‘પ્રેમ’ હત્યા નથી કરતો... ઈર્ષ્યા, અહંકાર કે અધૂરપ કરે છે

article by kaajal oza vaidya

કાજલ ઓઝા વૈધ

Sep 11, 2018, 01:18 PM IST

સોમવાર ‘દિવ્ય ભાસ્કર’ માટે નો નેગેટિવ ન્યૂઝ છે, પરંતુ ટેલિવિઝનના મીડિયાથી શરૂ કરીને ગૂગલ, મેગેઝિન્સ કે અખબારમાં સતત નેગેટિવ ન્યૂઝ સાંભળવા અને જોવા મળે છે. આ નેગેટિવ ન્યૂઝમાં માત્ર આર્થિક સ્કેમ કે એક્સિડન્ટ કે રેપના સમાચાર નથી હોતા, પરંતુ પ્રિયતમે કે પ્રેમિકાએ પોતાના પ્રેમી કે પ્રેમિકાને મારી નાખ્યાના સમાચાર, એસિડ એટેકના સમાચાર, એના ફોટા ફેસબુક પર કે ઇન્ટરનેટ પર અપલોડ કરવાના કે ગમે તેવો વિડિયો બનાવીને બજારમાં ફરતો કરવાના સમાચાર આપણે સાંભળતા રહીએ છીએ.

પ્રેમ સફળ ન થાય કે પ્રેમ નિવેદનનો પ્રતિભાવ ન મળે તો સામેની વ્યક્તિને બરબાદ કરી નાખવાની વૃત્તિ અને પ્રવૃત્તિ આ સમાજમાં વધતી જાય છે. કોઈ એક વ્યક્તિ, બીજી વ્યક્તિને પ્રેમ કરતી હોય ત્યારે એની બરબાદી કે એને તકલીફ આપવાનો વિચાર પણ કેવી રીતે કરી શકે. ‘પ્રેમ’ શબ્દનો અર્થ જ આપી દેવું અથવા છોડી દેવું એ વાત સાથે જોડાયેલો છે. આપણે બધા માપવામાં એટલો બધો સમય બરબાદ કરીએ છીએ કે ‘પામવા’નું તો રહી જ જાય છે. સંબંધોનો સૌથી પહેલો અને સૌથી આખરી મુદ્દો એ છે કે આપણે સમજ્યા વગર સંબંધો બાંધીએ છીએ.

પ્રેમ કદીએ હત્યા ન કરી શકે, પ્રેમ ઈજા પણ ન પહોંચાડે કે નુકસાન પણ ન જ કરી શકે. પ્રેમનો તો સ્વભાવ જ સામેની વ્યક્તિને સાચવવાનો, સંભાળવાનો, સ્નેહ કરવાનો કે એના વિકાસનો પ્રયાસ કરવાનો છે. પ્રેમની પ્રકૃતિ વ્યક્તિને વધુ સ્નિગ્ધ બનાવે છે

આકર્ષણથી શરૂ થયેલા સંબંધો આકર્ષણ ઓસરી જતા જ પૂરા થઈ જાય છે. સમજણ સાથે જોડાયેલા સંબંધો સમજણને કારણે જ ટકી જાય છે. આપણે સંબંધમાં ક્ષમા કરી શકતા નથી. સામેની વ્યક્તિની નાની-નાની ભૂલોને પણ નોંધીને યાદ રાખવી એ પ્રેમમાં લૂણો લગાડવાનું કામ કરે છે. મહોબ્બતમાં ક્યારેય માલિકીનો ભાવ ન હોઈ શકે. કોઈ એક વ્યક્તિ આપણને ગમી એટલે હવે એ બીજા કોઈને ન ગમી શકે અથવા બીજું કોઈ એને ન ગમી શકે એ કેવા પ્રકારની શરત છે?


આપણો ઉછેર આપણને શીખવે છે કે જે કંઈ ગમ્યું તે બધું આપણું છે, હોવું જ જોઈએ. આજનો સમય હરીફાઈનો સમય છે. ટાર્ગેટ, અચીવમેન્ટ, એસ્પિરેશન્સ, ગોલ, ધ્યેય અને બધું એકસામટું મેળવી લેવાની આપણી વૃત્તિ આપણને થકવે છે. જે માગીએ તે મળી જાય એટલે એક નવો ગોલ, નવું એસ્પિરેશન્સ શરૂ થાય છે. ક્યાંક પહોંચીને જરા શ્વાસ લેવાની કે મળ્યું તે માણ‌વાની ક્ષણો આપણે ગુમાવી દઈએ છીએ. ઇરફાન ખાન, સોનાલી બેન્દ્રે, લીસા રે અને મનીષા કોઇરાલા જેવાં લોકો જ્યારે મૃત્યુને સ્પર્શીને પાછા ફરે ત્યારે જીવન વિશેનો એમનો અભિગમ બદલાઈ જાય છે, પણ ત્યાં સુધી પ્રતીક્ષા કરવાની જરૂર છે? જીવનનું મૂલ્ય કરવા માટે મૃત્યુનો અનુભવ અનિવાર્ય બને છે? સુખનું મૂલ્ય કરવા માટે પીડામાંથી પસાર થવું જ પડે, એવું શા માટે?


કોઈ વ્યક્તિ છોડી જાય ત્યાં સુધી આપણને એના પ્રેમનું મૂલ્ય જ ના થાય એવી પરિસ્થિતિમાં આપણે શા માટે મુકાવાનું પસંદ કરીએ છીએ એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે ને એનો જવાબ કદાચ એક વાર આપણી પોતાની ભૂલોમાં ન મળે અને લાગે કે ફક્ત સામેની વ્યક્તિની ભૂલને કારણે જ આ સંબંધ તૂટ્યો છે તો પણ એને સજા કરવાનો અધિકાર આપણી પાસે છે? પ્રેમ કદી સજા કરી શકે? પ્રેમ તો ક્ષમા જ કરે, સ્નેહ કરે. પ્રેમ પાસે સહનશીલતા છે. પ્રેમ પાસે મુક્તિ છે. આપણને આજે પણ રાધાકૃષ્ણનો પ્રણય યાદ છે, કારણ કે રાધાએ મુક્તિ આપી હતી. જે પૂરા આદર અને સન્માન સાથે પોતાની સાથે જોડાયેલી વ્યક્તિને મુક્ત કરી શકે એ પ્રેમ છે, એ સિવાયનું બધું જે હોય તે, પણ પ્રેમ તો નથી જ.


આ જે કોઈ સમાચારો, સામેની વ્યક્તિને ઈજા પહોંચાડવાના, ખૂન કરવાના, એનો ચહેરો બગાડી નાખવાના કે એના ચરિત્ર પર આક્ષેપ કરવાના આપણે સાંભળીએ કે વાંચીએ છીએ. કોઈકની સાથે એન્ગેજમેન્ટ તૂટે તો એના એન્ગેજમેન્ટ બીજી જગ્યાએ ન થવા દેવાં. માતા-પિતાના આગ્રહ કે દબાણને વશ થઈને જો પ્રિયતમા કોઈ બીજાને પરણી જાય તો એને બ્લેકમેઇલ કરવી કે પ્રિયતમ કોઈ બીજી છોકરી સાથે પરણે તો એના લગ્નમાં પલિતો ચાંપવો. આ શું બતાવે છે? આ બધું ઈર્ષ્યા, અહંકાર કે અધૂરપમાંથી જન્મેલા વર્તન સિવાય કંઈ નથી. પ્રેમ કદીએ હત્યા ન કરી શકે, પ્રેમ ઈજા પણ ન પહોંચાડે કે નુકસાન પણ ન જ કરી શકે. પ્રેમનો તો સ્વભાવ જ સામેની વ્યક્તિને સાચવવાનો, સંભાળવાનો, સ્નેહ કરવાનો કે એના વિકાસનો પ્રયાસ કરવાનો છે. પ્રેમની પ્રકૃતિ વ્યક્તિને વધુ સ્નિગ્ધ બનાવે છે. માણસને રૂક્ષ બનાવવાનું કામ અહંકાર અને ઈર્ષ્યા કરે છે. પ્રેમ તો ભીનાશ ઉમેરે છે.

ખેતીલાયક વરસાદ ધોધમાર વરસે તો ન ચાલે. ખેતીલાયક વરસાદ તો ધીમે ધીમે વરસ્યા કરે અને જમીનની ભીતર ઊતરી જાય તો જ કામનો. આકર્ષણ જ્યારે ઓસરે છે ત્યારે કિનારા પર ઈર્ષ્યા, અહંકાર અને અધૂરપ મૂકીને જાય છે. દરિયાનાં મોજાંની જેમ. ધસમસતી ભરતી જ્યારે ફીણ ઉછાળતી, આસપાસના પથ્થરો સાથે ટકરાય છે ત્યારે એ દૃશ્ય કદાચ બહુ સુંદર લાગી શકે, પરંતુ અંતે તો એણે વિખરાઈને વેરાઈ જવાનું હોય છે. ધોધમાર વરસાદ દૃશ્ય તરીકે બહુ ખૂબસૂરત લાગે, એનું ગરજવું, વરસવું ચોમાસાની પૂરેપૂરી અનુભૂતિ આપે એવું બને, પરંતુ એ અનુભૂતિ ક્ષણિક હોય છે. વાદળ પાસે હોય એટલું પાણી પૂરું થાય એટલે એ અનુભૂતિ પૂરી થઈ જાય છે. આકર્ષણ આ ભરતી જેવું છે, ધસમસતું આવે છે. સમાજ, માતા-પિતા અને સમજદાર લોકોની સલાહ સાથે ટકરાય છે, પરંતુ અંતે વેરાઈ જાય છે.

મજાની વાત એ છે કે આપણે બધા જ, અજાણતાં જ જો પ્રેમ મળી જાય અને પામી શકીએ તો એની પૂર્ણતાના આનંદને માણવા તૈયાર હોઈએ છીએ. એની ક્રેડિટ પણ આપણે જ લઈએ છીએ

ધોધમાર વરસાદ થોડીક ક્ષણોમાં ઘણુંબધું પાણી ઢોળી નાખે છે, પણ આમાંથી કશુંય સસ્ટેઇન થાય, રિટેઇન થાય કે સાચવી શકાય એવું બચતું નથી. જ્યારે આદર અને અસ્તિત્વ સાથે જોડાયેલા ઊંડા સ્નેહની અનુભૂતિ ઝરમર વરસાદ જેવી છે. ધોધમાર વરસે નહીં, કોઈ અવાજ કે દેખાડા વગર ચૂપચાપ વરસ્યા કરે, પણ એ બધું પાણી જમીનની ભીતર ઊતરી જાય. કામ લાગે. ઊંડા થઈ ગયેલા તળને ઊંચા લાવે. ઉનાળામાં ધોધમાર વરસાદની માત્ર સ્મૃતિ બાકી રહે છે, જ્યારે ઝરમર વરસાદે જમીનની ભીતર ઉતારેલું પાણી કાળઝાળ ઉનાળામાં પણ તરસ છિપાવવાનું કામ કરે છે.


આપણે જ્યારે કોઈ વ્યક્તિને એમ કહીએ કે, ‘હું તને પ્રેમ કરું છું.’ ત્યારે એ પ્રેમમાં સલામતી, સન્માન અને ક્ષમાનું વચન આપોઆપ અપાઈ જાય છે. પ્રેમ આપણા તરફથી હોય તો આપણા તરફથી તો ટકવો જ જોઈએ? આપણો પ્રેમ બીજી વ્યક્તિના વર્તન પર આધારિત છે? એણે કશું ખોટું કર્યું, એણે આપણને છેતર્યા કે છોડી દીધા એટલે પ્રેમ પૂરો? એનો અર્થ એ થયો કે આપણો પ્રેમ આપણો નહોતો. એના ઉપર આધારિત હતો! નવાઈની વાત એ છે કે પ્રેમ પૂરો થાય ત્યારે એની મધુર સ્મૃતિ જળવાઈ રહેવાને બદલે છેલ્લી કડવાશ વધુ તીવ્રતાથી યાદ રહી જાય છે.

મરીઝ લખે છે, ‘બધો આધાર એની જતી વેળાના જોવા પર છે.’ તો એક બીજા કવિની પંક્તિ છે, ‘નીકળવું હોય તો હમણાં જ નીકળી જા, એ પછી મારી નજર બેડી થઈ જશે.’ મજાની વાત એ છે કે આપણે બધા જ, અજાણતાં જ જો પ્રેમ મળી જાય અને પામી શકીએ તો એની પૂર્ણતાના આનંદને માણવા તૈયાર હોઈએ છીએ. એની ક્રેડિટ પણ આપણે જ લઈએ છીએ, પરંતુ જો કોઈક કારણસર એ પ્રેમ અધૂરો રહી જાય, વ્યક્તિ ન મળે કે એ પ્રેમને એની પૂર્ણતાના મકાન સુધી ન લઈ જઈ શકાય તો જેને ચાહ્યાં એને ખતમ કરી નાખવા કે એને બીજું કોઈ ચાહી શકે એ લાયક નહીં છોડવાની આપણી કઈ વૃત્તિ છે?


પ્રેમ કદી હત્યા ન કરી શકે. પ્રેમ કદી તિરસ્કાર કે કડવાશને જન્મ આપી શકે જ નહીં, પ્રેમનું સંતાન ક્ષમા છે, સૌંદર્ય છે, શાંતિ છે, સલામતિ છે. પ્રેમનું સંતાન ઈર્ષ્યા કે અહંકાર નથી, એ તો ઓસરતા આકર્ષણનાં સંતાનો છે.

[email protected]

X
article by kaajal oza vaidya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી