Home » Rasdhar » કાજલ ઓઝા વૈદ્ય
લેખિકા ગુજરાતી સાહિત્યનાં જાણીતાં નવલકથાકાર અને વક્તા છે.

શું ખબર ગુજરાતની?

  • પ્રકાશન તારીખ08 Jun 2018
  •  

ગુ જરાતનાં લગભગ તમામ સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતા પહેલાં સરકારે લીધેલાં મહત્ત્વનાં પગલાં, ફેરફારો, સુધારા કે ગુજરાતની જનતા માટે કરવામાં આવેલી સવલતોની કથા કહેતી નાનકડી ફિલ્મ બતાવવામાં આવે છે. યુવા મોડેલ છોકરો અને છોકરી આવીને આ સમાચારો

જે લોકો પોતાની ભાષા, ભોજન અને ભવ્યતા વિશે અજાણ છે, એ પોતાના ભવિષ્ય વિશે શું જાણી શકશે?

આપણને સંભળાવે છે. આ શોર્ટ ફિલ્મની સિરીઝનું નામ છે, ‘શું ખબર ગુજરાતની?’
એક મોડેલ રાજ્ય તરીકે, સલામત અને સુવ્યવસ્થિત રાજ્ય તરીકે ઘણા લોકો ગુજરાત તરફ જુએ છે. યુ.પી. બિહારથી આવતા અનેક આઇ.એ.એસ. ઓફિસર્સ અંતે ગુજરાતમાં સ્થાયી થવાનું નક્કી કરે છે, કારણ કે એમના ગુજરાતના પોસ્ટિંગ દરમિયાન એમને ગુજરાત સાથે પ્રેમ થઈ જાય છે! કેટલા બધા બિનગુજરાતી ઓફિસર્સ શુદ્ધ ગુજરાતી બોલતા થઈ જાય છે, આપણને ખબર પણ ન પડે કે એ ગુજરાતમાં નથી જન્મ્યા કે ગુજરાતી નથી ભણ્યા!
હજી હમણાં જ દાહોદના ક્લેક્ટર શ્રી જે. રંજિથકુમાર મૂળ તમિલનાડુના છે, પરંતુ દાહોદમાં પોસ્ટિંગ થયા પછી ગુજરાતીમાં ભાષણ કરી શકે એ હદે ચોખ્ખું ગુજરાતી બોલતા શીખ્યા છે. લગભગ દરેક વ્યક્તિ સાથે ગુજરાતીમાં જ વાત કરવી એવો એમનો આગ્રહ સલામ માગી લે છે. એની સામે આપણા પોતાના આઈ.એ.એસ.ઓફિસર્સ કે નવગુજરાતી પેઢીના ‘સ્માર્ટ વેપારીઓ’ એકબીજા સાથે અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખે છે. દુ:ખની વાત એ છે કે એ સાચું અંગ્રેજી પણ બોલી શકતા નથી, તેમ છતાં ગુજરાતીમાં બોલવાનું એમને ‘ડાઉન માર્કેટ’ લાગે છે! ‘આઇ ડિડન્ટ ન્યૂ’ (સાચું: આઇ ડિડન્ટ નો) અથવા નામની આગળ કે સર્વનામની આગળ ‘ધ’ લગાડીને, ‘વી ડઝન્ટ ગો’ (સાચું: વી ડોન્ટ ગો) જેવાં કેટલાય લોચામારું અંગ્રેજી બોલવાનો આ હઠાગ્રહ શા માટે રાખવામાં આવે છે એ એમને જ પૂછવું પડે.
આપણે બધા જ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં વાત કરવાનો આગ્રહ રાખીએ છીએ. આપણાં બાળકો અંગ્રેજીમાં જ બોલે એવો હઠાગ્રહ રાખીએ છીએ. ક્લબ્સમાં, સિનેમા, થિયેટરમાં, એરપોર્ટ પર કે વિદેશમાં ક્યારેક ફરવા ગયેલા ગુજરાતીઓ આપણને ભટકાય ત્યારે બાળક સાથે વાત કરતી માને સાંભળીને બહુ હાસ્યાસ્પદ લાગે છે. ‘ચાલો બેટા, ગો ટુ સ્લીપ થઈ જાવ’થી શરૂ કરીને ‘કમઓન બેટા, પાપાને ગુડનાઇટ કહી દો.’ જેવા વાક્યો બહુ જ અપસેટ કરતા હોય છે. બદલાતા સમય સાથે ભાષા બદલાય છે એની ના નહીં, આપણે એક જમાનામાં ‘મેજ’ કહેતા હતા અને હવે ‘ટેબલ’ કહીએ છીએ, ‘સીસાપેન’ને ‘પેન્સિલ’ કહીએ છીએ. પેનડ્રાઇવનું ગુજરાતી નથી, એવી જ રીતે કમ્પ્યૂટરની રેમ કે જીબીનું ગુજરાતી નથી. આ સ્વીકાર્ય શબ્દો આપણી ભાષાના ભાગ બની ગયા છે. ગુજરાતી બોલવાનો આગ્રહ એવો નથી કે માણસે ભદ્રંભદ્રીય ગુજરાતી બોલવું. અગત્યનું એ છે કે આપણે આપણી ભાષા કેમ ન બોલી શકીએ? જે ગુજરાતને મહારાષ્ટ્રથી છૂટું પાડવા માટે આટલી મોટી ચળવળ ચાલી, ‘મહાગુજરાત’ની ચળવળના નામે આપણે એક આખું જુદું રાજ્ય માગ્યું જે ભાષા પર આધારિત હતું. ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાતની અસ્મિતાનું સ્વપ્ન જોયું.
1948ના એપ્રિલમાં મુંબઈમાં મળેલા મહાગુજરાત સંમેલનમાં સમગ્ર ગુજરાતી ભાષા અને પ્રજાને એકત્રિત કરાવી જોઈએ એવો નિર્ણય કરાયો. મુંબઈ રાજ્યમાં ગુજરાતને જોઈએ તેટલું મહત્ત્વ નહોતું મળતું એટલે નક્કી થયું કે ગુજરાતને સ્વતંત્ર રાજ્ય મળવું જોઈએ. મહાગુજરાતનું આંદોલન એવા જોરશોરથી ચાલ્યું કે 1946નાં કોમી રમખાણો પછી પણ હિન્દુઓ અને મુસ્લિમો ખભેખભા મિલાવીને કહેતા હતા, ‘સીધી-સાદી એક જ વાત, અમને જોઈએ મહાગુજરાત.’ ગુજરાત સ્વતંત્ર થયાના 5 દાયકા પ્લસ 8 વર્ષ છતાં આપણે ગુજરાતી સાથે કેટલા જોડાયેલા છીએ? આપણામાંના કેટલાંનાં બાળકો ચોખ્ખું ગુજરાતી બોલી શકે છે? ટેલિવિઝન જોઈને કાર્ટૂનની ભાષા બોલતાં આ બાળકો કહે છે, ‘હું સોચું છું’ ત્યારે હૃદયમાં ચિરાડો પડી જાય છે.
1956ના ઓગસ્ટથી 1960ની મેની પહેલી તારીખ, પોણા ચાર વર્ષ સુધી મુંબઈ રાજ્યના દ્વિભાષી તવા ઉપર ગુજરાતની અસ્મિતા, ગુજરાતની ભાષા અને સ્વતંત્રતા શેકાતી રહી. ઇન્દુલાલ યાજ્ઞિક ન હોત તો કદાચ મહાગુજરાતની આ ચળવળને આવું જબરજસ્ત સ્વરૂપ અને પરિણામ ન મળ્યું હોત. ઇન્દુલાલ યાજ્ઞિક માત્ર મહાગુજરાત ચળવળના પ્રણેતા ઉપરાંત સારા લેખક પણ હતા. એમની આત્મકથા અને બીજા અનેક પ્રકાશનો ઉપલબ્ધ છે જેમાં નાટકો, કવિતાઓ, લેખોનો સમાવેશ થાય છે. એમણે ફિલ્મો પણ લખેલી અને બનાવેલી. એમની આત્મકથા ખરેખર અધૂરી છે. મહાગુજરાત આંદોલન પછીના પ્રસંગો એમણે પોતે લખ્યા નહોતા. ધનવંત ઓઝાએ તે અધૂરો ભાગ પૂરો કર્યો છે. એકંદરે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા એ સામાન્ય સ્વરૂપની આત્મકથા નથી. સામાન્ય રીતે લખાતી આત્મકથામાં લેખક જ તેના નાયક હોય છે, પરંતુ ઇન્દુભાઈની આત્મકથા નાયકપ્રધાન નથી. ‘આત્મકથા’ના સત્ત્વરૂપે ત્રણ બાબતો છે : એક, ઇન્દુભાઈના પ્રબળ અને વેગવંત જીવનપ્રવાહને આમતેમ વાળનારા ઐતિહાસિક પ્રસંગો અને વ્યક્તિઓ : બે, ઇન્દુભાઈના વિકાસ તથા ઘડતરમાં એક પછી એક પડ, એમની આત્મલક્ષી દૃષ્ટિએ, ત્રણ, વૈરાગ્ય તથા સ્નેહભર્યા જીવન વચ્ચે ઝોલા ખાતા દિલની અત્યંત કરુણ સ્થિતિ એમની સ્નેહભૂખ, નથી સાથીદારો છિપાવી શક્યા, નથી ગાંધીજી છિપાવી શક્યા. એમની આત્મકથા ગુજરાતનો ઇતિહાસ લખવા માટે રેફરન્સ બુક પુરવાર થાય એટલી ભરપૂર માહિતી સાથે લખાઈ છે.
ઇન્દુલાલ યાજ્ઞિકે જ્યારે ગુજરાતને આઝાદ કરવાનું સપનું જોયું હશે ત્યારે એમના મનમાં અને વિચારમાં કદાચ ગુજરાતી ભાષાને એક નવો આયામ, ઊંચાઈ આપવાનો ઇરાદો હશે, પરંતુ આપણે બધા ભેગા મળીને આ ભાષાને એ જગ્યા આપી શક્યા નથી જે દલપતરામ, નર્મદ, ઉમાશંકર જોષી કે કનૈયાલાલ મુન્શીએ પોતાનાં લખાણોમાંથી ઊભી કરવાનો નિષ્ઠાપૂર્ણ પ્રયાસ કર્યો. આપણાં બાળકો ઉમાશંકર જોષી, મેઘાણી કે મુન્શીને ઓળખતા નથી એમાં એમનો વાંક ઓછો અને આપણો વધારે છે. એમને શેક્સપિયર ખબર છે, સ્ટીવન સ્પિલબર્ગ, શીનચેન ખબર છે, ટોમ એન્ડ જેરીની ખબર છે, પરંતુ એમને ગુરુદત્ત કે રાજ કપૂરમાં રસ નથી, કારણ કે આપણે એ રસ જગાડવાનો પ્રયત્ન જ કર્યો નથી. એમને ગેમ ઓફ થ્રોન્સ ખબર છે, પરંતુ ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા અને જય સોમનાથ વિશે જાણવાની એમણે તસ્દી લીધી નથી કે આપણે જણાવવાનો પ્રયત્ન કર્યો નથી!
એની સામે એક આખી પેઢી એવી છે જેને નવગુજરાતી લેખકો સાથે ગાઢ સંબંધ છે. એ લોકો ગુજરાતી વાંચતા કે લખતા નથી, પણ યૂટ્યૂબ પર ગુજરાતી સાંભળે છે. યૂથ આઇકોન જેવા કેટલાક લેખકો હવે ફિલ્મસ્ટાર જેટલું માન અને મહત્ત્વ મેળવે છે એ નવગુજરાતી પેઢીનું એક રસપ્રદ પાસું છે. એ લોકો ગુજરાતી વાંચે કે લખે એવો આગ્રહ રાખી શકાય, હઠાગ્રહ નહીં. ગુજરાતી સાથે જોડાયેલા રહે એ જોવાની આપણી જવાબદારી છે જ! માતા-પિતા એમને કેવી રીતે પૈસા ઇન્વેસ્ટ કરવા એ શીખવે છે. નવી ગાડી, ટુ-વ્હીલર, ફોન અપાવે છે, પરંતુ ગુજરાતી ભાષાની અસ્મિતા જેના કારણે જળવાઈ છે એવા લેખકોનાં પુસ્તકો, કવિતાઓ અપાવતા નથી કે વાંચવાની ફરજ પાડતા નથી. નવો ફોન જોઈતો હોય તો મુન્શી વાંચવા પડશે. નવું ટુ-વ્હીલર જોઈતું હોય તો જયંત ખત્રી, પન્નાલાલ કે વર્ષા અડાલજાની ટૂંકી વાર્તાઓ વાંચવી પડશે. પોકેટમની જોઈતા હોય તો દર મહિને એક ગુજરાતી પુસ્તક વાંચવું પડશે એવી શરત કેમ ન કરી શકાય? ગુજરાતને પોતાના સપૂતોનું બહુમાન કરતા તો નથી આવડતું, પણ એને માપસરનું માન આપવાનું ખમીર કે ખાનદાની પણ આ રાજ્યની આબોહવામાં નથી. અગત્યની વાત એ છે કે જે લોકો પોતાની ભાષા, ભોજન અને ભવ્યતા વિશે અજાણ છે, એ પોતાના ભવિષ્ય વિશે શું જાણી શકશે?
ગુજરાતીઓ વિશ્વમાં જ્યાં જાય છે ત્યાં ગોઠવાઈ જાય છે, સફળ થાય છે, કમાય છે છતાંય એમના સંસ્કાર અને સંસ્કૃતિ વિશે એ ફફડતા રહે છે. બંગાળીનું સંતાન કે તમિલભાષી સંતાન જેટલું પોતાની ભાષા અને પોતાના ભોજન સાથે જોડાયેલું છે એટલું ગુજરાતીનું સંતાન પોતાની ભાષા કે ભોજન સાથે જોડાયેલું રહી શક્યું નથી. આના કારણમાં નવી પેઢીને બ્લેમ કરવાને બદલે એનાં માતા-પિતાને દોષ દેવો જોઈએ. મોટાભાગનાં માતા-પિતા માને છે કે જો સંતાનને અંગ્રેજી નહીં આવડે તો ‘સોસાયટી’માં પાછળ રહી જશે. સત્ય તો એ છે કે જે લોકો પોતાના મૂળથી ઊખડી જાય છે એ ક્યાંય રોપાઈ શકતા નથી. માણસ ગમે તેટલું ઊડે અંતે તો એણે એક વાર જમીન પર પાછા ફરવું જ પડે છે. અંગ્રેજીનું આકાશ ગમે તેટલું વિશાળ હોય, પણ ગુજરાતીની જમીન પર જો ‘ટાંટિયા નહીં ટકાવીએ’ તો આપણું કાયમી સરનામું ખોવાઈ જશે. આપણા પાસપોર્ટ, સાત-બારના ઉતારા, રેશન કાર્ડ કે આધારકાર્ડમાં આપણું ગુજરાતીપણું હોય એટલું પૂરતું નથી, આપણાં લોહીમાં, હૃદયમાં, મગજમાં, જીભ પર અને આંખોમાં પણ આપણા ગુજરાતીપણાનું અસ્તિત્વ ટકાવવું પડશે.

kaajalozavaidya@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP