Home » Rasdhar » ભાવના સોમૈયા
વરિષ્ઠ ફિલ્મ પત્રકાર ‘પદ્મશ્રી’ ભાવના સોમૈયા દર શુક્રવારે ‘દિવ્ય ભાસ્કર’માં ‘ચાલો સિનેમા’ નામની કોલમ લખે છે.

‘પુકાર’ થી ‘ફિતૂર’ સુધી

  • પ્રકાશન તારીખ08 Jun 2018
  •  

એક સમય હતો જ્યારે દરેક ફિલ્મની શરૂઆતમાં તેનું નામ અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં લખેલું જોવા મળતું. એક સમય હતો જ્યારે મોટા ભાગની બિગબેનર ફિલ્મોની શરૂઆત થતી ત્યારે એક પંક્તિ સાંભળવા મળતી: ‘મુદ્દઈ લાખ બુરા ચાહે તો ક્યા હોતા હૈ? વોહી હોતા હૈં જો મંઝૂરે ખુદા હોતા હૈ!’

રમજાનના પવિત્ર મહિનામાં ચાલો જોઈએ કે આપણી હિન્દી ફિલ્મોમાં ઈસ્લામિક પૃષ્ઠભૂમિનું કઈ રીતે ફિલ્માંકન કરવામાં આ‌વ્યું છે. જે તે સમયે અચકન પહેરેલા પુરુષો અને બુરખાધારી મહિલાઓ કે જેઓ મળતી વખતે ‘આદાબ’ અને વિદાય લેતી વખતે ‘ખુદાહાફિઝ’ કહેતાં હોય આ બધું ફિલ્મોમાં બહુ રસ જગાવતું હતું.

ધીમે ધીમે આપણે આ વોઈસ-ઓવર ખોઈ બેઠા, પછી ક્રેડિટ ટાઈટલ્સમાં આવતી ભાષા અને પછી શાલીન એવી ઉર્દૂ ભાષા સંવાદોમાંથી ગુમાવી બેઠા. આપણી આજની ફિલ્મોમાં અંગ્રેજીનો પ્રભાવ જોવા મળે છે પરિણામે હિન્દીનો પરંપરાગત દર્શકગણ મુસ્લિમ બેકડ્રોપ ધરાવતી લવ-સ્ટોરીની ખોટ અનુભવે છે. તે પર્દા, રંગબેરંગી ઘરારા, અચકન પહેરેલા પુરુષો અને બુરખાધારી મહિલાઓ જેઓ મળે ત્યારે એકબીજાને ‘આદાબ’ કરતાં હોય અને વિદાય લેતી વખતે ‘ખુદાહાફિઝ’ કહેતાં હોય આ બધું ફિલ્મોમાં બહુ રસ જગાવતું હતું.
આપણે જે સ્મૃતિઓ વાગોળી રહ્યાં છીએ તેનો આરંભ 1930માં સોહરાબ મોદીની ‘પુકાર’થી થયો હતો. ‘પુકાર’ ફિલ્મ વખણાઈ પરંતુ મને શંકા છે કે સોહરાબ મોદીને તેમાંથી કમાણી થઈ હશે કે કેમ? કારણ કે પછી બીજી ફિલ્મ બનાવતાં ચાર વર્ષ નીકળી ગયાં હતાં. પછી ‘નજ્મા’, ‘હુમાયુ’, ‘શાહજહાં’, ‘એલાન’, ‘અનારકલી’, ‘ચાંદનીચોક’ અને સુપરહિટ ‘મિર્ઝા ગાલિબ’ (ભારત ભૂષણ અને સુરૈયા અભિનિત) જેવી ફિલ્મો આવી.
સાઠના દશકમાં રંગીન ફિલ્મો, મોંઘા કોશ્ચ્યૂમ અને ભવ્ય સેટ ધરાવતી ફિલ્મો બનાવવાની શરૂઆત થઈ. જેનું ઉત્તમ ઉદાહરણ એટલે ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’. જેમાં સલીમ અને અનારકલીની પ્રણયગાથા છે. એચ.એસ.રવૈલની અવિસ્મરણીય ફિલ્મ ‘મેરે મહેબૂબ’ આવી.‘જો વાદા કિયા વો નિભાના પડેગા’ ગાતી સ્વર્ગમાંથી ઊતરી આ‌વતી બિના રોય ‘તાજમહલ’માં પતિ શાહજહાં બનતા પ્રદીપકુમાર પાસે આવે છે. તે સિક્વન્સ કેમ ભૂલી શકાય! 1964થી 1968 વચ્ચેનાં વર્ષોની વાત કરીએ તો ‘જહાનઆરા’ અને ‘મેરે હુઝૂર’ જેવી ફિલ્મોમાં માલા સિન્હાએ ઉર્દૂ મિશ્રિત સંવાદો રજૂ કરવામાં જરાય ખોટ રહેવા દીધી નથી. જ્યારે તે સમયનાં વધુ એક જાણીતી અભિનેત્રી એટલે મીનાકુમારી પણ ‘બેનઝિર’,‘ગઝલ’ અને સફળતમ ફિલ્મ ‘બહુ બેગમ’માં જોવા મળ્યાં. તૂટતી જતી કોઠીઓ, ઘસાતા જતા નવાબી કલ્ચરની વાતને જાં નિસાર અખ્તર જેવા લેખકે ખૂબ સારી રીતે લખી અને એટલી જ સારી રીતે અશોકકુમારે ફિલ્મીપડદે જીવંત કરી બતાવી.
સિત્તેરના દશકમાં પણ હિન્દી ફિલ્મોમાં ઉર્દૂ અને ઈસ્લામિક પૃષ્ઠભૂમિ ધરાવતી યાદગાર ફિલ્મો જોવા મળી. જેમાં રાજેન્દરસિંહ બેદીની ‘દસ્તક’, કમાલ અમરોહીની ‘પાકીઝા’, એમ.એસ.સથ્યુની ‘ગર્મ હવા’ જોવા મળી. આ ઉપરાંત રોમેન્ટિક ફિલ્મો તરીકે ‘લૈલા મજનૂ’ અને ‘મહેબૂબ કી મહેંદી’ આવી. જોકે અદ્્ભુત સંગીત ધરાવતી હોવા છતાં ‘મહેબૂબ કી મહેંદી’એ નિરાશ કર્યા હતા અને એટલે જ સુપરસ્ટાર રાજેશ ખન્ના ફિલ્મની રિલીઝ ટાળતા રહ્યા હતા.
જે તે સમયના મુસ્લિમોની સામાજિક નિસ્બતની વાત કરતી ‘ઉમરાવજાન’(મુઝ્ઝફર અલી), ‘પાકીઝા’ (કમાલ અમરોહી) તથા ‘બાઝાર’ અને ‘નિકાહ’ આવી. બી.આર.ચોપરાની મેગા મ્યુઝિકલ હિટ ‘નિકાહ’માં નિકાહ અને તલાકની વાતને વણી લેવામાં આવી હતી. એ જ સમયની આસપાસ એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેમાં નવાબ કે કોઈ તવાયફની વાત નહોતી પરંતુ આધુનિક શહેરી સમાજની કાળી બાજુ જોવા મળી હતી. એ ફિલ્મ એટલે સઈદ મિર્ઝાની ફિલ્મ ‘સલીમ લંગડે પે મત રો’. આ ફિલ્મથી પરિવર્તનની શરૂઆત થઈ તેમ કહી શકાય.
1991માં રિલીઝ થયેલી સલમાન ખાન અભિનિત હિટ ફિલ્મ ‘સનમ બેવફા’ આવી. ત્યારબાદ શ્યામ બેનેગલ દિગ્દર્શિત ‘મમ્મો’, ‘સરદારી બેગમ’ અને ‘ઝુબૈદા’ જેવી ફિલ્મો આવી. સઈદ મિર્ઝાએ કોમી રમખાણોની સમસ્યાને રજૂ કરતી ‘નસીમ’ ફિલ્મ બનાવી. ખાલિદ મોહમ્મદની ‘ફિઝા’માં પણ કોમી રમખાણ પછી સર્જાતી પરિસ્થિતિની વાત છે.
નવા મિલેનિયમમાં દર્શકોએ નાનાં શહેરોની વાત કરતી ‘ઈશ્કિયાં’, ‘ડેઢ ઈશ્કિયાં’ અને ‘ફિતૂર’ જેવી ફિલ્મો માણી છે. જોકે તેમાંથી બધી સફળ રહી નથી પરંતુ આ ફિલ્મો એક દર્પણ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી ફિલ્મો કઈ રીતે બદલાઈ.

contact@bhawanasomaaya.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP