Home » Rasdhar » મોરારિ બાપુ
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

મંદિર આપણું ગૌરવ છે, પરંતુ એમાં સ્પર્ધા ન હોવી જોઈએ

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
રા મ બ્રહ્મ છે. અને બ્રહ્મ એટલે પરમારથ. પરમારથ એટલે બ્રહ્મ. સ્વ અર્થે કરવું એ બ્રહ્મ નથી, બીજાના માટે કંઇક કરી છૂટવું એ બ્રહ્મ છે. બહુ સરળ હાથવગા ઇશ્વરની આ વાત છે. આ હાથવગો વેદ છે. આના આપણે આપણી રીતે અર્થો કાઢી શકીએ. રામ એટલે કોણ? મંદિરમાં

દરેક હૃદયના મંદિરમાં ઈશ્વર સ્વયં છે. એ અંદરનું મંદિર સ્વયંભૂ છે. અન્ય મંદિરો મહાન છે, પણ
મૂળ મંદિરને ભૂલતા નહીં!

છે એ તો રામ છે જ. મંદિરની મૂર્તિની આલોચના ન કરશો. અવતારોની પરંપરામાં અન્ય અવતારો તો થોડા સમય માટે આવેલા, એનાં કંઇ બહુ મંદિરો નથી. પણ મંદિરમાં પૂર્ણાવતારરૂપે સુંદરતમ છબીરૂપે બેસતો અવતાર તો પહેલો રામ છે. રામથી શરૂ થયું અને પછી ભગવાન કૃષ્ણ આવે છે. પછી બુદ્ધ આવે છે. આ આખી પરંપરા છે. રામતત્ત્વ કેન્દ્રમાં છે. અને એ રામતત્ત્વને કેન્દ્રમાં રાખીશું તો આપણને એ એક જ સત્યમાંથી અનેકરૂપે આપણો હાથવગો રામ દેખાશે. એટલે તુલસીદાસજી કહે છે, ‘રામ બ્રહ્મ પરમારથ રૂપા.’ સ્વાર્થ માટે કરેલું કર્મ રામ નથી. બીજાના માટે, પરમાર્થ માટે કરેલું કાર્ય તુલસીએ રામ કહ્યું. એ હાથવગો રામ છે.
મંદિરમાં તો રામ હોવા જ જોઇએ, કેન્દ્રમાં જ હોવા જોઇએ. અથવા તો રામને બેસાડવા ન જોઇએ. રામકૃષ્ણ ઠાકુરનાં મંદિર તમે જુઓ તો શારદામા હોય, ઠાકુર હોય પણ બીજાં બધાંને આમ ગૌણ ન બનાવે! કાં તો તમે તમારા ઇષ્ટને એકલા બેસાડો. પણ તમારી જ્યાં શ્રદ્ધા છે, એ તમારા ઇષ્ટને વચ્ચે બેસાડ્યા પછી મૂળ ધારા છે, એને તમે સાઇડમાં બધે ગોઠવો! સૂરજ જ્યાં હોય ત્યાં જ શોભે. મારે તો આપને એ કહેવું છે કે હું કેવળ મંદિરના રામ પૂરતી કથાને મર્યાદિત નથી કરતો. મને મારો એક જવાન, ભાઇ રાકેશ પૂછતો હતો કે બાપુ, મંદિર વિશે તમારો શું ખ્યાલ છે? એટલે હું એને કહેતો હતો કે મારી દૃષ્ટિએ ચાર પ્રકારનાં મંદિર છે. મારી દૃષ્ટિએ એટલે મારી જવાબદારીએ. તમારી માની લેવાની જરૂર નથી. બુદ્ધ હંમેશાં એમ કહેતા, હું શાકલ્યકુળમાં, બહુ મોટા કુળમાં જન્મ્યો છું, રાજાનો દીકરો છું, એ વાત વિચારીને તમે મારી વાત નહીં માનતા. પરંતુ મારી વાત તમારા જીવનનું સત્ય લાગે તો માનજો, નહીંતર મને ખોટું નહીં લાગે. એટલે મંદિરની પરિભાષા જ્યારે હું તમારી પાસે મૂકું એ તમારે માની લેવાની જરૂર નથી કે મોરારિબાપુએ કીધી. તમારી સ્વતંત્રતા છે અને સ્વતંત્રતાનો સદુપયોગ કરજો. હું બિલકુલ તમને મુક્ત રાખવા માગું છું. ધર્મના આદેશો જ્યારે બંધન નાખે છે ત્યારે મને બરાબર લાગતું નથી. ધર્મનું અંતિમ પગલું જ મોક્ષ છે, મુક્તિ છે, સ્વતંત્રતા છે. એક વસ્તુ સમજી લેજો કે તમે ને હું જેને ધર્મ માની બેઠા છીએ એ બહુ નાનાં રૂપ છે ધર્મનાં. ધર્મ એટલે ગગનસિદ્ધાંત. ધર્મ એટલે સત્ય, પ્રેમ, કરુણા.
તો કેટલાં બધાં મંદિર! મંદિર હોવાં જોઇએ, અતિરેક ન થવો જોઇએ. તૂટેલાં હોય એનો જીર્ણોદ્ધાર થવો જોઇએ. મંદિર આપણું ગૌરવ છે, પરંતુ એમાં સ્પર્ધા ન હોવી જોઇએ. કેન્દ્રમાં કોઇ આપણી શ્રદ્ધાના દેવને મૂકીએ, પછી આદિ-અનાદિ જે દેવ છે એને આજુબાજુ નોકરની જેમ ન મૂકવા! આ તો બધાંને ભેગા કરવાની હોશિયારી છે! લોકો તો ભોળા છે. માણસોને સમજાવો ધર્મનું સાચું રૂપ. તમારાથી દબાયેલા યુવાનો, તમારા તથાકથિત ધર્મગુરુઓએ બતાવેલાં ભય અને પ્રલોભનથી દબાયેલા ભણેલા-ગણેલા યુવાનો પછી કન્ફ્યુઝ રહે છે. ગુરુ એવો શોધો કે તમને સાચું જ કહે અને મીઠી બોલીમાં સાચું કહે.
તો મંદિરની પરિભાષા મને પૂછી. મંદિરના ચાર પ્રકાર છે. એક મંદિર તીર્થોમાં હોય છે, જેમ કે બદરીનાથ, કેદારનાથ, હિમાલય, કાશી, અયોધ્યા. પણ તીર્થોના મંદિરમાં આપણે કાયમ જઇ શકીએ છીએ? પછી એક મંદિર છે આપણા ગામનું. ગામનું મંદિર હોય ને તો બહારથી આવેલા પહેલાં એ ગામને મંદિરે જ ઊતરતા. આપણે ત્યાં ગામડાનાં મંદિરોએ, આપણી સભ્યતાએ જેટલા જેટલા આવ્યા એને બહુ આશરો આપ્યો. તીર્થના મંદિરમાં તો આપણે કાયમ જઇ ન શકીએ, ગામનું મંદિર હોય ત્યાં તો આપણે રોજ જઇ શકીએ. પણ રોજ ન પણ જઇ શકીએ. દબાણ થતાં હોય કે રોજ જવું જ જોઇએ મંદિરે! આ દબાણમાત્ર જ મને હિંસા લાગે છે. દબાણ હોવું જ ન જોઇએ માણસ ઉપર. તમે પ્રેમ કરો, આપોઆપ એ તમારી પાછળ દોડતાં આવશે. આ નદીઓ ઉપર કોઇ દરિયાએ દબાણ નહોતું કર્યું. તમારા પ્રેમની લહેરો એવી હોય કે સરિતાઓને કાગળ ન લખવા પડે કે તમે આવો. તમે ઉદાર બનો. જ્યાં ઉદારતા જોશે, પ્રેમ જોશે ત્યાં તો લોકો આવશે જ. ત્રીજું મંદિર આપણા ઘરમાં હોય છે. શ્રદ્ધાવાન વ્યક્તિ પોતાના ઘરમાં એક મંદિર રાખતો હોય છે. હવે ઘરમાં જે મંદિર હોય ત્યાં તો ઘરના સદસ્યો રોજ પગે લાગતાં હોય છે.
આ ત્રણ મંદિરો પાસે આપણે જવું પડે છે. આમાંનું એકેય મંદિર આપણી પાસે આવતું નથી. એક મંદિર એવું છે કે જે મારી ને તમારી સાથે કાયમ રહે છે અને એ છે દિલ-હૃદય. ‘દિલ એક મંદિર હૈ.’ અને આને હું મંદિરની સાથે જોડું છું. આ મારો કોઇ વાગ્્વિલાસ નથી. અન્ય મંદિરોનો મહિમા છે. પણ એની મૂર્તિ આપણે લાવીએ, આપણા આચાર્યો એની પ્રાણપ્રતિષ્ઠા કરે ત્યારે એમાં પ્રાણ પુરાય; અેનો એક મહિમા હોય. પણ એમાં બહારથી આવેલી મૂર્તિને પ્રતિષ્ઠિત કરવી પડે. ત્યારે ‘ભગવદ્્ગીતા’માં લખ્યું છે-
ઇશ્વર: સર્વભૂતાનાં હૃદ્દેશેડર્જુન તિષ્ઠતિ.
ભ્રામયન્સર્વભૂતાનિ યન્ત્રારૂઢાનિ માયયા.
દરેક હૃદયના મંદિરમાં ઇશ્વર સ્વયં છે. એની પ્રતિષ્ઠા કોઇ આચાર્યોએ નથી કરી. કોઇને એ મંદિર બાંધવાનો કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવ્યો. એ અંદરનું મંદિર સ્વયંભૂ છે અને ઇશ્વર સ્વયં સ્વયંભૂ રીતે વિરાજમાન થાય છે. અન્ય મંદિરો મહાન છે, પણ મૂળ મંદિરને ભૂલતા નહીં. એક યુવાન મને પૂછે છે કે બાપુ, રોજ મંદિરે જવાની ઇચ્છા ન થાય અને દબાણ થતું હોય કે જવું જોઇએ, ત્યારે શું કરવું? ત્યારે મેં કીધું કે અંદર જે મંદિર છે ને એમાં જે ઠાકોરજી બેઠા છે એ એમ કહે કે ‘હું અહીંયાં છું, હું તને કહું છું કે હું ત્યાંયે છું, સમય હોય તો જઇ આવ.’ તે દિવસે જવું. કોઇ પણ જાતનાં બંધન હિંસા છે. ધર્મની પસંદગી માણસની સ્વતંત્ર હોવી જોઇએ. {(સંકલન : નીતીન વડગામા)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP