ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

ફેક રિવ્યૂની બેધારી તલવાર

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

સ્માર્ટફોનમાં તમે કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરો ત્યારે કઈ કઈ વાતનું ધ્યાન રાખો? એપ બહુ જાણીતી હોય તો જુદી વાત છે, બાકી આપણે જોઈતી એપ કેટલીક વાર ડાઉનલોડ થઈ છે, તેને માટે લોકોએ કેવાક રિવ્યૂ લખ્યા છે એના પર નજર દોડાવીને નક્કી કરીએ કે એપ ખરેખર વિશ્વાસપાત્ર છે કે નહીં.


હવે તકલીફ એ છે કે આ રિવ્યૂ પોતે જ વિશ્વાસપાત્ર રહ્યા નથી!


દિવસે ને દિવસે ઇન્ટરનેટની વિશ્વસનીયતા જોખમાતી જાય છે. વોટ્સએપ જેવી સરસ સર્વિસ ફેક મેસેજીસને કારણે વગોવાઈ ગઈ છે, પણ ઇન્ટરનેટ પર બનાવટનો સિલસિલો મેસેજ કે ન્યૂઝ પૂરતો સીમિત નથી. હજી હમણાં જ ગૂગલે જાહેર કર્યું છે કે તેણે એન્ડ્રોઇડ માટેના પ્લે સ્ટોરમાંથી લાખો ફેક રિવ્યૂઝ ડિલીટ કર્યા છે. વિવિધ કંપનીની શોપિંગ સાઇટ્સ, પ્લે સ્ટોર્સ, બિઝનેસ પેજીસ વગેરે તમામ પર ફેક કન્ટેન્ટનો ત્રાસ સતત વધી રહ્યો છે.

  • ઇન્ટરનેટ પર ફેક મેસેજની જેમ ફેક રિવ્યૂ પણ સમસ્યા સર્જી રહ્યા છે

સામાન્ય રીતે આવા કન્ટેન્ટને ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય. એક છે ‘બેડ કન્ટેન્ટ’, જેમાં મૂળ પ્રોડક્ટ કે એપની વાત કરવાને બદલે કંઈક ભળતી જ વાતો લખી હોય કે બીજી કોઈ રીતે વાંધાજનક લખાણ હોય. બીજો પ્રકાર છે ‘ફેક રિવ્યૂ’, જેમાં એપ કે પ્રોડક્ટ માટે કાં તો એકસામટા પોઝિટિવ અથવા નેગેટિવ રિવ્યૂઝનો મારો કરવામાં આવે. એ માટે મોટા પ્રમાણમાં જે તે સર્વિસમાં બનાવટી યૂઝર એકાઉન્ટ્સ પણ ખોલવામાં આવે. ત્રીજો પ્રકાર છે, ‘ઇન્સેન્ટિવાઇઝ્ડ રિવ્યૂઝ’, મતલબ કે કંઈક ઇન્સેન્ટિવ, લાભ મેળવીને તેના બદલામાં જે તે એપ કે પ્રોડક્ટ વિશે સારી સારી વાતો લખવામાં આવી હોય. આવા યૂઝર જેન્યુઇન હોય, પણ તેમના રિવ્યૂ ગેરમાર્ગે દોરનારા હોય!


એટલે ઇન્ટરનેટના યૂઝર તરીકે આપણા માટે આવા ફેક રિવ્યૂ બેધારી તલવાર છે. એક, કોઈ પણ એપ ડાઉનલોડ કરતી વખતે કે પ્રોડક્ટ ખરીદતી વખતે આપણે તેના રિવ્યૂઝ પર ખાસ ભરોસો મૂકી શકતા નથી (એટલે જ ઘણી શોપિંગ સાઇટ્સ પર જે તે રિવ્યૂ જેન્યુઇન બાયર કે વેરિફાઇડ યૂઝર તરફથી છે એવી સ્પષ્ટતા કરવામાં આવે છે). બીજી બાજુ, એવું પણ બની શકે કે તમારા ફેસબુક પેજ કે ગૂગલ માય બિઝનેસ પેજ પર તમારા બિઝનેસને નુકસાન કરવા ખાતર ફેક રિવ્યૂઝનો મારો કરવામાં આવી રહ્યો હોય!


આવા રિવ્યૂને દૂર કરવા બહુ મુશ્કેલ છે. ઘણી ડિજિટલ માર્કેટિંગ કંપની આવી સ્થિતિમાં તમને ‘મદદ’ કરવા માટે, નેગેટિવ રિવ્યૂની સામે ‘તમે કહો એટલા’ પોઝિટિવ રિવ્યૂઝ મૂકી આપવાનું વચન આપતી હોય છે.

આને પણ ‘ફેક પ્રોમિસ’ ગણવા જેવું છે! પોઝિટિવ રિવ્યૂ માટે કાં તો જેન્યુઇન યૂઝર્સની ફોજ સામે લગાડવી પડે અથવા સંખ્યાબંધ કામચલાઉ મેઇલ એકાઉન્ટ ઓપન કરીને તેની મદદથી ‘પોઝિટિવ’ રિવ્યૂ પોસ્ટ કરવામાં આવે, પરંતુ આવાં કામચલાઉ એકાઉન્ટ, ધારો કે જીમેઇલનાં હોય તો ગૂગલ કંપની એટલી સ્માર્ટ તો છે જ કે જે મેઇલ એકાઉન્ટ પર કોઈ એક્ટિવિટી ન થતી હોય અને માત્ર રિવ્યૂઝ પોસ્ટ થતા હોય તો તેનો હેતુ તે સમજી જાય. જો આવાં ફેક એકાઉન્ટથી તમારા બિઝનેસ પેજ પર રિવ્યૂઝ મુકાતા હોય તો સરવાળે તમને વધુ નુકસાન થઈ શકે છે!


એટલે નેગેટિવ ફેક રિવ્યૂના સંજોગમાં તમે પોતે વળતો, નમ્રતાભર્યો જવાબ આપીને રિવ્યૂ કરનાર પાસે વધુ સ્પષ્ટતા માગશો તો અન્ય સમજદાર લોકો નીર-ક્ષીરનો વિવેક પોતે કરી લેશે.

www.cybersafar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP