‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

નારીઊર્જા અમેરિકાના રાજદ્વારે

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  

ભારતમાં જેમ વચગાળાની ચૂંટણીઓ થઈ તેમ અમેરિકામાં પણ વચગાળાની કહેવાય તેવી ચૂંટણીઓ થઈ. તેમાં ત્યાંની પાર્લામેન્ટ (કોન્ગ્રેસ)ના નિમ્નગૃહ યાને હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ મતલબ કે લોકસભામાં અવનવા સદસ્યો ચુંટાયાં છે અને એક જમાનામાં જે ચિરૂટ પીતા પ્રોસ્ટેસ્ટન્ટ પંથના ખ્રિસ્તી ગોરા મરદોનો અખાડો હતી તે સભા આજે વિધવિધ રૂપે ને રંગે ને મજહબે નિખરી ઊઠી છે. બલકે આ સભામાં બાળકોનો કિલબિલાટ પણ સંભળાય છે, યસ, યસ, મોટી ઉંમરનાં બાળકો તો ખરાં જ, પણ સાચેસાચ કલબલતાં બાળકો બી ખરાં.

રેડ ઇન્ડિયનોને રાજકારણમાં
કોઈ સત્તા નહોતી એના સ્થાને આ વરસથી પહેલી વાર બે રેડ ઇન્ડિયન મહિલાઓ રાજદ્વારે બિરાજશે

પણ તેમાં ઇન્ડિયાને સૂં? એવું શાહભઈ કે શુક્લા સાહેબ કે સોમચંદ સર પૂછે તો જવાબ તે છે કે અમેરિકામાં જે થાય તેના પડઘા મોટા પાયે આ જગતમાં પડે છે, શાહભઈ! મીન્સ કે? મીન્સ કે આ લોકભામાં ખંડની વચ્ચોવચ્ચ એક પુરાતન ટેબલ છે, તે ટેબલ ઉપર વિધવિધ પુસ્તકો છે: સાત વેરાઇટીનાં બાયબલ!

તેની રીતે વિખ્યાત કેથોલિક ડૂઈ આવૃત્તિવાળું બાયબલ, બ્રિટનના પ્રોટેસ્ટન્ટ વંશજો માટે કિંગ જેમ્સે તૈયાર કરાવડાવેલા બાયબલનાં ભાતીગળ અવતાર, પૂર્વ યુરોપના વંશજો માટે ઇસ્ટર્ન ઓર્થોડોક્સ આવૃત્તિ, કાળા નાગરિકો માટે આફ્રિકન–અમેરિકન હેરિટેજ બાયબલ. પ્લસ, ઓડ ટેસ્ટામેન્ટ તરીકે જાણીતા યહૂદીઓનું તનાખની બે કોપીઝ, મુસ્લિમો માટે કુરાન, હિંદુઓ માટે વેદનો ગ્રંથ અને બૌદ્ધો માટે બૌદ્ધ સુરા. અલબત્ત અમેરિકાના બંધારણની પણ બે કોપીઝ. જોહ્ન ક્વિન્સી આડમ્સે કોઈ ધર્મગ્રંથ ઉપર સોગન ન લેતાં બંધારણના ગ્રંથના શપથ લીધેલા
તે ગ્રંથ!


આમ, અમેરિકનોની દૃષ્ટિએ બધા ધર્મોનો સમાદર થયો છે, જોકે શીખો, જૈનો, સ્વામિનારાયણ પંથ, આદિ અમેરિકનોમાં ઓછા જાણીતા પંથોનો સમાવેશ થયો નથી, પણ વૈવિધ્યની શમા રોશન થઈ છે અને તબ્દિલીનો આગાઝ તો થયો છે. જેમકે મિશિગન સ્ટેટમાંથી ચુંટાયાં છે બાનુ રશીદા તલૈબ, એમણે માગણી કરેલી કે ટોમસ જેફરસન પાસે જે કુરાન હતું તે લઈ આવો હું તેની ઉપર હાથ મૂકીને સોગનવિધિ કરીશ.


રશીદા બાનુ ઉપરાંત ઇલાન ઓમર પણ મિનિસોટાથી ચુંટાયેલાં મૂળ સોમાલી ઇમિગ્રાન્ટે સોનેરી કિનખાબથી ફરફરતા હિજાબમાં સોગન લીધેલા. તેની સામે જ હતાં આજે અમેરિકા નામે ઓળખાતા દેશની આદિ પ્રજા જેને ગોરા અમેરિકનોએ ભૂલથી ઇન્ડિયન માની લીધેલા તે ‘ઇન્ડિયન’ કોમની બે મહિલાઓ પહેલીવાર અમેરિકાની સંસદમાં ચુંટાઈ છે, તે પુએબ્લો ‘ઇન્ડિયન’ કોમના પરંપરિત પોષાકમાં લૈસ ટર્કોઇઝ રંગનાં આભૂષણોથી દમકતાં ન્યુ ક્સિકોનાં ડેબ હાલાન્ડ અને કેનસાસનાં શેરિસ ડેવિડઝ.

નવી ચુંટાયેલી લોકસભાના સોગનવિધિ તેમ જ અન્ય દૈનિક કાર્યો સંપન્ન થયા બાદ બંને આદિવાસી મહિલાઓ પરસ્પરને બાઝીને રડી હતી. આજે અમેરિકામાં બહારના લોકોને પ્રવેશવા દેવા સામે જબ્બર તહલકા મચેલા છે, કેમકે આજના ગોરા અમેરિકન મરદોના મતે ઇમિગ્રાન્ટો અમેરિકામાં આવીને મૂળ પ્રજાને રંજાડે છે અને ખૂનામરકી ફેલાવે છે.

અમેરિકાની ધરતી ઉપર જ્યારે પહેલી વાર ગોરા યુરોપીયનોએ પગ મૂક્યો ત્યારે એવું કહેવાય છે યુરોપમાં જેટલા ગોરા હતા તેના કરતાં દોઢી સંખ્યામાં અમેરિકામાં રેડ ઇન્ડિયનો હતા, પણ ગોરાઓએ ભોળા આદિવાસીઓને જોરજુલમથી ને કપટથી લગભગ નામશેષ કરી નાખ્યા અને દેશ ઉપર કબજો કરી લીધો. રેડ ઇન્ડિયનોને રાજકારણમાં કોઈ સત્તા નહોતી એના સ્થાને આ વરસથી પહેલી વાર બે રેડ ઇન્ડિયન મહિલાઓ રાજદ્વારે બિરાજશે, એના હરખમાં બંને મહિલાઓ ગદગદ હતી. આ રંગબિરંગી રૂપછટાઓ અને વૈવિધ્ય હતું ડેમોક્રેટિક પક્ષના સભ્યોનું જેનાં લીડર છે મેડમ નાન્સી પેલોસી, એ વુમન!


અને અલબત્ત સામી તરફ સભામાં રેડ ઇન્ડિયનો, બાઈઓ, જાતભાતના ધર્મગ્રંથો વગેરે જોઈને પૂર્વેની જેમ જ રીસાયેલા ગોરા રંગે રસાયેલો રિપબ્લિકન પક્ષ હતો. એમની તલ્ખમિજાજી જોઈને કોઈએ મજાક કરી કે એક તરફ બેસણું હોય એવો માતમ હતો ને બીજી તરફ ઉતરાણ જેવો
ઉત્સાહ હતો.


ગોરા/કાળાનું વૈમનસ્ય એટલી હદે વિફર્યું છે અને ગોરાઓની માલિકી ભાવના એટલી વિકરાળ બની છે કે રસ્તા ઉપર બે ગાડી ઊભી છે, એક ગાડીમાં એક બિનગોરો છોકરો મ્યૂઝિક વગાડે છે, બીજી ગાડીના ડ્રાઇવરને તે પસંદ નથી. તે છોકરાને કહે છે મ્યૂઝિક બંધ કર, છોકરો માનતો નથી તો ગોરો ડ્રાઇવર તે છોકરાને ગોળીથી ઠાર કરે છે. તે છોકરાની માતા લૂસી બેથ પણ ચૂંટણી જીતીને લોકસભામાં આવ્યાં છે. એમણે માગણી મૂકી છે કે અમેરિકામાં બેફામ પિસ્તોલો વેચાય છે તેથી ઉપર નિયંત્રણના કાયદા લાવો. આમ, નારી ઊર્જા અમેરિકાના રાજદ્વારે ફરી વળી છે, જય માતાજી!
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP