Home » Rasdhar » ગુણવંત શાહ
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

લોકમાતા એટલે વહેતી સરિતા, સરિતા એટલે ખળખળ વહેતી કવિતા

  • પ્રકાશન તારીખ04 Jun 2018
  •  

મલયાલમ ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાહિત્યકાર એમ. વી. વાસુદેવન્ નાયરે પોતાના ગામની નદીનું સ્મરણ કરીને જે લાગણી પ્રગટ કરી, તે મારી લાગણીઓની પ્રતિશ્રુતિ હોય એવો ભાવ જાગે છે:
અજાણ્યાં અદ્્ભુત રહસ્યોને
પોતાના ઉદરમાં વહન કરનારા
એ મહાસાગરો કરતાં તો
મને વહાલી લાગે છે,
મારી ઓળખીતી-પાળખીતી નદી નિળા.
એક ગુસ્તાખી કરવી છે. ‘નિળા’ની જગ્યાએ હું ‘તાપી’ મૂકી દઉં છું, કારણ કે હું તાપીપુત્ર છું.
પ્રત્યેક નદીને પોતાનું સ્ટેટસ હોય છે. એ સ્ટેટસ એને માણસ તરફથી મળેલું હોય છે. માણસના માપદંડો પણ માણસ જેવડા જ નાના અને તકલાદી! જે નદી ખૂબ લાંબી અને પહોળી હોય એનું સ્ટેટસ વધારે, કારણ કે એની ઉપયોગિતા વધારે. ભારતની લોકમાતાઓમાં સૌથી મોટો મરતબો ગંગાનો રહ્યો છે. આપણા દેશમાં નદીને ઉપયોગી જ નહીં, પવિત્ર પણ ગણવામાં આવે છે. એક કરતાં વધારે રાજ્યોમાં કે દેશોમાં થઇને વહેતી નદીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સીમા વિવાદોથી પર હોય છે. માણસ તો નદીઓને નામે પણ ઝઘડતો રહે છે. આફ્રિકામાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે દેશોની સરહદ પર વહેતી ઝામ્બેઝી નદી લિવિંગ્સ્ટન આગળ વિશાળ ધોધ રૂપે વહે છે. વિક્ટોરિયા ધોધને પણ બે રાષ્ટ્રોએ વહેંચી લીધો છે અને નદી પર બંધાયેલા પુલ પર બે પીળી રેખાઓ દોરીને બે રાષ્ટ્રોની સીમાઓ બતાવી છે. નદી પર બાંધેલો પુલ બે કાંઠાને જોડે કે જુદા પાડે?
રવીન્દ્રનાથ ટાગોરને કોઇકે કહ્યું કે: ‘હિમાલય, ચીન અને ભારતને જુદા પાડે છે.’ તરત જ રવીન્દ્રનાથે કહ્યું કે: ‘ચીન અને ભારતને હિમાલય જોડે છે, જુદા નથી પાડતો.’
ગુજરાતના નકશા પર સ્થાન પામી હોય એવી નદીઓ ઘણી છે, પરંતુ નકશા પર ઝટ ન જડે એવી નદીઓની સંખ્યા તેથી પણ વધારે છે. નર્મદા તો ‘દર્શને પાપનાશિની’ ગણાય છે. સૂર્યપુત્રી તાપીના કિનારે તો હજી મારું બાળપણ બધી મુગ્ધતાને જાળવીને બેઠું છે. વડોદરામાં વહેતી વિશ્વામિત્રી ઉદ્યોગના ઉત્સર્ગને કારણે ગટર બની રહી છે તેથી એની પાસેથી પસાર થતી વખતે મન નિર્વેદથી ભરાઇ જાય છે. ગુજરાતની બીજી કેટલીક નદીઓ સાથે દૂરની ઓળખાણ ખરી પણ ઘરોબો નહીં. બનાસ, સરસ્વતી, લૂણી, કનકવતી, ભોગાવો, ભાદર, મહી, અંબિકા, શેત્રુંજી, ઢાઢર, હાથમતી, રુકમાવતી, રૂપેણ, ઉમરદાસી, મેશ્વો, માજમ, કાળુભાર, સીંગવડી, આજી, રંગમતી, નાગમતી, માલણ, હિરણમચ્છુન્દ્રી, જીણ, ઘેલો, ખારોદ, નગ, સુવી, રાવલ, ઓજત, ઉબેણ, શુકભાદર, સિપુ, સિંહણ, વરતુ અને મચ્છુ જેવી નદીઓનાં નામો સાંભળેલાં ખરાં અને ‌વળી ક્યારેક એમાંથી કેટલીક નદીઓને અલપઝલપ મળવાનું પણ બનેલું.
ગુજરાતમાં બીજી એવી કેટલીક નદીઓ છે, જેમને વિશે ગુજરાતીઓ ઝાઝું જાણતા નથી. કેટલીક નદીઓ તો એવી કે માત્ર નામ સાંભળીએ તો પણ મરકી ઊઠીએ. જામનગરથી દ્વારકા જતાં જામખંભાલિયા પાસેથી ‘ઘી’ નામની નદી વહે છે અને ખંભાલિયાથી થોડેક દૂર આવેલી ટેકરી પરથી તેલી નદી વહે છે. પ્રાચીન મૈત્રકકાલીન નગરી વલભીપુર (વળા) આગળથી પસાર થતી વખતે ક.મા. મુનશીનું સ્મરણ થાય. ત્યાંથી અમદાવાદ જતાં બરવાળા પહોંચો ત્યાં સુધીમાં બે નદીઓ આવે છે. એમનાં નામ તો કેવાં? ઉતા‌વળી અને ખળખળિયા. નદી ખળખળ વહે એવું તો ઘણી વાર બોલાય અને લખાય, પરંતુ કોઇ નદીને આવું ધ્વન્યાત્મક (ફોનેટિક) નામ મળ્યાનું જાણ્યું નથી.
સોમનાથના ઓવારાભણીથી વહી આવતી નર્મદાને કરનાળી અને માંડવાની વચ્ચે ‘ઑર’ નદી મળે છે. એ સંગમને ઑર-સંગમ કહે છે. અહીં જ્યારે હોડીમાં જવાનું થયું ત્યારે સદ્્ગત કિશનસિંહ ચાવડાનું અને એમની વહાલી બહેન અમૃતા (અમુ)નું સ્મરણ થયું. કિશનસિંહે ‘અમાસના તારા’માં અમુનું સ્મરણીય ચિત્ર દોર્યું છે! અંકલેશ્વર અને સુરત વચ્ચે કિમ નદી વહે છે. (આ નામને કોરિયા સાથે કોઇ સંબંધ નહીં હોય! કોરિયામાં રસ્તા પર ઊભાં રહીને ઢેફું ફેંકો તો કોઇ કિમ નામના માણસને વાગે એવો પૂરો સંભવ છે.) મઢીથી થોડેક દૂર વહેતી નદીને ગાભણી કહે છે. વડોદરાથી થોડેક દૂર સુખી નદી વહે છે. કોસંબાથી ઉમરપાડા જતાં મોટામિયાંમાગરોળ આગળ ‘ભૂખી’ નદી વહે છે. આ નદીનાં ઘૂંટણપુર પાણીમાં સ્નાન કરવાનો લહાવો લીધેલો. તેથી એ નામ યાદ રહી ગયું. કાવેરી નદી દક્ષિણ ભારતમાં વહે છે એ ખરું, પણ બીજી કાવેરી બીલીમોરા પાસે પણ વહે છે. નવસારી પાસે પૂર્ણા અને બારડોલી આગળ મિઢોળા વહે છે. બારડોલીની લડતની રજેરજ માહિતી મિઢોળાએ સાચવી રાખી છે.

ગુજરાતના નકશા પર સ્થાન પામી હોય એવી નદીઓ ઘણી છે, પરંતુ નકશા પર ઝટ ન જડે એવી નદીઓની સંખ્યા તેથી પણ વધારે છે

દક્ષિણાપથના પુરાણ પુરાતન વાલોડ ગામ પાસે વાલ્મીકિ (ઝાખરી) વહે છે અને થોડેક દૂર બહેજ પાસે પૂર્ણા અને વાલ્મીકિનો સંગમ થાય છે. ‘વનાંચલ’માં કવિ જયંત પાઠકે જે નદીને ખૂબ સંભારી અને નામ પાડ્યા વગર જેના પર અનેક કાવ્યો લખ્યાં એ નદીનું નામ ‘કરા’. વડોદરા અને દાહોદ વચ્ચે કરડ, ગોમા અને હડબ નદીઓ આવેલી છે. પંચમહાલનાં બાળકોને પણ પરિચિત ન હોય એવાં નદીવાઘાં તો વળી જુદાં. થોડાંક નામ આ રહ્યાં: ડોશી, વાંકી, બેસણું, સુગુણ. દક્ષિણ ગુજરાતમાં આવેલી પાર નદીએ અનાવિલોના બે ભાગ પાડ્યા. નદીની બંને બાજુએ વસતા દેસાઇઓ સામે પાર વસનારાંઓને ‘પેલાડિયા’ કહે છે. દેસાઇઓની આવી રસમ જાણવા મળી ત્યારે કેન્ટ (ઇંગ્લેન્ડ)ની મેડવે નદીનું સ્મરણ થયું. એ નદી પૂર્વ અને પશ્ચિમ એમ વિભાગોમાં વહેંચે છે. નદીની પૂર્વ બાજુએ રહેનારો ‘મેન ઑફ કેન્ટ’ જ્યારે પશ્ચિમ બાજુએ રહેનાર માણસ ‘kentish man’ કહેવાય. દક્ષિણ ગુજરાતમાં ગોલકને કાંઠે શ્રાવણી આઠમનો મેળો ભરાય છે. વાપીથી થોડેક છેટે દમણગંગા વહે છે. એ નદી પરનો પુલ મોટી રેલમાં એવો તો તણાયો કે જોનારને થાય કે: અહીં પુલ હતો ખરો? દમણગંગા દાણચોરીના પર્યાય સમા દમણ ગામને બે ભાગમાં વહેંચે છે: નાની દમણ અને મોટી દમણ. ઉમરગામ તાલુકામાં થઇને વરોળી વહે છે, જેને કિનારે પારસીઓએ પ્રથમવાર પગ મૂકેલો એ સંજાણ બંદર આવેલું છે. ઉનાઇ પાસે અંબિકા, ચીખલી પાસે ખરેરા, ધરમપુર પાસે આસુરા વહે છે. ખેડા આગળ વાત્રક, સિહોર પાસે ગૌતમી, ધંધૂકા તાલુકાના ભીમનાથ પાસે નીલકા વહે છે. અહીં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આસપાસનો વિસ્તાર ‘હિડમ્બાવન’ તરીકે ઓળખાતો હતો. એ તાલુકાના ફેદરા ગામ પાસે ઓમકાર નદી વહે છે જેનો આકાર ઓમ જેવો છે. પૌરાણિક સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા, તે લોથલ અહીંથી ઝાઝું દૂર નથી. ભોગાવો નદી બે રીતે ઓળખાય છે: વઢવાણનો ભોગાવો અને લીંબડીનો ભોગાવો. ક્યારેક નદીને પણ નર જાતિમાં સંબોધવાનો રિવાજ છે. નાઇલને ‘ફાધર નાઇલ’ અને મિસિસિપીને પણ ‘ફાધર ઑફ રિવર્સ’ કહે છે.
વલસાડ આગળ વાંકી નદી વહે છે. સહ્યાદ્રીના ઓતરાદા ઢોળાવ પરથી નીકળતી આ નદી જંગલો વટાવીને વાંકીચૂકી વહે છે. રામનારાયણ વિ. પાઠક એકવાર તીથલ રહેવા ગયા ત્યારે પત્ની હીરાબહેનના વાંકા સેંથાને જોઇને મજાક કરી હતી કે, ‘તું પણ આ વાંકા નદી જેવી છે.’ ત્યારપછી હીરાબહેને વાંકો સેંથો પાડવાનું છોડી દીધેલું, પણ વાંકી તો હજી તેવી જ રહી છે! આ વાત મને સદ્્ગત મિત્ર ચંદ્રકાંત પંડ્યાએ નવસારીથી લખી મોકલી હતી.
પર્વતનું પિતૃત્વ અને ખીણનું માતૃત્વ એકબીજાંમાં ઓતપ્રોત થાય ત્યારે નદી વહેતી થાય છે. પંજાબની પાંચેય નદીઓનાં નામ ભૂગોળ ભણતી વખતે પાકાં કરેલાં: સતલજ (સતદ્રુ), ચિનાબ (ચંદ્રભાગા), બીઆસ (વિપાસા), જેલમ (વિતસ્તા), રાવી (ઇરાવતી) એમ પાંચ નદીઓનો પ્રદેશ એ પંચનદ એટલે કે પંજાબ. મનાલીમાં રમ્યઘોષા વિપાસાને કાંઠે રહેવાનું બનેલું ત્યારે ઝડપભેર વહી જતાં એનાં જળબિંદુને ખબર પણ નહીં હોય કે પોતે ભારતમાં જશે કે પાકિસ્તાનમાં! જળબિંદુની વળી રાષ્ટ્રીયતા હોઇ શકે? તરસને વળી નામ, રૂપ અને રાષ્ટ્ર સાથે શી લેવાદેવા?
કાલદેવતાની લીલા નદી કિનારે પાંગરેલી સંસ્કૃતિઓ થકી ચાલ્યાં કરે છે. કોઇ પણ નદી સમુદ્રને મળતી નથી. એ તો સમુદ્રમાં વિલીન થાય છે. ગીતાએ નદીના આવા નિ:શેષ સમર્પણની નોંધ આ રીતે લીધી છે:
સદા ભરાતા અચલપ્રતિષ્ઠ
સમુદ્રમાં નીર બધાં પ્રવેશે.
આવું નિ:શેષ વિલીનીકરણ એ જ તો છે નદીનું બ્રહ્મનિર્વાણ!
નદી પવિત્ર છે કારણ કે પ્રાણીમાત્રની તરસ પવિત્ર છે.
પાઘડીનો વળ છેડે
અજમાયશ ખાતર
આ દુનિયા પર
વળગેલી ધૂળને
હું ઝાકળબિંદુઓથી
ધોવા માગું છું.
- બાશો(જાપાનનો કવિ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP