Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

સિલી મિડોન, સિલી મિડોન ...

  • પ્રકાશન તારીખ02 Jun 2018
  •  
પહેલાં પરથમ ભારતના સર્વ ક્રિકેટકોકિલો પાસે ગગનવાલા ક્ષમા ચાહે છે કે ગયા અંકમાં ‘ટાઇમ ૧૦૦ના લેખમાં તે વાત લખવાનું ચુકાઈ ગયેલું. કે ટાઇમ ૧૦૦’માં વિરાટકોહલી પણ છે, અને તેનો પરિચય લખેલ છે સચીન ટેંડુલકરે, તેના પ્રાયશ્ચિત્ત તરીકે ગગનવાલા સો વાર સિલી મિડોન, સિલી મિડોન, સિલી મિડોન એવું લખશે. આ ફોટામાં છે, બીજાં વનહન્ડ્રેડિસ્ટ દીપિકા પદુકોણ તથા અન્ય પરિચયલેખિકા નટરાણી પ્રિયંકા ચોપડા. પરંતુ આ લેખના મહાનાયક છે બીજા એક નટરાજા, કુમૈલ નન્જિયાની. કુમૈલને પણ સ્થાન મળેલ છે ૨૦૧૮ના ટાઇમ વન હન્ડ્રેડમાં. કેમકે કુમૈલની એક ફિલ્મે અમેરિકાના જુવાન હૈયાં જીતી લીધાં છે, ‘ ધ બિગ સિક.’ ગગનવાલાને બહુ ‘સોરી’ છે કે ગયા લેખમાં કુમૈલનો ઉલ્લેખ પણ ચુકાઈ ગયેલો.
કુમૈલ મૂળ પાકિસ્તાની માતાપિતાનો અમેરિકામાં મોટો થયેલો સ્ટેન્ડઅપ કોમિક છે, અને માતાપિતાના સંસ્કાર અને અમેરિકાના સંસ્કાર તે બંને વચ્ચે વહેંચાયેલાં પહેલી પેઢીના ફરજંદોની પ્રેમકહાણી આ અગાઉ પણ અનેકવાર કહેવાઈ ચૂકી છે. ‘એબીસીડી’ (અમેરિકન બોર્ન કન્ફ્યુઝ્ડ દેસી)થી માંડીને સમજો ને, ‘વ્હોટ્સ યોર રાશિ!’ તે ક્રમે કુમૈલ સાહેબે એમનાં બેટર હાફ સાથે મળીને એમના પ્યારની સત્યઘટનાને આધારે દિલની દાસ્તાંની સિનેમા ઉતારી છે જેને એમેઝોન પ્રાઇમે ૧૨ મિલિયન ડોલરમાં ખરીદી છે અને જે દર્શકો તેમ જ વિવેચકોમાં વખણાઈ છે. ‘ધ બિગ સિક’ના કલાકારોમાં કુમૈલ ખુદ પોતે, તેના પિતાના રોલમાં અનુપમ ખૈર, તેની પ્રેમિકા એમિલીના રોલમાં ઝો કઝાન, અને એમિલીના માતાપિતાના રોલમાં હોલી હન્ટર તથા રે રોમાનો. આ ફિલ્મને ઘણા એવોર્ડો મળ્યા છે અને ઓસ્કાર નોમિનેશન પણ લાધ્યું છે. ગગનવાલા આંખો ચોળતાં ચોળતાં ભૂસું ફાકતાં ફાકતાં તે ફિલ્મ જોઈને એવા ખાસ અંજાયા નથી. આ જ વિષય ગગનવાલાની પોતાની ફિલ્મ ‘કચરા વનહન્ડ્રેડ’માં પહેલા નંબરે આવી છે તેનો ઘોખો એમને જીવનભર રહેશે. આ ફિલ્મમાં પાકિસ્તાની પાત્રો રાબેતા મુજબ જૂનવાણી, દીકરાને પાકિસ્તાની કન્યા પરણાવવાના ઘેલા હરખવાળી માતા, હાજર સ્ટોકમાંથી લીધેલાં ભાઈભાભી, ક્રિકેટકોકિલ પિતા વગેરે ચપટાં દોરાયાં છે. તે ઇન્ડિયા પાકિસ્તાનના દર્શકોને ખાસ નવાં ન લાગે પણ અમેરિકનો ચપચપ ચાટી જાય છે. બીજી તરફ એમિલીના માતાપિતા બડી શાન સે એકદમ જાગતાં જીવતાં સર્જાયાં છે, પિતા તરીકે રે રોમાનોએ ટીવીના રેયમન્ડ તરીકેની તેની છાપ ભૂંસીને તદ્દન નવું વ્યક્તિત્વ પેદા કરી બતાવ્યું છે. કથાનો મોટો હિસ્સો એમિલીની રહસ્યમય બીમારીનાં દૃશ્યો લઈ લે છે અને દેખાવડી, યુવાન યુવતીની હરી લેતી હોવી જોઈએ.
ભારત–પાકિસ્તાનના ભૂખંડમાંથી આવેલા જુવાન કોમેડિયનોએ હવે અમેરિકામાં ગજું કાઢ્યું છે. હસન મિન્હાજ ઇન્ડિયન–અમેરિકન સ્ટેન્ડ અપ કોમિક છે અને તેનો નેટફિલક્સ ઉપરનો વન મેન શો ‘હોમ કમિંગ કિંગ’ ભૂરી ભૂરી પ્રશંસા પામ્યો છે. અઝીઝ અન્સારી એક બીજા અત્યંત સફળ ટીવી સ્ટાર છે, જેમની કોમેડી સીરિયલ ‘માસ્ટર ઓફ નન’ પણ નેટફ્લિક્સ ઉપર ધુમ મચાવે છે. આસિફ માંડવી (આસિફ હકીમ માંડવીવાલા) મુંબઈમાં જન્મેલા, બ્રિટન માર્ગે અમેરિકામાં સ્થાયી થયેલા એક બીજા અતિ ખ્યાતનામ એક્ટર છે, જેમણે બ્રોડવેનાં નાટકોમાં, ફિલ્મોમાં તથા ટીવીમાં પુષ્કળ કામ કર્યું છે. એમનાં સ્મરણોનું એક પુસ્તક પણ યથેચ્છ આવકાર પામ્યું છે. પરંતુ, અમાંયાર આ સર્વેથી વધુ જાનદાર, માલદાર, બહુમુખી પ્રતિભા, લેખિકા, અભિનેત્રી, નિર્માત્રી, વગૈરાહ વગૈરાહ છે મિન્ડી કલિંગ (વેરા મિન્ડી ચોકાલિંગમ). મિન્ડી પણ એક હન્ડ્રેડિસ્ટના પરિચય લખનાર તરીકે ટાઇમના પાને ફરકેલ છે.
અત્યાર સુધી ગગનવાલા પેટમાં વાત દબાવીને બેઠા હતા, કે નથી કરવી, નથી કરવી જોડણીની પસ્મંચાત નથી કરવી. પણ નથી રહેવાયું. ગુજરાતી પેપર્સોમાં લેખકો, સંવાદદાતાઓ, કમોન્ટેટરો સચીન ટેંડુલકરનું નામ ગુજરાતીફાય કરી લખે છે સચિન તેંદુલકર. તે રોન્ગ છે. સચી (ઇન્દ્રાણી) અને ઇન્દ્ર તે બંને મળીને સચીન્દ્ર બને છે જેનું હુલામણું રૂપ છે સચીન. ટેંડુલ મહારાષ્ટ્રનું એક ગામ છે તે ઉપરથી અટક બની છે ટેંડુલકર. આ હકીકત હમોને એક
બીજા ટેંડુલકરે સમજાવેલી જેમનું નામ હતું વિજય ટેંડુલકર. બસ. જય ક્રિકેટ, જય ગુગળી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP