Home » Rasdhar » મોરારિ બાપુ
રામચરિત માનસને ઘેરઘેર પહોંચાડનારા કથાકાર મોરારિ બાપુની કથાનો રસાસ્વાદ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકોને શબ્દદેહે મળતો રહ્યો છે.

માગવું હોય તો ભગવાન પાસે કે ભક્ત પાસે માગો, અન્યત્ર ન માગો

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
‘રામચરિત માનસ’ના ‘સુંદરકાંડ’ના આરંભમાં ગોસ્વામીજીએ ત્રણ મંત્રોમાં મંગલાચરણ કર્યું છે. એમાં પહેલા મંત્રમાં ભગવાન રામનું સ્મરણ છે અને ત્રીજા મંત્રમાં હનુમાનજી મહારાજનું સ્મરણ છે. એમાં ભગવાનનાં અગિયાર લક્ષણો અને ભક્તનાં સાત લક્ષણોનો નિર્દેશ છે. કુલ અઢાર લક્ષણોનું વર્ણન છે. અને એ બંને મંત્રની મધ્યમાં એક માંગ છે. ગોસ્વામીજી કહે છે-

}}}
ભક્ત અને ભગવાનની વચ્ચે માંગ મૂકી દો. પહેલી જવાબદારી ભગવાનની છે. જો એ ચૂકી જશે તો ભક્ત હનુમાન બેઠો છે

નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયેડસ્મદીયે
સત્યં વદામિ ચ ભવાનખિલાન્તરાત્મા.
ભક્તિં પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરાં મે
કામાદિદોષ રહિતું કુરુ માનસં ચ.
હે પરમાત્મા, તું ઈશ્વર છે. મારી અન્ય કોઈ સ્પૃહા નથી, કોઈ તૃષ્ણા નથી. મને એવી ભક્તિ દે, નિર્ભર ભક્તિ દે. હું જગતમાં કોઈના આધારે ન જીવું, માત્ર તારા આધારે જીવું. એવી નિર્ભર ભક્તિ તું પ્રદાન કર. કામાદિ દોષનો ત્યાગ કરીને હું એનાથી મુક્ત નહીં થઈ શકું. પરંતુ મારામાં કામ આદિ દોષ છે એનાથી તું મુક્ત કરી દે. મારામાં કોઈ એવા દોષ હોય તો હે હરિ, તું મિટાવી દે. મારાથી એ નહીં મિટે. તું કાઢીશ તો એ નીકળશે.
તો ભગવાનના ગુણ અને ભક્તના ગુણની વચ્ચે તુલસીએ એક નાની એવી માગણી કરી દીધી. આપણે જીવ છીએ. માગણી કરતા રહીએ છીએ. માગણી કરો પરંતુ અન્યત્ર ન કરો. ભક્ત અને ભગવાનની વચ્ચે માંગ મૂકી દો. એ માંગ કાં તો ભગવાન પૂરી કરશે કે પછી ભક્ત પૂરી કરશે. પહેલી જવાબદારી ભગવાનની છે. જો એ ચૂકી જશે તો ભક્ત હનુમાન બેઠો છે. માગવું હોય તો ભગવાન પાસે કે ભક્ત પાસે માગો, અન્યત્ર ન માગો. આજુબાજુમાં માગવાનો કોઈ ફાયદો નથી. કેમ કે, બધા માગણ જ બેઠા છે!
ભગવાન પરનો આપણો વિશ્વાસ ડગી જાય એવું બની શકે. ક્યારેક ગુરુ પરનો વિશ્વાસ ડગી જાય એવું પણ બની શકે અને ક્યારેક એ બંને પરનો વિશ્વાસ ડગી જાય એવું પણ બને. ‘રામાયણ’માં એવું બન્યું છે, તમે ધ્યાનપૂર્વક ‘રામચરિત માનસ’નું દર્શન કરશો તો તમે એ જોઈ શકશો. એક પ્રસંગ એવો છે કે જ્યાં એક વ્યક્તિનો બંને જગ્યાએથી વિશ્વાસ હટી ગયો છે. અને જેનો વિશ્વાસ હટી ગયો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ મા જાનકી હતાં.
‘અરણ્યકાંડ’નો પ્રસંગ છે. પંચવટીની કુટિયામાં રામ, લક્ષ્મણ, જાનકી નિવાસ કરી રહ્યાં છે. રાવણ સીતાના અપહરણની યોજના કરીને આવે છે. મારીચ માયાવી સુવર્ણમૃગને મારવા માટે જાય છે. મારીચ ભગવાનને દૂર સુધી લઈ જાય છે. ભગવાન મારીચને તીર મારે છે અને મરતાં મરતાં મારીચ લક્ષ્મણના નામનો પોકાર કરે છે. એ અવાજ પંચવટીની કુટિયામાં જાનકીજી સાંભળે છે અને લક્ષ્મણજીને કહે છે કે આપના ભાઈ આર્યપુત્ર સંકટમાં છે. અહીં જાનકીનો રામના બળ પરનો વિશ્વાસ હટી ગયો. રામ ક્યારેય સંકટમાં મુકાઈ શકે? લક્ષ્મણનો જાનકી સાથેનો પુત્રથી પણ વિશેષ નાતો છે. દિયર તો છે પરંતુ એ ક્યારેય મા સામે આવી રીતે હસતા નથી. પરંતુ જાનકીએ જ્યારે કહ્યું કે આપના ભાઈ સંકટમાં છે એ વખતે લક્ષ્મણ ખડખડાટ હસે છે! ભાભી સમક્ષ આ રીતે હસવું એ અવિવેક છે. પરંતુ લક્ષ્મણજી મજાકમાં નથી હસ્યા. તેઓ એટલા માટે હસી પડ્યા કે ગજબ છે ઠાકુરની લીલા કે આજે મારી મા પણ ભૂલી ગયાં અને મારા ઠાકુરના બળ પરનો મારી માનો વિશ્વાસ હટી ગયો!
ઈશ્વર પરનો વિશ્વાસ હટ્યો એ તો ઠીક પરંતુ લક્ષ્મણ તો સાધુ છે. એક જાગૃત બુદ્ધપુરુષ છે લક્ષ્મણ. સીતાજીનો લક્ષ્મણ પરનો વિશ્વાસ પણ હટી ગયો. જ્યારે લક્ષ્મણજીએ કહ્યું કે મને આપની રક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે એટલે હું આપને મૂકીને ન જઈ શકું. એ વખતે તુલસીએ લખ્યું કે, ‘મરમ બચન જબ સીતા બોલા.’ કેટલાંક એવાં વચનો કહી દીધાં! જે મૂળ કથાઓમાં છે એ તો તુલસી લખતા જ નથી. કેમ કે, તુલસી મર્યાદાના સંત છે. તો લક્ષ્મણજીને સીતાજીએ કેટલાંક કટુ વચન સંભળાવી દીધાં! સીતાજીએ રામના બળ પર વહેમ કર્યો અને એક સાધુ પર પણ વહેમ કર્યો. એક સાચા સાધુનો વિશ્વાસ તમે ગુમાવી દો તો પછી કોઈ નકલી સાધુ તમારું અપહરણ કરી જ જશે. એ નિયતિ છે. અને રાવણ નકલી સાધુ બનીને સીતાજીને ઉઠાવી જાય છે. પરમાત્મા કરે, આપણો વિશ્વાસ ગુરુમાં અને ભગવંતમાં બંને જગ્યાએ રહે. એ વિશ્વાસ ભગવંતમાંથી હટી જશે અને ગુરુમાં રહેશે તો ગુરુ કૃપા કરીને એમના પર રાખેલો વિશ્વાસ ભગવાન સુધી પહોંચાડશે અને આપણે અપહરણમાંથી બચી જઈશું. પરંતુ આપણે જીવ છીએ. સીતાજી તો પરામ્બા છે. આપણને સૌને માર્ગદર્શન આપવા માટે સીતાજીએ એ લીલા કરી. બંને જગ્યાએથી વિશ્વાસ ગયો. પરિણામ એ આવ્યું કે સીતાજીનું અપહરણ થયું.
‘રામચરિત માનસ’ના ‘સુંદરકાંડ’નું મંગલાચરણ આપણને એ શીખ આપે છે કે ભગવાન અને ભક્ત એ બંનેની વચ્ચે તમારી કોઈ માંગ હોય તો જરૂર માંગો. મારી પાસે ઘણા લોકો આવે છે ને કહે છે કે બાપુ, આપ કથામાં કહો છો કે માગવું નહીં જોઈએ. હા, બિલકુલ માગવું નહીં જોઈએ. હું તો ત્યાં સુધી માનું છું કે ઇશ્વર પાસે પણ નહીં માગવું જોઈએ. એ અંતર્યામી છે. બધું જાણે છે. માગ્યા વિના ન રહી શકીએ તો કમ સે કમ સદ્્ગુરુ પાસે માગીએ અથવા તો પરમાત્મા પાસે માગીએ. અન્યત્ર શા માટે માગીએ? {(સંકલન : નીિતન વડગામા)nitin.vadgama@yahoo.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP