Home » Rasdhar » ભાવના સોમૈયા
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ‘પદ્મશ્રી’ ભાવના સોમૈયા દર શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’માં ‘ચાલો સિનેમા’ નામની કોલમ લખે છે.

વહીદા રહેમાન : અસ્સી સાલ કા ચૌદહવીં કા ચાંદ

  • પ્રકાશન તારીખ13 Jun 2018
  •  

ત્રીજી ફેબ્રુઆરીએ વહીદા રહેમાન એંશી વર્ષનાં થયાં. તેમની ફિલ્મીસફર પર એક નજર કરીએ. દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને પછી હિન્દી સિનેજગતમાં વહીદા રહેમાને જે રીતે ખ્યાતિ પ્રાપ્ત કરી તે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી જ છે. તેઓ તાલીમબદ્ધ ક્લાસિકલ ડાન્સર હતાં,તેઓએ બહેન સાથે ચેન્નાઈમાં પરફોર્મન્સ આપ્યું હતું. એક દિવસ એક નિર્માતા તેલુગુ ફિલ્મમાં ડાન્સની ઓફર લઈને વહીદાના ઘરે આવ્યાં. વહીદા રહેમાન ઓફર સ્વીકારી લે છે, કારણ કે તેમાં લોકનૃત્ય કરવાનું હોય છે. નસીબ જોર કરતાં હતાં કે, તેલુગુ ફિલ્મ Rojulu Marayiનો વહીદા રહેમાનનો ડાન્સ હીટ રહ્યો. દરેક શોના અંતે એ ગીત ફરી દર્શાવવાની ડિમાન્ડ દર્શકો કરતા. એટલે ફિલ્મને અંતે ક્રેડિટ ટાઇટલ પતી ગયા બાદ થિયેટરમાલિકો એ ગીત ફરી દેખાડતા. એ વખતે પણ રિલીઝ થતી ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રચાર માટે આજુબાજુનાં શહેરોમાં જતી. ઈ.સ. 1955ના ઉનાળામાં એક મોટી કેરવેનમાં ફિલ્મનો કાફલો પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે ફિલ્મસર્જક ગુરુદત્ત હૈદરાબાદની મુલાકાતે હતા. હૈદરાબાદમાં ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરની જે વિસ્તારમાં ઓફિસ હતી ત્યાં ગુરુદત્ત ગયા હતા. જે શેરીમાં ઓફિસ હતી ત્યાંની હો હા સાંભળીને ગુરુદત્તે પૂછ્યું, શેનો શોરબકોર છે? ડિસ્ટ્રીબ્યુટરે કહ્યું કે ફિલ્મે એક યુવાન ડાન્સરને લોન્ચ કરી છે અને તે લોકપ્રિય થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે તે ડાન્સર મુસ્લિમ છે. એટલે ગુરુદત્તે તરત કહ્યું કે, તો પછી તે ચોક્કસ ઉર્દૂ સારું બોલી શકતી હોવી જોઈએ તેના વિશે વધુ વિગતો મેળવી આપો.

વીતેલા દાયકાના વરિષ્ઠ અભિનેત્રી વહીદા રહેમાન કહે છે કે, ‘સીઆઈડી’માં તેમનો દેખાવ પ્રભાવહીન રહ્યો હતો. તેમને એમ હતું કે તેમને નકારી કાઢવામાં આવશે. પરંતુ જ્યારે ફિલ્મ ‘પ્યાસા’ માટે તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. તે વખતે તેઓ માત્ર 17 વર્ષના હતા.

ડિસ્ટ્રીબ્યુટર વહીદા રહેમાનના કુટુંબને મળ્યા અને વહીદા મુંબઈ સ્ક્રીન ટેસ્ટ આપવા જાય તે માટે સમજાવ્યા. વહીદાનું કુટુંબ ગુરુદત્તના નામથી અજાણ હોવાથી બહુ ઇચ્છા નહોતી, પણ પ્રારબ્ધમાં કંઈક બીજું જ લખાયું હતું. એક સ્ટુડિયોમાં વહીદા રહેમાનનું ફોટો શૂટ થયું અને પરિણામ આશાસ્પદ આવ્યું હોવું જોઈએ, કારણ કે બીજા જ દિવસે મા-દીકરીને કરાર સાઇન કરવાનું કહી દેવામાં આવ્યું. તેને યાદ કરતાં વહીદા કહે છે કે, ‘એ દિવસોમાં કલાકારો ફિલ્મ સ્ટુડિયો કે પ્રોડક્શન કંપની સાથે કરારથી બંધાયેલા રહેતા. અમારે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રેક્ટ સાઇન કરવાનો રહેતો એ પત્યા બાદ અમે મુક્ત થઈ શકતાં. મારી પ્રથમ ફિલ્મના દિગ્દર્શક રાજ ખોસલાએ કહ્યું કે મને વહીદા રહેમાન નામ નહીં શોભે, કારણ કે મુસ્લિન નામ સરળતાથી સ્વીકારવામાં આવતાં નથી. મેં કહ્યું કે મારાં માતા-પિતાએ આપેલું નામ છે, જે મને ગમે છે અને હું બદલવાની નથી.’


તેઓ મારી સાહસિકતાથી ડરી ગયા હતા તેમાં વળી ‘સીઆઈડી’માં મારો દેખાવ પ્રભાવહીન રહ્યો હતો એટલે મને હતું કે મને નકારી કાઢવામાં આવશે, પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે ‘પ્યાસા’ માટે મારી પસંદગી થઈ. તે વખતે હું માત્ર 17 વર્ષની હતી અને સ્ટ્રીટ વોકર કોને કહેવાય તે પણ હું જાણતી નહોતી. તે સમયે ગુરુદત્તજી મને અભિનય કરીને દેખાડતા કે ‘જાને ક્યા તુને કહી’ ગીતમાં મને કઈ રીતે જોવા માગે છે અને હું તે પ્રમાણે કરતી ગઈ.


મેં જ્યારે ‘કાગઝ કે ફૂલ’ કરી ત્યારે હું 19 વર્ષની હતી. મને અંદાજ પણ નહોતો કે આ ફિલ્મ કેટલી મોટી અસર છોડી જવાની છે. હું નસીબદાર છું કે મને પ્રતિભાસંપન્ન લોકો સાથે કામ કરવાની તક મળી. જ્યારે મને ‘ગાઇડ’ ઓફર થઈ ત્યારે બધા કહેતા હતા આ ફિલ્મ મારી ઇમેજ અને કારકિર્દી છિન્નભિન્ન કરી નાખશે, પણ મને લાગતું હતું કે મારે રોઝીનો રોલ કરવો જ જોઈએ અને મેં કર્યો.


મારી સેકન્ડ ઇનિંગ્સમાં ‘ફાગુન’, ‘ત્રિશૂલ’, ‘નમકીન’ અને ‘લમ્હે’ જેવી ફિલ્મો ટર્નિંગ પોઇન્ટ બની રહી. એક લાંબા વિરામ બાદ મને ‘ઓમ જય જગદીશ’, ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્લી 6’ મળી હતી. મેં મારા જીવન અને કારકિર્દીનો દરેક તબક્કો માણ્યો છે. હું સંયુક્ત કુટુંબમાં ઘણી બધી બહેનો સાથે મોટી થઈ છું. મને જે મિત્રો અને કુટુંબ મ‌ળ્યું છે તેના માટે જાતને નસીબદાર ગણું છું. હું આજેય ફિલ્મો તરફ તીવ્ર ખેંચાણ ધરાવું છું. દર સપ્તાહે રિલીઝ થતી નવી ફિલ્મ મિત્રો સાથે જોઉં છું. આજે પણ જ્યારે ફિલ્મ શરૂ થવાની હોય ત્યારે મારું હૃદય એક ધબકારો ચૂકી જાય છે અને જ્યારે કોઈ કલાકાર ઉત્તમ અભિનય કરે ત્યારે મારી આંખો ચમકી જાય છે. જીવન ખૂબ સુંદર છે અને આટલું સુંદર જીવન માણી રહી હોવાનું સદ્્ભાગ્ય મને સાંપડ્યું છે.’
contact@bhawanasomaaya.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP