Home » Rasdhar » કાંતિ ભટ્ટ
પત્રકારત્વની વિદ્યાપીઠ સમા પીઢ પત્રકાર કાંતિ ભટ્ટ ‘દિવ્ય ભાસ્કર’માં ‘આસપાસ’ અને ‘ચેતનાની ક્ષણે’ જેવી લોકપ્રિય કોલમો લખે છે.

આજે બગડેલા પર્યાવરણમાં અખાડા કલ્ચરને જીવતું કરો

  • પ્રકાશન તારીખ04 Jun 2018
  •  

આ જથી ઘણાં વર્ષો પહેલાં કાઠિયાવાડથી નવો નવો હું વડોદરા કોમર્સ કોલેજમાં ભણવા આવ્યો ત્યારે ત્યાં મહારાષ્ટ્રીયનોનો પ્રભાવ હતો. મહારાષ્ટ્રીયનો બોડી બિલ્ડિંગમાં માનતા હતા. અમારા વખતની સ્કૂલોમાં અને અખાડામાં મહુવા-ભાવનગરમાં 74 વર્ષ પહેલાં ડબલબાર હતા, સિંગલબાર હતા. વેઈટ લિફટિંગ હતું. તેનાથી શરીર ખડતલ થતું. છોકરાઓ સ્ટ્રીટ ફાઈટ કરી શકતા. કુસ્તી કરી શકતા. આજે ગુજરાતી- બાળક ટીવી ઉપર માત્ર કુસ્તી જોઈને ખુશ થાય છે. ગુજરાતના કુસ્તીવાળા અખાડા અદૃશ્ય થઈ ગયા છે. હવે જાણે બોડી બિલ્ડિંગ એટલે સલમાન ખાનની માફક ગોટલા ઉપસાવવાની જ કળા છે તેમ આપણે માની લીધું છે. તમે અમેરિકન લેખક ચાર્લ્સ ફ્રેઝરનું પુસ્તક ‘બોડી બિલ્ડિંગ ફોર દ હાયજનિસ્ટ’ વાંચી જાઓ તો તમને ખ્યાલ આવશે કે બોડી બિલ્ડિંગ એ માત્ર સલમાન ખાન કે દારા સિંઘ કે રિતિક રોશનનો જ બિઝનેસ નથી. તમામ ગુજરાતી બાળકને બોડી બિલ્ડિંગના સંસ્કાર જરૂરી છે. તે માટે બોડી બિલ્ડિંગના સાયન્ટિફિક ફાયદા સમજવા જરૂરી છે.
તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે બોડી બિલ્ડિંગનો વ્યાયામ જરૂરી છે. પરંતુ તે ભારતીય ઢબે. આ પ્રશ્નને આજ સુધી કોઈએ છેડ્યો જ નથી. આપણે માત્ર એક્સરસાઈઝ નામનો અંગ્રેજી શબ્દ જાણ્યો છે. માત્ર પોચટિયા વ્યાયામથી સંતોષ લઇએ છીએ. ડો. ફ્રેઝર કહે છે કે વ્યાયામ એ સખત વ્યાયામ હોવો જોઈએ. ખોરાક જેટલું જ વ્યાયામનું મહત્ત્વ છે. આવા વ્યાયામના ગુરુઓ ઓછા રહ્યા છે. પણ સદ્્ભાગ્યે થોડા દેશી બોડી બિલ્ડરો બચ્યા છે. તમે એક્સરસાઈઝ કરો ત્યારે તમારા લોહીના પ્રવાહમાં જબ્બર પ્રાણવાયુનો સંચાર- ધોધની માફક થાય છે. તે પ્રાણવાયુ તમારા શરીરના લાખો કોષોને પુષ્ટિ આપે છે. આ વાત યુવા વર્ગ માટે વધુ લાગુ પડે છે.

બોડી બિલ્ડિંગના સખત વ્યાયામથી તમારા અસ્થિને મસાજ થાય છે, જે આખરે તંદુરસ્ત લોહી પેદા કરે છે.

આવા બોડી બિલ્ડિંગના સખત વ્યાયામથી તમારા અસ્થિને મસાજ થાય છે અને એ અસ્થિમાં પણ વ્યાયામ થકી એવા રક્તકણો પેદા થાય છે જે તમારા અસ્થિમજ્જામાં દાખલ થાય છે. આ વ્યાયામની ટેવ બચપનથી થવી જોઈએ. વ્યાયામ થકી જે પિત્ત સ્વરૂપનું પીળું અસ્થિમજ્જા છે તે ઓછું થાય છે અને તમારા અસ્થિમજ્જાની લાલ ચટક અસ્થિમજ્જા પેદા કરે છે જે આખરે તંદુરસ્ત લોહી પેદા કરે છે. એક્સરસાઈઝ દ્વારા બધા જ મસલ્સને મસાજ મળે છે એટલું જ નહીં પણ તમામ આંતરિક ઓર્ગનો (અંગો)- આંતરડાં, લીવર, કિડની વગેરેને પણ તેની કામગીરી કુશળ રીતે કરવાની તાજગી આપે છે. સખત વ્યાયામથી તમારા જ્ઞાનતંતુ મજબૂત થાય છે. આ વાત કુમાર વયના ટીનેજરોને સૌપ્રથમ લાગુ થાય છે. અદોદળા, ફાંદવાળા માટે મોડું થયું છે છતાં સારા બોડી બિલ્ડર, નેચરલ હાઈજીન શીખવનારા પાસે વજન ઘટાડી તમે બોડી બિલ્ડિંગ શરૂ કરી શકો છો. તે માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
વ્યાયામ બહુ જનરલ શબ્દ છે. તેનાં વિવિધ સ્વરૂપો છે. ઘણા શરીરનું સ્ટ્રેચિંગ કરે છે. હાથ-પગ ઊંચા-નીચા ખેંચે છે. ઘણા જોગિંગ કરે છે. ઘણા સ્વિમિંગ કરે છે. આ બધા વ્યાયામ સામે કુસ્તીબાજો હસે છે. સાચી રીતે હસે છે. કુસ્તી જેવો સંપૂર્ણ વ્યાયામ કોઈ નથી તે કુસ્તીબાજોની વાત 100 ટકા સાયન્ટિફિક છે તેમ ડો. ચાર્લ્સ ફ્રેઝર કહે છે. કેટલાક માને છે કે હેન્ડબોલ રમ્યા કે ટેનિસ રમ્યા કે ટેબલ ટેનિસ રમ્યા કે બાસ્કેટબોલ કે ફૂટબોલ રમ્યા એટલે વ્યાયામ થઈ ગયો! નથી થતો. વૈજ્ઞાનિક ઢબે બોડી બિલ્ડિંગનો કોર્સ કરો તે જ સૌથી સુપિરિયર વ્યાયામ છે. એ વ્યાયામ કરો અને હિંમત કેળવો ત્યારે બુંબિયો વાગે તો રણમાં જઈને લડવાનું મન થશે. હુલ્લડથી ડરશો નહીં. તમને કોઈ દબાવી જશે નહીં.
યુરોપ- અમેરિકામાં બોડી બિલ્ડિંગનું કલ્ચર પેદા થયું છે. ખરેખર તો આપણે જાણે અખાડાનો વિચાર જ નિકાસ કરી દીધો છે. બોડી બિલ્ડિંગ પણ એક સ્વાવલંબી- સસ્તી સ્પોર્ટ્સ એક્ટિવિટી છે. શરીર શાસ્ત્રીઓએ વિવિધ વ્યાયામના લાભની ટકાવારી માંડી છે તેનાથી થતા ફાયદાના ટકા માંડ્યા છે. જુદા જુદા વ્યાયામ થકી તમારા શરીરના વિવિધ સ્નાયુને કેટલો શ્રમ પડે છે? કેટલી સહનશક્તિ કેળવાય છે? શરીરમાં કેટલી લચક આવે છે? કેટલી ઝડપ અને સંકલ્પ આવે છે? તે બધાના આંકડા મંડાયા તો બોડી બિલ્ડિંગ અને કુસ્તીનો આંક 13નો આવ્યો છે- એટલા માર્ક ગણ્યા છે. બોડી બિલ્ડિંગની તાલીમનો શ્રેષ્ઠ સમય સાંજનો છે તેમ ચાર્લ્સ ફ્રેઝર કહે છે. એ વ્યાયામ પહેલાં ચા-કોફી પીવાં ન જોઈએ. માત્ર ફ્રૂટ જ્યૂસ અરધા કલાક પહેલાં પીવો તો ચાલે. પગ, ગરદન, છાતી, પેટ અને હાથ એ પાંચ અંગોને તમામને વ્યાયામ મળવો જોઈએ. આસનો ઉપરાંત આ જરૂરી છે. {

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP