તડ ને ફડ / રાષ્ટ્રવાદનો વિચાર અતિશય સંકુલ છે

article by nagindas sanghvai

નગીનદાસ સંઘવી

Apr 24, 2019, 04:48 PM IST

સત્તરમી લોકસભાની ચૂંટણીમાં પાકિસ્તાનનો મુદ્દો જેટલો ગાજ્યો છે તેટલો અગાઉ કદી પણ વપરાયો નથી. ભાજપી સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે જેટલી કડકાઈથી કામ લીધું છે તેટલું અગાઉની કોઈ સરકારે લીધું નથી. ત્રાસવાદને પોષણ આપનાર દેશ તરીકેનું પાકિસ્તાનનું ખરું સ્વરૂપ ઉઘાડું પાડીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પાકિસ્તાનને બદનામ કરવા માટે નરેન્દ્ર મોદીએ આભ પાતાળ એક કર્યાં છે અને ભારતના પ્રચારથી પોતાને થયેલા નુકસાનની કબૂલાત પાકિસ્તાનના વિદેશમંત્રી અને નાણામંત્રી જેવા વરીષ્ઠ આગેવાનોએ પણ કરી છે. ભાજપના ઢંઢેરામાં દેશની સુરક્ષાનો મુદ્દો જેટલો ગજાવવામાં આવ્યો છે તેટલો બીજા પક્ષોએ ઉઠાવ્યો નથી.
પોતે રાષ્ટ્રભક્ત છે અને રાષ્ટ્રવાદને વરેલા છે તેવો દાવો ભાજપી આગેવાનો હરહંમેશાં કરતા રહ્યા છે, પણ રાષ્ટ્રવાદના અર્થની સ્પષ્ટતા આપણા રાજકારણમાં કદી થઈ નથી. વધારે નવાઈની વાત એ છે કે હિન્દુત્વવાદીઓ યુરોપની સંસ્કૃતિને વખોડે છે. તેમની પાસેથી જ રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદનો ખ્યાલ આપણે ઉછીના લીધા છે.

  • રવીન્દ્રનાથ ઠાકુરનો મત એવો હતો કે ભારતીય સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, ભારતની પરંપરા તે સાચું ભારત છે અને ભારતની સંસ્કૃતિને વફાદાર રહેવું, તેની જોપાસના કરવી, તેનો વિકાસ કરવો તે સાચી રાષ્ટ્રસેવા છે, સાચો રાષ્ટ્રવાદ છે

દુનિયામાં રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદનો ખ્યાલ સ્પષ્ટ અને મજબૂત બન્યો તેને હજુ અઢીસો વર્ષ જ માંડ-માંડ થયા છે. ધર્મ, ભાષા અને સમાજનું મહત્ત્વ લાંબા વખતથી સ્વીકારી લેવામાં આવ્યું છે, પણ આપણે જ્યાં રહીએ છીએ તે દેશ કે વતનને આપણે વફાદાર રહેવું જોઈએ. દેશના લાભ ખાતર ભોગ આપવો જોઈએ અને જીવના જોખમે દેશની રક્ષા કરવી જોઈએ તેવું અઢીસો વર્ષ અગાઉ કોઈ જાણતું કે સમજતું નહોતું, પણ યુરોપમાં પ્રગટેલો આ ખ્યાલ ધીમે ધીમે દુનિયાભરમાં ફેલાયો અને અંગ્રેજી કેળવણીના પ્રતાપે આપણા ભણેલા વર્ગોમાં દેશભક્તિની ભાવના સ્વીકારાવા લાગી. યુરોપના નાના દેશોમાં રહેનાર લોકો એકધર્મી અને એકભાષી હતા અને સામાજિક રીતે પણ સમાન હતા. એથી રાષ્ટ્રપ્રેમમાં વતન માટેની લાગણી, ભાષાનો પ્રેમ, ધર્મનું ઝનૂન અને સામાજિક સમરસતા આ બધી વિભિન્ન ભાવનાઓનો સરવાળો થયો અને રાષ્ટ્રવાદની ભાવના વધારે પ્રબળ બની. આ રાષ્ટ્રવાદની પ્રબળ ભાવનાના કારણે યુરોપનાં નાનકડાં રાજ્યો એકબીજા સાથે સતત ઝઘડતાં રહ્યાં અને દેશપ્રેમ ખાતર ફના થઈ જવાની ભાવના અતિશય પ્રબળ બની ગઈ, પણ ભાવના પ્રબળ બને ત્યારે ઝનૂન બની જાય છે. મારો દેશ મારું સર્વસ્વ અને મારો દેશ જે કંઈ કરે તે મારા માટે શિરોમાન્ય છે. મારો દેશ ખોટી રીતે વર્તે, નાનકડા અને નિર્દોષ રાજ્યોને દબાવે-કચડે, પણ મારો દેશ તે મારો દેશ. આ ઝનૂનને અંગ્રેજી ભાષામાં જિંગોઇઝમ કહેવાય છે.
જો કે રાષ્ટ્રવાદની ભાવના અંગે ઘણા વિચારકોએ અલગ રીતે પણ સમજાવ્યું છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે રાષ્ટ્રવાદ પર વ્યાખ્યાનો આપેલાં. ભારત એક રાષ્ટ્ર છે, પણ ભારત એટલે શું? ભારતની ધરા, નદીઓ, જંગલો ભારત કહેવાય છે, પણ ઠાકુરનો મત એવો હતો કે રાષ્ટ્ર એ ભૂગોળનો એક ટુકડો નથી. ભારતીય સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, ભારતની પરંપરા તે સાચું ભારત છે અને ભારતની સંસ્કૃતિને વફાદાર રહેવું, તેની જોપાસના કરવી, તેનો વિકાસ કરવો તે સાચી રાષ્ટ્રસેવા છે, સાચો રાષ્ટ્રવાદ છે.
જો ભારતીય સંસ્કૃતિને રાષ્ટ્રવાદ કહીએ તે વિચારના તંતુને પકડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ‘ગુરુજી’ ગોળવળકરજીએ નવો ખ્યાલ ઉપજાવ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં અનેક રંગ અને પ્રવાહ હોવાં છતાં સૌથી મહત્ત્વની તો હિન્દુ વિચારધારા છે. તેમણે એક નાનકડી પુસ્તિકા લખી છે. આપણે અને આપણા રાષ્ટ્રની વ્યાખ્યા ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે અને તેથી ભારતવાસીઓ માટે રાષ્ટ્રવાદ તે ‘હિન્દુત્વ’ની ઉપાસના છે. આજે પણ સંઘ પરિવાર પોતાને રાષ્ટ્રવાદી માને છે, પણ તેમના માટે ભારતીય સંસ્કૃતિ એટલે હિન્દુ સંસ્કૃતિ
છે. આ ખ્યાલ મુસ્લિમ લીગે પણ અપનાવી લીધો અને મુસ્લિમો કોમ નથી. લઘુમતી કોમ નથી, પણ અલગ રાષ્ટ્રીયતા છે અને તેથી મુસલમાનોનું અલગ, સ્વતંત્ર, સાર્વભૌમ રાજ્ય હોવું જોઈએ. મુસ્લિમ લીગે કરેલા ઠરાવને બે રાષ્ટ્રનો સિદ્ધાંત કહેવામાં આવે છે. સંઘ પરિવાર અને મુસ્લિમ લીગ એકબીજાનાં કટ્ટર દુશ્મન હોવા છતાં બંનેની વિચારસરણીમાં સમાનતા છે, કારણ કે આ બંને ધર્મ અને રાષ્ટ્ર બનાવે છે. ધર્મ સંસ્કૃતિનો પાયો છે તેથી ધર્મ જ ખરી રાષ્ટ્રીયતા છે. ઉર્દૂ ભાષામાં ‘કૌમ’ શબ્દ કોમ અને રાષ્ટ્ર બંને અર્થમાં વપરાય છે.
પાકિસ્તાનની સ્થાપના પછી ભારતમાં વસેલા મુસલમાનોએ પોતાના સમાજને લઘુમતી સમાજ તરીકે સ્વીકારી લીધો છે અને અલગ રાષ્ટ્ર હોવાની વાત પડતી
મૂકી છે.
આ ભાવના ભારતીય મુસ્લિમોમાં વિકસી અને સ્વીકારવામાં અાવી તે વૈચારિક દૃષ્ટિએ નવાઈ જેવું ગણાય, કારણ કે ઇસ્લામના સિદ્ધાંતમાં રાષ્ટ્રવાદને સ્થાન નથી. મુસલમાન ગમે ત્યાં વસતો હોય, ગમે તે ભાષા બોલતો હોય, કાળો હોય કે ગોરો હોય, પણ મુસલમાન મુસલમાન તરીકે એક જ સમાજ ‘ઉગ્મા’ છે. બધા મુસલમાનો સમાન છે અને બધા મુસલમાનો એક જ છે. ઇસ્લામ વિશ્વ સમાજ - ઉગ્મા સ્વીકારે છે અને અલગ અલગ દેશોની ભાવના સ્વીકારતો નથી.
આવી જ વિચારધારા માર્ક્સવાદના સ્થાપક કાર્લ માર્ક્સે અપનાવી છે. માનવસમાજ આર્થિક પ્રવૃત્તિના આધારે વર્ગો (Class)માં વહેંચાયેલો છે - મજૂર, બુર્ઝવા અને મૂડીદાર. ભારતનો મજૂર, ઇંગ્લેન્ડમાં કામ કરતો મજૂર કે અમેરિકામાં રહેનાર મજૂર એકબીજા સાથે સંકળાયા છે. આ વર્ગો સતત લડતા ઝઘડતા રહે છે, પણ આખી દુનિયાના મજૂરો એક સમાજ ગણાય છે, તેથી માર્ક્સવાદી દેશ કોઈ દિવસ આક્રમણ કરે જ નહીં. 1962માં ચીને ભારત પર આક્રમણ કર્યું જ
નથી. આ મુદ્દા પર ભારતના સામ્યવાદી પક્ષમાં મોટી તિરાડ પડી (1964) અને આજે પણ આ તિરાડ સાંધી
શકાઈ નથી.
રાષ્ટ્રવાદનો વિચાર અતિશય સંકુલ-ગૂંચવાયેલો વિચાર છે અને તેમાં અગણિત મતમતાંતરો છે. {
[email protected]

X
article by nagindas sanghvai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી