જ્યાં આરામ, આનંદ, આરોગ્ય અને આધાર મળે એ આશ્રમ છે

article by moraribapu

મોરારિબાપુ

Sep 16, 2018, 12:05 AM IST

‘રામચરિત માનસ’માં ગુરુગૃહ ચૌદ છે. ‘આશ્રમ’ શબ્દ પણ બહુ સારો છે. ‘આશ્રમ’માં પહેલાં ‘આ’ આવે છે. જે સ્થાનમાં ‘આ’થી શરૂ થતા શબ્દો ચરિતાર્થ થતા હોય એને મારી વ્યાસપીઠ ‘આશ્રમ’ કહે છે. જ્યાં આરામ, આગમ, આનંદ, આરોગ્ય અને આધાર મળે એ આશ્રમ છે. જ્યારે રામજીએ એક પડેલી સ્ત્રીને ઉઠાવી ત્યારે જ ગૌતમનો આશ્રમ ખરા અર્થમાં આશ્રમ બન્યો. મારા ગોસ્વામીજી તો નાચી ઊઠ્યા છે! વિશ્વામિત્રજી રામ-લક્ષ્મણને લઇને ગૌતમ આશ્રમમાં આવ્યા ત્યારે રામે જિજ્ઞાસા કરી, એ વાત મને બહુ જ સારી લાગે છે. શું રામ કેવળ પથ્થર વિશે જિજ્ઞાસા કરે? પરંતુ એક વિશેષ સ્થાન જોઇને એમણે જિજ્ઞાસા કરી. બ્રહ્મસૂત્રના બ્રહ્મ એક મુનિ પાસે જિજ્ઞાસા કરે છે. તો જિજ્ઞાસા રામે કરી, એ સમયે વિશ્વામિત્ર બિલકુલ રામના પક્ષેથી હટીને અહલ્યાના પક્ષમાં ચાલ્યા ગયા. મારા દેશના મુનિ તિરસ્કૃતના પક્ષમાં ઊભા રહે છે.

ભગવાન રામને વાલ્મીકિજીએ ચૌદ સ્થાન બતાવ્યાં. ‘રામચરિત માનસ’માં ચૌદ ગુરુગૃહ છે, પછી તમે એને ‘આશ્રમ’નું નામ પણ આપી શકો

એ સમૂહયજ્ઞ હતો. ‘ભગવદ્્ગીતા’નો એક સૂત્રપાત છે, ‘સહયજ્ઞ’. હું હંમેશાં કહેતો રહું છું કે મોહાસક્ત ઇન્દ્ર તો ભાગી ગયા! તુલસી પણ લખે છે, ‘સુરસ્વાર્થી.’ આપણાથી ભૂલ થઇ જાય તો આપણી જાતને એટલી બધી પીડા પણ ન આપવી. જે ઘટના ઘટી છે એને છોડો! એકાંતમાં એવી રીતે બેસી જાઓ કે તમારે અયોધ્યા ન જવું પડે, અયોધ્યાવાળાને તમારી પાસે આવવું પડે. અને પછી વિશ્વામિત્રજી અહલ્યાના પક્ષમાં રહીને કહે છે, ‘ગૌતમ નારિ શ્રાપ બસ ઉપલ દેહ ધરિ ધીર.’ વિશ્વામિત્રએ એમ નથી કહ્યું કે, ‘ગૌતમ નારિ પાપ બસ.’ જે ઘટના ઘટે છે એ ઘટી જાય છે! માનવીના શરીરમાં કેવળ હાર્ટ એટેક જ નથી આવતો, ઘણા પ્રકારના એટેક આવે છે!

તમારા ઘરમાં તમને અકારણ ક્રોધનો એટેક નથી આવતો? દોષ તમારો નથી. હાર્ટ એટેક આવે છે, એમ જ ક્રોધનો પણ એટેક આવે છે! એવી જ રીતે કામનો અને લોભનો એટેક આવે છે! એ એટેક મનુષ્યનું શુદ્ધ સ્વરૂપ નથી. નિજતા તો બોધ છે, ક્રોધ નથી. તમે લાખ ચાહો તોપણ ચોવીસ કલાક ક્રોધ નથી કરી શકતા! કારણ કે એ વૃત્તિ જ ક્ષણભંગુર છે. તમે શાંત રહી શકો છો, કેમ કે એ સ્વભાવ છે. ઋષિમુનિઓને પણ એેટેક આવતા’તા! કેટલીક વૃત્તિઓ કેટલાક સમય માટે આપણને બદલી નાખે છે. એ સમયે બીમારની જેમ એને સંભાળો.


તો દેશના ઋષિ પતિતના પક્ષમાં છે, એ મને બહુ ગમે છે. એ ‘પાપ બસ’ નહીં, ‘શ્રાપ બસ’ છે. મારી દૃષ્ટિએ વિશ્વામિત્રનું આ એક બહુ જ મોટું ક્રાંતિકારી નિવેદન છે, રાઘવ, હવે તું પણ તારાપણું બતાવ! ચાલો, કોઇ હરામ થઇ ગયું છે, પણ તું તો રામ છે. એટલા માટે શબ્દાવલિ જુઓ, ‘ગૌતમ નારી’, પથ્થર નહીં, સ્ત્રી છે, ગૌતમનારી છે. કેટલીક વૃત્તિઓના એટેકે એને અધીર બનાવી દીધી હતી, પરંતુ રાઘવ! હવે એ ધીર છે. એ મોક્ષ નથી ચાહતી, ધર્મ નથી ચાહતી, અર્થ અને કામનાનો તો સવાલ જ નથી. એ ચાહે છે તારી કરુણા.


તો આશ્રમનો અેક અર્થ મારી વ્યાસપીઠ એવો કરે છે કે, પડેલાને આધાર આપવો. બીજું, આહાર. સમ્માન સાથે આહાર આપે એનું નામ આશ્રમ. તમે કોઇની થાળીમાં અન્ન પીરસો ત્યારે સમજવું કે તમે અન્ન નહીં, પણ બ્રહ્મ પીરસી રહ્યા છો. મારી દૃષ્ટિએ ભૂખથી બે વસ્તુ જન્મ છે-ભીખ અને ભેખ. જ્યારે ભેખ જન્મ લે છે ત્યારે કોઇ ભર્તુહરિ બની જાય છે. કોઇ ગોપીચંદ બની જાય છે. સમ્માન સાથે આહાર મળે. ગુરુ નાનકદેવ તો કહેતા’તા, ‘સંગત કરો અને પંગત કરો.’ આટલી બધી સેવા કર્યા પછી આશ્રમનો મુખિયો જેમની સેવા થઇ હોય એમના પ્રત્યે હૃદયથી આભાર પ્રગટ કરે, એનું નામ આશ્રમ. આભાર વ્યક્ત કરે એ આશ્રમ.


ભગવાન રામને વાલ્મીકિજીએ ચૌદ સ્થાન બતાવ્યાં. મારી સમજ મુજબ ‘રામચરિત માનસ’માં ચૌદ ગુરુગૃહ છે, પછી તમે એને ‘આશ્રમ’નું નામ પણ આપી શકો. ‘રામચરિત માનસ’નું પહેલું ગુરુગૃહ છે કૈલાસ. મારી વ્યાસપીઠની યાદીમાં પહેલો આશ્રમ છે કૈલાસ. કૈલાસરૂપી ગુરુગૃહ, જ્યાં કોઇ પહોંચી ન શકે એટલી ઊંચાઇ હોય એ ગુરુગૃહ. કોઇ આવે જરૂર, પણ ગુરુનો પાર ન પામી શકે! ગુરુ સ્વીકાર પણ કરશે, પરંતુ એનો કોઇ પાર નહીં પામી શકે. આપણે જેને માપી ન શકીએ એ કૈલાસ ગુરુગૃહ. બીજું, કૈલાસમાં શીતળતા છે. જ્યાં જવાથી ક્યારેય સંતાપ ન થાય, કેવળ શીતળતાનો અનુભવ થાય એ કૈલાસ ગુરુગૃહ. ત્રીજું, સ્થિરતા; કૈલાસ સ્થિર છે. જે સ્થાનમાં સ્થૈર્ય અને ધૈર્ય છે એ ગુરુગૃહ. ચોથું, જ્યાં શુભ્રતા હોય એ ગુરુગૃહ. ‘રામચરિત માનસ’ની દૃષ્ટિએ બીજું ગુરુગૃહ છે વરાહક્ષેત્ર, સુકરખેત. તુલસીનું ગુરુગૃહ કયું? નરહરિ સ્વામી, એમનું વરાહક્ષેત્રમાં સ્થાન હતું. તુલસી કહે છે, મારા ગુરુ બોલતા રહ્યા, બોલતા રહ્યા! ગુરુ અવિરત પ્રયત્નોનું પ્રતીક છે.


ક્રમમાં ત્રીજું ગુરુગૃહ છે ભારદ્વાજ ઋષિનો આશ્રમ. જ્યાં રામ આવીને જિજ્ઞાસા કરે છે કે અમે કયા રસ્તે આગળ વધીએ? જ્યાં સૌનો સમન્વય છે એ ગુરુગૃહ. ભારદ્વાજજી સંગમી ગુરુગૃહ છે, સૌનો સમન્વય છે. કુંભમેળો શું છે? મેળાનો અર્થ છે, સૌનું મિલન કરવું; બધાં દર્શનોને એક જગ્યાએ જોડવું. મેળાનો અર્થ સૌને જોડવાનો છે. ભારદ્વાજજીનો આશ્રમ સંગમીપીઠ છે. ગુરુગૃહ એ છે, જ્યાં સૌનો સ્વીકાર થાય. એકવાર મને મીડિયાવાળા પૂછતા હતા કે ‘આટલાં વર્ષોથી આપ કથા ગાઇ રહ્યા છો, તો આપે કેટલા લોકોને સુધાર્યા?’ મેં કહ્યું, હું સુધારવા માટે નથી નીકળ્યો, હું સૌને સ્વીકારવા માટે નીકળ્યો છું. કોણ સુધારી શકે? સ્વીકાર કરો. ચોથો આશ્રમ છે વસિષ્ઠજીનો આશ્રમ, જ્યાં દશરથજી ગ્લાનિ સાથે ગયા છે. અને રામ ત્યાં વિદ્યા મેળવવા ગયા છે. પાંચમું ગુરુગૃહ છે વિશ્વામિત્રજીનો આશ્રમ. વિશ્વામિત્રજીના ગુરુગૃહમાં પણ રામ વિદ્યા પ્રાપ્ત કરે છે. બંને વિદ્યાના ગુરુ છે.

એકમાં શાસ્ત્રની પ્રધાનતા છે, બીજામાં શસ્ત્રની પ્રધાનતા છે. વિશ્વામિત્રજીએ બલા અને અતિબલા નામની વિદ્યા આપી, જેના પ્રભાવથી લાંબા સમય સુધી ઉપાસકને નથી ભૂખ લાગતી કે નથી તરસ લાગતી. અાધ્યાત્મિક અર્થમાં, ગુરુગૃહ એવી વિદ્યા આપે છે કે આપણા જીવનમાં કોઇ કામના ન રહે; ન કોઇ પ્રલોભન રહે કે ન કોઇ ભૂખ રહે. છઠ્ઠું ગુરુગૃહ, વાલ્મકિજીનો આશ્રમ; ત્યાં પણ રામની જિજ્ઞાસા છે, ‘ભગવન્, અમે ક્યાં રહીએ એ બતાવો.’ જુઓ અમારા રહેવાથી કોઇ વ્યક્તિને ઉદ્વેગ ન થાય એવી જગ્યા અમને બતાવજો. અમારું આવવું સૌને સારું લાગે એવું સ્થાન. વાલ્મીકિ અને રામ બંને સર્જનહાર છે. રામ સૃષ્ટિના સર્જનહાર છે; વાલ્મીકિ રામની લીલાના સર્જનહાર છે.


સાતમો આશ્રમ, અત્રિનો આશ્રમ. ગૃહસ્થના ઘરમાં અસૂયા હોય છે, ગુરુગૃહમાં અનસૂયા હોય છે. મારા દેશની એક મહિલા ચપટીમાં ગંગા લઇ આવે છે! આપણા મનમાં અસૂયા ન હોય તો આપણે પણ ગંગા પ્રગટ કરી શકીએ છીએ. અસૂયા કોને કહેવાય છે, ખબર છે? તમારા ક્ષત્રેમાં તમારાથી કોઇ વધારે પ્રગતિ કરે ત્યારે તમારા અંત:કરણમાં જે જલન શરૂ થાય છે, એને અસૂયા કહે છે. નિંદા અને ઇર્ષ્યામાં ભેદ છે. જે જીભથી થાય એ નિંદા અને જીવથી થાય એ ઇર્ષ્યા, અસૂયા. અત્રિનો આશ્રમ ગુરુગૃહ છે. થોડા આગળ વધીએ, શરભંગ આશ્રમ. શરભંગ યોગાગ્નિમાં પોતાને વિલીન કરી દે છે. ત્યારબાદ એક ગુરુગૃહ આવે છે સુતીક્ષ્ણ. એ મોટો પ્રેમી છે. સુતીક્ષ્ણ નાચે છે, ગાય છે! ધર્મ ગાતો હોવો જોઇએ. એક બીજા ગુરુગૃહ વિશે હું કહેવા માગું છું એ છે સ્વયંપ્રભાનો આશ્રમ. ત્યાં કોઇ ઉધાર પ્રભા નથી! ત્યાં કેવળ કથિત-લિખિત વાતો જ નથી. ત્યાં અનુભૂતિનો ભંડાર ભર્યો છે; ખુદની નિજતા છે. ગુરુજનો પાસે કેવળ શાસ્ત્રોની વાતો જ નથી હોતી. શાસ્ત્રોને તો સમજાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બાકી હોય છે તો સ્વયંપ્રભા.

(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી