Home » Rasdhar » કાંતિ ભટ્ટ
પત્રકારત્વની વિદ્યાપીઠ સમા પીઢ પત્રકાર કાંતિ ભટ્ટ ‘દિવ્ય ભાસ્કર’માં ‘આસપાસ’ અને ‘ચેતનાની ક્ષણે’ જેવી લોકપ્રિય કોલમો લખે છે.

તુમ્હીને મુઝ કો પ્રેમ સિખાયા સોયે હુએ અરમાનોં કો જગાયા

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  
સાયગલે એક ગીત ગાઈને કુંવારિકાઓ અને કુમારોની ખ્વાહિશને અમર બનાવી છે. તે ગીતની એક પંક્તિ અમર છે ‘એક બંગલા બને ન્યારા, અતિ સુંદર પ્યારા પ્યારા, એક બંગલા બને ન્યારા.’ કુંવારી સ્ત્રીને હંમેશાં ખ્વાહિશ હોય છે કે તેને પ્રેમ કરનારો પતિ મળે અને પછી સુંદર

આપણા હૃદયને કોઈ અકથ્ય લાગણી વલોવ્યા કરે કે મસળ્યા કરે તે જ ખરેખર પ્રેમ છે, પણ એ પ્રેમની પિપાસા કેવી હોય છે?

બંગલો બંધાવીને પ્રેમથી બાળકો સાથે રહે, પણ વાસ્તવિક જીવનમાં આવી મીઠી મધુરી વાર્તા ભાગ્યે જ કોઈના જીવનમાં બને છે. પણ આજે મારે તમને એક રિયલ લાઈફ સ્ટોરી કહેવી છે તે વાંચીને તમે વિચારમાં પડી જશો. જલદીથી આ ‘વાર્તા’ નહીં વાંચી જતા. તે ‘વાર્તામાં’ છુપાયેલી-પાત્રોની સંવદનશીલતાને માન આપજો. વાર્તાના અંતના મર્મને મમળાવજો.
પ્રેમમાં પડનારાની હાલતનું સૌથી ટૂંકું અને ચોટદાર વર્ણન શાયર મિરઝા ગાલિબે કર્યું છે- ‘શાયદ ઈસી કો ઈશ્ક કહેતે હોંગે ગાલિબ, સીને મેં જૈસે કોઈ દિલ કો મલા કરે.’
આપણા હૃદયને કોઈ અકથ્ય લાગણી વલોવ્યા કરે કે મસળ્યા કરે તે જ ખરેખર પ્રેમ છે, પણ એ પ્રેમની પિપાસા કેવી હોય છે? તે પિપાસાની વાત એક ‘વાર્તા’ દ્વારા આજે કહેવી છે.
તમે પણ પ્રેમ ર્ક્યો હશે કે પ્રેમની પિપાસા કેવી છે તે તમને કોઈને કહેવું પડે તે મનથી તમને થોડો આધાર મળે તે માટે ડૉ. જોન વેલવુડ નામના માનસશાસ્ત્રીની વાત કરીએ. ‘અરે ભાઈ! પ્રેમ એ કાંઈ પંચાત કરવાનો વિષય નથી.પ્રેમ એ તો ધબાંગ દઈને કૂદકો મારીને ‘પ્રેમમાં પડવાની’ વાત છે. પ્રેમ કરવામાં સૌથી મોટો આનંદ એ છે કે આપણે સામા પાત્ર વિશેનાં તમામ જજમેન્ટને તડકે મૂકીને- વાસ્તવિકતાનો સામનો કરીને- કોઈ ગમતી વ્યક્તિ જો પ્રેમ આપે અને તમારો પ્રેમ બમણો કરીને પ્રેમ આપે અેને સુંવાળો પ્રત્યુત્તર તમારે આપવો. કારણ કે પ્રેમ એક અવિકલ પિપાસા ન બૂઝે તેવી પ્યાસ છે.
ડૉ. જોન વેલવુડે તેના પુસ્તક ‘ચેલેન્જ ઑફ ધ હાર્ટ- લવ સેક્સ એન્ડ ઈન્ટિમસી’માં લખ્યું છે કે ‘સમય બદલાય છે તેમ તેમ પ્રેમનાં પરિમાણો બદલાય છે. આજે પ્રેમનાં પરિમાણો વિશાળ થયાં છે. પતિ-પત્નીનાં વફાદારીનાં ધોરણો ઢીલાં નહીં પણ જમાના પ્રમાણે ઉદાર અને ક્ષમાશીલ બન્યાં છે. પરંતુ પ્રેમની પિપાસા ઘટી નથી. ઔર વધી છે. આજની 21મી સદીની (અને ખાસ તો મોબાઈલ યુગમાં 2017-18માં) વ્યક્તિ વધુ બહાવરી છે. ગૃહિણી તરીકે રાજસ્થાની કે ગુજરાતી પરિણીત વ્યક્તિ તેનું બહાવરાપણું ધરબી દે છે- નાશ નથી કરતી.
પરંતુ આજે ઘણા મનોવૈજ્ઞાનિકોની દૃષ્ટિએ માનવી પ્રેમના અભાવ થકી બીમાર છે. નવા નવા રોગો આવ્યા છે તેમાં મન એ રોગનું મોટું કારણ છે. પોતે નોતરેલી કેટલીક ભૌતિક બીમારી તો છે જ. પણ કોઈના પ્રેમથી તરછોડાયેલા- પ્રેમને કારણે કેન્સર સુધીના ગંભીર રોગ ઊભા થયા છે. બિન-શરતી પ્રેમમાં એ તાકાત છે કે હૃદયનાં જકડાઈ ગયેલાં સ્પંદનોને છુટ્ટાં કરીને એવી ઔષધિય અસર પેદા કરે છે કે તમારા ઘાનો ઉપચાર બની જાય છે. કોઈ સ્ત્રીને મનગમતું પ્રેમપાત્ર મળી જાય તો કેન્સર જેવો વ્યાધિ પણ સારો થઈ જાય છે.
તમારા તનમનને જે પોષણ અગાઉ ન મળતું તે પ્રેમ થકી પોષણ મળે છે. આવો પ્રેમ માનવીના રોજિંદા ઢસરડાવાળા જીવનમાં કેવો ચમત્કાર લાવે છે તેની એક સાચી વાર્તા સાંભળો. વાર્તાના અંતના મર્મને પચાવજો. વાર્તામાં શ્રેયા નામનું પરિણીત પાત્ર છે તેની વાત છે. વાંચો:- શ્રેયાએ દરવાજાની ઘંટડી વાગતાં દૂધને ઊકળતું છોડીને દરવાજો ખાલ્યો. તેના પતિ અવનીશ ઑફિસ ગયેલા. શ્રેયાની એકની એક પુત્રી નેહા બહારગામ હોસ્ટેલમાં રહી ભણતી હતી. નોકરીની શોધમાં હતી.
શ્રેયાએ દરવાજો ખોલ્યો તો ઈન્ટરફ્લેશ નામની કંપનીની એક રૂપાળી છોકરી ફૂલનો ગજરો લઈને ઊભી હતી. તેણે નેહાને કહ્યું ‘ફૂલનો ગજરો તમારે માટે છે.’ નેહાએ જોયું કે અતિ કીમતી ફૂલોનો ગજરો હતો. શ્રેયાનાં લગ્નજીવનને 21 વર્ષ વીતી ગયેલાં છતાં જુવાની જાળવી હતી. ઈશ્વરદત્ત સૌંદર્ય આપોઆપ જળવાયું હતું. શ્રેયાએ ખૂણામાં પડેલા ફ્લાવર વાઝને ધૂળ ખંખેરી સાફ કર્યુંું અને ગજરો ગોઠવ્યો. ગજરા સાથેની ચિઠ્ઠીમાં લખેલું ‘આઈ લવ યુ શ્રેયા.’ અક્ષરો પણ ટાઈપ કરેલા હતા! મોકલનારનું નામ નહોતું. શ્રેયાના ગાલ પર લાલી પથરાઈ. ઘણાં વર્ષે તેના ગાલ ઉપર સુરખી આવી! તેના પતિ અવનીશ ફૂલના ગજરાનો ખર્ચ કરે તેવા નહોતા. ખર્ચનો પ્રશ્ન નહોતો પણ પતિ અવનીશને દેખાડો ગમતો જ નહીં.
ફૂલના ગજરાથી શ્રેયાને મીઠી મૂંઝવણ વધી. આઈ લવ યુ શ્રેયા! આમ ધડામ દઈને ફૂલના ગજરા સાથે પ્રેમની ઉષ્મા પ્રગટ કરનાર કોણ હશે? શ્રેયાએ ફરીથી કાર્ડ જોયું- આઇ લવ યુ શ્રેયા. શબ્દો તો ઘસાયેલા-પિટાયેલા હતા. પણ છતાં કેવા આહ્્લાદ જગાડનારા! કૉલેજમાં કોઈ મિત્રની શ્રેયાને યાદ પણ નહોતી. મિત્રો તો ઘણા હતા. પણ બધું જ ‘ભુલાઈ’ ગયેલું પણ આ ફૂલના ગજરાએ જાદુ કર્યો. શ્રેયા આરામથી ફિલ્મી ગીતો ગાતી ગાતી નિરાંતે નાહી. ફરીથી તેણે ‘તુમ્હી ને મુઝકો પ્રેમ સિખાયા’ પંક્તિ જોર જોરથી ગાઈ. બધું પડતું મૂકીને શ્રેયા પતિ માટે બ્રાઉન બ્રેડ ખરીદવા પારસીની દુકાને ગઈ. પારસીએ શ્રેયાનો સુંદર દીદાર જોઈ કહ્યું ‘મેડમ કંઈ નલ્લા દેખાઓ છો?’ પાડોશણોએ પણ શ્રેયાની બદલેલી સિકલ જોઈ કોમેન્ટ કરી. શ્રેયા શોપિંગ કરી પાછી આવી ત્યારે પતિ ઘરે પાછા આવી ગયેલા.
‘આ શું? આ ફૂલોની કોણે માથાકૂટ કરી? અવનીશે ફરી શુષ્કતાનો સ્વભાવ પ્રદર્શિત કર્યો. પછી પોતે જ બોલ્યો ‘હું? અને ગજરો? કંઈક ભૂલ થઈ છે. શ્રેયા! તને વળી કોણ ફૂલ મોકલે?- શ્રેયા અવનીશની આવી કોમેન્ટથી ઘવાઈ ગઈ. આંખમાં આંસુ આવી ગયાં! અવનીશે ભૂલ સ્વીકારી અને શ્રેયાને ખુશ કરવા કોશિશ કરી. બન્નેએ ચુપચાપ જમી લીધું. અવનીશ પુરુષ સ્વભાવ પ્રમાણે બોલ્યા, ‘અચ્છા! તો ફૂલના ગજરાનો હજી તોર છે?’ રાત પડી. બન્ને સૂઈ ગયાં. બલકે સૂવાનો ઢોંગ કરતાં હતાં. પડખું ફરીને સૂતાં હતાં. વહેલાં વહેલાં સૂઈ ગયેલાં ત્યારે જ પોસ્ટમેને બેલ મારી. અવનીશે અરજન્ટ ટપાલમાં આવેલો પત્ર લીધો, પણ ફોડ્યો, પત્ર તેની પુત્રીએ લખેલો અને પત્ની શ્રેયા માટે હતો. તેની પુત્રી નેહાએ લખેલો- મારી વહાલી મમ્મી મને નોકરી મળી ગઈ. હું ખૂબ ખૂબ આનંદમાં હતી... અને મમ્મી! તને ‘આઈ લવ યુ શ્રેયા’ કહ્યું તેથી ચિઢાઈ ન જતી. પપ્પા તને ‘શ્રેયા’ કહે છે તો મને થયું કે મારી યુવાન મમ્મીને હું પણ ‘શ્રેયા’ કહ્યું. આ કાગળ વાંચીને અવનીશે તેની પુત્રીને ફોન જોડ્યો ‘ચિ. નેહા તારી મમ્મીને કદી જ કહેતી નહીં કે તેં ગજરો મોકલ્યો હતો. તારા ગજરાએ જાદુ કર્યો છે- થેંક્સ બેટી.’

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP