Home » Rasdhar » મોરારિ બાપુ
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

બોધ છે ત્યાં વિરોધ નથી અને વિરોધ છે ત્યાં બોધનો અભાવ છે

  • પ્રકાશન તારીખ13 Jun 2018
  •  

જગદ્્ગુરુ શંકરાચાર્ય પાસે એક પ્રશ્ન આવ્યો કે ‘સંવાદ કિમ્ ભવિષ્યતિ?’ જગદ્્ગુરુ શંકરાચાર્યનો જવાબ હતો, ‘સંવાદ બોધાત્ ભવિષ્યતિ.’ સંવાદનો જન્મ બોધથી થાય છે. સંવાદનો જન્મ વિરોધથી નહીં થાય. જો સમાજમાં સંવાદ પ્રગટ કરવો હશે તો બોધથી થશે. સંવાદ કેવી રીતે પ્રગટ થાય છે? શંકરાચાર્ય કહે છે, ‘બોધત્.’ બોધથી. વિરોધથી સંવાદ નહીં થાય. વિરોધથી ઊર્જા ખતમ થતી જાય છે. અલબત્ત, ‘બોધ’ શબ્દ ભારે છે. અહીં બોધ એટલે સમજ; શીલવાન સમજ. એનાથી જન્મે છે સંવાદ, એવું આદિ જગદ્્ગુરુ શંકરાચાર્ય કહે છે.

‘રામચરિત માનસ’ જ્યારે પૂરું થાય છે ત્યારે આ જ સંદેશ છે, સત્ય-પ્રેમ-કરુણા. સત્યનો કોઇ ધર્મ નથી હોતો. પ્રેમનો કોઇ ધર્મ નથી હોતો, કરુણાનો કોઇ ધર્મ નથી હતો

બીજું દૃષ્ટાંત છે નિઝામુદ્દીન ઓલિયા અને અમીર ખુશરોનું. સાંજની નમાજ પૂરી થઇ છે. ઇરાન, અરબસ્તાન કે આગ્રાની ગલીઓમાં મળતા લોબાનની ખુશ્બૂ જ નહોતી આવતી, પરંતુ માત્ર એતબાર-ભરોસાની મહેક સમગ્ર પરિસરને તરબતર કરી રહી હતી. એ સમયે રોજના નિયમ અનુસાર ઘૂંટણ ટેકવીને અમીર ખુશરોએ પોતાના પીરને, પોતાના દાતાને સલામ કરીને કહ્યું, બાબા, એક પ્રશ્ન પૂછું? પરસ્પર સંવાદ કેવી રીતે થાય? આપણે ત્યાં ક્યારેક ક્યારેક ગુરુ-શિષ્ય વચ્ચે પણ સંવાદનો અભાવ જોવા મળે છે અને વિવાદ પેદા થયો છે! વીસમી સદીમાં તો અનેક ઘટનાઓ આપણે એવી જોઇ છે કે ગુરુ-શિષ્ય કોર્ટમાં ગયા હોય! કોર્ટમાં ગયા હોય એટલું જ નહીં, એકબીજાની હત્યા કરવા સુધી ગયા હોય! પૂર્વના ઋષિઓને આની ખબર હતી એટલે તેઓ કહી ગયા-
ઓમ્ સહનાવવતુ. સહ નૌ ભુનક્તુ. સહવીર્યં કરવાવહૈ.
તેજસ્વિ નાવધીતમસ્તુ. મા વિદ્વિષાવહૈ.


આપણા ગુરુ અને શિષ્યમાં પણ સંવાદ થાય. પતિ-પત્નીમાં સંવાદ થાય. ભાઇ-ભાઇમાં સંવાદ થાય.


મેં મારા મુસ્લિમ ભાઇઓને પ્રાર્થના કરી કે તલગાજરડા આટલું નિમિત્ત બને છે તો શા માટે યાદે હુસૈનના નામે એક ગુજરાત લેવલ પર અને એક ભારતીય લેવલ પર ‘યાદે હુસૈન એવોર્ડ આપવામાં ન આવે? મુસ્લિમ ભાઇ હોય, મૌલાના હોય કે કોઇ પણ હોય, જેમણે આટલું સમરસતાનું અને સદ્્ભાવપૂર્ણ કામ કર્યું હોય એમને એક ગુજરાત લેવલ પર એક ‘યાદે હુસૈન એવોર્ડ’ આપો અને એક ભારત લેવલ પર ‘યાદે હુસૈન એવોર્ડ’ આપો. જેમણે આટલું પરસ્પર પ્રેમ અને સંવાદનું કામ નિર્દંભતાથી અને નીડરતાથી કર્યું હોય એમને આ એવોર્ડ આપો. એમણે મારી આ વાત સ્વીકારી છે.’


એક સદ્્ભાવનાનું મંદિર રચીએ. ક્યાં સુધી પોસ્ટમોર્ટમ કરતા રહીશું? ક્યાં સુધી? આ મારો જવાબ નથી. અમીર ખુશરોને નિઝામુદ્દીને આપેલો જવાબ છે. અમીર પૂછે છે કે બાબા, ગુરુ-શિષ્ય વચ્ચે સંવાદ કેવી રીતે પ્રગટ થાય? ગૂફતગૂ કેવી રીતે પ્રગટ થાય? રૂબરૂ ચર્ચા કેવી રીતે પ્રગટ થાય? સદ્્ભાવના સાથે વાતચીત-પ્રશ્નોત્તરી કેવી રીતે પ્રગટ થાય? આપણે ‘ગીતા’ વાંચીએ છીએ તો એમાં પ્રત્યેક અધ્યાયમાં આવે છે, ‘શ્રીકૃષ્ણાર્જુન સંવાદે.’ તમે ‘રામાયણ’ વાંચો. સતત આવશે સંવાદ, સંવાદ, સંવાદ. સંવાદની બહુ જરૂર છે. બોધથી વિવાદ નથી જન્મતો. જ્યાં બોધ છે ત્યાં વિરોધ નથી અને જ્યાં પણ વિરોધ છે, જેટલો પણ વિરોધ છે ત્યાં બોધનો અભાવ છે. આપણે બોધથી સંવાદ પ્રગટ કરીએ. નિઝામુદ્દીને કહ્યું, બેટા, સંવાદ ખુશ્બૂથી પેદા થશે. સંવાદ બદબૂ અને અશુભથી નહીં પ્રગટ થાય. એક ઘટક માટે, સમાજ, પરિવાર, વ્યક્તિ, કોમ, નીતિ માટે, દેશ માટે જ્યાં સુધી પરસ્પર સૂગ રહેશે ત્યાં સુધી સંવાદ નહીં પ્રગટે. નિઝામુદ્દીન જેવા એક પીર કહે છે, સંવાદ પ્રગટ થશે એક ખુશ્બૂથી. પાકિસ્તાની શાયરાના પરવીન શાકિરની બહુ પ્રસિદ્ધ ગઝલ છે-


તેરી ખુશ્બૂ કા પતા કરતી હૈ.
મુઝ પે અહેલાન હવા કરતી હૈ.
મુઝકો ઇસ રાહ પે ચલના હીં નહીં,
જો મુઝે તુઝસે જુદા કરતી હૈ.


જે મને સંવાદથી દૂર લઇ જાય, વિવાદમાં સંમિલિત કરી દે એ રાહ પર ચાલવું જ નથી. તો જગદગુરુ કહે છે, ‘સંવાદ બોધાત્ ભવિષ્યતિ.’ નિઝામુદ્દીન કહે છે, સંવાદનો જન્મ થાય છે ખુશ્બૂથી. અને પરમ સૂફી સંત જલાલુદ્દી રૂમીને પૂછવામાં આવ્યું, શાગિર્દ અને મુર્શિદ એ બંનેની વચ્ચે સંવાદિતા કેવી રીતે પ્રગટ થાય? દેહથી તો આપણે મળીએ છીએ, આત્માથી મળવાનું કેવી રીતે થાય? આત્મીયતા કેવી રીતે વધે? ત્યારે જલાલુદ્દીન રૂમીએ કહ્યુ઼ં, બેટા, આત્મીયતા કેવળ અને કેવળ મહોબ્બતથી વધશે. સંવાદ વધશે પ્રેમથી. કબીરે શું કહ્યું? એમનો શું સંદેશ રહ્યો? અઢી અક્ષર કેવળ. કેવળ અઢી અક્ષરમાં કબીરની આખી ફિલસૂફી પૂરી.


ઢાઇ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઇ.


તો પ્રેમ અને મહોબ્બત. સત્ય, પ્રેમ અને કરુણાની વાતો વિનોબાએ કરી છે. પછી મેં જાણ્યું કે વિનોબાજી કાગળ પર લખતા રહેતા સત્ય-પ્રેમ-કરુણા. પરંતુ ‘રામચરિત માનસ’નું શરણ લઇને હું મારી યાત્રાએ નીકળ્યો તો મને ‘રામચરિત માનસ’માં સત્ય-પ્રેમ-કરુણાનાં સૂત્રો પ્રાપ્ત થયાં. ‘રામચરિત માનસ’ જ્યારે પૂરું થાય છે ત્યારે આ જ સંદેશ છે, સત્ય-પ્રેમ-કરુણા. સત્યનો કોઇ ધર્મ નથી હોતો. પ્રેમનો કોઇ ધર્મ નથી હોતો, કરુણાનો કોઇ ધર્મ નથી હતો. {(સંકલન : નીતિન વડગામા)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP