Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

સંસ્થાપતિ ને ભાસાની વીક્રુતિ

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
ઇ વોન મેસન નામે એક ઇંગ્લિશનાં શિક્ષિકા છે અમેરિકામાં. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિને એક કાગળ લખેલો કે સ્કૂલોમાં ધોળા દિવસે ગોળીબાર થાય છે, હાલમાં જ એક સ્કૂલમાં થયેલા એવા ગોળીબારામાં 17 વ્યક્તિના જાન ગયા છે. તો રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ, તમારે તે સત્તરે સત્તરના ઘરે જઈને એમનાં મા-બાપની સાથે વાત ન કરવી જોઈએ?

ગુજરાતી ફરજિયાત થયાથી ગુજરાતી શિક્ષકોની જરૂર પડશે, પણ તેવા શિક્ષકો હવે છે ખરા કે?

એના જવાબમાં રાષ્ટ્રપતિની સહી સાથે વ્હાઇટ હાઉસમાંથી જે પત્ર આવ્યો તેમાં ઇંગ્લિશની અપાર ભૂલો હતી. તે જોઈને 61 વર્ષનાં ઇવાન મેસનનો પિત્તો ગયો અને તેમણે તે ભૂલો સુધારીને રાષ્ટ્રપતિને તે કાગળ પાછો મોકલ્યો, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ તમને લખતા આવડે કે?
તે સુધારેલા પત્રનો એક ફોટો એ શિક્ષિકાએ ફેસબુક ઉપર પણ મૂક્યો અને તેના જવાબમાં સેંકડો ‘મેસેજિઝ’ આવ્યા છે. એક વકીલે કામની ઓફર આપી છે, પણ એક બરખુરદારે લખ્યું છે કે ‘જાને હવે ચોંપલી! તું હઈશ કોઈ નવરી ઘરડી એકલસૂરી વિધવા ને તારા ઘરમાં દસ બિલાડાં હશે.’
આ ઘટનાથી ગગનવાલાને અગડમ બગડમ ઘણા વિચાર આવે છે. ગગનવાલા માને છે કે પોતે ઓલ ઇન્ડિયામાં ગુજરાતી લેંગ્વેજને લવ કરનારાઓમાં લલ્લુ નંબર વન છે અને તેથી જ્યારે જ્યારે ‘માતૃભારતી’ને બદલે ‘માત્રુભાર્તિ’ વાંચે છે ત્યારે ત્યારે ઊભા ઊભા હળગી મરે છે. ગુજરાતીઓ ગુજરાતી પ્રત્યે તદ્દન ગાફેલ છે તે તો છે જ, પણ છાતી પીટવાનું તેથીય મોટું કારણ છે કે તે બાબતની કો–ઈ–ને પ–ડી ન–થી. નથી અમેરિકાના રાષ્ટ્રપતિને કે નથી ગુજરાતી લોકોને, લેખકોને, પ્રકાશકોને, પ્રૂફવાચકોને, પત્રકારોને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને કે સરકારોને. રોજેરોજ ગોબરાં ફૂવડ લખાણોની બદબો છાપાંઓમાં લહેરાય છે, પુસ્તકોમાં સડેલા શબ્દો જીવાણુની માફક ખદબદે છે, રેડિયો ને ટીવી ઉપર બેહૂદા જુમલા બેક્ટેરિયાની જેમ પ્રસરે છે ને ઇન્ટરનેટ ઉપર ઊબકા આવે એવાં ચક્રમ સુવાક્યો ગઝલો ને કથાનકોના ગિગાબાઇટ આપણી આંખોના ડોળાને બટકાં ભરે છે. હવે ગુજરાતી ફરજિયાત થયાથી ગુજરાતી શિક્ષકોની જરૂર પડશે, પણ તેવા શિક્ષકો હવે છે ખરા કે? અથવા, મેરી જાન, રિયલ ક્વેશ્ચન તો તે છે કે ‘ગુજરાતી’ ગુજરાતી હવે છે ખરી કે? ભારતની બધી જ ભાષાઓ એંઠા અંગરેજીના સૂંડલા પોતાની બોલીમાં ઊંધા કરે છે, એમાં સરઘસની આગે આગે વોક કરે છે છેલછબીલો ગુજરાતી. ઓએમજી મીન્સ કે ઓ માય ગુજરાતી!
અમેરિકાના રાષ્ટ્રપતિ જાય એના વ્હાઇટ હાઉસમાં, પણ ગુજરાતીમાં સામાન્ય ગુજરાતી લેખક જ ‘માતૃ’ને બદલે ‘માત્રુ’ લખે છે એવું નથી. ગુજરાતીની અમુક સાહિત્યિક સંસ્થાના સંસ્થાપતિ તરફથી અવારનવાર મીઠા મેહુલા જેવા પરિપત્રો આવી ચડે છે તે પણ ઋ–કાર રિક્ત હોય છે. જેમ કે ‘અમુક પ્રસંગે અમુકની ક્રુતિઓનું વાચન થશે!’ કે ‘કૃતિ’ને બદલે ‘ક્રુતિ’? સાહેબ તમે સા–હિ–ત્યિ–ક સંસ્થાના રાષ્ટ્રપતિ હોવ તો ‘કૃતિ’ લખશો એવી અપેક્ષા અમને ન હોય? કમ્પ્યૂટર ઉપર ગુજરાતી ટાઇપિંગમાં ઋ–કારની માત્રા ન જડે તો સનને કે સનનિનલોને પૂછી જુઓને ક્રુપાળુ! તમારા ગુજરાતીના પ્રોગ્રામમાં ન હોય તો અમે તમને ઋ–કાર લખતો હોય એવો પ્રોગ્રામ મોકલીએ! ઓકે, અમે ચોંપલા હઈશું કદાચ ને ઘરડા તો એકસોને દસ ટકા છઉં ને દાયકાઓથી એકલા એકલા ઝૂરીએ છઉં, પ્લસ વન કાઇન્ડ ઓફ વિધુર પણ છઉં, કેમ કે અમોએ ડિસ્મિવોર્સ લીધેલ છે, પણ અમારા ફ્લેટમાં બિલાડાં ફરતાં નથી, કદીક પેટમાં કુરકુરિયાં ફરે.
હા ભાઈ હા. હવે આજથી 50 વરસ પહેલાંની ભાષા કે ઇવન 25 વરસ પહેલાંનું ચારુ ગદ્ય કદી વંચાવાનું નથી અને ભાષા તો વહેતાં વારિ છે, પલકે પલકે બદલે રંગ તે તો અખા ભાષાના ઢંગ ઓર સમથિંગ સમથિંગ. ફાઇન, તો હાલ જે છે તેને તો જતનથી સાફસૂફ કરીને ગૌરવપદે મૂકી શકાય ને? નો નો, ઓમાયજી કહે છે તેમાં હુ ટાઇમ વેસ્ટ કરવો?
વ્હોટ અમે ઇચ્છીએ છીએ ઇઝ, કે ગુજરાતીઓ ભલે ‘ભાષા મારો પરમેશ્વર ને હું ભાષાનો દાસ’ એવાં કીર્તન ના કરે, પણ સાહિત્યની સંસ્થાના સિંહાસને ચડીને હેમચંદ્રાચાર્યની ગુજરાતીને ‘વીક્રુત’ બી ના કરે, ધેટસોલ. જય ચોંપલો ચોંગો!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP