ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

મેસેન્જરમાં મોટા ફેરફાર

  • પ્રકાશન તારીખ20 Jan 2019
  •  

જો તમે લાંબા સમયથી તમારા સ્માર્ટફોનમાં ફેસબુકની મેસેન્જર એપનો ઉપયોગ કરતા હશો તો થોડા સમયમાં તમને એક ઝાટકો લાગશે (અથવા કદાચ લાગી ચૂક્યો હશે), જે સુખદ પણ હોઈ શકે અને દુઃખદ પણ!

  • નવા મેસેન્જરમાં ફીચર્સની ભરમાર તો છે જ, પણ તેને માત્ર ત્રણ ટેબ, ચેટ્સ, પીપલ અને ડિસ્કવરમાં સમાવી લેવામાં આવ્યાં છે

સામાન્ય રીતે જબરજસ્ત લોકપ્રિય હોય એવી કોઈ એપ કે વેબ સર્વિસ પોતાના યૂઝર ઇન્ટરફેસ (એટલે કે આપણને સ્ક્રીન પર જે કંઈ, જે રીતે દેખાય એ બધું જ)માં બહુ મોટા ફેરફાર કરતી હોતી નથી. કારણ સાદું છે - જે લોકોને જચી જ ગયું છે એમાં ફેરફાર શા માટે કરવો? પણ મેસેન્જર એપમાં બન્યું એવું કે શરૂઆતમાં એ એકદમ સિમ્પલ હતી, પછી ફેસબુક કંપનીએ તેમાંથી કમાણી વધારવાના આશયથી યૂઝર્સના ઉપયોગ કે સરળતા બાજુએ રાખીને તેમાં ધરાર જુદાં જુદાં ફીચર્સ ઉમેરવાનું શરૂ કર્યું. પરિણામે એક તબક્કે વાત એટલે પહોંચી કે મેસેન્જર એપ ઓપન કરીએ ત્યારે આપણને જુદાં જુદાં નવ ટેબ દેખાવા લાગ્યાં!


ફેસબુકના દાવા મુજબ તેણે થોડા સમય પહેલાં એક સર્વે હાથ ધર્યો તેમાં દસમાંથી સાત લોકોએ કહ્યું કે મેસેજિંગ એપમાં સિમ્પ્લીસિટી, સરળતા એમને માટે ટોપ પ્રાયોરિટી છે, જે મેસેન્જરમાંથી ખોવાઈ ગઈ હતી (એવું જ હવે વોટ્સએપ સાથે બની રહ્યું છે). આ સર્વેક્ષણનાં તારણોને ફેસબુક દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યા હતા, કારણ કે ફેસબુક જાણે છે કે સોશિયલ મીડિયા ક્ષેત્રે હવે અનેક ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ ઉપલબ્ધ છે અને મેસેન્જરને ટક્કર આપી રહી છે. એપ્સમાં તો યુઝર્સ જ કિંગ હોય છે. યુઝર્સ એક વખત છોડી જાય તો તેને ફરી પાછા લાવવા મુશ્કેલ થઈ પડે. આખરે ફેસબુકે મેસેન્જરના યુઆઇમાં મોટા ફેરફાર કર્યા. જોકે, તેને પણ મિશ્ર પ્રતિસાદ મળ્યા છે અને આ ફેરફાર ન ગમ્યા હોય એવા લોકોનું પ્રમાણ વધુ લાગે છે.


ફેસબુકે આ ફેરફારની જાહેરાત ગયા વર્ષની શરૂઆતમાં કરી હતી, પછી છેક વર્ષના અંતે ઘણા લોકોના એન્ડ્રોઇડમાં આ નવા ફેરફાર દેખાવા લાગ્યા અને પછી અચાનક ગાયબ પણ થયા. આખરે હવે એ સૌ માટે રોલઆઉટ થઈ રહ્યા છે. તમારી મેસેન્જર એપમાં મોટા ફેરફાર ન દેખાય તો એપ અપડેટ કરવાની જરૂર નથી, આ સર્વિસ સાઇડનો ચેઇન્જ હોવાથી તમારી એપમાં આપોઆપ થશે.


નવા મેસેન્જરમાં ફીચર્સની ભરમાર તો છે જ, પણ તેને માત્ર ત્રણ ટેબ, ચેટ્સ, પીપલ અને ડિસ્કવરમાં સમાવી લેવામાં આવ્યાં છે. એક વાત સ્પષ્ટ છે કે ચીનમાં વીચેટ એપ જે રીતે લોકોના રોજિંદા જીવનમાં બેહદ વણાઈ ગઈ છે (ત્યાં તે આપણી વોટ્સએપ, પેટીએમ, સ્વીગી વગેરે અલગ અલગ પ્રકારની અનેક એપના સરવાળા જેવી છે, બધું એક જ એપમાંથી શક્ય છે!) એ જ રીતે બાકીની દુનિયામાં મેસેન્જર માટે બને એવા ફેસબુકના પ્રયાસ છે, પણ એ સ્થિતિ હજી બહુ દૂર છે! એમાંય જો અણઘડ અને ઉતાવળે ફેરફાર કરાશે તો ગંભીર પરિણામ આવી શકે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP