Home » Rasdhar » નગીનદાસ સંઘવી
લેખક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત ‘તડ ને ફડ’ કોલમથી તેઓ રાજકારણની આંટીઘૂંટીઓ યથાતથ પીરસવા માટે જાણીતા છે.

વિચારભેદની સ્વીકાર્યતા લોકશાહી માટે આવશ્યક છે

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
માજી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમારોહમાં હાજરી આપીને પ્રવચન આપવાનું કબૂલ કર્યું છે. તે બાબતમાં કકળાટ કરી રહેલા આછકલા કોંગ્રેસી આગેવાનો પોતાની અણસમજનો પરિચય આપી રહ્યા છે. મહાત્મા ગાંધીએ સંઘની શિબિરમાં હાજરી આપી એટલું જ નહીં, પણ સ્વયંસેવકોની શિસ્તનાં વખાણ કર્યાં. સંઘમાં જ્ઞાતિભેદ નથી અને આભડછેડ પાળવામાં આવતો નથી.

તમામ વિચારસરણી ધરાવતા આગેવાનોએ ચર્ચા કરીને સર્વસંમત કાર્યક્રમ શોધવો અને અપનાવવો તે લોકશાહીનો શ્વાસ અને પ્રાણ છે

તે બંને બાબતમાં સંઘનાં વખાણ કરતો લેખ પણ લખ્યો. સંઘના સ્થાપકો અને સંચાલકો બધા બ્રાહ્મણો છે, પણ સંઘે નાતજાતના ભેદ પડતા મૂક્યા છે તે હકીકત અંગે ડો. આંબેડકરે પણ સંઘને અભિનંદન આપ્યાં. ગાંધીજી કે આંબેડકર કરતાં પણ પોતે સવાયા સેક્યુલરવાદી છે તેવું ઠસાવવાની મહેનત કરનાર લોકોનો સેક્યુલરવાદ એટલો બધો કાચો છે કે વિરોધીઓ વચ્ચે જવાથી તેનો નાશ થાય? સંઘની વિચારસરણીએ સર્જેલા વાતાવરણના કારણે ગાંધીની હત્યા થઈ તે સહુ કોઈ જાણે છે. સંઘની ઘાતક વિચારસરણી ભારત જેવા બહુઆયામી રાષ્ટ્રના જીવતર માટે જોખમી છે, પણ માત્ર વિચારભેદ હોવાથી સંઘનો આભડછેડ પાળવાનો હોય તો એક નવા પ્રકારની વર્ણવ્યવસ્થાનો જન્મ થઈ રહ્યો છે તેમ માનવું જોઈએ.
પ્રણવ મુખર્જી જેવા વિચક્ષણ, અભ્યાસી અને પ્રખર રાજનેતા કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાના પ્રભાવમાં આવીને પોતાની વર્ષો જૂની વિચારધારાનો એકાએક ત્યાગ કરી નાખે તેવી કોઈ સંભાવના નથી. સમાજમાં અને રાજકારણમાં કોઈ આગેવાન, કોઈ વિચારધારા કોઈ સંસ્થાને કાયમ માટે કોઈ હાંસિયામાં કેદ કરી શકાતી નથી અને આવું વલણ ધરાવનાર વ્યક્તિ જીવનમાં કોઈ દિવસ સફળ થઈ શકતી નથી. તમામ આગેવાનો અને તમામ વિચારસરણી વચ્ચેની ખુલ્લી અને મૈત્રીભરી ચર્ચા કરીને શક્ય હોય તેટલી હદ સુધી સર્વસંમત કાર્યક્રમ શોધવો અને અપનાવવો તે લોકશાહીનો શ્વાસ અને પ્રાણ છે. કેવળ બહુમતીના જોરે પોતાનો મત બીજા પર ઠોકી બેસાડવો તે સરમુખત્યારશાહીનું પહેલું પગથિયું છે. કોઈ વ્યક્તિ બળજબરીથી સમાજને કચડી નાખે અને કોઈ સમાજ પોતાના બળથી કોઈ વ્યક્તિને કચડી નાખે તેમાં કશો જ તફાવત નથી. આ વ્યક્તિ અને આ સમાજ બંને તાનાશાહીથી પીડાય છે.
લોકશાહી બહુમતીથી ચાલે, પણ બહુમતીનું રાજ્ય નથી. તેથી બધા કોંગ્રેસીઓ સાથે મળીને પ્રણવ મુખર્જીને રોકી પાડે તેવી જબરદસ્તી તે ભારત માટે ખતરનાક થઈ પડે. પ્રણવ મુખર્જીએ સંઘના આમંત્રણનો સ્વીકાર કર્યો તેનાથી ગભરાઈ ઊઠેલા માજી નાણામંત્રી ચિદમ્બરમે તેમને ત્યાં જઈને શું બોલવું તેની શિખામણ આપી છે. પ્રણવ મુખર્જી એટલો મૂરખ માણસ છે કે ક્યાં, શું બોલવું તે માટે તેમને સલાહ-સૂચના આપવાં પડે? ચિદમ્બરે તો પ્રણવ મુખર્જીનાં 50 વર્ષના જાહેર જીવન પર પાણી ફેરવી નાખ્યું.
પ્રણવ મુખર્જી ચુસ્ત કોંગ્રેસી છે, અત્યંત પ્રખર બુદ્ધિવંત છે અને અત્યંત સહનશીલ છે. પોતાની અનુભવયાત્રા અંગે તેમણે લખેલા ગ્રંથો તેમની બુદ્ધિ, તેમની નિષ્ઠા અને તેમની રાજકીય ઉદારતાનાે જીવતો જાગતો પુરાવો છે. આવા રાજનેતાને શિખામણ આપવી તે નરી બુદ્ધિહીનતા છે. શિખામણ તો ચિદમ્બરે તેમની પાસેથી લેવી જોઈએ તેટલી ઊંચાઈ તેમણે સર કરી છે.
આવા પુરુષે પોતાની જિંદગીમાં કેટલો અન્યાય સહન કર્યો છે અને કડવા ઝેરના કેટલા ઘૂંટડા પીધા છે તે પણ તેમના ગ્રંથોમાં જોઈ શકાય છે. ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં સૌથી પ્રભાવશાળી પ્રધાન હતા. ઇન્દિરાની હત્યા પછી એકાએક સત્તામાં આવેલા વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમને પ્રધાનમંડળમાંથી કાઢ્યા, કોંગ્રેસ કારોબારીમાંથી કાઢ્યા અને છેવટે તેમને કોંગ્રેસમાંથી પણ હાંકી કાઢ્યા. રાજીવ ગાંધીના આ પગલાનું કારણ એટલું જ કે પ્રણવદા વડાપ્રધાન બનવા માગે છે તેવી અફવાથી રાજીવ ગાંધી દોરવાયા. શરદ પવારે પોતાની આત્મકથા (on my terms)માં નોંધ્યું છે તેમ ‘મા દીકરા બંનેની આદત એવી કે કોઈએ કહેલી વાત તપાસ કર્યા વગર માની લેવી.’ રાજીવ ગાંધીના પગલા સામે મહારાષ્ટ્રના જાજરમાન આગેવાન વસંતદાદા પાટીલે કાગળ લખીને વિરોધ દર્શાવેલો. મેઇનસ્ટ્રીમ જેવા વિખ્યાત અઠવાડિકમાં ‘કોંગ્રેસમેન’ એવા અનામી નામથી નરસિંહ રાવે પણ રાજીવના આ પગલાની ટીકા કરી છે.
ત્રિપુરા ચૂંટણી જીતવા માટે પ્રણવ મુખર્જીની ગરજ પડી ત્યારે તેમને કોંગ્રેસમાં ફરી પ્રવેશ અપાયો, પણ રાજીવે તેમને કદી કોઈ હોદ્દો આપ્યો નહીં. નરસિંહ રાવે તેમને પ્રધાનમંડળમાં લીધા. વડાપ્રધાન બનવા માટે સૌથી વધારે લાયક અને સફળ હોવા છતાં રાજીવ ગાંધીનાં પત્ની સોનિયાજીએ તેમને બાજુએ ખસેડીને મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા. કોંગ્રેસી મોરચાના સાથી પક્ષોમાં ગરબડ ઊભી થાય તે તમામ ભાંજગડના ઉકેલ માટે હંમેશાં પ્રણવ મુખર્જીની મદદ લેવામાં આવતી અને છેવટે તેમને સૌથી ઉપલા હોદ્દે-રાષ્ટ્રપતિપદે મૂકી દેવામાં આવ્યા. ભારતમાં પ્રમુખનું પદ શોભાનો ગાંઠિયો છે. સત્તાનું પદ નથી તેથી કોઈ સક્રિય રાજકારણી આ હોદ્દો પસંદ કરે નહીં.
આટલો સજ્જન, આટલો સત્ત્વશીલ, આટલો સમર્થ આગેવાન સંઘ પરિવારના એકાદ સમારંભમાં હાજરી આપે તેનાથી ઊંચા-નીચા થઈ જનાર કોંગ્રેસી આગેવાનો કાં તો આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલા લોકો છે અને કાં તો પ્રણવ મુખર્જીની પ્રામાણિકતા ઉપર તેમને ભરોસો નથી. પ્રણવ મુખર્જીને થયેલા અન્યાયથી અને તેમણે ભોગવેલા અપમાનથી વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો અજાણ નથી અને તેથી પ્રણવ મુખર્જીના વિચારપલટા અંગે તેમને ડર લાગી
રહ્યો છે.
પોતાની ઉંમર અને પોતે ભોગવેલા હોદ્દાઓના કારણે પ્રણવ મુખર્જી માટે હવે લેવા-મેળવવા જેવું કશું બાકી રહ્યું નથી. કાયદેસર રીતે રાષ્ટ્રપતિનું પદ ભારતીય નાગરિક માટેનું સર્વોચ્ચ પદ છે. આ પદ ભોગવ્યા પછી મુખર્જી હવે તેનાથી ઊતરતા પદ સ્વીકારી શકે નહીં અને તેનાથી ચડિયાતું પદ ભારતમાં નથી. મુખર્જી પ્રખર વક્તા નથી અને લોકચાહના મેળવવાની આવડત કે વૃત્તિ તેમનામાં નથી, પણ પોતાને જે કહેવું છે તે કશી શેહશરમ રાખ્યા વગર વિવેકી, પણ સ્પષ્ટ ભાષામાં બોલવા માટે મુખર્જી જાણીતા છે. રાષ્ટ્રપતિપદે હતા અને ભાજપી મોરચાની સરકાર હતી ત્યારે પણ ભાજપના કેટલાક ઉછાંછળા અને કટ્ટરપંથી આગેવાનોના કારણે દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે તેની સૌથી પહેલી ચેતવણી મુખર્જીએ આપેલી. હવે ઘણા લોકો અસહિષ્ણુતા, લઘુમતીઓની ચિંતા અને ભારતના બૌદ્ધિક, વૈજ્ઞાનિક વારસા અંગેના બકવાસ સામેનો પ્રકોપ ઠાલવતા થયા છે, પણ આ બાબતમાં મુખર્જીનું બધા બુદ્ધિવંતોએ અનુકરણ કર્યું છે.
આપણો સમાજ અને આપણું રાજકારણ સારા અને સમજદાર લોકોને સાંખી લેવા જેવું સક્ષમ નથી. મુખર્જીના પ્રવચન અંગેનો ઊહાપોહ તેનો પુરાવો છે. દુનિયાના કોઈ પણ દેશમાં મુખર્જી જેવા આગેવાનના પ્રવચનને આવકાર જ મળ્યો હોત, આપણે ત્યાં તેમના પર કાદવના છાંટા ઉડાડવામાં આવે છે, કારણ કે નહેરુ-ઇન્દિરા ગાંધીના જમાનાથી રાજવંશી ઘરાણાની બહારના કોઈ આગેવાન પ્રભાવશાળી બને તે સાંખી લેવામાં આવતું નથી. સરદાર વલ્લભભાઈ પટેલની દશાથી આપણે સહુ વાકેફ છીએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP