ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.

બીજમાં વૃક્ષ સમાવવાનો પ્રયાસ

  • પ્રકાશન તારીખ16 Jan 2019
  •  

મકરસંક્રાંતિનો થાક ઊતર્યો? ધારદાર માંજાથી કપાયેલી આંગળીઓ ફરી મોબાઇલના સ્ક્રીન પર ઢીલ-ખેંચની રમત કરવા લાગી છે? આપણે ગૂગલ, ફેસબુક, વોટ્સએપ વગેરે પર એટલા બધા પ્રવૃત્ત રહેવા લાગ્યા છીએ કે જગતભરના ડેટા સાયન્ટિસ્ટ્સને આપણે સર્જેલા ખરેખર પારાવાર ડેટાને કેમ સાચવવો તેની ચિંતા થઈ રહી છે.

  • દુનિયાભરના ડેટા સાયન્ટિસ્ટ્સ હવે ડીએનએમાં ડેટા સ્ટોર કરવા મથે છે

પાંચ વર્ષ પહેલાંની સ્થિતિ પ્રમાણે, ત્યારે આપણે અત્યાર સુધીમાં કુલ 4.4 ઝેટ્ટાબાઇટ ડેટા પેદા કરી લીધો હતો. એક ઝેટ્ટાબાઇટ એટલે અંદાજે એક અબજ ટેરાબાઇટ. તેની સામે વિજ્ઞાનીઓ માને છે કે વર્ષ 2025 સુધીમાં આપણે દર વર્ષે 160 ઝેટ્ટાબાઇટ ડેટા સર્જવા લાગીશું. બાઇટની ગડમથલમાં પડ્યા વિના, સાદી વાત એટલી છે કે ડેટાની ત્સુનામી ઉપર ત્સુનામી આવી રહી છે. આખી દુનિયામાં પથરાયેલી, ડેટા સંગ્રહની જે કંઈ સુવિધાઓ છે, એ આ ત્સુનામી સામે સાવ પાંગળી સાબિત થાય તેમ છે.


બીજી પણ એક તકલીફ છે. મોટા ભાગનો ડિજિટલ ડેટા, આપણી વોટ્સએપમાંની કાલીઘેલી વાતોથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ ને વધુ ધારદાર બનાવવા માટે સર્જાતો બિગ ડેટા મોટા ભાગે જે રીતે સ્ટોર થાય છે, એ રીત સસ્તી તો છે, પણ ખાસ્સી જગ્યા રોકે છે. ઉપરાંત, તેની આવરદા માંડ દસ વર્ષની છે. એટલે વખતોવખત જેમ માનવશરીર જીર્ણશીર્ણ થતાં જીવ નવું ખોળિયું શોધે તેમ સ્ટોર કરેલા ડેટાને પણ ચિરંજીવી રાખવા નવેસરથી, નવી જગ્યાએ સ્ટોર કરવો પડે. તો આનો ઉપાય શો?


વિજ્ઞાનીઓ આનો ઉપાય, માનવશરીરનાં ઊંડાં રહસ્યોમાં જ શોધી રહ્યા છે! તમે કહો, આપણું શરીર અને કોઈ વેબ એપ્લિકેશનમાં તમને કોઈ સમાનતા લાગે છે? બંને એક નિશ્ચિત કોડને આધારે આકાર લે છે! આપણું શરીર કેવો આકાર લેશે તેનું રજેરજનું પ્લાનિંગ આપણા ડીએનએમાં સ્ટોર થયેલું હોય છે. વિજ્ઞાનીઓ હવે આ જ ડીએનએમાં ડેટા સ્ટોર કરવાની મથામણામાં પડ્યા છે અને તેમાં ખાસ્સા આગળ પણ વધી ગયા છે!


મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓએ ‘કેટેલોગ’ નામે એક રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને દોઢ-બે વર્ષ પહેલાં તેમને, રોબર્ટ ફ્રોસ્ટની 144 શબ્દની એક નાની અમથી કવિતાને ડીએનએમાં સ્ટોર કરવામાં સફળતા મળી હતી (કવિતાનું શીર્ષક જુઓ – ‘ધ રોડ નોટ ટેકન’! તમને ટેક્નોલોજી કરતાં કવિતામાં વધુ રસ હોય તો આ કવિતા સર્ચ કરીને અચૂક વાંચવા જેવી છે).


નિષ્ણાતો કહે છે કે જો જગતમાં અત્યાર સુધી બનેલી તમામ મૂવીઝને ડીએનએમાં સ્ટોર કરવામાં આવે તો એક શુગર ક્યૂબ જેટલી જગ્યા રોકે અને પૂરાં 10,000 વર્ષ સુધી આ ડેટા ટકે! સરસ, પણ એનો ખર્ચ અત્યારના ડેટાગંજ જેવો જ તોતિંગ છે.

અત્યારે માઇક્રોસોફ્ટ અને ઇન્ટેલ જેવી કંપનીઝ પણ ડીએનએમાં ડેટા સ્ટોરેજના સંશોધનમાં ખાસ્સી આગળ વધી ગઈ છે. હવે હરીફાઇ ડીએનએ સ્ટોરેજનો ખર્ચ ઘડાટીને તેમાં સહેલાઈથી ડેટા સ્ટોર કરીને, ચાહો ત્યારે પાછો મેળવી શકાય એવી સ્થિતિ સર્જવાની છે.


ફૂલ પવનમાં પતંગને ફૂલ ઢીલ આપી દઈએ તો ક્યારેક તો ફીરકીમાં દોરીનો છેડો આવે, પણ ટેક્નોલોજી એવી દોરી છે, જેમાં ગમે તેટલી ઢીલ પછી પણ છેડો આવે તેમ નથી!

www.cybersafar.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP