Home » Rasdhar » ગુણવંત શાહ
‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

સેક્યુલર રાજવટે ધાર્મિક રાજકારણથી અળગા રહેવું પડે

  • પ્રકાશન તારીખ01 Jun 2018
  •  

આઝાદીની પહેલાં અને પછીના બે દાયકામાં દેશમાં છવાઈ ગયેલો અને એક માત્ર પ્રભાવી પક્ષ કોંગ્રેસનો અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે. ભારતને કોંગ્રેસમુક્ત કરવાની નરેન્દ્ર મોદીની મુરાદ અને હાકલ લગભગ સફળતાનાં કાંઠે પહોંચી ગઈ છે અને જે બે-ચાર રાજ્યોમાં તેની રાજવટ ટકી રહી છે ત્યાં પણ તેની સ્થિતિ બહુ સારી કહી શકાય તેમ નથી, પણ ‘ભાંગ્યું તોય ભરૂચ’ કહેવત અનુસાર કોંગ્રેસનાં ઊંડાં ઊતરેલાં મૂળિયાં હજુ પણ ટકી રહ્યાં છે. નાભિ શ્વાસ લઈ રહેલી કોંગ્રેસને ફરી સજીવન અને સશક્ત બનાવી શકે તેવા નેતાઓનો અભાવ નથી, પણ કોંગ્રેસી માળખા પર નાગચૂડ જમાવીને બેઠેલા રાજવંશના કારણે તેમની શક્તિનો પૂરતો વપરાશ થઈ શકતો નથી. રાહુલ ગાંધી મનફાવે તેવા આક્ષેપોની ઝડી વરસાવીને અખબારી પ્રસિદ્ધિ મેળવી જાય છે, પણ ભારતની આમજનતા અને મતદારોમાંથી મોટાભાગના લોકો અખબારોમાં આવેલા સમાચારો વિષે જાણતા કે સમજતા નથી. આ સંજોગોમાં કોંગ્રેસની મજબૂત વોટબેન્કના પાયા પણ હચમચવા લાગ્યા છે અને ‘કોંગ્રેસના હાથ પણ મુસ્લિમોના લોહીથી ખરડાયેલા છે’ તેવી સલમાન ખુરશીદે કરેલી ટિપ્પણી અંગે ઊહાપોહ જામ્યો છે. સલમાન ખુરશીદે પોતે કરેલી ટીકાનો સંદર્ભ સમજાવવાની કોશિશ કરી છે, પણ પોતે જે કહ્યું તેને વળગી રહ્યા છે. કોમવાદ અને કોમવાદી હુલ્લડખોરી ભારતને વળગેલો મહારોગ છે અને કોઈ રાજકીય પક્ષ તેનાથી સંપૂર્ણપણે બાકાત રહી શકતો નથી. જવાહરલાલ નેહરુના જમાનાથી કોંગ્રેસ પક્ષ લઘુમતી કોમો-ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓના તારણહાર તરીકે પ્રસિદ્ધિ પામી છે અને છેક ગાંધીજીના જમાનાથી કોંગ્રેસી આગેવાનો મુસ્લિમોના રૂઢિચુસ્ત અને ધર્માંધ આગેવાનોના પગ પૂજતા આવ્યા છે. મહમ્મદ અલી જિન્નાહ જેવા સુધારક મુસ્લિમ આગેવાનોને હડસેલી મૂકવાનું પાપ કોંગ્રેસના ખાતે જમા થયેલું છે.
હિન્દુ સમાજ અને હિન્દુઓના રૂઢિ-રિવાજને સુરક્ષિત રાખવા માટે સ્થપાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે તેની રાજકીય શાખા જનસંઘ-ભાજપને દાયકાઓ સુધી હિન્દુ સમાજે જાકારો આપ્યો છે. 1950-51માં સ્થપાયેલી સંઘની રાજકીય શાખા જનસંઘ શરૂઆતના બે દાયકા સુધી ચૂંટણીઓમાં નામોશીભરી હાર ખમવા માટે બદનામ હતો. બિન-કોંગ્રેસવાદનો ઝંડો ઉપાડનાર દા. રામમનોહર લોહિયાના પ્રચાર અને તત્કાલીન પરિસ્થિતિના કારણે આઠ રાજ્યોમાં બિનકોંગ્રેસી રાજવટની સ્થાપના થઈ તેમાં પહેલી જ વખત જનસંઘનો ચહેરો જોવા મળ્યો.
ભારતીય રાજકારણની છેક શરૂઆતથી જ હિન્દુત્વવાદી જનસંઘ-ભાજપ કોમવાદી અને મુસ્લિમોની આળપંપાળ કરનાર કોંગ્રેસ સેક્યુલર એવું સમીકરણ બંધાઈ ગયું અને આજ સુધી ચાલતું રહ્યું છે. ખરી રીતે આ વર્ગીકરણ ખોટું છે અને સેક્યુલર શબ્દનો ગેર અર્થ કરવામાં આવ્યો છે. સેક્યુલર રાજવટે બહુમતી અને લઘુમતીના ધાર્મિક રાજકારણથી અળગા વેગળા રહેવું પડે છે, પણ ભારતમાં આવી રાજવટ શક્ય છે, કારણ કે ભારતમાં સામાજિક વર્ગીકરણ ધર્મના આધારે થાય છે અને દરેક કોમ, કોમવાદી છે અને દરેક આગેવાને ઓછા વધતા અંશે કોમવાદના પુરસ્કર્તા બનવું જ પડે છે. હિન્દુ-મુસલમાન હુલ્લડો સૌથી વધારે પ્રમાણમાં અને સૌથી વધારે ઘાતક સ્વરૂપમાં કોંગ્રેસી રાજવટ દરમિયાન થયા છે, કારણ કે સડસઠ વર્ષમાંથી અડતાલીસ વર્ષ કોંગ્રેસી રાજવટનાં વર્ષ છે.
આઝાદી પછી હિન્દુત્વ અને મુસ્લિમ કોમવાદનો સૌથી ખરાબ અને સૌથી જોખમી ટકરાવ 1977થી શરૂ થયો અને વીસેક વર્ષ ચાલ્યો. અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ મંદિરનો ઝઘડો આઝાદ ભારતનો સૌથી વરવો કોમવાદી સંઘર્ષ છે અને બાબરી મસ્જિદને તોડી પાડ્યા પછી ફાટી નીકળેલાં કોમવાદી હુલ્લડોમાં મુસ્લિમોએ ભારે ખુવારી વેઠવી પડી છે. સલમાન ખુરશીદનું વાક્ય કદાચ આ સંદર્ભે કહેવાયું છે, કારણ કે મસ્જિદ તોડી પાડવામાં ભાજપ અને કોંગ્રેસ સરખેસરખા જવાબદાર છે. શરૂઆત રાજીવ ગાંધીથી થઈ અને કળશ નરસિંહ રાવે ચડાવ્યો.
તલાકશુદા મુસ્લિમ સ્ત્રીઓને જિવાઈ આપવાના સર્વોચ્ચ અદાલતના ફેંસલા સામે રૂઢિચુસ્ત મુલ્લા-મૌલવીઓના આક્રમક વલણ સામે ઝૂકીને રાજીવ ગાંધીએ હજારો ગરીબ મુસ્લિમ સ્ત્રીઓના મોંમાંથી કોળિયો ઝૂંટવી લીધો અને આખા દેશના તમામ બુદ્ધિવંતોએ હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓએ રાજીવ ગાંધી પર પસ્તાળ પાડી. મુસ્લિમ કોમવાદને પંપાળવાનું પાપ ધોવા માટે રાજીવ ગાંધીએ હિન્દુ કોમવાદી માગણીનો સ્વીકાર કર્યો અને બાબરી મસ્જિદમાં ગેરકાયદેસર ઘુસાડવામાં આવેલી રામલલ્લાની મૂર્તિઓના મંદિરનાં તાળાં ખોલી નાખવાના અદાલતી આદેશને ગુપચુપ સ્વીકારી લીધો. સાડત્રીસ વર્ષનું ગેરકાયદેસર મંદિર અદાલતી આદેશના પરિણામે કાયદેસર બની ગયું અને વિશ્વ હિન્દુ પરિષદની મંદિર નિર્માણની ઝુંબેશ સતત બળવત્તર બનતી ગઈ. 1989માં રામ મંદિરના શિલાન્યાસમાં હાજરી આપવાના રાજીવ ગાંધીના નિર્ણય અંગે વિવાદી વિગતો મળે છે, પણ છેવટે આ નિર્ણય પડતો મુકાયો અને કોંગ્રેસ મોટી ભૂલ કરવામાંથી બચી ગઈ તેવું નટવરસિંહે પોતાની આત્મકથામાં નોંધ્યું છે, પણ ખરું પાપ તો નરસિંહ રાવે કર્યું. 1992ના ડિસેમ્બરની 6 તારીખે બાબરી મસ્જિદ તોડી પાડવાની શરૂઆત સવારે થઈ અને વડાપ્રધાન નરસિંહ રાવને તાબડતોબ ખબર પહોંચાડવામાં આવી. આ તોડફોડ રોકવાની પોતાની જવાબદારીની ઉપેક્ષા કરીને નરસિંહ રાવ એકાંત ભવનમાં મૂંગામંતર બેસી રહ્યા. મસ્જિદ તોડવાનું પાપ ભાજપ-વિશ્વ હિન્દુ પરિષદનું છે, પણ આ ગેરકૃત્ય અટકાવવાની પોતાની ફરજ બજાવવાનો ઇન્કાર કરનાર કોંગ્રેસી વડાપ્રધાન નરસિંહ રાવે ત્યાર પછી ચાર વર્ષ સત્તા ભોગવી. આખા દેશમાં ફાટી નીકળેલાં હુલ્લડોમાં કતલ થયેલા મુસલમાનોના લોહીના ડાઘ જેટલા ભાજપી નેતાઓના હાથ પર છે તેટલા જ કોંગ્રેસી આગેવાનોના હાથ પર છે તેવા સુલમાન ખુરશીદના નિવેદનનો સત્યાંશ નકારી શકાય તેમ નથી.
રાજકારણીઓના બોલ અને તેમની અંદરની ભાવના એક હોતાં નથી અને સત્ય બોલવું તેમના માટે ઘણું અગવડરૂપ થઈ પડે છે. રાજકારણી લોકો સાચું બોલે ત્યારે પણ કોઈ બોલ કે ઇરાદો પાર પાડવા માટે જ બોલતા હોય છે તેથી સલમાન ખુરશીદના અભિગમનો તાળો મેળવવામાં થોડો વખત લાગી જવાનો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP