માય સ્પેસ / રામ મંદિર... લોકશાહીના રામ રમાડી દેશે?

article by kaajalozavaidya

કાજલ ઓઝા વૈદ્ય

Jan 06, 2019, 09:17 PM IST

ગુરુવારે સવારનાં અખબારોમાં પ્રધાનમંત્રીનું સ્ટેટમેન્ટ પ્રકાશિત થયું, સુપ્રીમ કોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી રામમંદિર વિશે કોઈ નિર્ણય કરવામાં નહીં આવે. એની સાથે જ એક સમાચાર બીજા પણ પ્રકાશિત થયા છે. જામનગરમાં ચોળાફળી વેચતા એક પરિવારના પાંચ સભ્યોએ સાથે મળીને આત્મહત્યા કરી લીધી. આ આત્મહત્યાનાં કારણો હજી સુધી બહાર આવ્યાં નથી, પરંતુ આર્થિક ભીંસ સિવાય બીજાં કારણો નજરે દેખાતાં નથી.


ચોળાફળી-વાળાને છોડી દઈએ તોપણ મહારાષ્ટ્રમાં અને બીજાં રાજ્યોમાં આત્મહત્યાના આંક વધી રહ્યા છે. ડિપ્રેશનને કારણે કે દેવાને કારણે આત્મહત્યા કરી રહેલા દેશવાસીઓની સંખ્યા વધી રહી હોય ત્યારે આપણે ત્યાં 491 વર્ષ પહેલાં કોઈક સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું હતું. એને આપણો પોઇન્ટ ઓફ પ્રાઇડ બનાવીને છાપાની હેડલાઇનથી શરૂ કરીને શરાબના ગ્લાસ હાથમાં પકડીને થતી ગરમાગરમ ચર્ચા સુધી લંબાવીએ એટલા મૂરખા કેમ છીએ?

દરેક વખતે ખોટી પ્રાયોરિટીને આગળ કરીને આપણને સૌને ખોટી દિશામાં દોરવામાં આવે છે. કોણ દોરે છે, એ નહિ, સવાલ એ છે કે આપણે કેમ દોરવાઈએ છીએ?

એકસાથે પાંચ જણા પોતાના જીવનનો અંત લાવે એ કઈ પીડા હશે એવો વિચાર પણ આપણને આવતો નથી, કારણ કે ધ્યાન રામમંદિર, કાશ્મીર અને ધર્મના મુદ્દા પર એવી રીતે દોરવામાં આવે છે કે આ દેશની સડતી જતી સિસ્ટમ જોવાનો આપણને સમય જ ન રહે. આવડા મોટા સૂરજની સામે આપણી આંખ નજીક રાખવામાં આવેલો એક રૂપિયાનો સિક્કો સૂરજને ઢાંકી શકે છે. એ સિક્કાને થોડો દૂર લઈ જવામાં આવે તો ચમકતો તેજસ્વી સૂરજ જોઈ શકાય છે.


ભારતની જનતાની આંખો સામે રામમંદિર, કાશ્મીર, સર્જિકલ સ્ટ્રાઇક, પાકિસ્તાન-ચીન અને હિન્દુત્વ જેવા મુદ્દાઓને એવી રીતે ગોઠવી દેવામાં આવ્યા છે કે આ દેશની સાચી સમસ્યાઓ તરફ ધ્યાન જઈ શકે જ નહીં.

આ બધા સવાલો મહત્ત્વના નથી એવું પણ નથી, પણ જેને રોજિંદી રોટીનો સવાલ હોય એને રામમંદિર બને કે નહીં, કાશ્મીર આપણું થાય કે નહીં, રાહુલ ગાંધી હિન્દુ કહેવાય કે નહીં જેવા સવાલોમાં ઉલઝાવીને એની જિંદગીના બેઝિક સવાલો પરત્વેથી એનું ધ્યાન હટાવવાનું કામ લગભગ દરેક રાજકીય પક્ષે કર્યું છે. વેલ, આ બંને સમાચાર વાંચ્યા પછી ઓફિસ જતી વખતે રિક્ષાવાળા સાથે વાત કરતા બનારસના દેવનારાયણ પાંડેનો એક અભિપ્રાય મળ્યો. એનું કહેવું હતું કે, પ્રધાનમંત્રીએ જો વચન આપ્યું છે તો એમણે રામમંદિર બનાવવું જોઈએ. બધાએ એમને રામમંદિર બનાવવાના વચનના ભરોસે મત આપ્યો છે. એની વાત સાંભળીને થોડું હસવું આવ્યું ને બહુ દુઃખ થયું.


આ દેશ મંદિર બનાવવાના વચન પર મત આપતો દેશ હોય તો આપણને વિકાસનાં બણગાં ફૂંકવાનો અધિકાર નથી.


એક મંદિર આ દેશ માટે મહત્ત્વનો મુદ્દો છે એ જાણીને જ આઘાત લાગે એવું છે. આજથી 491 વર્ષ પહેલાં કોઈ એક મીર બાકી નામના માણસે કહેવાતા રામમંદિરને તોડીને ત્યાં મસ્જિદ બાંધી. તેલ પીવા ગયો એ માણસ, કારણ કે એ ભારતીય નહોતો. મોગલ સરદાર હતો. એને માટે આ દેશની શાંતિ કે સલામતી જરાય મહત્ત્વનાં નહોતાં, પણ આપણને શું થયું છે? આપણે તો ભારતીય છીએ. આ દેશની શાંતિ, સલામતી અને સમૃદ્ધિ આપણા સૌની સહિયારી જવાબદારી છે.

નિર્મોહી અખાડા તરીકે ઓળખવામાં આવે છે એને નિર્મોહી બનવું જોઈએ એને બદલે એના મહંતે કોર્ટમાં કેસ દાખલ કર્યો. એટલું ઓછું હોય એમ આરએસએસની રેલી હિંસક તોફાનોમાં ફેરવાઈ ગઈ. દોઢ લાખથી વધુ લોકોએ ભેગા થઈને 1992માં બાબરી મસ્જિદ તોડી પાડી. ચાલો પત્યું! પણ ત્યાંથી પત્યું નહીં... બલ્કે શરૂ થયું! 6ઠ્ઠી ડિસેમ્બર, 1992ના દિવસથી શરૂ થયેલો આ ઝઘડો રાજકીય પક્ષો માટે એક એવો મુદ્દો છે જેનો ઉકેલ એમને શોધવો નથી, સ્વાર્થી કારણસર કે પછી ફરી એકવાર જનતા વિફરશે એમ માનીને. જે હોય તે, પણ આ રામમંદિર અને બાબરી મસ્જિદની વચ્ચે એક મડાગાંઠ પડી ગઈ છે.


ઠીક છે મારા ભાઈ, ચાલો. લડી ઝઘડીને, લોહી રેડીને રામમંદિર ઊભું કરી લઈશું. પીએમ પણ એમણે આપેલું વચન પાળી બતાવશે. પછી??? એનાથી શું થશે? ફરી એકવાર રામરાજ્ય આવશે? દરેક વખતે ખોટી પ્રાયોરિટીને આગળ કરીને આપણને સૌને ખોટી દિશામાં દોરવામાં આવે છે. સવાલ એ નથી કે કોણ દોરે છે, સવાલ એ પણ નથી કે શું કામ? સવાલ એ છે કે આપણે કેમ દોરવાઈએ છીએ? આપણી પાસે આપણી બુદ્ધિ નથી? આપણું હિત નથી દેખાતું આપણને? કે પછી આપણને પણ ચર્ચા કરવા માટે, ઝઘડવા માટે, આપણા ફાલતુ ઈગોને સંતોષવા માટે આવા કોઈક મુદ્દાની જરૂર હોય છે? દાખલા તરીકે આ મુદ્દાનો નીવેડો આવી ગયો ને રામમંદિર બંધાઈ ગયું. એનાથી પેટ્રોલના ભાવ નીચા આવવાના નથી કે નથી સામાન્ય માણસની જિંદગીમાં સંઘર્ષ અને સવાલો ઓછા થવાના.


ડિસેમ્બર ’92 અને જાન્યુઆરી ’93નાં કોમ્યુનલ તોફાનોએ 2000 (આ તો ઓફિશિયલ સરકારી આંકડો છે.)થી વધુ લોકોના જીવ લીધા. તોફાનોમાં ખોવાયેલા આજે પણ જડતા નથી. રામમંદિર બંધાઈ જવાથી આ લોકો જડી જવાના છે? 1980થી 2019 સુધીમાં વિશ્વભરમાં આર્થિક રીતે ઘણી ઊથલપાથલ થઈ. એની માનસિકતા ઉપર જુદા જ પ્રકારના વિચારોની અસર થવા લાગી. એ પછી જેટલા લોકો વિશ્વભરમાં પાવરમાં આવ્યા એ બધા નેશનલ અથવા રાષ્ટ્રવાદી લોકો હતા. Country first, નથી જગતભરનું રાજકારણ બદલાયું. હવે સવાલ એ છે કે, આ રાજકારણ બદલાવાની સાથે સાથે આપણી માનસિકતા કેમ નથી બદલાઈ? ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશની આવક દેશમાં રાખવા માંગે છે, તો બીજી તરફ આપણા પ્રધાનમંત્રી આ દેશનો ડેટા જવાનો સખત વિરોધ કરે છે. માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ અને બીજી અનેક ફોરેન ઇન્શ્યોરન્સ, ક્રેડિટ કાર્ડ કંપનીને એમના સર્વર આ દેશમાં શિફ્ટ કરવાની સૂચના અપાઈ ચૂકી છે, ત્યારે આપણે અે ગ્લોબલ ટ્રાન્સફોર્મેશન માટે તૈયાર છીએ ખરા?


દેશ હંમેશાં ઊંચી આવકના લોકોથી ચાલતો રહ્યો છે. મુકેશ અંબાણી સાડા સાતસો કરોડનાં લગ્ન કરશે કે દીપિકા-અનુષ્કાનાં લગ્નમાં જમાવટ થશે તો ફૂલવાળાથી શરૂ કરીને કેટરરથી શરૂ કરીને ટ્રક ચલાવનારા લોકો સુધી અનેકને આવક થશે. આજથી સો વર્ષ પહેલાં સત્તાનું વિકેન્દ્રીકરણ અને આર્થિક કેન્દ્રોને નાનાં ગામોમાં, ગૃહઉદ્યોગોમાં અને નાના કારીગરો સુધી લઈ જવાની, દેશમાં નાની આવક ધરાવતા લોકોને વધુ મજબૂત કરવાની વાત મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક વાણિયાએ કરી હતી. સમજાયું હતું કે આ દેશની ઇકોનોમીમાં જેટલા પૈસા બજારમાં આવતા રહેશે એટલી ઇકોનોમી અથવા અર્થશાસ્ત્ર મજબૂતીથી ઘૂમતું રહેશે. આ દેશની ઇકોનોમી એવી બદલાઈ છે કે પૈસા વધુ ને વધુ તિજોરીઓમાં અને વિદેશોમાં બંધ થતા ગયા છે. લિક્વિડિટી ઓછી છે એને કારણે આર્થિક સંકડામણ અને સમસ્યાઓ વધતી જાય છે.


આપણામાંથી કેટલા જાણે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી અનેક સમસ્યાઓ ભલે ઊભી કરતા હોય, પણ અમેરિકન એને ચાહે છે એનું સૌથી મોટું કારણ એ છે કે એણે પોતાના દેશમાં રોજીની તકો ઊભી કરી છે. Whimsical છે, રંગભેદને બઢાવો આપે છે એવા આક્ષેપો સાથે પણ એણે પોતાના દેશના લોકોને આત્મનિર્ભર બનવા માટે મજબૂર કર્યા છે એ વાત નકારી શકાય તેમ નથી. મેક્સિકન અને ભારતીયો પર નિર્ભર રહેતા અમેરિકન નાગરિકોએ એચવનબી બંધ થતાં પોતે જ પોતાની કંપનીની જવાબદારી લેવી પડશે.


આપણા દેશમાં આ શીખવા અને શીખવવાની બહુ મોટી જરૂર છે. એજ્યુકેશનનો અર્થ અક્ષરજ્ઞાન નથી, એજ્યુકેશનનો અર્થ છે એક વ્યક્તિને, એક નાગરિકને, પોતાની જિંદગી વિશે આત્મનિર્ભર બનાવવો. આત્મનિર્ભરતા કે સ્વયં પર આધારિત રહેવાની કુશળતા ત્યારે જ આવે જ્યારે એને કાેઈ રોજિંદી જિંદગીના સવાલો જાતે ઉકેલતા આવડે.


સવાલ જાતે ઉકેલતા ત્યારે આવડે જ્યારે માણસ સવાલને ઓળખે અને સમજે. એક ભારતીય તરીકે આપણને શું જોઈએ છે? આપણું રાષ્ટ્રગૌરવ શેમાં છે? દેશમાં પરિવારો આપઘાત કરતા હોય, બાળાઓ ઉપર બળાત્કારો થતા હોય, બાંધકામ મજૂર કે ડેઇલી વેજીસ પર જીવતા લોકોને પેટપૂરતું ખાવા ન મળતું હોય, કાંદાના ભાવ સાંભળીને ખેડૂત હાર્ટએટેકથી મરી જતો હોય... ત્યારે રામમંદિર બંધાય કે નહીં એના ઉપરથી આપણે રાષ્ટ્રનેતા પસંદ કરવાના હોય તો આ દેશનો ઉદ્ધાર કેવી રીતે થશે એની ચર્ચા જ નકામી છે.

[email protected]

X
article by kaajalozavaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી