Home » Rasdhar » મોરારિ બાપુ
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

જીવનમાં ઉદાસીન રહેવું પરંતુ ઉદાસ ક્યારેય ન રહેવું

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
ભગવાન રામ મૌનવ્રત, ધર્મવ્રત, સત્યવ્રત, પ્રેમવ્રત, કરુણાવ્રત નિભાવે છે, તો એ જ રીતે ભગવાન રામનું એક વ્રત છે ઉદાસીન વ્રત.
તાપસ બેષ બિસેષિ ઉદાસી.
ચૌદહ બરિસ રામુ બનબાસી.

કાર્ય સફળ ન થાય તે બાદની મનોસ્થિતિ એ ઉદાસી છે, પરંતુ જીતનો હર્ષ ન હોય અને હારનો ગમ ન હોય એ મન:સ્થિતિને ઉદાસીનતા કહે છે

ભગવાન રામનું આ ઉદાસીન વ્રત કઠિન પણ છે પરંતુ સમજાઈ જાય તો સરળ પણ છે. ગોસ્વામીજીને જે શબ્દબ્રહ્મ પ્રિય છે, મને પણ જે પ્રિય છે એમાંનો ‘ઉદાસીન’ શબ્દ બહુ પ્યારો છે.ઉદાસીનનો મતલબ ઉદાસ રહેવું એવો નથી. ઉદાસીનનો મતલબ છે કાં તો બિલકુલ મધ્યમાં રહેવું. આમ એને મધ્યસ્થ જ પણ કહે છે, ‘શ્રીમદ્ ભગવદ્્ગીતા’ની બોલીમાં વ્યક્તમધ્ય કહે છે. અથવા તો બંનેથી પર હોય છે. જમીન પર આપણે બે વસ્તુથી દૂર વચ્ચે રહીએ તો
એને મધ્યસ્થભાવ કહે છે, પરંતુ થોડા ઉપર ઊઠીને બંનેથી ઊંચા થઈ જાય. ઉદ્્ +આસીન, થોડા ઉપર ઊઠી જાય એને ઉદાસીનતા કહે છે. ઉદાસીન એટલે ઉદાસ નહીં. ઉદાસીન બહુ
સુંદર અવસ્થા છે. ગોસ્વામીજી ‘ઉત્તરકાંડ’માં કહે છે-
ઉદાસીન નિત રહિઅ ગોસાઈ.
ખલ પરિહરિઅ સ્વાન કી નાઈ.
જીવનમાં ઉદાસીન રહેવું, પરંતુ ઉદાસ ક્યારેય રહેવું. ઉદાસીનતા અને ઉદાસ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. કોઈ કાર્ય કરવા આપણે જઈએ છીએ અને એ કાર્ય જ્યારે સફળ નથી થતું ત્યાર બાદની મનોસ્થિતિ એ ઉદાસી છે. એ ઉદાસ સ્થિતિ છે. પરંતુ જીતનો હર્ષ ન હોય અને હારનો ગમ ન હોય એ મન:સ્થિતિને ઉદાસીનતા કહે છે. રામને કહેવામાં આવ્યું કે આપને રાજ મળી રહ્યું છે, એ સાંભળીને એમને કોઈ પ્રસન્નતા ન આવી અને કહેવાયું કે આપને વનમાં જવાનું છે, તો કોઈ ઉદાસી ન આવી. ઉદાસીન બની રહ્યા એ કઠિન છે.
આપણે ત્યાં એક ઉદાસીન સંપ્રદાય આવ્યો. મારી દૃષ્ટિએ બધી વિચારધારા મહાન છે પરંતુ ઉદાસીન વિચારધારા મને વિશેષ પ્રતીતિકર લાગે છે. ઉદાસીન પરંપરામાં સાધુઓ મોટેભાગે ભણેલા-ગણેલા હોય છે. ગુરુ નાનકના પુત્રથી ઉદાસીન સંપ્રદાય શરૂ થયો. એ પંજાબની દેન છે. અને એમાં પણ મૂળમાં તો શંકર છે. એનું આદિતત્ત્વ તો ભગવાન શંકર છે. કેમ કે, ભગવાન શંકરે રામના ઉદાસીન વ્રતનું સારી રીતે નિર્વહણ કર્યું છે. ભગવાન શંકર માટે કહેવાયું-
અગુન અમાન માતુ પિતુ હીના.
ઉદાસીન સબ સંસય છીના.
ન પાપનો ડર હોય કે ન તો પુણ્યની ખુશી હોય, એ બંનેથી હટીને ઊભું રહેવું એ ઉદાસીન છે. ન સુખમાં રુચિ હોય કે ન દુ:ખમાં અરુચિ હોય. બંનેથી હટીને રહીએ તો ધન્ય. ન સન્માનમાં રુચિ હોય કે ન અપમાનમાં અરુચિ હોય. એ બધાંથી થોડું દૂર થઈ જવું એ ઉદાસીનતા. આપણે એ કરી બતાવીએ તો એ આપણું સદ્્ભાગ્ય. સંતોની એ બહુ જ પ્યારી અવસ્થા રહી હશે. જેટલા જેટલા પહોંચી ચૂકેલા લોકો હશે એ મોટેભાગે તમને ઉદાસીન જણાશે. તમને લાગશે કે એ રહે છે આપણી વચ્ચે પરંતુ આપણી વચ્ચે રહેતા નથી હોતા. ઠાકુર રામકૃષ્ણ પરમહંસની આજુબાજુ લોકોનો એક જમેલો રહેતો હતો પરંતુ બધા જાણતા હતા કે આ માણસ આપણી સાથે નથી! એ બધાની ખબર પૂછે છે, કંઈ આપે છે એ બધું ખાઈ લે છે પરંતુ સમજદાર માણસ ચિંતન કરે તો એમ લાગે કે એ બધાથી પર છે, સાવ જુદા જ છે. એ ઉદાસીન અવસ્થાનું સ્વાભાવિક લક્ષણ છે. બધાં જ દ્વન્દ્વોમાં એક દૂરી બનાવીને રહે.
ઉદાસીન વ્રતના મૂળમાં સદાય શિવ છે. સપ્તઋષિઓએ આલોચના કરી છે કે પાર્વતી, તું જેનું તપ કરી રહી છે એ તો ઉદાસીન માણસ છે. એમને કોઈ મોહ નથી, માયા નથી, ઘર નથી. એ તો ઉદાસીન છે અને ફર્યા કરે છે. પણ નારદના કહેવા પર પાર્વતીએ શંકરની આરાધના શરૂ કરી. અને એ મહાત્મા નારદ પણ ઉદાસીન છે. અને કૃષ્ણ જેવા ઉદાસીન કોણ? એમના જેવી અસંગતા કોની? પાંડવો અને કૌરવો બંને વચ્ચે એ સમાન અંતર સ્થાપિત કરે છે. એ ઉદાસીનતા છે. યુદ્ધ પહેલાં દુર્યોધન અને અર્જુન બંને કૃષ્ણની મદદ લેવા ગયા હતા. પરંતુ દુર્યોધન મોટો છળ કરનારો એટલે એને થયું કે કૃષ્ણના મહેલમાં અર્જુન મારી પહેલાં પહોંચી જશે તો કૃષ્ણ તરત એને વરદાન દઈ દેશે. એટલે એ દોડીને આગળ થઈ ગયો. હરિદર્શનમાં સ્પર્ધા નથી ચાલતી, શ્રદ્ધા ચાલે છે. એ માણસ સ્પર્ધા કરવા ગયો! દુર્યોધન દોડીને એકદમ જ્યાં કૃષ્ણ સૂતા છે ત્યાં તકિયા પાસે જઈને બેસી ગયો. પછી અર્જુન આવે છે. અર્જુન કૃષ્ણના મસ્તક પાસે બેસે જ નહીં, એ તો ચરણમાં જ બેસશે. બેસી જાય છે અર્જુન કૃષ્ણનાં ચરણ પાસે અને પ્રભુનાં ચરણ જોયા કરે છે. એ વિચારે છે કે હવે યુદ્ધ થાય કે ન થાય, મને ચરણ મળી ગયાં! એટલામાં હરિ ઊઠ્યા અને આંખ ખૂલી તો સૌથી પહેલાં ચરણોમાં બેઠેલા અર્જુન પર દૃષ્ટિ ગઈ. ભગવાને કહ્યું કે જેના પર મારી દૃષ્ટિ પહેલાં પડી છે એ માગવાનો પહેલો અધિકારી છે. પ્રભુએ પહેલાં અર્જુનને માગવાનું નિમંત્રણ આપ્યું. પ્રભુએ કહ્યું કે અર્જુન, એક તરફ મારી સેના રહેશે અને એક તરફ હું નિ:શસ્ત્ર રહીશ. અર્જુને કહ્યું, પ્રભુ, આપ નિ:શસ્ત્ર કે ગમે તેમ, પણ આપ અમારી સાથે રહો. બીજું કાંઈ ન જોઈએ. દુર્યોધન ખુશ થયો કે વાહ! કામ થઈ ગયું! પ્રભુએ દુર્યોધનને પૂછ્યું, બોલ દુર્યોધન, તારે શું જોઈએ? એ બોલ્યો, બસ, આપની સેના. તો પરમતત્ત્વ ઉદાસીન હોય છે, પક્ષપાતી નથી હોતું.
તો ભગવાન રામમાં ઉદાસીનતત્ત્વ છે. એક ડિસ્ટન્સ રાખીને તેઓ પોતાની વાત કરે છે. એ ઉદાસી નથી. એ તો એક પ્રકારની પ્રમાણિત અંતરની એક અવસ્થા છે. એનું શંકરે નિર્વહણ કર્યું છે. સુખ-દુ:ખ, માન-અપમાન, સુયોગ-વિયોગ, નિંદા-સ્તુતિ એ બધાંથી પર થવાની જે એક વિદ્યા છે એ ઉદાસીનતા છે અને એનું ભગવાન શંકરે જેટલી વાર નિર્વહણ કર્યું છે એટલું વિશ્વમાં બીજું કોણ કરી શકે? {(સંકલન : નીિતન વડગામા)nitin.vadgama@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP