Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

બિગડે દિલ શહજાદે

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
જે વ્યક્તિના કારણે આજથી 7 માસ પહેલાં આજે ‘મી ટૂ’ (#MeToo)ની ચળવળ શરૂ થઈ તે હોલિવૂડના ખ્યાત ફિલ્મનિર્માતાની ગયા અઠવાડિયે અસંખ્ય યુવતીઓ સાથે વ્યભિચારી વર્તન કર્યાના ગુનાસર ધરપકડ થઈ છે.

પીડિતા નારીઓએ એકત્ર બનીને બુલંદ અવાજ ઉઠાવ્યો છે

એંસીની આસપાસના અભિનેતા બિલ કોસ્બીને અનેક યુવતીઓ ઉપર દુષ્કર્મ કર્યા બદલ ગયા મહિને સજા થઈ છે. પોતાના હાથ નીચે કામ કરનાર યુવતીઓ સાથે બીભત્સ વાતો, વર્તન અને અશ્લીલ ચેનચાળા કે તેથીયે ઘૃણ્ય કૃત્યો કરવા બદલ અનેક વિખ્યાત હસ્તીઓ ગંજીપાના મહેલની જેમ જમીનદોસ્ત થતી જાય છે: હોલિવૂડની વિરાટ પ્રતિમાઓમાં બદનામ થનારામાં છેલ્લું નામ છે મોરગન ફ્રીમન. અગાઉ ધ ગ્રેજુએટ અને ટુટસી જેવી આહ્્લાદક ફિલ્મોના અભિનેતા ડસ્ટીન હોફમેન ઉપર આના ગ્રેહામ નામની મદદનીશનો આરોપ છે કે તે 17 વર્ષની હતી ત્યારે તેનાં ગુપ્તાંગોને હોફમેને ટટોલેલાં. પ્લટૂન, સ્કારફેસ, વોલ સ્ટ્રીટ જેવી અફલાતૂન ફિલ્મોના દિગ્દર્શક ઓલિવર સ્ટોને કેરી સ્ટીવન્સ નામે એક્ટ્રેસનો ગેરલાભ લીધાનો આક્ષેપ છે. ગોન ગર્લ, ગુડ વિલ હન્ટિંગ વગેરે ફિલ્મોના નાયક બેન એફલેકે જાહેરમાં હિલેરી બર્ટન નામે એક્ટ્રેસને અભદ્ર રીતે પંપાળવા બદલ માફી માગવી પડી છે.
આ પ્રકારના અતિ વિખ્યાત પુરુષો ફક્ત ફિલ્મી દુનિયાના બાશીન્દા છે એવું નથી, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રાજકાજ, દરેક ક્ષેત્રમાં સત્તાશાળી પુરુષોએ પોતાના હાથ નીચે કામ કરનાર યુવતીઓનો ગેરલાભ છૂટથી લીધો છે. કેવિન સ્પેસી તેમાં અપવાદ છે. કેવિન સ્પેસી હોમોસેક્સુઅલ છે અને તેમણે એક યુવક સાથે બીભત્સ ચેષ્ટા કરેલી. અગાઉ વુડી એલન, રોમન પોલાન્સકી, કોમેડિયન લુઇસ સીકે, આદિ મોટા, શક્તિશાળી પુરુષો ઉપર પોતાની સહકાર્યકર કે મદદનીશ છોકરી સાથે અગડમ બગડમ કર્યાના આક્ષેપો થયા છે અને અલબત્ત આવાં વ્યભિચારી ગેરવર્તન કર્યાનો આરોપ જેમના ઉપર અનેક વાર થયેલો છે તેમાં સ્વનામ ધન્ય નોબેલ ઇનામપ્રાર્થી રા. રા. શ્રી અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ પણ સામેલ છે.
આવા આક્ષેપોમાં અને એવા ગેરવર્તનમાં નવાઈ કશી નથી. આવું અમેરિકામાં જ થાય છે તેવુંયે બિલકુલ નથી. અમેરિકામાં કે ભારતમાં કે બીજા કોઈ દેશમાં કે કોઈ ધંધામાં કે ટ્રેનમાં બસમાં, કોઈ અસહાય યુવતી પંજામાં સપડાય પછી... અને તેના માટે શાણા ગુજરાતીઓએ કહેવત પણ બનાવી લીધી છે કે ભઈ એ તો ધોતિયામાં બધા નાસ્માગા. જે મહિલા ઉપર દુષ્કર્મ થાય કે જુલ્મી વહેવાર થાય તે પોતાના કપાળને, તકદીરને કોસીને બેસી રહે છે, જાહેરમાં પોતાની ઇજ્જત લૂંટાયાની વાત કરવામાં અબતત્ત નામોશી લાગે છે. પોલીસમાં ફરિયાદ કરવા જતાં ખુદ પોલીસ તેને વપરાયેલો માલ સમજીને સ્વચ્છંદે ફરી ફરી વાપરે છે. કદીક ફરિયાદ નોંધાય તો પણ ગુનેગારનો ગુનો પુરવાર કરવાનું લગભગ અસંભવ થઈ જાય છે. છેડતી, રંજાડ, દુષ્કર્મ કે યુવતીના શરીર ઉપર લોલુપ હાથ ફેરવવો આંખ મીંચકારીને, કોણી મારીને હસી પડવાનો વિષય થઈ ગયો છે.
પરંતુ હવે ધીમે ધીમે એવું નાસ્માગું વર્તન ફક્ત હાહાઠીઠીનો વિષય રહ્યું નથી. તેવા વર્તનના બુરા નતીજા પણ આવવા લાગ્યા છે, કેમ કે પીડિતા નારીઓએ એકત્ર બનીને બુલંદ અવાજ ઉઠાવ્યો છે અને બિલ કોસ્બીને રીતસરની સજા થઈ છે. વાઇનસ્ટીન ઉપર કામ ચાલશે. કેવિન સ્પેસીને તેની સિરિયલમાંથી હાંકી કઢાયો છે.
મોરગન ફ્રીમન અમુક બ્રાન્ડના પ્રચારક હતા તે કાર્યમાંથી છૂટા કરાયા છે.
આ વ્યભિચારના અફસાનાનો એક ફિલ્મી મોડ છે, યારો! ન્યૂ યોર્કમાં આવા સેક્સ ઓફેન્ડરોને પકડનાર અને એમના ઉપર કામ ચલાવનાર ન્યૂ યોર્કના સિપહસાલાર યાને સર્વોચ્ચ ધારાશાસ્ત્રી એરિક શ્નાઇડરમેન અત્યંત ખંતથી ને બુલદીથી પોતાનું કામ કરતા હતા. મહિલાઓના અધિકારો માટે તે સતત ક્રિયાશીલ હતા અને છેલ્લે છેલ્લે #MeTooની ચળવળના વાચાળ પુરસ્કર્તા તરીકે પંકાયા હતા. ન્યૂ યોર્કના સર્વોપરિ કાનૂનગો તરીકે એમણે હાર્વી વાઇનસ્ટીન તથા એમના જેવા બીજા ઉદ્દંડ પુરુષો ઉપર કામ ચલાવવા માટે બરાબર કસીને ભેટ બાંધેલી અને તેવા પુરુષોનો શિકાર બનેલી મહિલાઓને મોટી રકમનો હરજાનો અપાવવાની ઝુંબેશમાં પણ પ્રવૃત્ત હતા. અને એ જ બરખુરદાર શ્નાઇડરમેન મિયાં ખુદ પોતે 4-4 મહિલાઓ ઉપર જુલમી સેક્સ કરવાના આરોપમાં સપડાયા છે અને તે સમાચાર બહાર આવતાં જ પોતાના હોદ્દા ઉપરથી ફારેગ થયા છે. જય જય રાગ અનંગ!

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP