ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

ફિઝિક્સ ગમે છે?

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  

તમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર ગમે કે નહીં? આ સવાલના જવાબનો આધાર, ઘણે અંશે, તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર છે. આ બંને વિષયો સ્કૂલમાં ભણ્યાને વર્ષો વીતી ગયાં હોય અને હવે તમારા રોજિંદા જીવનમાં બંને વિષયનું કોઈ ખાસ મહત્ત્વ દેખાતું ન હોય (હોય તો ખરું, પણ દેખાતું ન હોય!) તો તમારો જવાબ સ્પષ્ટ ‘ના’માં હોય, પણ આ જ સવાલ અત્યારે સ્કૂલમાં ભણતા અને ધારદાર જિજ્ઞાસાવૃત્તિ ધરાવતાં તમારાં સંતાનને પૂછો તો જવાબ ઉત્સાહભર્યા ‘હા’માં હોઈ શકે!

  • ફિઝિક્સ અને મેથ્સ બંનેને સાંકળતાં સિમ્યુલેશન્સ ઊંડાણથી તપાસવા જેવાં છે

આવો ફેર કેમ? કારણ કદાચ એ હોઈ શકે છે કે અગાઉના સમયમાં ગણિત અને વિજ્ઞાનને પ્રેક્ટિકલી સમજવાના એટલા રસ્તા નહોતા જેટલા આજે છે. સદ્્ભાગ્યે આપણું શિક્ષણ વધુ ને વધુ પ્રવૃત્તિ આધારિત બનતું જાય છે, પરિણામે ગણિત વિજ્ઞાનનાં વિવિધ પાસાં રસપ્રદ રીતે શીખવાની તક
મળે છે.


આવી એક તક, આજના સમયની ટેક્નોલોજીના પ્રતાપે આપણને આપે છે એક મજાની વેબસાઇટઃ www.myphysicslab.com આ સાઇટ ભૌતિકશાસ્ત્રના વિવિધ કન્સેપ્ટ ‘દેખીતી રીતે’ સમજવા માટે ખરેખર એક હાથવગી પ્રયોગશાળા તરીકે કામ આપે છે!


સાઇટના ડેવલપર એરિક ન્યૂમેન એક અમેરિકન સોફ્ટવેર એન્જિનિયર છે. એરિક કહે છે કે શિકાગોમાં મ્યુઝિયમ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની નજીકમાં તેમનું ઘર હતું, જેની વારંવારની મુલાકાતોને કારણે તેમને વિજ્ઞાન અને ગણિતમાં ઊંડો રસ જાગ્યો. પછી તો એમણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કારકિર્દી ઘડી, પણ સાયન્ટિફિક કમ્પ્યૂટિંગ શીખવાના એક અંગત પ્રોજેક્ટ તરીકે અને એક ઓનલાઇન સાયન્સ મ્યુઝિયમ વિકસાવવાના સ્વપ્ન સાથે 2001માં આ વેબસાઇટ ડેવલપ કરવાનું શરૂ કર્યું. આજે આ સાઇટની ડિઝાઇન વીસ વર્ષ જૂની જ છે, પણ તેમાં ફિઝિક્સના વિવિધ કન્સેપ્ટ સમજાવતાં 50થી વધુ સિમ્યુલેશન્સ છે, એટલું જ નહીં, જે તે કન્સેપ્ટમાં વેગ, બળ, કદ, ગુરુત્વાકર્ષણ વગેરે કેવો ભાગ ભજવે છે તે સમજવા માટે આ દરેક પેરામીટર બદલવાની સગવડ પણ છે. વધુ ઊંડા ઊતરવું હોય તો દરેક મોશનને મેથેમેટિકલ ગ્રાફ સ્વરૂપે પણ જોઈ શકાશે, પણ આ સાઇટની મજા કે ઉપયોગિતા આટલી સીમિત નથી.


જો તમને ફિઝિક્સ ઉપરાંત, કમ્પ્યૂટર પ્રોગ્રામિંગમાં પણ રસ હોય તો એરિકે પોતાની સાઇટનો આખો સોર્સ કોડ ઓપન સોર્સ સોફ્ટવેર તરીકે સૌને ઉપલબ્ધ કર્યો છે. પોતે આ સિમ્યુલેશન્સ કેવી રીતે વિક્સાવ્યાં છે એ પણ તેમણે સમજાવ્યું છે અને સોર્સ કોડમાં, દરેક સિમ્યુલેશનની એક એક્ઝામ્પલ ફાઇલ આપી છે, જેનો બીજો ઉપયોગ પણ થઈ શકે, જેમ કે કોઈ ટીચર ક્લાસમાં ઇન્ટરનેટ કનેક્શન ઉપલબ્ધ ન હોય ત્યારે પણ આ સિમ્યુલેશન્સ પોતાના વિદ્યાર્થીઓને બતાવી શકે છે.


એટલું ખરું કે આ સાઇટ તમને ખરેખર ગમે એ માટે ઘણી શરતો પૂરી થવી જોઈએ– તમને ફિઝિક્સમાં ભરપૂર રસ હોવો જોઈએ, ફિઝિક્સમાં સમાયેલ મેથ્સ સમજવાની જિજ્ઞાસા હોવી જોઈએ, એથી આગળ વધીને કોડિંગની મદદથી અવનવાં મોડેલ્સ બનાવવામાં પણ રસ હોવો જોઈએ અને એથી પણ આગળ વધીને આ બધી સમજ અને પ્રેક્ટિકલ નોલેજને એકમેક સાથે સાંકળીને કંઈક નવું જ શોધી બતાવવાની ધગશ હોવી જોઈએ!

www.cybersafar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP