અબજો રૂપિયાની કમાણી કરતાં ફિલ્મસ્ટાર્સ

article by ashu patel

આશુ પટેલ

Sep 05, 2018, 12:05 AM IST

જગવિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિન દર વર્ષે જગતના સૌથી વધુ કમાણી કરતાં ફિલ્મસ્ટાર્સની યાદી પ્રકાશિત કરે છે. થોડા દિવસ અગાઉ ‘ફોર્બ્સ’ દ્વારા 2018ની આવી યાદી પ્રકાશિત થઈ. ‘ફોર્બ્સ’ની આ યાદીમાં સમાવાયેલાં ફિલ્મસ્ટાર્સ અને તેમની વાર્ષિક કમાણી વિશે આજે વાત કરવી છે અને આ યાદી વિશે બીજી રસપ્રદ વાતો પણ કરવી છે.


આ યાદીમાં સમાવાયેલાં સ્ટાર્સ અને તેમની આવકની વાત કરતા અગાઉ એક મહત્ત્વના મુદ્દા વિશે જાણી લઈએ. હોલિવૂડમાં એક્ટર્સ અને એક્ટ્રેસીસને સમાન પેમેન્ટ મળવું જોઈએ એ ઇશ્યૂ ગાજી રહ્યો છે, પણ ‘ફોર્બ્સ’ની આ યાદી દર્શાવે છે કે પેમેન્ટની બાબતમાં હોલિવૂડમાં એક્ટર્સ અને એક્ટ્રેસીસ વચ્ચે કેટલો ભેદભાવ ચાલી રહ્યો છે. ‘ફોર્બ્સ’ના ટોપ ટેન એક્ટર્સની એક વર્ષની કુલ કમાણી 748.5 મિલિયન ડોલર એટલે કે આશરે 5,245 કરોડ રૂપિયા છે. એની સામે ટોપ ટેન એક્ટ્રેસીસની કુલ કમાણી માત્ર 186 મિલિયન ડોલર એટલે કે આશરે 1,300 કરોડ રૂપિયા છે. એટલે કે ટોપ ટેન એક્ટર્સની એક વર્ષની કુલ કમાણી કરતાં ટોપ ટેન એક્ટ્રેસીસની એક વર્ષની કમાણી 3,945 કરોડ રૂપિયા ઓછી છે.

જગવિખ્યાત મેગેઝિન ‘ફોર્બ્સ’ સૌથી વધુ વાર્ષિક કમાણી કરતાં ફિલ્મસ્ટાર્સની યાદી કઈ રીતે તૈયાર કરે છે? તેની રસપ્રદ બાબતોને જાણીએ

‘ફોર્બ્સ’ની આ વર્ષની યાદીમાં પ્રથમ નંબર પર હોલિવૂડ સ્ટાર જ્યોર્જ ક્લૂની છે. ક્લૂનીની એક વર્ષની આવક 239 મિલિયન ડોલર એટલે કે 1,676 કરોડ રૂપિયા છે. ગયા વર્ષની ‘ફોર્બ્સ’ની યાદીમાં જેના નામનો સમાવેશ જ નહોતો એવા જ્યોર્જ ક્લૂનીનું નામ આ વર્ષે ‘ફોર્બ્સ’ની યાદીમાં પ્રથમ નંબર પર કઈ રીતે આવી ગયું? ક્લૂનીએ 2013માં તેના બે મિત્રો સાથે માત્ર 6 લાખ ડોલરના રોકાણ સાથે ટકીલા શરાબનું ઉત્પાદન કરતી કંપની શરૂ કરી હતી. એ કંપની ગયા વર્ષે ઈંગ્લેન્ડની એક કંપનીએ એક બિલિયન ડોલરમાં ખરીદી લીધી એટલે ક્લૂનીને તગડી રકમ મળી હતી.


આ યાદીમાં બીજા નંબરે ડ્વેઇન જોન્સન છે. ક્લૂનીની અને ડ્વેઇન જોન્સનની આવક વચ્ચે ખાસ્સો, 115 મિલિયન ડોલરનો ફરક છે. ડ્વેઇન જોન્સનની એક વર્ષની આવક 124 મિલિયન ડોલર એટલે કે આશરે 870 કરોડ રૂપિયા છે. ડ્વેઇન જોન્સન અગાઉના વર્ષની યાદીમાં પણ બીજા નંબરે હતો. એ વખતે જોકે તેની આવક 65 મિલિયન ડોલર હતી. એટલે કે તેની આવકમાં લગભગ બમણો વધારો થયો છે. આ યાદીમાં ત્રીજા નંબર પર 81 મિલિયન એટલે કે આશરે 568 કરોડ રૂપિયાની આવક સાથે રોબર્ટ ડાઉની જુનિયર છે. રોબર્ટ ડાઉની જુનિયરની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. અગાઉના વર્ષે તેની આવક 48 મિલિયન ડોલર હતી.


સૌથી વધુ કમાણી કરતા ટોપ ટેન એક્ટર્સમાં ચોથા નંબરે છે ક્રિસ હેમ્સવર્થ. તેની વાર્ષિક આવક છે 64.5 મિલિયન એટલે કે આશરે 452 કરોડ રૂપિયા. પાંચમા નંબરે હોલિવૂડ બહારનો સ્ટાર જેકી ચેન છે. એશિયાના સૌથી ધનિક ફિલ્મસ્ટાર જેકી ચેનની વાર્ષિક આવક છે 45.5 મિલિયન એટલે કે 319 કરોડ રૂપિયા. ગયા વર્ષે પણ જેકી ચેન આ યાદીમાં પાંચમા નંબરે હતો. 2016-17 દરમિયાન તેની આવક 49 મિલિયન ડોલર હતી. ગયા વર્ષની યાદીમાં આવેલા અનેક એક્ટર્સ આ વર્ષની યાદીમાંથી ગાયબ થઈ ગયા છે, પણ વિલ સ્મિથે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. 42 મિલિયન ડોલરની એટલે કે આશરે 294 કરોડ રૂપિયાની આવક સાથે તે છઠ્ઠા નંબરે છે.


સાતમા નંબર પર છે બોલિવૂડનો સુપરસ્ટાર અક્ષયકુમાર. તેની 2017-18ના વર્ષની આવક છે 40.5 મિલિયન એટલે કે આશરે 282 કરોડ રૂપિયા. અક્ષયકુમારની અગાઉના વર્ષની આવક કરતાં આ વખતની આવકમાં 5 મિલિયન ડોલર એટલે કે આશરે 35 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગયા વર્ષે અક્ષયકુમાર 35.5 મિલયન ડોલરની આવક સાથે દસમા નંબરે હતો અને તેની આગળ આઠમા નંબરે 38 મિલિયન ડોલરની આવક સાથે શાહરુખ ખાન હતો અને 37 મિલિયન ડોલરની આવક સાથે સલમાન નવમા નંબરે હતો. સલમાન આ વર્ષે પણ 38.5 મિલિયન ડોલરની આવક સાથે નવમા નંબર પર છે. જ્યારે શાહરુખ આ વખતે ‘ફોર્બ્સ’ની યાદીમાંથી ગાયબ થઈ ગયો છે.


‘ફોર્બ્સ’ની યાદીમાં 39.5 મિલિયન ડોલરની એટલે કે આશરે 277 કરોડ રૂપિયાની વાર્ષિક આવક સાથે આદમ સેન્ડલર દસમા નંબરે છે. ગયા વર્ષની યાદીમાં સેન્ડલર 50.5 મિલિયન ડોલરની આવક સાથે ચોથા નંબરે હતો. દસમા નંબરે 34 મિલિયન ડોલર એટલે કે આશરે 238 કરોડની આવક સાથે ક્રિસ ઇવાન્સ છે. ગયા વર્ષે ‘ફોર્બ્સ’ દ્વારા ટોપ થર્ટી એક્ટર-એક્ટ્રેસીસની યાદી બહાર પડાઈ હતી એમાં ક્રિસ ઇવાન્સ 18 મિલિયન ડોલરની આવક સાથે એકવીસમા નંબર પર હતો. આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સની ‘ફોર્બ્સ’ની યાદીમાંથી ટોમ ક્રૂઝ, ટોમ હેન્ક્સ અને વિન ડીઝલ જેવા ઘણા ધરખમ હોલિવૂડ સ્ટાર્સ ગાયબ થઈ ગયા છે. ગયા વર્ષે આ યાદીમાં પ્રથમ નંબરે હતા એવા માર્ક વેહ્લબર્ગનું નામ આ વર્ષની યાદીમાંથી ગાયબ થઈ ગયું છે.


સૌથી વધુ કમાણી કરતી ટોપ ટેન એક્ટ્રેસીસમાં આ વખતે પ્રથમ નંબર પર 40.5 મિલિયન એટલે કે 284 કરોડ રૂપિયાની આવક સાથે હોલિવૂડ એક્ટ્રેસ સ્કારલેટ જોહ્નસન છે. તેનું નામ ગયા વર્ષે આ યાદીમાં હતું જ નહીં. તો ગયા વર્ષે 26 મિલિયન ડોલર સાથે ટોપ ટેન એક્ટ્રેસીસની યાદીમાં પ્રથમ નંબર પર હતી તે એક્ટ્રેસ એમા સ્ટોનનો સમાવેશ આ વર્ષની યાદીમાં થયો જ નથી. ગયા વર્ષે એન્જેલિના જોલીનું નામ આ યાદીમાં હતું જ નહીં, પણ આ વખતે 28 મિલિયન ડોલર એટલે કે આશરે 195 કરોડ રૂપિયાની આવક સાથે તે બીજા નંબર પર છે. ત્રીજા નંબરે 19.5 મિલિયન એટલે કે આશરે 136 કરોડ રૂપિયાની આવક સાથે જેનિફર એનિસ્ટન છે જે ગયા વર્ષે ટોપ થર્ટી એક્ટર-એક્ટ્રેસીસની યાદીમાં 25.5 મિલિયનની આવક સાથે સોળમા નંબરે અને ટોપ એક્ટ્રેસીસની યાદીમાં બીજા નંબરે હતી. ચોથા નંબરે 18.5 મિલિયન એટલે કે આશરે 129 કરોડ રૂપિયાની આવક સાથે જેનિફર લોરેન્સ છે. ગયા વર્ષે તેની આવક 24 મિલિયન હતી અને તે ટોપ એક્ટ્રેસીસમાં ચોથા નંબર પર હતી.


ટોપ ટેન એક્ટ્રેસીસમાં પાંચમા નંબરે રીસ વિધરસ્પૂન છે. તેની આવક 16.5 મિલિયન ડોલર એટલે કે આશરે 115 કરોડ રૂપિયા છે. છઠ્ઠા નંબરે 16 મિલિયન એટલે કે આશરે 112 કરોડ રૂપિયાની આવક સાથે મિલા કુનિસ છે. તો સાતમા નંબરે 13 મિલિયન ડોલર એટલે કે આશરે 91 કરોડ રૂપિયાની આવક સાથે જુલિયા રોબર્ટ્સ છે. આઠમા નંબરે 12.5 મિલિયન એટલે કે આશરે 87 કરોડ રૂપિયાની આવક સાથે કેટ બ્લેન્કેટ છે. નવમા નંબરે 12 મિલિયન એટલે કે આશરે 84 કરોડ રૂપિયાની આવક સાથે મેલિસા મેકાર્થી અને દસમા નંબરે 10 મિલિયન ડોલર એટલે કે આશરે 70 કરોડ રૂપિયાની આવક સાથે નવોદિત એક્ટ્રેસ ગેલ ગેડોટ છે.


હવે એ જોઈએ કે ‘ફોર્બ્સ’ મેગેઝિન આ યાદી કેવી રીતે તૈયાર કરે છે. ફિલ્મસ્ટાર્સની કમાણીનો અંદાજ મેળવવા માટે ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા કોમસ્કોર (અમેરિકન મીડિયા મેઝરમેન્ટ્સ એન્ડ એનાલિટિક્સ કંપની), બોક્સ ઓફિસ મોજો (બોક્સઓફિસ રેવન્યુ પર નજર રાખતી કંપની જેને એમેઝોનની માલિકીની આઇએમડીબીએ ખરીદી લીધી છે), આઇએમડીબી, નીલ્સન (ઇન્ફોર્મેશન, ડેટા અને મેઝરમેન્ટ કંપની)ના ડેટાનો સહારો લેવાય છે. આ ઉપરાંત હોલિવૂડ અને બોલિવૂડ જેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇન્સાઇડર્સના ઇન્ટરવ્યૂ લેવાય છે. આ રીતે એકઠી થયેલી માહિતીના આધારે ફિલ્મસ્ટાર્સની આવકનો અંદાજ મુકાય છે. આ બધા અંદાજિત આંકડા હોય છે. આ આંકડાઓમાંથી સ્ટાર્સના મેનેજર્સ, એજન્ટ્સ અને વકીલોની ફીના આંકડા બાદ કરાયા નથી હોતા.

X
article by ashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી