‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

સ્વ. સાયમન કી સડક

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

એક માણસનું આખું નામ માર્વિન નીલ સાયમન હતું. તેણે ટેલિવિઝનના રમૂજી કાર્યક્રમોમાં ટુચકા લખવાની પ્રેક્ટિસ શરૂ કરેલી. પછી પોતાના ભાઈ ડેનિયલની સાથે તેણે નાના-મોટા રમૂજી સીન લખવા માંડ્યા અને એમ તબડક તબડક કરતાં તે માણસે એક નાટક લખ્યું જે બ્રોડવે ઉપર સફળ પણ થયું.


ત્યારથી એની ‘ગાજરની પિપૂડી’ વાગી અને નાટ્યકારે તે પછીથી 40 વરસ સુધી વિનોદી નાટક લખ્યાં, જેમાં 30ને ગંજાવર સફળતા વરી, કેટલાંકની ફિલ્મો ઊતરી અને કિંચિત મ્યુઝિકલ ભજવાયાં. એક સમયે બ્રોડવે ઉપર ચાર-ચાર નાટક નીલ સાયમનનાં ધૂમ મચાવતાં હતાં. રોમાન્સ, છૂપા સંબંધ, છૂટાછેડા, કર્કરોગ, વૃદ્ધાવસ્થાનો ભય– વિષય કોઈ પણ હોય, નીલ સાયમનના સંવાદ તમને પરાણે હસાવે, ‘ઓડ કપલ’, ‘સનશાઇન બોયઝ’, ‘બેઅર ફૂટ ઇન ધ પાર્ક’.

સાયમનના માનમાં ‘એલવિન’ નામના એક જૂના થિયેટરને 1983માં ‘નીલ સાયમન થિયેટર’ એવું નામ અપાયું છે

‘ગાજરની પિપૂડી’ એટલા માટે કે નીલ સાયમન અમેરિકાના (કે કદાચ દુનિયાના) સૌથી વિશેષ ધન કમાનાર નાટ્યલેખક તરીકે પંકાયા, સૌથી વધુ જનપ્રિય થઈ પોંખાયા, પરંતુ તે જ કારણસર વિવેચકોએ તેમને ચિબાવલા, બટકબોલા કે છીછરા કહી ઉતારી પાડેલા.


કિન્તુ તે પછી સાયમન સાહેબે ગંભીરતાથી નાભિમાંથી શ્વાસ લઈ પોતાના જીવનના કૂપમાં બિલાડી નાખીને આત્મકથાત્મક નાટકો બહાર કાઢ્યાં, જે વિનોદના વાઘા ન હોવા છતાં પણ ઉત્તમ સાહિત્ય તરીકે પ્રશંસા પામ્યાં. અકાળે મૃત્યુ પામેલી પત્નીના વિરહમાં જીવતા વિધુરની વાત ‘ચેપ્ટર ટુ’ અને લેખકના કિશોરકાળથી લેખક તરીકેની સંજ્ઞા પામવા સુધીના જીવનની નાટ્યત્રયી, ‘બ્રાઇન બીચ મેમુઆર્સ’, ‘બિલોક્સી બ્લૂઝ’ અને ‘બ્રોડવે બાઉન્ડ’. તેમને અમેરિકાના રંગમંચનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ટોની એવોર્ડ’ ત્રણ-ત્રણ વાર મળેલો અને સાહિત્યનું સમાદૃત સન્માન ‘પ્યુલિત્ઝર પ્રાઇઝ’ પ્રાપ્ત થયેલું. સાયમન કહેતા, ‘હવે મને પૈસાની પડી નથી, કે એવું કોઈ ઇનામ નથી જે જીતવાની મને તાલાવેલી હોય. હવે મારે હજી નાટક લખતા રહેવાનું કોઈ કારણ નથી, પણ બસ, હું હજી જીવું છું અને બસ લખું છું. મને નાટક લખવામાં મજા આવે છે.’


એમનાં નાટકો જગતમાં વિવિધ ભાષાઓમાં ભજવાતાં રહ્યાં છે. ગુજરાતીમાં પ્રવીણ જોષીએ ‘ઓડ કપલ’ કરવા અસફળ પ્રયત્ન કરેલો, બરજોરે સિતાંશુ પાસે (સંભવત:) ‘યુ ઓઉટ ટુ બી ઇન ધ પિક્ચર્સ’ કરાવેલું, જે યથેચ્છ સફળ થયેલું. (મારી પાસે ‘ગુડબાય ગર્લ’ કરાવેલું જે હજી ભજવાયું નથી.)


અમેરિકાની ઘોર મંદીનાં વર્ષોમાં ઉછરેલા નીલ સાયમનનું અંગત જીવન કલુષિત હતું. એમના પિતા વારંવાર ઘર છોડી ચાલ્યા જતા. એમનાં માતા-પિતાનો ખટરાગ ચરમ કોટિએ પહોંચે ત્યારે નીલ પોતાના કાન ઉપર ઓશીકાં દાબીને પડ્યા રહેતા. તકરાર વકરે ત્યારે એક ભાઈને કાકાના ઘરે ને બીજા ભાઈ માસીના ઘરે મોકલી દેવાતો. લેખક કહેતા કે પોતાના વિષાદને વિનોદમાં બદલવા મગજના દાક્તર પાસે જવાને બદલે તે ટાઇપરાઇટર પાસે જઈ નાટક લખવા માંડ્યા, જે ઇલાજ કારગત નીવડ્યો.


નીલ સાયમને પાંચ વાર પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. પ્રથમ પત્ની કેન્સરમાં ગુજરી ગયાં તે પછી એમણે ચાર વાર લગ્ન કર્યાં. અમેરિકાના નાટક ઉદ્યોગને ન્યૂ યોર્કની ‘બ્રોડવે’ નામની એક શેરીના નામે ઓળખાવાય છે. તે શેરી ઉપર આવેલાં દર્જનબંધ થિયેટરોનો ઇલાકો તેમાં ચાલતાં નાટકોની લાઇટોથી રાત્રે પણ ધોળા દિવસ જેવો ઝળહળે છે. તે કારણે તેટલા ઇલાકાને ‘ધ ગ્રેઇટ વ્હાઇટ વેય’ (સિતારોં કી સડક) કહેવાય છે. સાયમનના માનમાં તે સિતારોં કી સડક બ્રોડવે ઉપર આવેલા ‘એલવિન’ નામના એક જૂના થિયેટરને 1983માં ‘નીલ સાયમન થિયેટર’ એવું નામ અપાયું છે, જેમાં 1445 બેઠકો છે અને જે દુનિયાના સૌથી વધુ સફળ નાટકકારની યાદમાં ધમધમતું ચાલે છે. તે કેટલા સફળ હતા, વારુ? એક અધિકૃત અંદાજ મુજબ સાયમન સાહેબ 8 કરોડ, 35 લાખ ડોલર (લગભગ 58 અબજ રૂસ્મુપિયા) જેટલી મિલકત મૂકી ગયા છે.


છેલ્લે છેલ્લે સાયમન રીનલ ફેલ્યોર (મૂત્રપિંડની ક્ષતિ), ડિમેન્શિયા (સ્મૃતિભ્રંશ) અને અલ્ઝાઇમર્સ (ક્ષીણમતિ)થી પીડાતા હતા. ગયા રવિવારે 91 વર્ષની વયે ન્યૂ યોર્કની એક હોસ્પિટાલમાં એમણે પ્રાણ ત્યાગ્યા. યોગાનુયોગે તે જ દિવસે જોન મકેઇન નામના રાજનેતાનું પણ અવસાન થયું અને રાષ્ટ્રધ્વજ અરધી કાઠીએ ફફડેલો. રંગનેતા નીલ સાયમનના અવસાનને અંજલિ રૂપે સિતારોં કી સડક બ્રોડવેની સ્ટ્રીટ લાઇટ્સ ગુરુવાર ઓગસ્ટ 30ના રોજ સાંજે 6:45 વાગ્યે પાંચ મિનિટ માટે ઝાંખી પાડવામાં આવેલી. જેય ગ્રેઇટ વ્હાઇટ વેય! {madhu.thaker@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP