માય સ્પેસ / વ્યવસ્થા અનિવાર્ય નથી, ગેરવ્યવસ્થા સ્વીકાર્ય નથી

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Jan 20, 2019, 12:05 AM IST

અયોધ્યાની રામકથા ‘માનસ ગણિકા’ પૂરી થઈ. એ નવ દિવસ દરમિયાન એકઠા થયેલા સાડા છ કરોડના દાનને દસમી જાન્યુઆરી પહેલાં જ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચાડી દેવાનો મોરારિબાપુએ નિર્ણય કર્યો હતો. કોને આ પૈસા આપવા છે એનો નિર્ણય તો થઈ ચૂક્યો, પરંતુ એ ચેક આપવા માટે પંદરમી જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો. ચિત્રકૂટ ધામ, તલગાજરડામાં નાનકડા સમારંભમાં સહુ સંસ્થાઓને એમના ચેક એનાયત કરી દેવામાં આવ્યા.


ગણિકાઓની મદદ કરતી, એમનાં સંતાનોને શિક્ષણ અને સન્માન પૂરું પાડતી કે આવી મજબૂર સ્ત્રીઓને મેડિકલ અને સોશિયલ સિક્યોરિટી આપતી સંસ્થાઓ સુધી ‘માનસ ગણિકા’માંથી આવેલી દાનની આવક પહોંચાડી દેવામાં આવી. બાપુએ ઉતાવળ કરીને આ કાર્ય પૂરું કરાવ્યું. કોઈપણ કથામાંથી મળેલા દાનને લાંબો સમય પોતાની પાસે ન રાખવાનો બાપુનો દુરાગ્રહ હોય છે. ‘મને પૈસાનો વ્યવહાર ન સોંપવો.’ બાપુ વારંવાર કહે છે, ‘હું વ્યવસ્થાનો માણસ નથી.’ આ વાત સમજવા જેવી છે. આપણામાંના ઘણા વ્યવસ્થાના માણસો નથી હોતા. એ લોકોને વ્યવહાર કરવો આવડતો પણ નથી ને ગમતો પણ નથી. બર્થડે કે એનિવર્સરી યાદ રાખવી, લગ્નો, બેસણાં, ઉદ્્ઘાટન કે સમારંભોમાં હાજરી આપવી, સહુનાં સગાંવહાલાંઓનાં નામ યાદ રાખીને ખબર પૂછવી કે ‘કામની’ વ્યક્તિઓને યાદ રાખીને એમને નાની-નાની ફેવર કરવી, ગિફ્ટ્સ આપવી એ કેટલાક લોકો માટે સહજ છે અને કેટલાક લોકોને આવું આવડતું નથી, કારણ કે એમને લાગે છે કે આ બધું ‘નકામું’ છે, ઔપચારિક છે અને દેખાડો છે તો કેટલાક લોકોને આ કલા સહજ સાધ્ય હોય છે. એમને માટે આવું પ્રદર્શન કે દેખાડો એ એમના જીવન સાથે વણાઈ ગયેલી એક એવી રોજિંદી ક્રિયા છે કે જે એ બ્રશ કરવાની જેમ, નહાવાની જેમ કે જમી લેવાની જેમ આવા લોકો એક રિફ્લેક્સ એક્શન તરીકે કરી લેતા હોય છે.

  • માણસ વ્યવસ્થા ન જાણતો હોય તો ચાલે, પરંતુ જો એ ગેરવ્યવસ્થા શીખી જાય તો એ પોતાની જાતનું, પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું મોટું નુકસાન કરી બેસે છે

વ્યવસ્થાના માણસ ન હોવું એ કોઈ મોટું દુર્ભાગ્ય કે દુર્ગુણ નથી. ઔપચારિકતા ન આવડવી કે કોઈને સ્પેશિયલ ફીલ કરાવવાની આવડત ન હોવી એ વ્યક્તિત્વનું ગાબડું કે ક્વેશ્ચન માર્ક નથી. આવા લોકોને ‘ફકીર’, ‘ઓલિયો’થી શરૂ કરીને ‘લબાડ’ કે ‘હરામખોર’ જેવાં વિશેષણોથી નવાજવામાં આ સમાજ પાછળ રહેતો નથી. વ્યવસ્થાના માણસ ન હોઈએ એની સામે ઝાઝો વિરોધ નથી, પરંતુ જ્યારે કોઈ ગેરવ્યવસ્થાનો માણસ બની જાય ત્યારે એ સમાજ માટે બહુ મોટો સવાલ બની જાય છે. ગેરવ્યવસ્થા અને ગરબડ ઊભી કરવાની પહેલાં મજા પડવા લાગે અને પછી ધીરે ધીરે એનું વ્યસન થવા લાગે છે. કોઈપણ માણસ નાનકડું પણ કામ કરી રહ્યો હોય તો એમાં વિઘ્ન કેવી રીતે નાખવું એ વિશે ઘણા પાસે આવડત હોય છે. આપણને કદાચ નવાઈ લાગે, પણ પોતે સારું કામ કરી શકે એમ હોય તેમ છતાં કેટલાક લોકોને બીજાનું કામ બગાડવામાં જે મજા આવે છે એ મજા પોતાની આવડતને સારી દિશામાં લઈ જવામાં આવતી નથી, એ કેટલી દુ:ખદ બાબત છે!


સામાજિક મેળાવડાઓમાં કે લગ્નમાં આપણે એવા ઘણા માણસો જોયા છે કે જેમને સીધું ચાલતું કામ અનુકૂળ નથી આવતું. ભૂલ શોધવી એ જ એમનું પરમ કર્તવ્ય હોય એવી રીતે વર્તતા આ લોકો સાદા કવિ સંમેલનમાં પણ છંદની ભૂલ શોધ્યા વગર રહી શકતા નથી. એમને જો કવિતા કરવાનું કહેવામાં આવે તો કદાચ એમના છંદ એટલા દુરસ્ત હોય કે નહીં એની એમને ખાતરી નથી. એમને કોઈ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ્ડ કરવાનું સોંપવામાં આવે તો એ કરી શકે કે નહીં એની એમને ખબર નથી, પરંતુ બીજાએ કરેલું કામ, હજી વધુ સારી રીતે કેમ થઈ શકે એની એમની પાસે આવડત ચોક્કસ હોય છે. એમની પાસે એમનો મૌલિક વિચાર હોય કે નહીં, પણ બીજાનો વિચાર કેટલો ખોટો અને અયોગ્ય છે એ સાબિત કરવા એમની પાસે પાંચથી સાત મુદ્રા અચૂક હોય જ. આખોય કાર્યક્રમ લગ્ન હોય, સામાજિક સંમેલન હોય કે કોન્ફરન્સ સારી રીતે પાર પડ્યા પછી પણ એમાં ન રહી ગયેલી ક્ષતિ શોધી કાઢવાની મહત્ત્વની જવાબદારી આવા લોકો પોતાને શિરે લઈ લે છે.


વ્યવસ્થા કે વ્યવહારની અણઆવડતથી વ્યક્તિના વ્યક્તિત્વમાં કશું ખૂટતું નથી. એક માણસ તરીકે આપણે વ્યવહારુ હોવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી. ભૂલો કરવાનો અધિકાર આપણને બધાને છે ને આપણી ભૂલોમાંથી આપણે જ શીખવું જોઈએ એ પણ એટલું જ મોટું સત્ય છે. આ દેશમાં વ્યવસ્થા નહીં જાણનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, પરંતુ ગેરવ્યવસ્થા ઊભી કરી શકનારા લોકોની સંખ્યા એટલી મોટી છે કે આ દેશની તમામ ગૂંચવણો માટે એમનો જ આભાર માનવો રહ્યો. આ વાત માત્ર રાજકારણ કે વ્યાવસાયિક સમીકરણો પૂરતી નથી, રોજિંદા ટ્રાફિકમાં એક ગાડી રોંગસાઇડ નીકળે કે એક માણસ ગાડીને યુ-ટર્ન મારવા માટે આગળ-પાછળ કરવા માંડે કે તરત ઊભી રહી ગયેલી ગાડીઓની મોટી ગેરવ્યવસ્થા સર્જાય છે. આ ઓછું હોય એમ હોર્ન વગાડીને એક બીજો કેઓસ ઊભો કરવામાં આવે છે. એમાં વળી જો કોઈની ગાડી કોઈને અડી જાય તો બંને તરફ થઈ ગયેલી ટ્રાફિકની લાંબી લાઇન વિશે ચિંતા કર્યા વગર રસ્તા પર ઊતરીને લડનારા બે માણસોને ગેરવ્યવસ્થાના બાદશાહનો ખિતાબ આપવો પડે.


એવી રીતે લિફ્ટની બહાર ઊભેલા કે સિનેમાના થિયેટરના દરવાજા ખૂલતાં જ અંદર દાખલ માગતા, વિમાનના બોર્ડિંગ વખતે કે ઊતરવા માગતા, જમવાની લાઇનમાં, ટ્રેનમાં ચઢનારા કે ઊતરનારા, મેડિકલ શોપમાં દવા ખરીદવા માટે ઊભેલા કે પ્રસાદ કે આરતી લેતી વખતે, દર્શન કરવા માટે સર્જાતાં ટોળાંઓમાં આવી ગેરવ્યવસ્થા સર્જનારાઓને બહુ મજા પડે છે. ગૂંચવી કાઢવું એ જ એમનું મુખ્ય ધ્યેય હોય છે. મજાની વાત એ છે કે આવો એકાદ માણસ પણ જો ટોળામાં દાખલ થઈ જાય તો બાકીનું આખું ટોળું વ્યવસ્થાને બદલે ગેરવ્યવસ્થાને ફોલો કરવા માંડે છે. આમાંના એકાદને ટોકવાનો કે રોકવાનો પ્રયાસ કરીએ તો સૌથી પહેલું રિએક્શન એક વડચકું અને એની સાથે પુછાયેલો પ્રશ્ન, ‘મને જ કેમ કહો છો? આ બધાને કેમ કહેતા નથી?’ આપણી વ્યવસ્થા ગોઠવવાની રહી-સહી હિંમતને પણ તોડી નાખવાનું કામ કરે છે.


સવાલ એ છે કે આપણે હંમેશાં ખોટી વાતને જ કેમ ફોલો કરીએ છીએ. કોઈ એક વ્યક્તિ ખોટું કરતી હોય ત્યારે એનું અનુસરણ કરીને વધુ ગેરવ્યવસ્થા સર્જવાનો આ દેશના લોકોનો સ્વભાવ છે? આપણને ગૂંચ ઉકેલવામાં રસ છે કે કોકડાને વધુ ગૂંચવવામાં? એક બીજી મહત્ત્વની વાત એ છે કે ગેરવ્યવસ્થા સર્જનાર કે ગેરવ્યવસ્થાનો હિસ્સો બનનાર દરેક માણસ એ ગરબડ માટે કે ગેરવ્યવસ્થા માટે પોતાના સિવાયના દરેકને જવાબદાર ઠરાવે છે. આ બધું કોને લીધે થયું એની શોધ કરવામાં એટલો સમય બરબાદ થાય છે અને સવાલો ઊભા થાય છે કે અંતે તપાસ પડતી મૂકવામાં જ સહુને શ્રેય જણાય છે.


અંગત ગેરવ્યવસ્થાનો પણ એક પ્રકાર છે. પોતાના સમયનું ધ્યાન ન રાખવું હજીયે કદાચ ક્ષમાપાત્ર અપરાધ છે, પરંતુ બીજાના સમયને પણ બેદર્દીથી વેડફનારા ગેરવ્યવસ્થાપકો આપણી આસપાસ જ મળે છે. પહેલી પંદર મિનિટ સુધી વિષય પર ન આવતો વક્તા, કદી સમયસર ઓફિસ નહીં આવતો સરકારી કર્મચારી, કામ પતી ગયા પછી ડોક્ટરની કેબિનમાં બેસીને ટોળટપ્પા કરતો દર્દી, પૈસા આપવાના જ હોય તેમ છતાં રખડાવતા માણસો કે ડ્રાઇવરને, કર્મચારીને કલાકો બેસાડી રાખતા માલિકો આ ગેરવ્યવસ્થાનો ઘણો મોટો હિસ્સો છે.


રાજકારણમાં કે સમાજસેવામાં આ ગેરવ્યવસ્થા ક્યારેક આશીર્વાદરૂપ બની રહે છે. કોઈપણ બાબતમાં જ્યારે ડિસિપ્લિન ન હોય અને લગભગ બધા જ લોકો ગેરવ્યવસ્થા સર્જવામાં મગ્ન હોય ત્યારે ‘હું શું કરી શકું?’ કહીને હાથ ઊંચા કરી દેવાનું સૌથી સરળ પડે છે. ‘સ્વચ્છતા અભિયાન’ની ચર્ચા હોય કે ‘ટેક્સ ચૂકવવાની પ્રામાણિકતા’ વિશેનો સવાલ... ‘ખર્ચાળ લગ્ન ન કરવા વિશેની વાત હોય કે ભ્રષ્ટાચાર નાબૂદી માટેનું અભિયાન.’ માંડ માંડ ગોઠવાઈ રહેલી વ્યવસ્થામાં પહેલું ગાબડું પાડનાર જ મળવો જોઈએ, એ પછીના બધા ગેરવ્યવસ્થા ફોલો કરવા થનગનતા લોકો હોય છે. ‘દીવાર’ના અભિતાભ બચ્ચનની જેમ સહુ એકબીજાને કહેવા લાગે છે, ‘જાઓ પહેલાં પેલાને કહો.’ એકબીજા ઉપર જવાબદારી ઢોળી દેવાની આ પ્રક્રિયા પણ મહાગેરવ્યવસ્થાનો એક રસ્તો જ છે.


આપણે બધા ફરિયાદ કરીએ છીએ કે આ દેશમાં સિસ્ટમ નથી, પરંતુ દેશ પાસે બંધારણ છે, કાયદો અને વ્યવસ્થા છે, સાથે સાથે એ કાયદો અને વ્યવસ્થા જાળવવાની વ્યવસ્થા પણ છે, પરંતુ આપણી ભીતર રહેલું ગેરવ્યવસ્થા માટેનું આકર્ષણ આપણને આ વ્યવસ્થા તોડવા માટે મજબૂર કરે છે. લાઇનમાં ઊભા રહેવાથી શરૂ કરીને જાહેરમાં કચરો નહીં ફેંકવા સુધીના નિયમોની વ્યવસ્થા આપણને ખબર છે, પણ ગાડીનો કાચ ખોલીને પ્લાસ્ટિકની બાટલી કે ચોકલેટનું રેપર ફેંકતી વખતે એ વ્યવસ્થામાં ગાબડું પાડ્યાનો સંતોષ લેવાનું પ્રલોભન આપણે છોડી શકતા નથી.
માણસ વ્યવસ્થા ન જાણતો હોય તો ચાલે, પરંતુ જો એ ગેરવ્યવસ્થા શીખી જાય તો એ પોતાની જાતનું, પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રનું નુકસાન કઈ હદે કરી શકે છે એની કલ્પના કરવાની જરૂર નથી. ઉદાહરણો આપણી આસપાસ જ મળી રહેશે.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી