લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

આર્થિક ધોરણે અનામત કેટલે અંશે યોગ્ય?

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

70 વર્ષથી ચાલી આવતી અનામત પ્રણાલીનું ક્લેવર બદલી નાખે તેવો ગરીબ-સવર્ણોને માટે 10 ટકા અનામતનો ખરડો લોકસભામાં સર્વાનુમતે પસાર થયો ગણાય, કારણ કે હાજર રહેલા 323 સભાસદોમાંથી 320નો ટેકો મળ્યો છે. આ ખરડો 2019ની લોકસભા ચૂંટણી જીતવા માટેનું કારસ્તાન છે, તેવી ટીકા કર્યા પછી પણ તેનો વિરોધ કરવાની હિંમત કોંગ્રેસ કે બીજા કોઈ વિરોધ પક્ષે દાખવી નથી.

  • સામાજિક અને આર્થિક બાબતોમાં ગરીબોને વધારે ઝૂકતા તોલે
    મળવું જોઈએ તેનો વિરોધ કોઈ સમજદાર માણસ કરી શકે નહીં,પણ અનામત પ્રણાલીનો આર્થિક ધોરણે અમલ કરવામાં ઘણી ગરબડ ઊભી થવાનો સંભવ છે

રાજ્યસભામાં આ ખરડો રજૂ કરવા માટે પાર્લામેન્ટની બેઠક એક દિવસ લંબાવવામાં આવી. રાજ્યસભામાં પણ આવી જબરદસ્ત બહુમતી મળે તે જરૂરી છે, કારણ કે આ બંધારણમાં 124મો સુધારો દાખલ કરવો પડે તેવો પ્રસ્તાવ છે અને બંને ગૃહોમાં બધા સભ્યોની બહુમતી અને હાજર સભ્યોની બેતૃતીયાંશ બહુમતી જરૂરી છે. સંઘપ્રમુખની સહી તો કેવળ વિધિ પૂરતી ગણાય, પણ આ કાયદાના અમલમાં સૌથી મોટો અવરોધ સર્વોચ્ચ અદાલતનો છે.

  • ગરીબ-સવર્ણોને માટે 10 ટકા અનામતનો ખરડો લોકસભામાં સર્વાનુમતે પસાર થયો ગણાય, પણ આ કાયદાના અમલમાં સૌથી મોટો અવરોધ સર્વોચ્ચ અદાલતનો છે.

સર્વોચ્ચ અદાલતે બે મુદ્દાઓ તપાસવા પડશે. એક તો અનામતની ટકાવારી 50 ટકાથી વધીને 59 ટકા જેટલી થવાની છે. બીજું, બંધારણમાં દલિતો, આદિવાસીઓ અને પછાતવર્ગો માટે વિશેષ સવલત કરવાની જોગવાઈ છે, પણ સવર્ણો કે ગરીબોને અનામતની સગવડ આપી શકાય તેવી કોઈ કલમ નથી. આ 124મા બંધારણીય સુધારાથી આવી સગવડ કરવામાં આવે તો તેનાં લાંબા ગાળાનાં પરિણામની વિચારણા થવી જોઈએ. વળી, અત્યાર સુધી અનામત વ્યવસ્થાનો લાભ કેવળ હિન્દુઓને જ મળે છે, કારણ કે સામાજિક ઊંચ-નીચનો ખ્યાલ અથવા જ્ઞાતિ વ્યવસ્થા મુસ્લિમ કે ખ્રિસ્તી સમાજમાં નથી.


આ બાબતમાં ભારતનાં મુસલમાનો અને ખ્રિસ્તીઓ દુનિયાના બીજા મુસલમાનો અને ખ્રિસ્તીઓથી અલગ પડી જાય છે. હિન્દુઓની સામાજિક વ્યવસ્થા, જ્ઞાતિપ્રથા ભારતના મુસલમાનો અને ખ્રિસ્તી સમાજમાં દાખલ થઈ છે. સિદ્ધાંત એકતા અને સમરસતાનો છે, પણ વહેવાર જ્ઞાતિપ્રથા જેવો જ છે. ભારતના મુસલમાનો અને ખ્રિસ્તીઓ બધા હિન્દુ સમાજમાંથી જ વટલાઈને બન્યા છે અને વટલાયા પછી પોતાની જૂની વિચારસરણી છોડી શક્યા નથી.

મુસલમાનોની જમાતમાં પણ ઊંચ-નીચના ખ્યાલ છે અને સૈયદ સૌથી ઊંચી જમાત ગણાય છે. મોટાભાગે તેઓ નીચી ગણાતી જમાત જોડે લગ્ન-વહેવાર રાખતા નથી. ધર્મનું બંધન નથી, પણ સામાજિક રૂઢિનો પ્રભાવ છે. ખ્રિસ્તીઓમાં પણ આવા ઊંચ-નીચના ભેદ છે. ગોવાના પ્રભુ ખ્રિસ્તીઓ નીચલી કોમના ખ્રિસ્તીઓમાં પરણતા નથી.


પણ કાયદેસર રીતે અથવા ધર્મ તરીકે મુસલમાનો-ખ્રિસ્તીઓમાં ઊંચી-નીચી જાતિઓ ન હોવાથી તેમને અનામતના લાભ મળતા નથી, પણ આ સમાજોમાં ગરીબાઈ તો છે જ અને હિન્દુઓ કરતાં મુસલમાનો-ખ્રિસ્તીઓ વધારે ગરીબ છે. સવર્ણાને ગરીબાઈનો લાભ મળે તો ગરીબ મુસલમાનો અને ખ્રિસ્તીઓને પણ આવો લાભ મળવો જોઈએ.


ભારત સરકારે ગરીબાઈની વ્યાખ્યા બાંધી છે તે ઘણી ઊંચી આવકની વ્યાખ્યા છે. જે કુટુંબની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી માસિક 70,000/- રૂપિયાથી ઓછી હોય તે બધા ગરીબ ગણાશે. સવર્ણ હિન્દુઓમાં માસિક 70,000ની આવક ધરાવતાં કુટુંબો શ્રીમંત ગણાય છે અને શ્રીમંતો જેવી જિંદગી જીવે છે. માસિક 70,000/-થી ઓછી આવક ધરાવતા સવર્ણ હિન્દુઓની સંખ્યા ઘણી મોટી છે અને અનામત તો માત્ર દસ જ ટકા છે, પણ આ નિયમના કારણે ઘણી સવર્ણ જ્ઞાતિઓ લાભકર્તા બની જશે.


જ્ઞાતિભેદ નાબૂદ કરીને સમરસ સમાજની સ્થાપનાનો આદર્શ ધરાવતા ભારતમાં જ્ઞાતિ આધારિત અનામત પ્રથાના કારણે જ્ઞાતિઓ વધારે સભાન થઈ છે અને જ્ઞાતિઓ વચ્ચેના વેરઝેરમાં વધારો થયો છે. ગરીબાઈના આધારે અનામત બેઠકો અને સવલત આપવામાં આવે તો બધા ધર્મો, બધી કોમને તેનાથી લાભ થાય અને જ્ઞાતિભેદ તથા કોમવાદી વેરઝેરમાં નોંધપાત્ર ઘટાડો થાય.


સામાજિક અને આર્થિક બાબતોમાં ગરીબોને વધારે ઝૂકતા તોલે મળવું જોઈએ તેનો વિરોધ કોઈ સમજદાર માણસ કરી શકે નહીં, પણ અનામત પ્રણાલીનો આર્થિક ધોરણે અમલ કરવામાં ઘણી ગરબડ ઊભી થવાનો સંભવ છે. કુટુંબની વાર્ષિક આવક ઠરાવવા માટે માત્ર આવકના આંકડાઓ ચાલી શકે નહીં. બે બાળકો ધરાવનાર અને વર્ષે છ લાખની આવક હોય તે કુટુંબ, પાંચ બાળકો અને દસ લાખની આવક ધરાવનાર કુટુંબ કરતાં વધારે શ્રીમંત ગણાય. આવક ઓછી છે તેમ ખર્ચ પણ ઘણો ઓછો છે. ગરીબાઈની વ્યાખ્યા બાંધવામાં સમય પ્રમાણે ફેરફાર કરવો પડે. પચાસ વર્ષ અગાઉનાં ફાટેલાં-સાંધેલાં કપડાં પહેરીને ઉઘાડા પગે ફરનાર લોકો આજે કશે દેખાતા નથી અને છતાં અગાઉ ગરીબો હતા તેમ આજે પણ છે.


બીજું જ્ઞાતિ, નાતજાત કાયમી છે, ગરીબાઈ કાયમી નથી. ગઈ કાલનું ગરીબ કુટુંબ આજે વધારે આવક મેળવે અને આવતી કાલે ફરી ગરીબાઈમાં સરકી પડે તેવું શક્ય છે. ગરીબી જેવા કામચલાઉ અને સતત ફેરવાતા માપદંડના આધારે અનામત જેવી કાયમી વ્યવસ્થા ગોઠવવી તે વહેતા વાયરાને ડાબલામાં પૂરવાના પ્રયાસ જેવું થાય.

ઝૂંપડપટ્ટીમાં ભૂખે મરતા અને મજૂરી કરીને માંડ જીવન ગુજારનાર કુટુંબનો દીકરો ભણતર અથવા રાજકારણમાં જોડાઈને કરોડપતિ બને તેવા દાખલાનો પાર નથી. ભારત સરકારના પ્રધાનમંડળમાં ઊંચો દરજ્જો ધરાવનાર શિંદે પટાવાળા હતા. ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી શરૂઆતમાં નગણ્ય પત્રકાર હતા. એક જ પેઢીમાં આવા ફેરફારના પાર વગરના દાખલાઓ ભારતમાં અને દુનિયાના બધા દેશોમાં જોઈ શકાશે.

શિંદે સાહેબના સંતાનને પટાવાળાના દીકરા તરીકે અનામતના આધારે સરકારી નોકરી આપીએ તો ભારતના મંત્રી શિંદે સાહેબના દીકરાને સરકારી નોકરીમાંથી કાઢી મૂકવો અને રાજકારણમાંથી ફેંકાઈ ગયા પછી ગરીબીમાં આવી પડેલા બાપના સંતાનને ફરી નોકરી આપવી?


ગરીબાઈના ધોરણે અનામત વ્યવસ્થાના લાભ મળવા જોઈએ તેવો ખ્યાલ ગુજરાતના સમાજશાસ્ત્રી ઈશ્વરભાઈ દેસાઈએ પચાસ વર્ષ અગાઉ રજૂ કર્યો હતો. હવે આ સિદ્ધાંત વહેવારની કસોટીએ ચડશે અને તેની સફળતા-નિષ્ફળતા ઠરાવી શકાશે.
કોઈ નવી ગાડી કે વાહન કે હથિયારની ખરીદી કરવી કે નહીં તે ઠરાવવા માટે એક સેનાપતિ તેને પચાસ ફૂટની ઊંચાઈની નીચે ફગાવતા અને ટકી રહે તો પછી તેની બીજી ચકાસણી કરતા. વહીવટી સિદ્ધાંતો અને દરખાસ્તોને પણ વહેવારની કઠોર તાવણીમાં તાવી જોવા જોઈએ. nagingujarat@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP