Home » Rasdhar » કાંતિ ભટ્ટ
પત્રકારત્વની વિદ્યાપીઠ સમા પીઢ પત્રકાર કાંતિ ભટ્ટ ‘દિવ્ય ભાસ્કર’માં ‘આસપાસ’ અને ‘ચેતનાની ક્ષણે’ જેવી લોકપ્રિય કોલમો લખે છે.

ફૂલોની સુગંધ ઈશ્વર-અલ્લાહને પ્યારી છે તો માનવને કેમ ન હોય?

  • પ્રકાશન તારીખ07 Jun 2018
  •  

પહલે પહલે પ્રેમ કા- ક્યા કહીએ રૂપરંગ
કચ્ચી ઈમલી મેં રચે જૈસી મીઠી ધૂપ!
ઊંચી મહિમા પ્રેમ કી ઊંચા ઉસકા ફેર
ઈસકે કારણ રામને ખાયે જૂઠે બેર
- સૂર્યભાનુ ગુપ્ત

સૌથી કુદરતી અને પોતે જીવે ત્યાં સુધી સુગંધ ફેલાવતું હોય તો તે ફૂલ છે. ફૂલ એક કુદરતી જીવતું જાગતું સુગંધી ઔષધાલય છે. તે સ્વાસ્થ્યની તકલીફોમાં મદદરૂપ થાય છે

‘એક હાથ કી તાલી’ કાવ્યસંગ્રહમાંથી

‘ય હ ધરતી સોના ઉગલે, ઉગલે હીરા મોતી’- આ રાષ્ટ્રીય ગીતમાં એક વાત ઉમેરવાની બાકી છે. મૂંગી મૂંગી આ ધરતી માનવ જ નહીં પણ દરેક કોમના ઈશ્વર-અલ્લાહને ખુશ કરતી ધરતીની પુત્રી છે. અને તે પુત્રીનું નામ ફૂલ છે. કોણ જાણે કુદરતને પણ ખુશબોનો શોખ છે. આપણે હિન્દુ હોઈએ કે મુસ્લિમ, આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે નાની સરખી અગરબત્તીની ખુશબો ફેલાવીએ છીએ. નાથદ્વારાના ભગવાન હોય કે મુસ્લિમ બિરાદરોની દરગાહ કે પવિત્ર ધામ હોય તે બધી ખુશબો અગરબત્તી કે ગૂગળનો ધૂપ કે કોઈને કોઈ કુદરતી સુગંધ ફેલાવાય છે. ફૂલો અને ફૂલોના વિશ્વવ્યાપી વેપાર અને ફૂલો કેવી કરામત કરે છે તે વિશે બહુ લખાયું છે- મેં પણ લખ્યું છે પણ ફૂલની ખુશબો જેટલી અજર-અમર છે તેટલો તેનો વિષય અમર-સુગંધ ફેલાવનારો છે. નાથદ્વારામાં ભગવાનની પૂજામાં વપરાતી સુગંધથી માંડીને હવે ફ્લાવર થેરપી એટલે કે ફૂલ ચિકિત્સા સુધી વાત પહોંચી છે. પરદેશમાં ગંધ-સુગંધ અને અમુક અમુક ફૂલોની પથારીમાં દરદીને સુવાડીને રોગ પણ સારા કરાય છે.
ફૂલ કે ધૂપ કે ગંધ સુગંધ એ વિષય કોસ્મોપોલિટન છે. તેમાં કોઈ અમુક ધર્મની વાત નથી. ફૂલ સર્વધર્મનો રાજા છે. સેક્યુલર છે. ફૂલનો ઉત્તમ ગુણ કયો છે? ફૂલ તમને ગુમરાહ કરે છે- તમને ખુશ કરે છે. ગુલાબનો પણ એ સંદેશ છે કે તેની સુગંધ સાથે કાંટાના ઘા પણ સાવધાન ન રહો તો ઝીલવા પડે છે. અમુક સુગંધ પુરુષ પ્રેમી કે પ્રેમિકાને ગુમરાહ કરે છે.
આવા ગુમરાહ કરવાના ખુશબોનો (અત્તર વગેરે) જગતભરનો વેપાર રૂ. 2500 અબજ જેટલો 2015માં હતો. આજે કેટલાય ગુણો વધી ગયા છે. આજે 2018ના ઉનાળામાં વાત કરું છું, માણસોના પસીના ગંધાય છે. દરેક 10 જણમાં છ જણના પરસેવા ગંધાય છે. તેણે કોઈ ને કોઈ કેમિકલ ખુશબોથી પરસેવાની ગંધ દાબવી પડે છે. પહેલાં પ્રેમિકાને આકર્ષવા સેન્ટ, અત્તર કે સુગંધી ફૂલ વપરાતું. આજે પ્રેમ અને પ્રેમિકા બન્નેના ખોરાક એટલા બધા વંઠી ગયા છે કે આકર્ષણ કરતાં પોતાના પસીનાની ગંધ દબાવવા ખુશબો- અત્તર વપરાય છે. અબોલા દૂર કરવા માટે ફૂલનો ઉપયોગ થાય છે. તમારા પ્રેમી કે પ્રેમિકાને એક સુગંધી જાશવંતી કે ગુલાબ કે મોગરાનું કે ચમેલીનું ફૂલ ભેટ ધરો એટલે પ્રેમીઓ ખુશ ખુશ!
તમને જાણીને નવાઈ લાગશે કે નોબેલ પ્રાઈઝ આપતી કમિટીએ 4 ઓક્ટોબર, 2004માં બે રસાયણ વિજ્ઞાની- કેમિસ્ટ્રીના નિષ્ણાતોને સાયન્સ ઓફ સ્મેલમાં (Smell) નોબેલ પ્રાઈઝ આપેલું. એક વિજ્ઞાની ડો. રિચાર્ડ એક્સેલ હતા અને બીજી મહિલા નામે કુંમારી લિન્ડા બક હતી. બન્નેને 13 લાખ ડોલરનું સુગંધી અંગેનું નોબલ પ્રાઈઝ ચૌદ વર્ષ પહેલાં મળેલું!!! આ બન્ને વિજ્ઞાનીઓએ મળીને 1991માં 1000 જેટલા કુટુંબોના વિવિધ રોગોનું સર્વેક્ષણ કર્યું. તેમાં ખાસ કરીને ઓલફેક્ટરી (OLFACTORY) સુગંધશાસ્ત્રનો ખાસ ઉપયોગ કર્યો. કાર્ડિફ યુનિવર્સિટીમાં (ઈંગ્લેન્ડમાં) આખી સુગંધ શાસ્ત્રીની ફેકલ્ટી છે. સૌથી સમાન તત્ત્વ એ આવ્યું કે જે વ્યક્તિને તેના જીવનસાથી તરફથી ખૂબ ખૂબ પ્રેમ મળે છે તેના શરીરમાં સુગંધ પ્રવેશે છે. પ્રેમ એક સુગંધી ફેલાવનારું તત્ત્વ છે. શરીરની ગંધ દબાવવા સેન્ટ કે સુગંધ વપરાય છે.
દરેક ધર્મના દેવ જાણે સુગંધના શોખીન છે. સૌથી કુદરતી અને પોતે જીવે ત્યાં સુધી સુગંધ ફેલાવતું હોય તો તે ફૂલ છે. તમારી સુગંધ પારખવાની શક્તિને સૌ પ્રથમ સાચવજો. આ વાત આપણાં પ્રાણીઓ પણ જાણે છે. હું સાત વર્ષનો હતો ત્યારે મારે ઘરે દૂઝણી ગાય હતી અને દૂઝણી ભેંસ પણ હતી. દૂઝણી ગાય તેને જે ખીલે બંધાય તે ખીલો સૂંધીને પોતાના જ ખીલા પાસે ઊભી રહેતી.
આપણને ખબર વગર કુદરત ફૂલ દ્વારા સુગંધીરૂપ દિવ્યસંગીત આખા જગતમાં ફેલાવે છે. મારી પાસે ‘ફલાવર’ વિશેનાં ત્રણ મહત્ત્વનાં પુસ્તકો છે. એક પુસ્તક મને મેઘનાદ દેસાઈએ ભેટ આપેલું. ‘ધ એનસાઈક્લોપીડિયા ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન એન્ડ સેલ્ફ હેલ્પ.’ એ પુસ્તકમાં ફ્લાવર થેરપીની વાત પણ લખી છે. સુંગધ દ્વારા રોગ સારા કરાય છે અને દુર્ગંધ દ્વારા રોગ ફેલાવી શકાય છે!
ઉરુલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં હું આઠ વર્ષ સેવક તરીકે રહેલો (સેવાવૃત્તિ રૂ. 65) ત્યારે અડધોઅડધ દરદી કબજિયાતના આવતા હતા. મોટા ભાગના એરંડિયાથી માંડીને એલોપથીની દવા લેતા હતા. તેમના ખોરાકમાંથી તળેલા, ભૂંજેલા ખોરાક અને જંકફૂડ કેન્સલ કરાયું એટલે બે મહિના પછી કબજિયાતની ફરિયાદ ‘કેન્સલ’ (!) થઈ ગઈ હતી!
આપણો મુખ્ય વિષય ફ્લાવર્સ- ફૂલ- ચિકિત્સાનો હતો. ફૂલ એક કુદરતી જીવતું જાગતું સુગંધી ઔષધાલય છે. તે માટે તમારે ડો. ગ્રેગરી લામીસ (GREGORY VLAMIS)નું પુસ્તક વાંચવું જોઈએ. પુસ્તકનું નામ છે ‘ફલાવર્સ ટુ ધ રેસ્કયુ.’ ફૂલો તમારી સ્વાસ્થ્યની તકલીફોમાં મદદરૂપ થાય છે.
ડો. ગ્રેગરી આજના વાચકને ચેતવે છે કે તમારી જીવનશૈલીમાંથી નેગેટિવ વાતો કાઢી નાખો. મારો એક વૈદ્ય મિત્ર તેની સામાન્ય વાતચીતમાં યસ-યસ જ બોલે છે. દરેક વાતના જવાબમાં તે હકારાત્મક હોય છે એટલે આપણે તેના ઉપરથી પાઠ લઈને હંમેશાં પોઝિટિવ બનીએ. ફૂલોનો સંદેશ પોઝિટિવ છે. આપણા રોજિંદા જીવનમાં અને પત્ની કે પ્રેમિકા સાથેના વર્તનમાં ડીસ હાર્મની થાય ત્યારે બન્નેને કબજિયાત થઈ જાય છે પણ સરળ ઉપાય છે કે પત્ની સાથે પ્રેમપૂર્વક વર્તો. કબજિયાત દૂર થશે. {
ફૂલ ઔર કાંટે
ફૂલ કે સાથ કાંટે ઈસ લિએ હૈ કિ દુનિયા
સૌંદર્ય કો દેખે તો પર છૂ ન શકે!
પ્રકાશ કે સાથ તાપ ઈસ લિએ હૈ કિ
દુનિયા ઉસે પાયે તો પર રખ ના શકે!
ઈસી પ્રકાર કવિ કે ગીત મેં વેદના
ઈસી લિએ હૈ કિ દુનિયા ઉસે
ગાયે પર ભૂલ ન શકે!
} કવિ નીરજ
(કાવ્યસંગ્રહ ‘દર્દ દિયા હૈ’)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP