Home » Rasdhar » કાંતિ ભટ્ટ
પત્રકારત્વની વિદ્યાપીઠ સમા પીઢ પત્રકાર કાંતિ ભટ્ટ ‘દિવ્ય ભાસ્કર’માં ‘આસપાસ’ અને ‘ચેતનાની ક્ષણે’ જેવી લોકપ્રિય કોલમો લખે છે.

એ હાલો આજે કિરતારના બીજા જીવની રંગબેરંગી દુનિયામાં

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  

મોર તારી સોનાની ચાંચ,
મોર તારી રૂપાની પાંખ
રૂપાની પાંખે મોરલો ઊડ્યો માણારાજ...
મારે જાજે ઉગમણે દરબાર,
મોર જાજે આથમણે દરબાર
વીરાને કહેજે વહેલો પધારે માણારાજ...

કુંજલડી રે જાજે વીરાના દેશમાં
એટલું કહેજે સંદેશમાં તારી બહેનીએ લીધી છે બાધા
વેલડું લઈ વહેલો પધારજે માણારાજ
- લોકગીત
આ જે મારે અને તમારે પશુ-પંખીની દુનિયામાં ટહેલ મારવી છે. આપણા માનવો કરતાં પશુ-પંખી વધુ લેરખડા અને સંતોષી હોય છે. આપણામાંના ઘણા જન્મ્યા પછી વતન છોડતા નથી. લેખક પણ પોતાનું લેખન સ્થળ છોડતો નથી. એક ગુજરાતી ઉપતંત્રી તેની ઓફિસને બીજે માળથી વૃદ્ધ થયો ત્યાં સુધીમાં માત્ર ત્રીજે માળ પહોંચ્યો. એટલી વારમાં તો ઘણાં પશુ-પંખી

પક્ષીને નિસરણી જોતી નથી. ખુલ્લું આકાશ કુદરતની અફાટ નિસરણી છે. કોયલ વિશ્વ સફર કરનારું પંખી છે. ઊડીને તે હિન્દુસ્તાનથી આફ્રિકા સુધી પહોંચી જાય છે

આખી દુનિયાની લટાર મારી આવ્યા હોય છે!
પક્ષીને કોઈ નિસરણી જોતી નથી. તેને માટે ખુલ્લું આકાશ કુદરતની અફાટ નિસરણી છે અને એ નિસરણીએ ચડતાં ચડતાં પંખીઓ ગાય છે- મીઠાં ગીતો ગાય છે. આપણે સૌપ્રથમ કોયલને લઈએ. તમે મુંબઈમાં ક્રાફડ માર્કેટ જશો તો ત્યાં તમને ‘મીન્ટ’ અખબારના કહેવા પ્રમાણે પંખીઓનું મોટું બજાર છે તે જોવા મળશે. ટહુકો કરનારી કોયલ તમને રૂ. 250થી રૂ. 300માં મળતી તેના ભાવ હવે બમણા-ત્રણ ગણા થઈ ગયા છે. કોયલ વિશ્વ સફર કરનારું પંખી છે. ઊડીને તે હિન્દુસ્તાનથી આફ્રિકા સુધી પહોંચી જાય છે. તેમને કોઈ પાસપોર્ટની જરૂર નથી. વગર પાસપોર્ટે કે વગર વિઝાએ તે પાકિસ્તાનથી અમેરિકા-યુરોપ પહોંચે છે. કોઈ પણ વિશ્વપ્રવાસી કરતાં પંખી વિદેશો ફરવામાં પહેલે નંબરે છે.
કોયલો ભાગ્યે જ જમીન ઉપર ઊતરે છે. કવિઓએ કોયલને જાણે ‘નારી’ જ કલ્પી છે પણ જે મીઠો ટહુકો તમે સાંભળો છો તે નર કોયલનો ટહુકો હોય છે. (એક આડવાત કરી લઉં કે કોયલ નામનો વેલો થાય છે તેનાં પાનના રસથી સાપનું ઝેર ઊતરે છે!). કોયલના જ આકારનું બુલબુલ (નાઈટિંગેલ) નામનું પક્ષી છે તેને પણ ટૂંકમાં યાદ કરીએ. કિરતારે બુલબુલનું મગજ અનોખું (કોમ્પલેક્સ) બનાવ્યું છે. બીજાં બીજાં પંખીઓ કરતાં બુલબુલ અનેક રીતે જુદા જુદા રાગથી ટહુકો કરે છે તેમ વિજ્ઞાનીઓ કહે છે. અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીનાં પશુ-પંખીશાસ્ત્રીના કહેવા મુજબ ભગવાને બુલબુલનું મગજ અતિ ગૂંચવાળું બનાવ્યું છે! બુલબુલના મગજનો અભ્યાસ કરીને જર્મનીની યુનિવર્સિટીના પંખીશાસ્ત્રીઓએ તારણ કાઢ્યું છે કે માનવી તેના મગજનો વિકાસ કરે તો અનેક ભાષા શીખી શકે છે. અનેક રાગથી ગાઈ શકે છે. ન્યુરોસાયન્ટિસ્ટ કહે છે કે બુલબુલના દાખલા ઉપરથી માનવે જાણવું જોઈએ કે બુલબુલને જો કુદરતે આટલી શક્તિ આપી છે (વિવિધ રાગોના ટહુકા કરવાની) તો માનવને કેટલી શક્તિ આપી હશે?
ભગવદ્્ગોમંડળના ત્રીજા ગ્રંથમાં કોયલ વિશે વિસ્તારથી લખ્યું છે. કોયલની એક 21મી સદીના માનવ જેવી ટેવ છે. આજનો માણસ પોતાનાં સંતાન પેદા કરી તેના ઉછેરનો ભાર બીજાની પાસે ઉપાડાવે છે તેવી જ રીતે કોયલ તેનાં ઈંડાં બીજાં બીજાં પંખીના માળામાં કે કાગડાના માળામાં ઉછેર માટે મૂકે છે! કોયલ ભાગ્યે જ જમીન ઉપર ઊતરે છે. હવે આપણે કુંજલડીને લઈએ. કવિ મીન પિયાસીએ ‘પંખીમેળા’ નામના પુસ્તકનું સંપાદન કર્યું છે તેમાં 47મે પાને કુંજ ઉર્ફે કુંજલડીનું વિસ્તારથી વર્ણન છે. કુંજલડી એક માઈગ્રેટરી એટલે કે પ્રવાસી પંખી છે. તે ટોળામાં જ ઊડે છે અને તમે જોયું હશે કે કુંજ પક્ષીઓ સમૂહમાં ‘વી’ (V) આકારમાં ઊડે છે. શિયાળામાં ખેતરમાં જ્યારે જુવાર, બાજરીનાં ડુંડાં ભરાઈ જાય છે ત્યારે તે તૈયાર પાકને ચણવા કુંજલડા ઊતરી પડે છે. કુંજલ પક્ષીને સીંગનો (મગફળી) પાક ભાવે છે અને જ્યારે ખેતર ઉપર તીડનાં ટોળાં આવે ત્યારે કુંજલડીને તે તીડનો જ નાસ્તો ખૂબ કરવા મળે છે! તીડને કુંજ જમે છે! તમે કુંજલડીનો ખોરાક જોશો તો માલૂમ પડશે કે ઈશ્વરે આ ધરતી ઉપર એકબીજાના ખોરાક વિવિધ અને ઊંચા પ્રકારે નિર્માણ કર્યાં છે. કુંજલડાને નાની જીવાત, લીલી કૂંપળો અને અનાજ તથા મગફળી ખાસ ભાવે છે. તુર્કસ્તાનથી ઊઠીને તે વિશ્વ પ્રવાસ કરીને હિન્દુસ્તાન આવે છે.
આપણે હવે પોપટને યાદ કરીએ. તમે પક્ષીબજારમાં જઈને રૂ. 500નો પોપટ ખરીદી તેને પાંજરે પૂરીને બહુ અન્યાય કરો છો. પોપટ તો એક માનવથી પણ વધુ બુદ્ધિશાળી પંખી છે. પરંતુ એક ખાસ વાત તમે જાણો છો? પક્ષીશાસ્ત્રી કહે છે કે પોપટને નશો કરવાની ટેવ છે તે જાણો છો? ઘણા પોપટ જે મુક્ત રીતે ઊડે છે તે અફઘાનિસ્તાન કે ભારતમાં જ્યાં અફીણ પાકે છે તે ખેતરોમાં ઊડીને પોતાના અફીણનો ક્વોટા લઈ લે છે અને પોપટ એટલો બુદ્ધિશાળી છે કે અમસ્તો તે ઊંચેથી ટહુકા કરે પણ જ્યારે અફીણના ખેતરમાં ઊતરે ત્યારે એક તપસ્વી સાધુ કે જૈન મહારાજની માફક મૂંગો મૂંગો અફીણનું ભોજન કે સેવન કરે છે.
એક વખત અફીણનું સેવન ર્ક્યા પછી પોપટ નશામાં આવીને સૂઈ જાય છે પછી તમે ઢોલનગારાં વગાડો તોય ખેતરના કાંઠે આવેલા વૃક્ષ ઉપરથી પોપટ ઊડતા નથી. ઉત્તર ભારતમાં નીમુચ પ્રદેશમાં ઘણું અફીણ પાકે છે. અમેરિકા-વોશિંગ્ટનનું અખબાર ‘હટિંગટન પોસ્ટ’ કહે છે કે ખેડૂતો કે બીજા લોકો પોપટને ઘાયલ કરે તે પછી તેની સારવાર કરનારા ખાસ ડોક્ટરો પણ રાખે છે. મૈસુરમાં ડો. સર ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીનું દવાખાનું પક્ષીઓ અને ખાસ કરીને ઘવાયેલા પોપટની સારવાર કરે છે. સચ્ચિદાનંદજીએ શુકવન- પેરટ પાર્ક (PARROT PARK) ઊભો કર્યો છે. આ પાર્કમાં ભાત ભાતના પોપટ મળે છે. અહીં બીજાં ઘવાયેલાં પક્ષીની સારવાર પણ થાય છે. પરંતુ પોપટને સ્પેશિયલાઈઝ્ડ સારવાર મળે છે. સ્વામી સચ્ચિદાનંદ શ્રદ્ધાભરી વાત કરે છે કે તમારા સ્વજન જેનો સ્વર્ગવાસ થયો હોય તેને પાળેલો પોપટ તમારો સંદેશો પહોંચાડે છે! પરંતુ તે માટે સ્વામીજી તેને ટ્રેઈનિંગ આપે છે! આફ્રિકાના ઘણા લોકો મોંઘા ભાવે સ્પેનમાંથી પોપટ ખરીદે છે. તે પોપટ 400 ડોલરમાં મળે છે. એક ‘મોર્ગન’ નામનો પોપટ સ્પેનિશ ભાષા જાણે છે. આ પોપટને ફિલ્મ જોવા લઈ જાય તો ફિલ્મની વાર્તા પોપટ યાદ રાખે છે. મોર્ગન નામના પોપટે ‘ધ ગુડ- ધ બેડ (BAD) એન્ડ અગલી (UGLY)’ નામની ફિલ્મ જોઈને તેના માલિકને કહ્યું કે તમે સારા માનવ બનજો, પ્રેમાળ બનજો અને માત્ર પોપટ જ નહીં તમામ પશુ-પંખીને પ્યાર કરજો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP