સ્ત્રીની જ વાત

article by lata hirani

લતા હિરાણી

Sep 11, 2018, 01:32 PM IST

તમે ક્યારેય નોંધી છે મને ન ગમતી વાત?
ના, કારણ, ત્યારે હું મૌન રહું છું.
તમે ક્યારેય જોયો છે મને ન ગમતી વાતનો પ્રતિભાવ?
ના, કારણ, ત્યારે હું મૌન રહું છું.
તમે જોઈ મને ન ગમતી વાતની વ્યથા?
ના, કારણ, ત્યારે હું મૌન રહું છું.
મારું મૌન
એ ન કહી શકવાની લાચારી, એની વેદના દર્શાવે છે.
તમે સાંભળ્યું મારું મૌન? કે એનો મૌન ગુસ્સો?
એ ક્યારેક વગર કારણે કોઈ બીજા પર ઠલવાય છે,
તો ક્યારેક સમસમવાનો ધૂંધવાટ
અને ગુસ્સાની આગમાં એ રોટલીને બાળે છે.
તો વળી ક્યારેક શાક ચોંટાડે કે પછી વાસણો પછાડે છે.
મને ન ગમતી વાતનો ગુસ્સો, ક્યારેક ભૂખ્યા રહીને,
તો ક્યારેક એક રોટલી વધુ ખાઈને નીકળે છે.
તો ક્યારેક મંદિરમાં કે પછી
કોઈ એકાંત સ્થળે જાત સાથે ઘડીક બેસીને નીકળે છે.
ન ગમતી વાત અને ન કહેવાયાનો રંજ, બંને મને અકળાવે છે!
ખીણમાંથી પડઘાતા અવાજની જેમ ભીતરથી પડઘો ઊઠે છે.
અને હવે મારું મૌન ધીમે ધીમે શબ્દ બની રહ્યું છે, શસ્ત્ર બની રહ્યું છે.
કારણ, હવે હું મૌન નથી!
- ઉમા પરમાર

એક સ્ત્રી કહી શકે અને સ્ત્રી જ સમજી શકે એવી વાત. કવિતા જરા લાઉડ થઈ ગઈ છે, પણ કોઈ કેટલું મૌન રહી શકે? લાંબો સમય મૌન જાળવ્યા પછી આવતા શબ્દો અનરાધાર વરસે તો એને અધિકાર છે. સ્ત્રીને જે કહેવું છે એ કહી શકતી નથી, એ ચૂપ રહે છે, એને ચૂપ રહેવું પડે છે અને એક દિવસ બ્લાસ્ટ થાય છે, કેમ કે દરેક વાતનો અંત હોય જ. સ્ત્રીને પોતાની વાત અસરકારક રીતે કહેવા માટે અછાંદસ પ્રકાર ઉત્તમ છે. અહીં કારણ, પરિણામ અને એનું અંતિમ પરિણામ કહેવાયું.

બાળકને પડતો તમાચો ઘણીવાર પતિ કે સાસુ માટેનો હોય છે. પોતાની જાત પર પણ એ ઠલવાય છે, ભૂખ્યા રહીને કે એક રોટલી વધુ ખાઈને. બંને નુકસાન કરશે.

સવાલથી કવિતા શરૂ થાય છે. ‘તમે ક્યારેય નોંધી છે મને ન ગમતી વાત?’ સવાલમાં જ જવાબ સમાયેલો છે. ‘ક્યારેય’ શબ્દ કહી દે છે કે એની વાત પર, ગમા-અણગમા, વ્યથા પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નથી. એક પછી એક આમ જ સવાલો આવે છે, કેમ કે હવે એને કહેવું છે. પોતાને ન ગમતી વાત અને એની વ્યથા તો ખરી જ, પણ ક્યારેય એની સામે કશું ન કહી શકવાની ગૂંગળામણ પણ એટલું જ અકળાવે છે. ‘હું મૌન રહું છું’ એ વિધાન અહીં કાવ્યનું પ્રધાન તત્ત્વ છે, જેનું પરિણામ જગજાહેર છે. રોટલીનું બળવું કે વાસણનું પછડાવું તો સહી શકાય, પણ બાળકો પણ એનો ભોગ બનતાં હોય છે.

બાળકને પડતો તમાચો ઘણીવાર પતિ કે સાસુ માટેનો હોય છે. પોતાની જાત પર પણ એ ઠલવાય છે, ભૂખ્યા રહીને કે એક રોટલી વધુ ખાઈને. બંને નુકસાન કરશે. આટલી વાત સામાન્ય છે. કારણ અને પરિણામ બંને જાણીતા છે, પણ એનો સાવ જુદો ફણગો ફૂટે છે ત્યારે એ કાંઈ પણ કરી શકે છે. મૌન જ્યારે શબ્દને શસ્ત્ર બનાવે ત્યારે ત્રાડ પાડી શકે અને લોકોને ધ્રુજાવી શકે. આવું ઘરેલુ ઝગડામાંય થાય, પણ અહીં ચીંધેલો ‘શબ્દ’ સામાન્ય નથી. એ રાણી લક્ષ્મીબાઈનો ઘોડે ચડેલો હુંકાર છે, મીરાંનો રાણાની સામે ગીતોમાં પ્રતિકાર છે, મધર ટેરેસાનો કાર્યમાં શાંતિનો વિસ્તાર છે, ગંગાસતીએ પ્રબોધેલા ભજનનો રણકાર છે. આ શબ્દ તંબૂરનો તાર બની શકે ને કાગળ પર કટાર બની શકે.

[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી