એકબીજાને ગમતાં રહીએ કાજલ / ‘સ્થિતપ્રજ્ઞ’ એટલે સ્વયં પર કંટ્રોલ

articleby kaajalozavaidya

ઓઝા વૈદ્ય

Jan 29, 2019, 01:20 PM IST

આવતી કાલે 30 જાન્યુઆરી, દિલ્હીમાં આવી જ એક ઠંડી સાંજે પ્રાર્થનાસભામાં ત્રણ ગોળી છૂટી. જેને લોકો ‘મહાત્મા’ના નામે ઓળખતા હતા અને ‘મહાત્મા ગાંધી-ઇન્ડિયા’ એટલાં સરનામાં પર એ માણસ જ્યાં હોય ત્યાં પત્ર પહોંચતા હતા એવા રાષ્ટ્રપિતાને આપણે ગુમાવી બેઠા. એમણે એ વખતે એક જ ઉદ્્ગાર કર્યો, ‘હે રામ!’ મૃત્યુ પામતો માણસ જેણે પોતાના પર ગોળી છોડી હોય એને પકડી લેવા રાડો પાડે, ગોળી વાગ્યા પછી બચાવી લેવા માટે આજીજી કરે, એને બદલે અચાનક આવેેલા મૃત્યુને ૉસહજતાથી સ્વીકારીને જેણે શાંતચિત્તે આંખો મીંચી દીધી એ માણસને આપણે સ્થિપ્રજ્ઞ નહીં તો બીજું શું કહી શકીએ.

ગીતામાં સાંખ્ય યોગમાં સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા કરવામાં આવી છે. જેને સુખ અને દુ:ખ સમાન છે એવો માણસ સ્થિતપ્રજ્ઞ કહી શકાય. સુખ અને દુ:ખ સમાન હોવું એટલે શું એવો સવાલ જો ઊઠે તો એનો જવાબ એ છે કે જેને માટે સુખની ઝંખના અધૂરપ નથી લાવતી અને દુ:ખની હાજરીમાં જે ફરિયાદ નથી કરતો એવો. જે છે તે જ સત્ય છે એવા પરમ સ્વીકાર સાથે જીવનને સ્વીકારી લેનારો માણસ સ્થિતપ્રજ્ઞ કહી શકાય. ગીતાની આ વ્યાખ્યા સાહિર લુધિયાણવીની પંક્તિઓમાં મળે છે.

  • જેને માટે સુખની ઝંખના અધૂરપ નથી લાવતી અને દુ:ખની હાજરીમાં જે ફરિયાદ નથી કરતો એવો. જે છે તે જ સત્ય છે એવા પરમ સ્વીકાર સાથે જીવનને સ્વીકારી લેનારો માણસ સ્થિતપ્રજ્ઞ કહી શકાય

પંક્તિઓ ભલે ફિલ્મી ગીતની હોય, પરંતુ એની ફિલોસોફી ગીતા કરતાં ઊતરતી નથી, ‘ગમ ઔર ખુશી મેં ફર્ક ન મહસૂસ હો જહાં, મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ચલા ગયા...’ સાંખ્ય યોગના 56મા શ્લોકમાં કહ્યું છે, ‘દુ:ખૈષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ: વિતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરુચ્યતે. દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ, ગયા રાગ, ભય ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો.’


આવી સ્થિતિ ક્યારે થઈ શકે? જે સુખની પાછળ દોડે છે એને દુ:ખ હાથ લાગે છે. જે દુ:ખને ભગાડવાનો પ્રયાસ કરે છે એ સુખ સુધી પહોંચી શકતા નથી. જીસસ ક્રાઇસ્ટને કહેવામાં આવ્યું કે એમણે રાજાનું કહ્યું માનીને પોતાની ઈશ્વર વિશેની વાતો બંધ કરવી. જીસસે ના પાડી. એમને ખીલા મારીને જીવતા જ વધસ્થંભ સાથે જડી દેેવાનું ફરમાન કરવામાં આવ્યું. આનાથી દુ:ખ થશે એવી તો એમને ખબર જ હતી, પણ એથી ગભરાઈને એમણે તાબે થવાનું સ્વીકાર્યું નહીં. પોતાનો જ વધસ્થંભ ઊંચકીને ચાલી રહેલા ઈશુને કાંટાવાળા સળિયાથી ફટકારવામાં આવ્યા. એમને પાણી પણ ન પીવડાવવું એવી કડક સૂચના સાથે ટેકરો ચઢાવીને લઈ જવામાં આવ્યા અને એમણે જ ઊંચકેલા વધસ્થંભ ઉપર ખીલા મારીને જડી દેવામાં આવ્યા. એમણે ગુસ્સોે કર્યા વગર, દુ:ખની ફરિયાદ કર્યા વગર ઈશ્વરને કહ્યું, ‘એમને માફ કરજે, એ જાણતા નથી કે શું કરી રહ્યા છે.’


ગાંધી અને જીસસ વચ્ચે ઝાઝો ફેર નથી. કૃષ્ણને તીર મારનાર જરા ખૂબ દુ:ખી થાય છે અને પોતાની ભૂલ વિશે કૃષ્ણની માફી માગ્યા જ કરે છે ત્યારે કૃષ્ણ એને ક્ષમા કરીને કહે છે કે આમાં ક્યાંય તારી જવાબદારી નથી. ગાંધી અને કૃષ્ણમાં પણ ઝાઝો ફેર નથી. ભાગવતની એક કથામાં એક ભક્ત ભગવાન પાસે આવીને કહે છે કે મારી પાસે એક મત્તમહિષેણ, વકરેલો પાડો છે. મેં એને બાંધવા માટે સ્ત્રી, પુત્ર, ધન, પદ, પ્રતિષ્ઠા, ભગવત ભક્તિ અને દાન જેવા અનેક ઉપાયો કર્યા છે. એ એક ખીલા પર બંધાઈને રહેતો નથી, સંતુષ્ટ થતો નથી અને જ્યાંત્યાં ભમ્યા કરે છે, માટે તમારા અંગૂઠાના ખીલા સાથે એને બાંધી દો. આપણે બધા જ ‘હું કરું’ના અજ્ઞાનમાં ઘણું ગૂંચવાતા હોઈએ છીએ. પોતે નથી કરી શકવાના એ જાણતા હોવા છતાં ‘મેં જ કર્યું છે’ એનો અહંકાર અને ‘મારા સિવાય કોઈ નહીં કરી શકે’નો મદ આપણા મનનો વકરેલો પાડો છે. પાંચ પ્રકારની ઇચ્છાઓમાં આ પાડો કૂદ્યા કરે છે. વાસના, સ્પૃહા, ઇચ્છા, તૃષ્ણા અને કામના...


વાસના શારીરિક હોય છે. અનુકૂળ પરિસ્થિતિ સાથે જીવવાનું અને પ્રતિકૂળ પરિસ્થિતિને બદલવા માટેનો સંઘર્ષ વાસના છે. ભીતર તરફડતી કામના, જેને વિશે સ્પષ્ટતા નથી, એને પામ્યા પછી સંતોષ થશે એવું કોઈ વચન નથી, બલ્કે યયાતિના શ્લોક મુજબ વાસનાને જેમ વધુ ઠારવાનો પ્રયાસ કરીએ એમ વધુ ભડકે છે. એ પછી સ્પૃહા છે. પરિસ્થિતિ અનુકૂળ છે અને બધું આપણી ઇચ્છા મુજબ ચાલી રહ્યું છે એવી અનુભૂતિ થયા પછી એને ટકાવવાની કે વધુ વિસ્તારવાની ઝંખના સ્પૃહા છે. સિદ્ધિ, પ્રસિદ્ધિ, સન્માન જેવાં પદાર્થોને પામવાનો પ્રયાસ સ્પૃહા છે. સ્વાદ કે વર્લ્ડલી ચીજોને મેળવવાની ઝંખનાને ઇચ્છા કહેવાય. ઇચ્છા મોટી વસ્તુઓની નથી હોતી. ક્ષણે-ક્ષણે બદલાય છે. કશુંક પામવાના પ્રયાસ પછી જો પામી લેવાય તો ત્યાં અટકે નહીં એને ઇચ્છા કહેવાય છે. કામના એટલે જન્મોજન્માંતર સુધી ચાલતી અધૂરપ. કામનાની સ્મૃતિ લાંબો સમય ટકે.

ઇચ્છા, સ્પૃહા કે વાસનાઓને ઝાઝી સ્મૃતિ નથી હોતી, પરંતુ કામનાની સ્મૃતિ જન્મજન્માંતર સુધી ટકે છે. આ જન્મમાં કોઈ એક વ્યક્તિને ન પામી શક્યાની અધૂરપ સાથે જગત છોડતી વખતે જે આપણે આપણી સાથે લઈ જઈએ છીએ એ કામના છે. આત્માને સ્મૃતિ નથી હોતી એમ માનનારા પણ માને છે કે કામના ભટકતી રહે છે અને જન્મ લેતા જીવની સાથે એ અનુસંધાન શોધી કાઢે છે. છેલ્લો પ્રકાર તૃષ્ણાનો છે. જે કદીએ તૃપ્ત ન થાય એ તૃષ્ણા છે. તરસની જેમ ફરી ફરીને લાગ્યા કરે ને માગ્યા કરે એને તૃષ્ણા કહે છે. આ પાંચેય પ્રકારની ઝંખનાઓ સ્થિતપ્રજ્ઞતામાં બંધાવા નહીં માગતા મત્તમહિષને આકર્ષ્યા કરે છે. મનનો આ મહિષ-પાડો આ પાંચેય ઝંખનાઓ તરફ દોડી જાય છે.

આ ઝંખનાઓ આપણા મનના પાડાને સ્થિર થતા રોકે છે. સ્થિતપ્રજ્ઞતા એટલે જેની બુદ્ધિ નહીં, પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે તે. બુદ્ધિ સ્થિર થઈ શકે જ નહીં, કારણ કે બુદ્ધિ પાસે શંકા-કુશંકા, સંદેહ-સંશય અને ઇચ્છા-અપેક્ષાની સી-સૉની રમત છે. બંને બાજુ બેઠેલાં બાળકો જોર કરીને પોતાની તરફનું પાટિયું નીચે તરફ લઈ જાય તેમ બુદ્ધિ ઉપર આ બધી બાબતો પોતાનું જોર લગાવે છે. બુદ્ધિની જ્યોત સતત ફફડ્યા કરે છે, અવિશ્વાસ અને અશ્રદ્ધાનો પવન આ જ્યોતને સ્થિર થવા દેતો નથી, પરંતુ પ્રજ્ઞાની જ્યોત સ્થિર છે. એ સ્વયંમાં સંપૂર્ણ છે. એનું અજવાળું બહાર કશો દિશાનિર્દેશ કરવા માટે નથી, બલ્કે એનું તેજ ભીતરને પ્રકાશિત કરવા માટે છે.


જેને પ્રજ્ઞા સ્થિર થઈ જાય એને માટે આ મનનો પાડો કે બુદ્ધિની ફફડતી જ્યોત કામના નથી. ‘બેરખો રામ નામનો... કળિયુગમાં છે બહુ કામનો.’ આ શબ્દો સાંભળ્યા ત્યારે સમજાયું કે આ રામનામ કોઈ ધર્મ કે ધતિંગ નથી. બલ્કે એક એવા તત્ત્વને સતત સ્મરણમાં રાખવાની પ્રવૃત્તિ છે જેના અંગૂઠાના ખીલે મનનો પાડો બંધાઈ રહે છે. કલિને જ્યારે પૃથ્વી પરથી જવાનું કહેવામાં આવ્યું ત્યારે એણે બ્રહ્માને કહ્યું, ‘હવે મારી પાસે શરીર છે અને અસ્તિત્વ પણ છે. બુદ્ધિ છે અને વિચારો છે. તમે મને પૃથ્વી પરથી જવાનું કહો છો, પણ હું જાઉં ક્યાં?’ બ્રહ્માએ એને ઉત્તર આપ્યો, ‘તું પાંચ વસ્તુઓમાં રહેજે. સોનું, શરાબ, જુગાર, પરસ્ત્રીનો સંગ અને જૂઠ.’


આ પાંચનો પ્રાસ કે પ્રવાસ આપણી પંચેન્દ્રિયો તરફ આંગળી ચીંધે છે. શરીરને રોજ એક જ અનુભવમાં સુખ છે. એક પથારી, એક બાથરૂમ, એક ઘર, એક ઓફિસ, એક જ સ્વાદનું ભોજન કે એક જ વ્યક્તિ સાથેનું જીવન શરીરની જરૂરિયાત છે, પરંતુ મન રોજ ભિન્ન અનુભવ માગે છે. લક્ઝુરિયસ બાથરૂમ જોતાં જ મન નહાવા માગે છે. સારી પથારી જોતાં મન સૂવા માગે છે. સુંદર શરીર જોતાં જ કામના જાગે છે. સારું ભોજન જોતાં જીભ લપલપવા લાગે છે.

આ બધા દેહના ધર્મો છે. આ પાંચ ઇન્દ્રિયો સાથે જોડાયેલી પાંચ ઝંખનાઓ નહીં રહે તો જીવન નીરસ થઈ જશે એ સ્વીકારવું પડે, પરંતુ એથી ઉપર ઊઠીને એક સત્ય જે આપણે શીખવાનું છે તે એ કે આ ઇચ્છાઓ, ઝંખનાઓ, વાસનાઓ કે દેહના ધર્મો આપણા કંટ્રોલમાં રહેવા જોઈએ. સ્વાદ જાગે, પરંતુ એ સ્વાદને સંતોષીએ નહીં ત્યાં સુધી બીજું કશું સૂઝે જ નહીં તો એ નબળાઈ છે. દેહના ધર્મો નિભાવવા માટે દેહ મુક્ત છે. એ અનુભૂતિઓ જ આપણને અસ્તિત્વનો અર્થ આપે છે, પરંતુ અગત્યની વાત એ છે કે આ બધું આપણા અસ્તિત્વની આસપાસ છે. અસ્તિત્વની ભીતર, એના ઊંડાણમાં એક સ્થિર થયેલી પ્રજ્ઞાની જ્યોત ટમટમે છે. જેની દૃષ્ટિ એ જ્યોત તરફ વળી જાય છે એ દેહના ધર્મો નિભાવીને પણ સ્થિતપ્રજ્ઞ છે, પરંતુ જેને એ જ્યોત દેખાતી નથી એના મનનો પાડો આ પાંચ ખીલાને ઊખેડીને ચારે તરફ કૂદ્યા કરે છે. તુલસીદાસની એક ચોપાઈ કહે છે કે,


કાલ સુભાઉ કરમ બરિઆઈ,
ભલેઉ પ્રકૃતિબસ ચુકઈ ભલાઈ.
સો સુધારિ હરિજન જિમિ લેહીં,
બલિ દુ:ખ દોષ વિમલ જસુ દેહી.

[email protected]

X
articleby kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી