બ્લેક એન્ડ વ્હાઈટ / વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન...

article by aashu patel

આશુ પટેલ

Jan 30, 2019, 07:47 PM IST

એમેઝોનના માલિક અને જગતના સૌથી ધનાઢ્ય માણસ જેફ બેઝોસે તેમની પત્ની મેકેન્ઝીને 25 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા આપવાનું નક્કી કર્યું એ સમાચાર થોડા દિવસ અગાઉ જગતભરના મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા.

અમેરિકાના કાનૂન પ્રમાણે જો જેફ બેઝોસે તેમની પત્ની મેકેન્ઝીને વળતર આપવાનું થશે તો તેમણે તેમની 137 બિલિયન ડોલરની સંપત્તિમાંથી અડધી સંપત્તિ (એટલે કે આશરે 68 બિલિયન ડોલર, ભારતીય કરન્સીમાં ગણીએ તો આશરે 4 લાખ, 84 હજાર કરોડ રૂપિયા) મેકેન્ઝીને આપી દેવી પડશે. આમ થશે તો જેફ બેઝોસની પત્ની મેકેન્ઝી દુનિયાની સૌથી ધનિક મહિલા બની જશે અને જેફ બેઝોસનું સ્થાન દુનિયાના સૌથી વધુ ધનાઢ્ય લોકોની યાદીમાં ઘણું પાછળ ધકેલાઈ જશે. આ ઉપરાંત તેમણે પત્નીને આટલી મોટી રકમ ચૂકવવા માટે એમેઝોનના પોતાના શેર વેચવા પડશે.

એ સ્થિતિમાં તેમણે એમેઝોન કંપની પરથી પોતાનો કંટ્રોલ પણ ગુમાવવો પડે. જોકે, જેફ બેઝોસે લગ્ન અગાઉ મેકેન્ઝી સાથે પ્રિ-નપ્શલ (લગ્ન અગાઉનો) કરાર કર્યો હશે તો તેમણે આટલી રકમ ન પણ ચૂકવવી પડે.
જેફ બેઝોસના છૂટાછેડાની વાત જગતભરના મીડિયામાં થઈ રહી છે ત્યારે દુનિયાના આવા બીજા કેટલાક અત્યંત મોંઘા છૂટાછેડાની રસપ્રદ વાતો જાણીએ.

  • હોલિવૂડના સ્ટાર્સ અને ઘણા બિલિયનેર્સ લગ્ન કરે ત્યારે શરત રાખે છે કે ભવિષ્યમાં છૂટાછેડા લેવા પડે તો તેમની પત્ની અમુક રકમથી વધુ રકમ નહીં માગે

અમેરિકાના બ્લેક એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન નેટવર્કના સ્થાપક માલિકો અને ટેલિવિઝન મુગલ ગણાતા બોબ અને શૈલા જોન્સન 1969માં પરણ્યાં પછી 33 વર્ષ બાદ 2002માં છૂટા પડ્યાં ત્યારે બોબ જોન્સને શૈલાને 400 મિલિયન ડોલર ચૂકવવા પડ્યા હતા. મજાની વાત એ છે કે જે જજે શૈલાના બોબ સાથેના છૂટાછેડા માટેનો ચુકાદો આપ્યો હતો તે જ જજ સાથે શૈલા જોન્સને છૂટાછેડાના થોડા સમય પછી લગ્ન કરી લીધાં હતાં!


ફ્રેન્ચ-અમેરિકન બિઝનેસમેન એલેક વિલ્ડેન્સ્ટેને તેમની પત્ની જોસેલીનને 21 વર્ષના લગ્નજીવન બાદ 1999માં છૂટાછેડા આપ્યા એ વખતે તેમણે જોસેલીનને 2.5 બિલિયન ડોલર વળતર ચૂકવવું પડ્યું હતું અને પછીનાં 13 વર્ષ માટે દર વર્ષે 100 મિલિયન ડોલર તેમણે તેમની પત્નીને ચૂકવવા એવું સેટલમેન્ટ થયું હતું એટલે અેલેક વિલ્ડેન્સટેને કુલ 3.8 બિલિયન ડોલર તેમની પત્નીને છૂટાછેડાના વળતર પેટે ચૂકવ્યા હતા. એ જગતના અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા (જેફ બેઝોસ અગાઉના) ગણાય છે.


સાઉદી અરેબિયાના જગવિખ્યાત-વિવાદાસ્પદ શસ્ત્રસોદાગર અદનાન ખાશોગીએ 1961માં તેનાથી ઉંમરમાં નાની એવી 20 વર્ષીય બ્રિટિશ યુવતી સેન્ડ્રા ડેલી સાથે લગ્ન કર્યાં હતાં. સેન્ડ્રાએ ખાશોગી સાથે લગ્ન પછી ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો અને પોતાનું નામ સોરાયા કરી નાખ્યું હતું. ખાશોગીએ 13 વર્ષના લગ્નજીવન પછી સોરાયાથી છૂટાછેડા લીધા. ખાશોગીએ છૂટાછેડાના વળતરરૂપે 1974માં 874 મિલિયન જેટલી રકમ (આજના સમય પ્રમાણે આશરે પંદર હજાર કરોડ રૂપિયા જેટલી રકમ!) સોરાયાને ચૂકવવી પડી હતી. અદનાન ખાશોગીના તેની પત્ની સાથે છૂટાછેડા થયા એ વખતે ખાશોગી અને તેની પત્ની સોરાયા પાસે ત્રણ પ્લેન અને દુનિયાના જુદાજુદા દેશોમાં સત્તર વૈભવશાળી ઘર હતાં તથા ત્રણ લક્ઝુરિયસ યોટ હતી.


અમેરિકાની જુગારનગરી લાસ વેગાસના કસિનો ટાયકૂન સ્ટીવ વિને તેની પ્રથમ પત્ની એલેન સાથે 1963માં લગ્ન કર્યાં હતાં. લગ્નજીવન 13 વર્ષ પછી 1986માં પડી ભાંગ્યું. પછી 1991માં બંનેએ ફરી લગ્ન કર્યાં. તેનો પણ 2010માં અંત આવ્યો હતો. સ્ટીવે લીધેલા છૂટાછેડા એ સમયના સૌથી મોંઘા છૂટાછેડા સાબિત થયા હતા. સ્ટીવે એલેનને વળતર પેટે એક બિલિયન ડોલર ચૂકવ્યા હતા.


યુનાઇટેડ કિંગ્ડમની સૌથી ધનિક વ્યક્તિઓના લિસ્ટમાં આવતા બર્ની એક્લેસ્ટને ક્રોએશિયન મોડેલ એવી તેમની પત્ની સ્લેવિકા રેડિકને 2009માં છૂટાછેડા આપ્યા ત્યારે તેમણે વળતરરૂપે સ્લેવિકને 1.2 બિલિયન ડોલર ચૂકવવા પડ્યા હતા એવી વાત મીડિયામાં ફેલાઈ હતી, પરંતુ પછી એ મામલામાં અસાધારણ વળાંક આવ્યો હતો અને એવી વાત બહાર આવી હતી કે બર્નીએ સ્લેવિકાને નહીં બલકે સ્લેવિકાએ છૂટાછેડા માટે પતિને વળતર ચૂકવ્યું હતું!


મીડિયા મોગલ તરીકે જગવિખ્યાત રુપર્ટ મરડોકે 31 વર્ષના લગ્નજીવન બાદ 1999માં તેમની પત્રકાર પત્ની મારિયા ટોર્વને છૂટાછેડા આપ્યા હતા. તે બંને 1998માં સમજૂતીથી છૂટાછેડા લેવા માટે સંમત થયાં હતાં અને 1999માં તેમાણે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડાના માત્ર 17 દિવસ પછી મર્ડોકે તેમની દીકરીથી નાની ઉંમરની સેક્રેટરી સાથે લગ્ન કરી લીધાં હતાં જ્યારે મારિયાએ છૂટાછેડાના છ મહિના પછી વિલિયમ મેન સાથે લગ્ન કરી લીધાં હતાં.


ઓઇલ મેગ્નેટ તરીકે મશહૂર હેરોલ્ડ હૅમે તેમની પત્ની સ્યુ એન આર્નેલ સાથે છૂટાછેડા લીધા એ અગાઉ બંને વચ્ચે ખૂબ લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. અંતે હેરોલ્ડ હેમે છૂટાછેડા માટે પત્ની સ્યુ એન આર્નેલને 2012માં 974 આઠ મિલિયન ડોલરનો ચેક આપ્યો હતો, પરંતુ સ્યુએ એ ચેક ડિપોઝિટ નહોતો કર્યો અને વધુ રકમ મેળવવા માટે કાનૂની લડાઈ ચાલુ રાખી હતી. જોકે, છેવટે 2015માં તેણે 974 મિલિયન ડોલરની રકમ વળતર પેટે સ્વીકારીને હેરોલ્ડ હેમ સાથેના લગ્નજીવનનો અંત આણ્યો હતો.


રશિયાના બિઝનેસ ટાયકૂન દ્્મિત્રી રિબોલોવ્લેવે તેની પત્ની એલેનાથી ઓક્ટોબર 2015માં છૂટાછેડા લીધા હતા એ અગાઉ તેમની વચ્ચેની કાનૂની લડાઈ મીડિયામાં ખૂબ ચર્ચાઈ હતી. દ્્મિત્રી અને એલેના કોલેજમાં સાથે ભણતાં હતાં એ સમયથી જ નજીક આવ્યાં હતાં. જોકે, લગ્નનાં વર્ષો બાદ બન્ને વચ્ચે વિખવાદ થયો હતો. એલેનાએ કોર્ટમાં એવો આક્ષેપ કર્યો હતો કે, ‘દ્્મિત્રી તેના મિત્રો સાથે યૉટ પર પાર્ટીઓ કરે છે અને એવી પાર્ટીઓમાં તેણે તેના પાવરથી મેળવેલી રૂપાળી છોકરીઓ તેના મિત્રો સાથે શેર કરે છે તેના આવા વ્યભિચારથી હું તંગ આવી ગઈ છું.’ કોર્ટે એલેનાને 4.5 બિલિયન ડોલર ચૂકવવાનો આદેશ દ્્મિત્રી રિબોલોવ્લેવને આપ્યો હતો. જોકે, દ્્મિત્રીએ એ ચુકાદા સામે અપીલ કરી હતી અને પછી ઉપલી કોર્ટે એલેનાને 604 મિલિયન ડોલર વળતર ચૂકવવાનો આદેશ દ્્મિત્રીને આપ્યો હતો.


સેલફોન ઇન્ડસ્ટ્રીના પાયોનિયર ક્રેગ મેકૉએ તેમની ન્યૂઝપેપર પબ્લિશર પત્ની વેન્ડી મેકોને 1997માં છૂટાછેડા આપ્યા એ વખતે 460 મિલિયન ડૉલર વળતર ચૂકવવું પડ્યું હતું. એ છૂટાછેડા વિશે પણ દુનિયાભરના મીડિયામાં ખૂબ લખાયું હતું. હોલિવૂડમાં સૌથી મોંઘા ડિવોર્સ તરીકે જેની ગણના કરવામાં આવે છે તે હોલિવૂડ સ્ટાર મેલ ગિબ્સન અને તેની ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ પત્ની રોબિન મૂરને છૂટાછેડા આપ્યા હતા એ વખતે તેણે તેની સંપત્તિનો ૫૦ ટકા હિસ્સો રોબિનને આપી દેવો પડ્યો હતો. મેલ ગિબ્સને રોબિનને 425 મિલિયન ડોલર ચૂકવ્યા હતા.


હોલિવૂડના સ્ટાર્સ અને ઘણા બિલિયનેર્સ લગ્ન કરે ત્યારે ભવિષ્યમાં છૂટાછેડાની નોબત આવે તો પોતાની સંપત્તિ બચાવવા માટેની પૂર્વતૈયારી રૂપે પ્રિ-નપ્શલ (જેનો ઉલ્લેખ પ્રિ-નપ તરીકે પણ થાય છે) કરાર કરે છે. લગ્ન અગાઉ કરાતા એ કરારમાં તેઓ એવી શરત રાખે છે કે ભવિષ્યમાં છૂટાછેડા લેવા પડે તો તેમની પત્ની અમુક રકમથી વધુ રકમ નહીં માગે.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી