એટીએમ કાર્ડ ભુલાઈ જશે?

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Sep 12, 2018, 12:05 AM IST

આપણા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ તો વર્ષોજૂનો છે, પણ તેની અસર અને પહોંચ છેક છેવાડાનાં ગામો સુધી પણ પહોંચે એવું હવે બની રહ્યું છે. મોબાઇલ આવ્યા પછી ઇન્ટરનેટ અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું (ભલે કવરેજ અને સ્પીડ હજી એક મોટો પ્રશ્ન છે), પણ લોકોના રોજિંદા જીવન પર તેની અસર હવે દેખાઈ રહી છે – ખાસ કરીને બેન્કિંગના ક્ષેત્રમાં.


આ મહિનાની શરૂઆતમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક લોન્ચ થઈ એ ઘણી બધી રીતે નવા સીમાચિહ્્ન સમાન છે. અલબત્ત, આપણે વધુ કેટલાક વિવાદો માટે પણ તૈયાર રહેવું પડે એવું લાગે છે.ભારતમાં આઝાદીના પાંચ સાત દાયકા પછી પણ બેન્કિંગ સેવાઓનો વ્યાપ બહુ મર્યાદિત રહ્યો હતો. નાનાં ગામડાં સુધી, પરંપરાગત રીતે બેન્કિંગના લાભ પહોંચાડવાનું બેન્ક્સને પરવડે તેવું નહોતું. એના ઉપાય તરીકે પેમેન્ટ્સ બેન્કનો વિચાર અમલમાં આવ્યો અને હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક, 1.5 લાખ જેટલી શાખાઓ સાથે ભારતના સૌથી મોટા બેન્કિંગ નેટવર્ક તરીકે વિકસી છે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે ક્યુઆર કોડ ધરાવતાં કાર્ડ લોન્ચ કર્યાં છે

અત્યાર સુધી આપણે ક્રેડિટ/ડેબિટ કાર્ડનો, પિન સાથે ઉપયોગ કરતા આવ્યા છીએ. એટીએમમાંથી ગમે ત્યારે, ગમે ત્યાંથી નાણાં ઉપાડવાં આ કાર્ડથી સહેલાં બને છે, પણ ઇન્ડિયા પોસ્ટની પેમેન્ટ્સ બેન્કમાં કોઈ પ્રકારના ખાતા માટે આવું ડેબિટ/એટીએમ કાર્ડ આપવામાં આવશે નહીં. તેને બદલે ક્યુઆર (ક્વિક રિસ્પોન્સ) કોડ ધરાવતું કાર્ડ આપવામાં આવશે.
પેટીએમ કે ભીમ એપના જમાનામાં હવે આપણને ક્યુઆર કોડની નવાઈ નથી રહી, પણ ડેબિટ/એટીએમ કાર્ડને બદલે તેનો ઉપયોગ ચોક્કસ નવી વાત છે. આ વ્યવસ્થામાં દરેક ખાતાધારકને તેના ખાતાનો નંબર ધરાવતો ક્યુઆર કોડ પ્રિન્ટ કરેલું કાર્ડ આપવામાં આવશે. દેખીતું છે કે દરેક ખાતાધારક માટે આ ક્યુઆર કોડ યુનિક હશે. આ ક્યુઆર કોડ કાર્ડનો ઉપયોગ કોઈ બેન્કના એટીએમમાં થઈ શકશે નહીં.


તો પછી એનો ઉપયોગ કઈ રીતે થશે? આ ક્યુઆર કોડ કાર્ડનો પોસ્ટમેન, પોસ્ટ ઓફિસ અથવા ‘ગ્રામીણ ડાક સેવક’ દ્વારા ઉપયોગ થઈ શકશે. પોસ્ટમેન કે ડાક સેવક દ્વારા બેન્કિંગ ખરેખર ઘરઆંગણે પહોંચશે. આ વ્યક્તિઓ પોતાની સાથે માઇક્રોએટીએમ (હાથમાં રાખી શકાય એવું એક સાધન) લઈને ખાતાધારકના ઘરે પહોંચશે અને પોતાના મશીનથી ખાતાધારકનું ક્યુઆર કોડ કાર્ડ સ્કેન કરશે.


આગળ જે નવા વિવાદની શક્યતા બતાવી છે, તેની વાત હવે આવે છે. ખાતાધારકે એટીએમ કાર્ડ જેવો કોઈ પિન યાદ રાખવાનો કે આપવાનો નથી, પણ બાયોમેટ્રિક્સથી, અંગૂઠો સ્કેન કરીને પોતાની ઓળખ આપવાની રહેશે. ઓળખ સાબિત થતાં રકમની લેવડદેવડ થઈ જશે (ઘરઆંગણાની આવી સેવા માટે રૂ. 25નો ચાર્જ છે).


આ સુવિધાનો વ્યાપ ધીમે ધીમે નાની દુકાનો સુધી વિસ્તારવામાં આવશે, જ્યાં સ્માર્ટફોનથી પણ ક્યુઆર કોડ કાર્ડ સ્કેન થઈ શકશે અને પછી ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના દાવા પ્રમાણે એટીએમ કાર્ડ કરતાં આ વધુ સલામત વ્યવસ્થા છે, કેમ કે તેમાં કોઈ પિન છે જ નહીં અને બાયોમેટ્રિક્સથી જ ઓળખની ખરાઈ છે.


આ દાવામાં તથ્ય પણ છે, પણ અત્યારે આપણે ત્યાં આધાર આધારિત બાયોમેટ્રિક્સના ડેટાની સલામતી જ શંકાની એરણે ચઢી છે, ત્યારે ક્યુઆર કોડ કાર્ડની આ પહેલ સફળ થશે ખરી? અત્યારે જવાબ મુશ્કેલ છે, પણ ભારતીય બેન્કિંગમાં ખરેખર બહુ મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે એ નક્કી.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી