ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

એપ્સ કરે છે અવાજની જાસૂસી

  • પ્રકાશન તારીખ24 Apr 2019
  •  

જો તમે ગઈ કાલે મતદાન કર્યું હશે, તો એનો અર્થ એ થયો કે તમે તમારા વિસ્તારની કોઈ એક વ્યક્તિને આગામી પાંચ વર્ષ સુધી તમારી ખરેખર સેવા કરવાની અથવા તો પછી તમને ઊઠાં ભણાવવાંની પરમિશન આપી દીધી! આપણે મોટા ભાગે જે તે વ્યક્તિને બદલે પક્ષ (કે તેની કેન્દ્રિય નેતાગીરી)ને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોવાથી, મત કોને આપવો એ પહેલેથી નક્કી કરી લીધું હોય એટલે વોટનું બટન દબાવતી વખતે આપણે ઉમેદવાર પોતે કેવા છે એ વિશે ઝાઝો વિચાર કરતા નથી.
બરાબર એ જ રીતે, સ્માર્ટફોનમાં કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરવાનું બટન દબાવતી વખતે, આપણે એ એપ ખરેખર કેવી છે એ વિશે ઝાઝો વિચાર કરતા નથી. ઘણા નેતાની જેમ ઘણી એપ આપણા માથે પડતી હોય છે અને ઘણી એપ ઘણી મોંઘી પણ પડતી હોય છે!
ઇન્સ્ટોલેશન વખતે એપ આપણી કઈ કઈ પરમિશન્સ માગે છે એ તરફ તમે પૂરતું ધ્યાન આપતા ન હો, તો આ બાબતે નવેસરથી વિચાર કરવાનો સમય આવી ગયો છે.
જો તમે હમણાં એન્ડ્રોઇડના લેટેસ્ટ પાઇ વર્ઝનવાળો નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદ્યો હોય કે તમારા ફોનમાં એન્ડ્રોઇડ 9 વર્ઝનની અપડેટ મળી ગઈ હોય તો તમારા માટે એક ખુશખબર છે. એન્ડ્રોઇડ કહે છે કે આ વર્ઝનથી તમારા ફોનમાંની કોઈ પણ એપ જ્યારે સ્ક્રીન પર ચાલુ ન હોય ત્યારે સ્માર્ટફોનના માઇક્રોફોન કે કેમેરાનો ઉપયોગ કરી શકશે નહીં.
આ છેલ્લું વાક્ય બીજી વાર વાંચશો તો તમને ચોક્કસ ઝાટકો લાગશે. નવા વર્ઝનમાં આ સગવડ છે, એનો અર્થ એ થયો કે એન્ડ્રોઇડ 9 પહેલાંના વર્ઝનમાં જ્યારે આપણે કોઈ એપ ઓપન કરી ન હોય ત્યારે એ બેકગ્રાઉન્ડમાં એક્ટિવ રહીને ફોનના માઇક્રોફોનથી ફોનને સંભળાતા અવાજને રેકોર્ડ કરી શકે છે કે કેમેરાને દેખાતી બાબતો કેપ્ચર કરી શકે છે.
આ જ સંદર્ભે થોડા સમય પહેલાં એવો એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે ગૂગલ પ્લે સ્ટોરમાંની સેંકડો ગેમ્સ તથા આઇઓએસ એપ સ્ટોરમાંની અમુક ગેમ્સ પણ, ‘ઓટોમેટેડ કન્ટેન્ટ રેક્ગ્નિશન’ નામની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણી જાસૂસી કરતી હતી. આ એપ જો આપણે ઇન્સ્ટોલ કરીએ તો તે સતત એક્ટિવ રહે છે અને આપણી આસપાસ ટીવી પર કોઈ મૂવીઝ કે કોઈ ટીવી શો ચાલુ હોય તો તેને ઓળખી લે છે. તમને ખ્યાલ હશે કે શઝામ અને એપલની સિરી કે ગૂગલ આસિસ્ટન્ટ કે માઇક્રોસોફ્ટ કોર્ટના જેવા વર્ચ્ચુઅલ આસિસ્ટન્ટ કોઈ પણ ગીત સાંભળીને તેને વિશે કેટલીય માહિતી આપણને ઇન્ટરનેટ પરથી તારવી આપે છે. આપણા ફોનમાં રહેલી પેલી ગેમ્સની એપ તેને જે કંઈ સંભળાય તે કેપ્ચર કરીને એવા એડ નેટવર્કને મોકલે છે, જે અવાજ ઓળખવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ સાઉન્ડ બાઇટ્સમાં જે ટીવી શો કે મૂવીઝનો સાઉન્ડ પકડાય તેને આધારે આપણી પસંદ-નાપસંદ નક્કી કરીને, એ મુજબ આપણા એડવર્ટાઇઝિંગ પ્રોફાઇલ તૈયાર થાય છે.
મતલબ કે આપણે કોઈ ચોક્કસ ટીવી ચેનલ વારંવાર જોતા હોઈએ અને એ ચેનલ ઇન્ટરનેટ પર જાહેરાત કરતી હોય, તો આપણને આપણા સર્ફિંગ વખતે એ જ ચેનલની જાહેરાત વારંવાર બતાવવામાં આવે!
એન્ડ્રોઇડ 9થી આવું થવાનું પ્રમાણ ઘટશે અને જો તમારી પાસે એન્ડ્રોઇડનું છઠ્ઠું કે ત્યાર પછીનું વર્ઝન હોય તો તમે એપ્સને આપેલી મંજૂરીઓ તપાસીને રદ પણ કરી શકો છો. કોઈ એપ તમારી જાણ બહાર તેને સંભળાતા અવાજ કે દેખાતાં દૃશ્યો કેપ્ચર ન કરે તેવું ઇચ્છતા હો તો સ્માર્ટફોનના સેટિંગ્સમાં એપ્સ પરમિશન્સ શોધીને તેમાં તમારા ફોનમાંની કઈ કઈ એપ્સ માઇક્રોફોન અને કેમેરાની એક્સેસ ધરાવે છે તે તપાસી જુઓ.
જે એપમાં દેખીતી રીતે માઇક્રોફોન અને કેમેરાની એક્સેસ જરૂરી હોય (જેમ કે વોટ્સએપ) તેના સિવાયની બિનજ‚રૂરી એપ્સને આવી એક્સેસની મંજૂરી હોય તો તે રદ કરી દેવી હિતાવહ રહેશે.

www.cybersafar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP