લેખિકા સ્ત્રીવિષયક મુદ્દાઓ પર કલમ ચલાવે છે.

આબરૂનો અનર્થ એટલે ઓનર કિલિંગ

  • પ્રકાશન તારીખ25 Sep 2018
  •  

ઘરની આબરૂ એટલે શું? કોઈ પણ કુટુંબની આબરૂ અને ઇજ્જત કોના હાથમાં હોય છે? આદર્શ જવાબ: પરિવારના દરેક સભ્યના હાથમાં, પરંતુ ઘરના અન્ય કામની જેમ આ ઇજ્જતની જવાબદારી પણ બહેનો, દીકરીઓ અને વહુઆરુને શિરે જાય છે. એમાં પણ ઇજ્જતનો ઇજારો પુરુષનો ને એની જાળવણીની મહેનત મહિલાના પક્ષે હોય છે. જો કોઈ પરિવારની દીકરી મુગ્ધાવસ્થામાં બહેકી જાય, છોકરાને ગમાડી બેસે, ચોરીછૂપીથી એને મળે ત્યારે એ કુટુંબની ઇજ્જતના ધજાગરા શરૂ થાય છે. એનો જ બાપ રાત પડ્યે, નશો કરીને બંધ કમરામાં પત્ની સાથે જબરદસ્તી કરે તો? ત્રણ દીકરી અને નબળું શરીર છતાં પત્નીને દીકરા માટે ગર્ભાધાન કરવા મજબૂર કરે તો? દીકરીઓને ભણતી ઉઠાડી મૂકે તો?

જે ઘરમાં દીકરી કે વહુને મારી નાખવામાં આવી હોય એને આબરૂ-ઇજ્જત-સન્માન જેવા શબ્દો કે તેના અર્થ બોલવાનો પણ અધિકાર નથી

પત્નીનાં પિયરિયાં પાસે વર્ષમાં છ વાર પૈસાની માગણી કરે તો? આ એક પણ પરિસ્થિતિમાં ઇજ્જતના ધજાગરા નથી ઊડતા? પણ જો દીકરીનું નામ ઊડે તો એનું નીચાજોણું થાય છે, કારણ કે આપણે ત્યાં ચરિત્ર શબ્દ માત્ર ઓપોઝિટ સેક્સ માટે મર્યાદિત છે અને ઇજ્જતને પણ ચરિત્રની સૌથી જુનવાણી વ્યાખ્યા સાથે જોડી દીધી છે. જો આ દેશમાં પરિવારની આબરૂનો ખ્યાલ બદલાય તો ઓનર કિલિંગના કેસ ઓછા થાય. છોકરી સાથે જોડાયેલ ઓનર કિલિંગના કિસ્સા મોટેભાગે કોર્ટના દરવાજે જતા પહેલાં પાછલે બારણેથી નીકળી જાય છે. જેના જન્મ અને મરણ તો ચોપડે નોંધાય છે, પણ મૃત્યુના કારણ કોઈ અવાવરું કૂવામાં ગરકાવ થઈ જાય છે એવી દીકરીના મોતને પણ ઓનર કિલિંગ જ કહેવાય છે.


ઓનર કિલિંગ શબ્દ સાથે જે પહેલો શબ્દ જોડાયેલો છે એ છે ઓનર, જેના અંગ્રેજીમાં સ્પેલિંગ પ્રમાણે બે અર્થ થાય, HONOUR એટલે કે સન્માન અને Owner એટલે કે માલિક. કુટુંબના કોઈ એક સભ્ય દ્વારા જ્યારે કુટુંબનાં નામ, ખાસ કરીને એના મોભીનું નામ બદનામ થાય, તેના નિર્ણયને પૂરતું સન્માન ન અપાય, જે પ્રથા વર્ષો પહેલાં નક્કી કરવામાં આવી હોય તેનું ઉલ્લંઘન થાય ત્યારે honour(સન્માન)નો ભંગ થાય છે.


પિતૃસત્તાક અને પુરુષપ્રધાન સમાજમાં રૂઢિચુસ્ત માનસિકતાવાળાં કુટુંબોમાં છોકરી-સ્ત્રીને સંપૂર્ણપણે પરાવલંબી રાખવામાં આવે છે. કોઈ પણ સ્ત્રી પોતાનો નિર્ણય લે અથવા સીમા ઓળંગે તો એને મારપીટ, ઘરેલુ હિંસા અને મૃત્યુ સુધી પહોંચાડે છે. અરેન્જ મેરેજનો ઇનકાર, છૂટાછેડા માટે પ્રયત્ન અને પહેલ કરવી, કુટુંબની દીકરી કે વહુ અંગે સમાજમાં તેના ચરિત્ર બાબતની અફવા ફેલાઈ હોય, જાતીય સતામણી કે બળાત્કારનો ભોગ બની હોય, પરિણીત સ્ત્રી માટે લગ્ન બાહ્ય સંબંધ હોવા. અપરીણિત યુવતી માટે કુટુંબ માટે અસ્વીકૃત અને અનિચ્છનીય વ્યક્તિ સાથે પ્રણયસંબંધ હોવા જેવાં કારણો સામાન્ય રીતે ઓનર કિલિંગનાં મુખ્ય કારણોમાં સમાવિષ્ટ છે. દિલ્હીની આરુષી તલવાર, યરવડાની યશોદા કે જેના પર બીજી નાતના છોકરાને પ્રેમ કરવા બદલ સગા બાપે કાતરના ઘા મરેલા, હરિયાણાની 15 વર્ષની મુસ્લિમ છોકરીને તેના કાકાને ઘરે મુઝફ્ફરનગરમાં એક ઓરડામાં બંધ કરવામાં આવી. પ્રેમીને ભૂલવા માટે ધમકી આપ્યા બાદ તેને મારીને અંતિમસંસ્કાર કરી નાખ્યા. આ બધા તો ચર્ચાયેલા, નોંધાયેલા અને કોર્ટ દ્વારા ન્યાય થઈ ગયેલા, ફાઇલ થઈ ગયેલા કેસ છે.

દરેક કેસના કારણમાં મુખ્યત્વે એક જ શબ્દ દેખાય છે -પ્રેમ. હા, છોકરીનો અનિચ્છિત વ્યક્તિ સાથેનો પ્રેમ અને માલિકો એટલે કે કુટુંબના રિવાજો, આબરૂ અને સન્માન પ્રત્યેનો પ્રેમ અહીં જવાબદાર છે.


ભારતની બંધિયાર માનસિકતા આજે પણ સ્ત્રીને નિયમો અને રિવાજોથી, રોષ અને ભયના વિવિધ દોરડાથી બાંધવામાં સફળ છે. સમાજના રિવાજ, કુટુંબની આબરૂ, પુરુષની કહેવાતી મર્દાનગી, તેના નિર્ણયો એક જીવનથી વધુ મહત્ત્વના? સમાજની નજરે છોકરીએ ગમે તેટલો ઘોર અપરાધ કર્યો હોય, પણ એને મોતને ઘાટ ઉતારવી એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી જ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP