નીલે ગગન કે તલે / ‘આકાશ કુસુમ’

article by madhu rye

મધુ રાય

Jan 23, 2019, 05:39 PM IST

કોઈ જૂની ભૂગોળની ચોપડીમાંથી ખરતું સૂક્કું ફૂલ કોઈ જૈફ હૈયાંને ટટ્ટાર કરી દે તેમ દિગ્દર્શક મૃણાલ સેનના નામનો ઉલ્લેખ કલકત્તાનાં કેટલાંય જૈફ હૈયાંને જવાન કરી ગયો હશે.

  • ફિલ્મની માતૃભાષા છે દૃશ્યો, પણ ફિલ્મોનું ઘટનાસ્થળ યાને ‘લોકાલ’ તેમ જ સ્થાનિક ભાષા ફિલ્મના પ્રત્યેક દૃશ્યની રગેરગમાં સંગોપિત હોય છે

સાલ હતી ૧૯૬૫ની, જ્યારે કલકત્તાના ‘સ્ટેટસમેન’ દૈનિકમાં સત્યજિત રાયે અચાનક અકારણ મૃણાલ સેનની ફિલ્મ ‘આકાશ કુસુમ’ની ખિલ્લી ઉડાવેલી. તે પછી સતત બે માસ સુધી બંને પક્ષના વાચકો તરફથી અને બંને મહાનુભાવો તરફથી સામસામે ‘તંત્રીને પત્રો’માં તેજાબી રસ્સાકસ્સી ચાલેલી. સામાન્યત: મૃદુભાષી અને અંતર્મુખ સત્યજિત શી ખબર શાથી મૃણાલ સેનની આ ફિલ્મ ઉપર કોપાયેલા. આની પહેલાં બંને મહાનુભાવો ઉષ્માભર્યા મિત્રો હતા, પરંતુ આ કિસ્સા બાદ બંનેના સંબંધમાં એક કસ્તર જાણે આવી ગયેલું અને ત્રણ દાયકા સુધી તે કાયમ રહેલું, જેમાં સત્યજિત રાયની પ્રાસંગિક સીનાજોરી છતાંયે મૃણાલ સેન કૌલીન્ય ચૂક્યા નહોતા.


બંગાળી ફિલ્મનો તે ઉત્તપ્ત સુવર્ણકાળ હતો અને રાય અને સેન હતા બે અતિસૂર્યો, અને હતા ઋત્વિક ઘટક ત્રીજા ફિલ્મભાસ્કર. મૃણાલ સેનની કરુણ પ્રશસ્તિઓમાં અચૂક ઉલ્લેખ થાય છે આ ત્રણે દિગ્ગજોનો, જેમાંના ઋત્વિક મદ્ય વ્યસનના કારણે વહેલા પ્રભુને પ્યારા થઈ ગયેલા, પણ મૃણાલ અને સત્યજિત સતત ફિલ્મો બનાવતા રહેલા અને બંનેની પ્રારંભિક ફિલ્મોની વાસ્તવિક હીરોઇન હતી એમની સંમોહક કલકત્તા નગરી! મૃણાલની શૈલી કર્મશીલની હતી અનેક થાકથનમાં તે અણધારી પ્રયુક્તિઅો જમાવતા, દા.ત. ચાલુ ફિલ્મે એકાદ પાત્ર પ્રેક્ષકો સાથે સીધી વાત કરવા માંડે કે ‘હું આ પાત્ર બાત્ર નથી, હું તો અમુક પત્રિકામાં પ્રૂફરીડર છું અને મૃણાલબાબુ કહે કે આ રોલ કર, તો મેં કર્યો વળી.’ વગેરે.


મૃણાલ સેનની અવસાન નોંધોમાં બંગાળી ફિલ્મના માંધાતા તરીકે ફક્ત સત્યજિત, મૃણાલ અને ઋત્વિક ત્રણ નામ બોલાય છે: પણ તે સાચું નથી, બંગાળભરમાં તે વખતે આવેલી જાગૃતિની આંધીમાં રાજેન તરફદાર, અસિત સેન, તપન સિંહ, ઉત્પલ દત્ત, અજય કર, ચિદાનંદ દાસગુપ્ત વગેરે ઉપરાંત બીજાં પાંચ પાંચ જુવાનિયાંનાં ગ્રૂપ હતાં જેના સદસ્યો પોત–પોતાનાં નામ જાહેર કર્યા વિના ‘અગ્રગામી’ અને ‘અગ્રદૂત’ના છદ્મનામે ફિલ્મો બનાવતા હતા. અને બીજી અનેક ફિલ્મો હતી જે આ ત્રણના ચકાચૌંધ કરતા ઉજાસમાં ઝાંખી પડી ગઈ, પરંતુ તે સમયે જોનારાંના ચિત્તમાં તે વાઘનખ જેટલી તીવ્રતાથી પેસી ગયેલી. જેમકે ‘દીપ જેલે જાઈ’ અને ‘સાત પાકે બાંધા’.


અલબત્ત, આ ત્રણેયમાં સૌથી ગંભીર કલા ઉપાસક હતા સત્યજિત. જેમની સાઠના દાયકાની ફિલ્મોની સ્મૃતિ, શ્યાબાજારના ‘મિનાર’ થિયેટરમાં પહેલા શોમાં લાઇન લગાડીને ફાટી આંખે જોયેલી ફિલ્મ ‘દેવી’માં છબિ બિશ્વાસના ઉન્માદનું દૃશ્ય હજી કાંડાંના મોવાળા ઊભા કરે છે.
તે જ રીતે નાટકમાં હતા શમ્ભુ મિત્ર, ઉત્પલ દત્ત, તરુણ રાય અને અચાનક દીવાનખાનામાં કોઈ હાથી ઘૂસી આવે તેમ નાટ્યલેખનમાં અવતરેલા બાદલ સરકાર જેમણે પછીના દાયકાઓમાં આખા ભારતના નાટ્યમંચને હચમચાવી નાખેલું.


તે કોઈ મહા ચમત્કારિક સમય હતો, કોલેજના છોકરા છોકરી ટ્રામોબસોમાં ને કોલેજોમાં, કોફી હાઉસોમાં, ઉત્તેજિત થઈને સાહિત્યની ને ફિલ્મોની બહસ કરતા. ફિલ્મો બનતી હતી ઉત્તમ સાહિત્યિક કૃતિઓ ઉપરથી, મોટાભાગની ફિલ્મોનો ઝોક હતો સામ્યવાદ તરફ. આ બધાએ કલકત્તાને ‘કલકત્તા’ બનાવવામાં જે ભાગ ભજવેલો તેના ઉલ્લેખ કમ થાય છે; સત્યજિત રાય અને મૃણાલ સેનના દ્વન્દ્વની વાતના ઘોંઘાટની સમક્ષ બીજી ફિલ્મો કે બીજા દિગ્દર્શકોના ઉલ્લેખ મૃણાલ સેનની મૃત્યુનોંધોમાં પાછળ રહી ગયા છે.


સત્યજિત રાયે તો એક જ ગૈર–બંગાળી ફિમ બનાવી: ‘શતરંજ કે ખિલાડી’, પણ મૃણાલ સેને ‘ખંડહર’, ‘એક અધૂર કહાની’ અને ‘મૃગયા’ એમ ત્રણ હિન્દી ઉપરાંત ઓડિયા અને તેલુગુ ફિલ્મો પણ બનાવેલી, જેમાંની એક ‘ઉકા ઉરી કથા’ જોઈને સત્યજિતે ગરિમાપૂર્વક જાહેર કરેલું કે આમાં મૃણાલ મારાથી આગળ નીકળી ગયો.


ફિલ્મની માતૃભાષા છે દૃશ્યો, પણ ફિલ્મોનું ઘટનાસ્થળ યાને ‘લોકાલ’ તેમ જ સ્થાનિક ભાષા ફિલ્મના પ્રત્યેક દૃશ્યની રગેરગમાં સંગોપિત હોય છે. મૃણાલ કહેતા, મારે તો મારી વાત કરવી છે, જે ભાષામાં કરવા મળે તે ભાષામાં કરીશ. સત્યજિત બીજી ભાષામાં ફિલ્મ બનાવવાનું ટાળતા હતા. એમની ‘અપરાજિત’ ફિલ્મમાં બાળ વયનો અપુ ખેતરમાં જમીન ઉપર સૂતો સૂતો ઘાસના એક ગોળાકાર તણખલામાંથી દૂરથી પસાર થતી રેલગાડી જુએ છે. કદાચ સત્યજિત રાયને એટલું જ કહેવું છે. બીજું કશું નહીં. જય બાબા ફેલુનાથ!
[email protected]

X
article by madhu rye

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી