Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

ટાઇમ ટાઇમ બલવાન હૈ

  • પ્રકાશન તારીખ01 Jun 2018
  •  
જ્રેયારે જ્યારે કોઈ ગૂગળીની કે ગુજરાતીની કે ઇન્ડિયન મર્દમસાલાની કીર્તિ સાંભળે કે વાંચે છે ત્યારે ગગનવાલા બગલમાં અત્તર છાંટીને ગોટલા ફુલાવે છે. અલબત્ત ગગનવાલા ફુલ્લી વેલ હન્ડ્રેડ પર્સન્ટ જાણે છે કે તે વસ્તુ વસ્તુત: બાલસહજ છે, ગૂગળી કે ગુજરાતી હોવું કે ઇન્ડિયન હોવું રિયલી ડઝન્ટ મેટર. માણસ હોવું ઇઝ વોટ યુ કોલ મેટર. આ લેખ એક ઇંગ્લિશ મેગેઝિન વિશે છે એટલે ગગનવાલા અમથા અમથા રોન્ગલી ઇંગ્લિશ વર્ડિંગમાં લખે છે.
ઓ...કે! દર વર્ષે વસંત ઋતુના પગલે અમેરિકાનું ટાઇમ મેગેઝિન તે–તે સમયની ૧૦૦ સૌથી વધુ પ્રભાવક વ્યક્તિઓનાં નામ અને સાથે તેમનો પરિચય તેમના ક્ષેત્રની વ્યક્તિવિશેષ પાસે લખાવી પ્રગટ કરે છે. મહાપ્રભાવક ટાઇમ મેગેઝિન જે કહે તેનો પ્રભાવ જગતમાં ઠેર ઠેર વરતાય છે. એક સમયે ન્યુ યોર્કના હૃદયસ્થાને વિરાજેલા ટાઇમ લાઇફ બિલ્ડિંગમાંથી એક મહાવિરાટ સંયુક્ત કંપની એઓએલ –ટાઇમ–વોરનર પાંખિયાં ફેલાવી પત્રકારત્વ, પુસ્તક પ્રકાશન, ઇન્ટરનેટ અને મનોરંજનનાં ક્ષેત્રોમાં ચક્રવર્તી રાજ કરતી હતી. સીએનએન, એચબીઓ વગેરે તોતિંગ એકમો દુનિયાભરમાં સમાચાર અને ટીવીનાં ક્ષેત્રોમાં અગૂઆ હતી; એઓએલ ઇન્ટરનેટનો ખેમો સંભાળતી હતી; એચબીઓ, સીએનએન, ટર્નર વગેરે ચેનલોનાં રાંઢવાં વોરનર બ્રધર્સના હાથમાં હતાં અને ટાઇમ, પીપલ, સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ, એન્ટરટેઇનમેન્ટ વીકલી, ફોરચ્યુન. આદિ પ્રકાશનો સદીઓ સુધી રાજ કરવાનાં હોય તેવાં ખૂંપેલાં હતાં.
પરંતુ સમય સમય બલવાન હૈ, અને મહાબાહો મહાસંકુલમાંથી ટાઇમ તથા અન્ય પ્રકાશનોનું ઝુંડ સ્વતંત્ર બન્યું, ૫૦૦ જેટલા માણસોને છૂટા કરીને પોતાના નામે નામવાળા ઐતિહાસિક મકાનમાંથી હોલડોલ વીંટી સસ્તા મકાનમાં રહેવા ગયું. અને બેએક માસ પહેલાં અમેરિકાના રાજદ્વારી ચળવળિયા બે કોક ભાઈઓ (Koch Bros)ને વેચાઈ ગયું. તે લોકોએ અગાઉ પણ ટાઇમ ખરીદવાની બે વાર કોશિશ કરેલી. કોક બ્રધર્સ કટ્ટર દક્ષિણપંથી લોકો છે અને વાચકોમાં ફફડાટ છે કે તેમના હસ્તક્ષેપથી ટાઇમની નિષ્ઠાવાન પત્રિકાની મુદ્રા ઉપર અસર પડશે અને ૩૦ લાખ નકલનો ફેલાવો ધરાવતું ટાઇમ સાપ્તાહિક રિપબ્લિક પાર્ટીનું રણશિંગડું બની જશે.
અને તે વાત આપણને પાછા લાવે છે ટાઇમ વન હન્ડ્રેડ ઉપર. આ વર્ષની ૧૦૦ સૌથી પ્રભાવક વ્યક્તિઓમાં લાવો લાવો આપણા ઇન્ડિયન કેટલા છે...? એવું સ્વગત ગણગણતા ગગનવાલા અનુક્રમણિકા જુએ છે: આહ, મિન્ડી કલિંગ છે, ભલે ૧૦૦માં નથી પણ ૧૦૦માંની એક વ્યક્તિના પરિચય લેખક તરીકે અમેરિકાના કલ્ચરલ સીનને ઘોળીને પી ગયેલી આ ટીવી ગોડેસનું નામ તો ટાઇમમાં છે! પછી ૧૦૦માં એક છે ઓલા નામે ટેક્સી કંપનીના સ્થાપક ભાવેશ અગ્રવાલ (પરિચય બાય સચિન બંસલ, ફ્લિપકાર્ટ ફેઇમ).
અને ઓહ યસ, સત્ય નાડેલા! લોર્ડ ઓફ માઇક્રોસોફ્ટ! એના વિના ૧૦૦નો આંકડો જ પૂરો ન થાય ને! યાહ યાહ, જેણે એક ફિલ્મમાં બાર બાર રોલ કરીને પ્રેક્ષકોને જગાડી દીધા હતા તે આપણી સૌની પ્રિય પ્રિયંકા ચોપડા પરિચય આપે છે મેગન મર્કલનો. અને છે પ્રીત ભરારા, ૧૦૦માંના એક હાલના રાજકારણમાં હિમાચલની જેમ અચલ ઊભેલા ગુનાશોધક રોબર્ટ મલરના પરિચય લેખક તરીકે. તે પછી પ્રવેશે છે શેખ હસીના, ભલે બંગલાદેશી હોય પણ ગગનવાલાને મન ‘એબીસી ટ્રાયેન્ગલ’ યાને અફઘાનિસ્તાન, ભારત, સિલોનનો આખો ભૂખંડ તે મેરા ભારત મહાન જ કહેવાય. પરિચય રાઇટર હ્યમન રાઇટ્સનાં નેત્રી મીનાક્ષી ગાંગુલી. તે પછી છે, ઓહોહોહો! લિઓ વરદકર! મરાઠી માણુસ! જે બિલીવ ઇટ ઓર નોટ, ઇંગ્લેન્ડની પાસેના આયર્લેન્ડ દેશના પ્રધાન મંત્રી છે! અને હલો! સાદિક ખાન! પાકિસ્તાની માબાપનું ફરજંદ અને હાલ લંડન શહેરના નગરપતિ. તેના પરિચય લેખક ન્યુ યોર્કના ભૂતપૂર્વ નગરપતિ માઇક બ્લૂમબર્ગ લખે છે કે સાદિક મિયાં એક દહાડો બ્રિટનના પ્રધાન મંત્રી બને તો નવાઈ નહીં.
અર્રેર્રે! દીપિકા પદુકોણ! પરિચય લેખક વિન ડીઝલ પોતે લડાકૂ ફિલ્મ એક્ટર છે અને બસ દિલનો દરિયો ઉલટાવીને કહે છે કે યારો, આ દીપિકા તો પૃથ્વી આખીનો દીપક છે, માત્ર ભારતનો નહીં.
અને સ્ટોપ્પ! ગગનવાલા સ્તબ્ધ થઈને ટાઇમ મેગેઝિનનાં પાનાં તાકી રહે છે. દુનિયાની ૧૦૦ સૌથી પ્રભાવક વ્યક્તિઓમાં એક ઇન્ડિયનનું નામ નથી: નરેન્દ્ર મોદી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP