બધાનો નિર્ણય ગણાય છે. કેબિનેટના મતભેદો ધ્યાનમાં લેવાતા નથી. ભારતમાં અને દુનિયામાં ભાતભાતનાં ગઠબંધનો થયાં છે, થાય છે અને થતાં રહેવાનાં છે. ગઠબંધનો હંમેશાં કજોડાનો સંસાર હોય છે અને સાથીઓ સતત ઝઘડતા હોય છે, કારણ કે સત્તાના લોભને મર્યાદા હોતી નથી, પણ શિવસેના જે ભાષા વાપરે છે અને કોઈવાર તદ્દન વાહિયાત ટીકાઓ કરે છે, તેવું કદી જોવા મળ્યું નથી. 1989-91 દરમિયાન જનતાદળમાં વિશ્વનાથ પ્રતાપસિંહ અને ચંદ્રશેખર વચ્ચેના સંબંધો પણ આટલા જ કડવાશ ભર્યા અને આટલા જ ઉઘાડા હતા.


નવેસરથી બેઠા થવાની મહેનત કરી રહેલી કોંગ્રેસને છેલ્લી ચૂંટણીનાં પરિણામોના કારણે પ્રતિષ્ઠા અને ઉત્સાહના લાભ મળ્યા છે, પણ સાથીઓ શોધવામાં હજુ સુધી સફળતા મળી નથી. વડાપ્રધાનનું પદ જતું કરવાની રાહુલ ગાંધીની જાહેરાત પછી પણ કોઈ માતબર પક્ષ કોંગ્રેસ સાથે બેસવા તૈયાર નથી. આઠ વર્ષના સત્તાકાળ દરમિયાન કોંગ્રેસે બધા પક્ષો જોડે ઝઘડાબાજી કરવી પડી છે. સિંહાસને બેસનારને સગાં કે વહાલાં હોતાં જ નથી, તેવું ભાગવત પુરાણનું વાક્ય નવા સંદર્ભમાં સમજવું જોઈએ. ભાજપે પોતાના દુશ્મન રાષ્ટ્રીય જનતાદળના નીતિશકુમારને મનાવી-પટાવીને સાથીદાર બનાવી લીધા છે. કોંગ્રેસી આગેવાનો પોતાના દુશ્મનો જોડે તડજોડ કરવામાં હજુ સુધી સફળ થયા નથી.

 

કોંગ્રેસે મોરચો બાંધવા માટે ઘણી મોટી કિંમત ચૂકવવી પડે છે, કારણ કે પ્રાદેશિક ક્ષેત્રે મજબૂત પક્ષો કોંગ્રેસનો પગપેસારો સાંખવા તૈયાર નથી. કોંગ્રેસના સાથી હોવાની જાહેરાત કરનાર ચંદ્રબાબુ નાયડુએ સાથોસાથ ઉમેર્યું છે કે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસનું અસ્તિત્વ નથી. આવું જ બંગાળમાં છે, તમિળનાડુમાં છે, ઉત્તરપ્રદેશમાં છે અને બિહારમાં પણ છે. મહાગઠબંધનના પ્રણેતા લાલુપ્રસાદ યાદવ કોંગ્રેસને બિહારમાં પૂરતી બેઠક ફાળવવા તૈયાર નથી.


આ પરિસ્થિતિ ચાલુ રહે તો લોકસભાની ચૂંટણીનું ચિત્ર દરેક પ્રદેશમાં અલગ અલગ જોવા મળશે. ભાજપ અને કોંગ્રેસ સામસામા લડશે અને આ બંને રાષ્ટ્રીય પક્ષોએ પ્રાદેશિક પક્ષોને પણ પછાડવા પડશે. પ્રાદેશિક પક્ષો પોતાના મોરચા બાંધણી કરી રહ્યા છે, પણ હજુ સુધીમાં નક્કર કહી શકાય તેવી એક જ જાહેરાત થઈ છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને સમાજવાદી પક્ષે કરેલા જોડાણે ભાજપ અને કોંગ્રેસ બંનેને હાંકી કાઢવાની ઝુંબેશ ઉપાડી છે, પણ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ અન્ય પ્રદેશોમાં ટગુમગુ જીવે છે અને ઉત્તરપ્રદેશની બહાર તેમની કશી કિંમત નથી. બંગાળમાં સૌથી વધારે પ્રભાવ ધરાવતાં મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ બીજે કશે જીવતો નથી. આંધ્રના સર્વોચ્ચ ચંદ્રબાબુ નાયડુની અન્ય પ્રદેશમાં કશી વગ નથી. આવું બીજા અનેક પ્રાદેશિક પક્ષો માટે કહી શકાય.


આ પરિસ્થિતિ ભારત માટે જોખમી છે. ભારત જેવા બહુઆયામી રાષ્ટ્રમાં પ્રાદેશિક પક્ષો જરૂરી છે અને ઉપયોગી પણ છે, પણ આ પક્ષો રાષ્ટ્રીય પક્ષોને પછાડીને લોકસભામાં પોતપોતાના પ્રતિનિધિઓની બહુમતી મેળવે તો ભારતની એકતા જોખમમાં આવી પડે. પ્રાદેશિક ભાવના જેટલી પ્રખર બને તેટલું નુકસાન રાષ્ટ્રીયતાએ વેઠવું પડે. રાષ્ટ્રીય એકતા અને પ્રાદેશિક જરૂરિયાતનો સમન્વય માત્ર રાષ્ટ્રીય પક્ષો જ કરી શકે.

 

પરસ્પર અથડાતા અને અફળાતા પ્રાદેશિક હિત સંબંધોનો સંઘર્ષ લોકસભામાં નહીં, પણ પક્ષોના આંતરિક સંગઠનોમાં થવો જોઈએ. કોંગ્રેસ કારોબારી અને ભાજપની રાષ્ટ્રીય કાઉન્સિલમાં ખેંચતાણ થતી જ હોય છે, પણ પક્ષોનું સંગઠન, પક્ષ પ્રત્યેની વફાદારી અને પક્ષના કાર્યકરો તરીકેના માનવીય સંબંધો દેશની એકતાને મજબૂત રસ્સીથી બાંધી રાખે છે. ભારતની એકતા જાળવવામાં કોંગ્રેસ પક્ષના એકચક્રી પ્રભાવે ઘણો મોટો ભાગ ભજવ્યો છે. આઝાદી પછીની અડધી સદી દરમિયાન કોંગ્રેસ એક રાજકીય પક્ષ પણ છે અને એક આંદોલન પણ છે. આ વાક્ય ભાજપ માટે પણ વાપરી શકાય.


રાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની મથામણ કરનાર અને લગોલગ પહોંચી જનાર અનેક પક્ષો- સ્વતંત્ર પક્ષ, પ્રજાસમાજવાદી પક્ષ, જનતા પક્ષ, જનતા દળ, રાજકારણના કબ્રસ્તાનમાં સોડ તાણીને સૂતા છે, પણ ભારત નસીબદાર છે કે તેને એકજુટ રાખી શકે તેવો એકાદ પક્ષ તો હંમેશાં રાજકારણમાં સક્રિય અને સશક્ત રહ્યો છે. જે દેશોને આ સદ્્ભાગ્ય મળ્યું નથી તે હંમેશાં તૂટી પડ્યા છે.
nagingujarat@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો