કૃષ્ણ મધુરાધિપતિ છે અને એમની જીવનમાધુરી સૌને ખેંચે છે

article by gunvant shah

ગુણવંત શાહ

Sep 02, 2018, 12:05 AM IST

એક હતો પતિ. એની એક ખૂબી હતી. એ કોઇ નિયમ લે પછી કદી નિયમ ન તોડે. એનો એક નિયમ સવારે 6થી 7 સુધી ચાલવાનો હતો. ઋતુ ગમે તે હોય તોય એ ચાલવાનું ન ટાળે. આ બાબતે આખું ગામ એનાં વખાણ કરે. વખાણ સાંભળે તેથી એનો નિયમ વધારે ટાઇટ બને. નિયમ એટલે નિયમ એટલે નિયમ!


એની પત્નીના પગમાં ફ્રેક્ચર થયું. ડૉક્ટરે હુકમ કર્યો કે પૂરા ત્રણ મહિના માટે ખાટલામાં જ સૂઇ રહેવું પડશે. ડૉક્ટરનું માન્યા વિના છૂટકો જ ક્યાં હતો? પતિ મહાશય રોજ ચાલવા માટે નીકળી પડે. નિયમનું ચુસ્ત પાલન થતું રહ્યું. કૃષ્ણ એવા પતિને શું કહે? ‘હે મહામૂર્ખ મનુષ્ય! તું સવારે ચાલવા જવાનું છોડ અને તારી પત્નીના ખાટલા પાસે બેસીને એના શરીર પર હાથ ફેરવવાનું રાખ. અત્યારે આમ કરવું એ તારો સ્વધર્મ છે. પત્નીના શરીરે હાથ ફેરવતી વખતે તું સદાય યાદ રાખજે કે તું યંત્ર નથી, પણ માણસ છે. પ્રેમાળ હાથ ફેરવતી વખતે તારું મન થોડુંક રોમેન્ટિક બને એ શક્ય છે. એમ બને, તો શોક ન કરતો. તારી પત્નીએ તને જીવનભર લાપસી અને દાળભાત ખવડાવ્યાં છે. માટે મારે એટલું જ કહેવું છે: ડાહ્યો થા મા, અને થોડોક રોમાન્સ રમી લે. તારી પત્ની રાજી રાજી થશે. પછી તારે ગીતા વાંચવાની ઝાઝી જરૂર નહીં પડે.’ પછી તને ગીતામાં પ્રબોધેલો ‘સ્વધર્મ’ વધારે સમજાશે.

કૃષ્ણે જગતને શીખવ્યું કે નિયમ રાખતાં આવડે તે સાથે સહજની જાળવણી માટે નિયમ તોડતાં પણ આવડવું જોઈએ.
જીવનમાં સહજના લયનું મહત્ત્વ ઓછું નથી. સહજને કિનારે ચાલવું એ જ ગોકુળવૃત્તિ છે

એક હતો પિતા. ઉનાળામાં ગરમી વધી પડી તે અરસામાં એની વહાલી દીકરીએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો. દીકરીએ તથા એનાં બે બાળકોએ આકરી ગરમી વેઠી. માતાપિતા બંને ખાસા પૈસાદાર હતાં, પરંતુ બંનેમાંથી કોઇને એર-કન્ડિશનર ખરીદવાનું મન ન થયું. દીકરીએ ઉનાળો વેઠ્યો, પરંતુ માતાપિતાની કંજૂસાઇ અકબંધ રહી. કૃષ્ણ એવે વખતે શું સલાહ આપે? કૃષ્ણ એટલું જ કહે: ‘અરે! મારા પ્રિય પાગલ કંજૂસો! તારો સ્વધર્મ સંભાર. આ સંજોગોમાં AC લાવીને દીકરીને સુખી કરવાનો સ્વધર્મ બજાવો. એવો ખર્ચ એ ખોટો ખર્ચ નથી. તમે બંને તમારો સ્વધર્મ બજાવો, તો ગીતા વાંચવાની ઝાઝી જરૂર નથી. સ્વધર્મ એટલે સહજપણે આવી મળેલો સ્વધર્મ.’
***


વ્રત મનુષ્યને બાંધે છે અને સહજ એવો લય તોડે છે. વ્રત રાખવાની છૂટ છે, પરંતુ યોગ્ય સમયે વ્રત તૂટે ત્યારે દુ:ખી થવાની જરૂર નથી. વ્રત માણસ માટે છે, માણસ વ્રત માટે નથી. આપદ્્ધર્મની વેળાએ ગમે તેવો મહાનિયમ પણ તોડી શકાય. કૃષ્ણે જગતને શીખવ્યું કે નિયમ રાખતાં આવડે તે સાથે સહજની જાળવણી માટે નિયમ તોડતાં પણ આવડવું જોઇએ. જીવનમાં સહજના લયનું મહત્ત્વ ઓછું નથી. સહજને કિનારે ચાલવું એ જ ગોકુળવૃત્તિ છે. આ જગતમાં નિરપેક્ષ (એબ્સોલ્યૂટ) કરતાં સાપેક્ષતા (રીલેટિવિટી)નું મહત્ત્વ ઓછું નથી. ન્યૂટને આપેલા બધા નિયમો આઇન્સ્ટાઇને સાપેક્ષતા (relativity)ની વાત કરી પછી ખરી પડ્યા. માનશો? માનવને જડેલું કોઇ પણ સત્ય આખરી અને નિરપવાદ નહીં હોઇ શકે. માણસમાત્ર અપૂર્ણ હોવાનો, તેથી એને જડેલું સત્ય માનવીય હોવાનું, ઈશ્વરીય નહીં. અમેરિકાના સાન હોઝે નગરમાં તા. 21થી 24 ઑક્ટોબર (2015)ના દિવસોમાં અધ્યાત્મના ઊંડા અભ્યાસી એવા વિશ્વમાન્ય વિદ્વાનોની પરિષદ મળી હતી. એ પરિષદનો કેન્દ્રસ્થ વિષય હતો: ‘ૐ=mc2’. કૃષ્ણના આશીર્વાદ જરૂર એ પરિષદને પ્રાપ્ત થયા હશે.


હજી આગળ વાત ચલાવીએ. સૂર્ય પૂર્વમાં ઊગે છે-એવી વાત સદીઓથી પાકી થતી આવી છે. આ વાત અત્યંત વાહિયાત ગણાય તેવી છે. શા માટે? પૃથ્વી સતત સૂર્યની ફરતે ગરબા ગાતી રહે છે અને વળી સૂર્ય પણ કોઇ આકાશગંગાની ફરતે સતત પ્રદક્ષિણા કરતો રહે છે. બોલો! જ્યાં સૂર્ય પોતે સતત ગતિમાન હોય અને પૃથ્વી પણ ઠરીને ન બેસતી હોય ત્યાં વળી પૂર્વ દિશા કેવી અને વાત કેવી? કહેવાતી પૂર્વ દિશા સતત બદલાતી જ રહે છે!


દિશાના ગોટાળાની વાત હજી આગળ ચલાવું? રાજધાની એક્સપ્રેસમાં એક માણસ એન્જિન તરફથી છેલ્લા ડબ્બાની દિશામાં ચાલી રહ્યો છે. એના કોટની બાંય પર એક કીડી ચાલી રહી છે. એની દિશા કોણી તરફથી ખભા તરફની છે. એ કીડીનું જગત મર્યાદિત છે. એની ‘ખભાદિશા’ એટલે કોટની મુલક બાંય પૂરતી દુનિયા! એ કીડી પોતાની દેરાણીને, માસીને અને મામીને કહે છે: ‘હું ખભાદિશામાં આગળ વધી રહી છું.’ બોલો! આ કેવી વાહિયાત વાત છે? રાજધાની ટ્રેનમાં ચાલતો એ માણસ એન્જિન તરફથી છેલ્લા ડબ્બા ભણી ચાલી રહ્યો છે. વળી ચાવતી વખતે એ માણસ સતત પોતાનો હાથ હવામાં ઘુમાવતો રહે છે. બિચારી કીડી!એ ખભા અને કોણીની પાર જોઇ શકતી નથી. હાથ ઘૂમતો રહે તેથી એની ‘દિશા’ સતત ફેરવાતી જ રહે છે. વળી રાજધાની ટ્રેનની ગતિનું શું? એ માણસ જે દિશામાં ચાલે એ દિશાનું શું? એ ટ્રેન જે પૃથ્વી પર ફરતી રહે તે પૃથ્વીની ગતિનું શું? હવે વિચારો કે કીડીબાઇની દિશા માણસના ખભા ભણીની છે એ વાત ટકી શકે ખરી? બ્રહ્માંડના વિરાટ ચકરાવા આગળ પૃથ્વી પરથી દેખાતો સૂર્ય પૂર્વ દિશામાં ઊગે એ વાત મર્યાદિત દૃષ્ટિએ સાચી, પરંતુ એ કહેવાતી પૂર્વ દિશા તો પ્રતિક્ષણ ફેરવાતી જ રહે છે.

આપણને જડેલું સત્ય ગમે તેટલું પાકું જણાય, તોય કૃષ્ણ એવા સત્યને આખરી નહીં ગણે, પરંતુ આઇન્સ્ટાઇનની માફક સાપેક્ષ (રીલેટિવ) ન જ ગણે. કૃષ્ણે મહાભારતના યુદ્ધ વખતે અઢાર દિવસમાં કેટલા નિયમોનો ભંગ કર્યો? પોતે હથિયાર ગ્રહણ ન કરે એવી પ્રતિજ્ઞા પણ તોડી અને રથનું પૈડું લઇને પિતામહ ભીષ્મને મારવા માટે દોડ્યા! એમણે મહાભારતના મહાકાવ્યમાં અર્જુનને કૌશિક નામના બ્રાહ્મણની વાત કરી છે. એ બ્રાહ્મણ સત્યવાદી હતો અને સમગ્ર પંથકમાં એની પ્રતિષ્ઠા ‘સત્યવાદી’ તરીકે હતી.

એક વાર કોઇ લૂંટારાઓથી ભાગી છૂટીને કેટલાક માણસો કૌશિક પાસેથી પસાર થયા અને દૂર આવેલી ઝાડીમાં જઇને સંતાઇ ગયા. થોડીક જ વારમાં લૂંટારાઓ આવ્યા અને કાૈશિક બ્રાહ્મણને પૂછ્યું: ‘હે બ્રાહ્મણદેવ! થોડાક માણસો અહીંથી ક્યાં ચાલ્યા ગયા તે જણાવશો? તમે તો સત્યવાદી છો તેથી અમને જે હોય તે કહી દેશો.’ કૌશિક બ્રાહ્મણે ઝાડી તરફ આંગળી ચીંધીને કહ્યું કે એ સૌ આ બાજુ ગયા છે અને ઝાડીમાં સંતાયા છે. આ પ્રસંગ કહીને કૃષ્ણે અર્જુનને જણાવ્યું: ‘આવા પાપકૃત્ય બદલ કૌશિકને લાંબો નરકવાસ પ્રાપ્ત થયો હતો.’ સત્ય બોલવા માટે નરકવાસ? કૃષ્ણ જ આવા સત્યની ખામી બતાવી શકે. કૌશિકનું સત્ય કેટલાય નિર્દોષ મનુષ્યોની હત્યાનું નિમિત્ત બન્યું! એ સત્ય માનવીય હતું, ઈશ્વરીય ન હતું. કૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે આપદ્્ધર્મની વેળાએ અસત્ય પણ બોલી શકાય. નિયમ તૂટે તો ચાલે, પરંતુ સહજ જીવનનો લય તૂટે, તે ન ચાલે. આવા કૃષ્ણાને શ્રીમદ્ વલ્લભાચાર્યે કેવા શબ્દોમાં બિરદાવ્યા? ‘મધુરાધિપતે અખિલં મધુરમ્.’ અખિલની આરાધના કેવી હોય તે વિશ્વને કૃષ્ણે સમજાવ્યું. ભગવદ્્ગીતા આવી વિરાટ સમજણની જ દિવ્ય કવિતા છે. આવતીકાલે ગોકુળ આઠમે એ કવિતા વાંચવા જેવી અને વળી સમજવા જેવી!
***
પાઘડીનો વળ છેડે
મુખ મહીં કણ મૂકતાં, નામ લેજો હરિનું
સહજ હવન થાશે, નામ લેતાં પ્રભુનું,
જીવન સજીવન કરતું, અન્ન છે પૂર્ણ બ્રહ્મ,
ઉદરભરણ નથી આ, જાણજો યજ્ઞકર્મ!
- સંત તુકારામ
Blog:http://gunvantshah.wordpress.com

X
article by gunvant shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી