લેખક વરિષ્ઠ પત્રકાર, તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટાર લેખક છે.

મુમ્બૈયા અંડરવર્લ્ડની વિદેશોમાં ગેંગવોર!

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  

થોડા દિવસ અગાઉ પાકિસ્તાનના કરાચી શહેરમાં દાઉદ ઇબ્રાહિમ ગેંગના ગુંડા ફારૂખ દેવડીવાળાની હત્યા થઈ. દેવડીવાળાને દાઉદના જમણા હાથ સમા છોટા શકીલના આદેશથી મારી નખાયો હોવાની વાત બહાર આવી છે. આ સમાચાર વાંચીને વિદેશોમાં મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર વિશે લખવાનું સૂઝ્યું. એ વિશે વાત કરતાં અગાઉ ફારૂક દેવડીવાળા વિશે અને તેની હત્યા શા માટે થઈ એ વિશે થોડી માહિતી આપી દઉં.


ફારૂક દેવડીવાળા મુંબઈનો વતની હતો. તેણે દાઉદ ગેંગના ખતરનાક ગુંડા સલીમ કુત્તા સાથે પોતાની ‘કરિયર’ શરૂ કરી હતી એ પછી તે ધીમે-ધીમે આગળ વધતો ગયો. તેની સામે ભારતમાં અનેક ગુનાઓ નોંધાયા એ પછી તે પાકિસ્તાન જતો રહ્યો હતો. દેવડીવાળા પાકિસ્તાન ગયા પછી આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે પણ સંકળાયો હતો. તેણે ભારતીય મુસ્લિમ યુવાનોને ઉશ્કેરીને ઇન્ડિયન મુઝાહિદ્દીનમાં સામેલ કરવાનું શરૂ કર્યું હતું.

  • દાઉદ ઇબ્રાહિમ ગેંગે એના જ કુખ્યાત ગેંગસ્ટરની કરાચીમાં હત્યા કરાવી! વિદેશોમાં મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોરની
    આવી કેટલીય દિલધડક ઘટનાઓ બની છે

આ વાતનો પુરાવો ગુજરાત પોલીસની એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડને ગાંધીનગરમાં બે યુવાનોની ધરપકડ પછી મળ્યો હતો. ગુજરાત પોલીસની એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડે જે બે યુવાનોની ધરપકડ કરી તેમણે કબૂલ્યું હતું કે અમે દેવડીવાળાના કહેવાથી પાકિસ્તાન ગયા હતા અને ત્યાં આતંકવાદી કેમ્પમાં અમને તાલીમ અપાઈ હતી. પછી અમને ભારતમાં આતંકી હુમલાઓ કરવા માટે અને ટોચના રાજકારણીઓની હત્યા કરવા માટે ભારત પાછા મોકલાયા હતા.


દેવડીવાળાની ગયા વર્ષે દુબઈમાં ધરપકડ થઈ હતી. એ વખતે તેના પ્રત્યર્પણ માટે ભારત સરકારે ખૂબ કોશિશ કરી હતી. જોકે, પાકિસ્તાને ખોટા દસ્તાવેજો દર્શાવીને દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનનો નાગરિક છે અને પાકિસ્તાન સરકાર કબજો મેળવવામાં સફળ રહી હતી. દેવડીવાળાને પાકિસ્તાન લઈ જવાયો એ પછી છોટા શકીલે તેની ઊલટતપાસ કરી હતી.

છોટા શકીલને તેના દુબઈના ખબરીઓએ બાતમી આપી હતી કે દેવડીવાળા ભારતની જાસૂસી સંસ્થાના અધિકારીઓને મળ્યો હતો. છોટા શકીલે તેને પુરાવાઓ આપ્યા કે તું આ જગ્યાએ ભારતીય જાસૂસી સંસ્થાના અધિકારીઓને મળ્યો હતો. એ પછી દેવડીવાલાએ કબૂલી લીધું હતું કે હા, હું દુબઈમાં ભારતીય જાસૂસી સંસ્થાના અધિકારીઓને મળ્યો હતો. ત્યારથી દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલનો તેના પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. છોટા શકીલે શૂટર્સને કહીને દેવડીવાળાની હત્યા કરાવી નાખી હતી.


વિદેશની ધરતી પર દાઉદ ગેંગના કોઈ ગુંડાની હત્યા દાઉદ ગેંગ દ્વારા જ કરાવવામાં આવી હોય એવી આ પહેલી ઘટના નથી. દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીએ દાઉદ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને અપમાનજનક વાતો દાઉદ ગેંગના જ કેટલાક પાકિસ્તાનસ્થિત ગુંડાઓ સામે કરી હતી એથી છોટા શકીલ તેના પર રોષે ભરાયો હતો અને 2000ના વર્ષમાં તેણે ફિરોઝ કોંકણીની કરાચીમાં હત્યા કરાવી નાખી હતી.


દાઉદ ગેંગને વફાદાર ન રહ્યા હોય એવા અનેક ગુંડાઓની દાઉદ ગેંગ દ્વારા બેરહેમીથી હત્યા કરી નખાઈ છે. ઓડિયોકિંગ ગુલશનકુમારની હત્યા દાઉદ ગેંગના શૂટર્સ વિક્રમ વાહી અને નૌશાદે 1997માં કરી હતી. ત્યાર બાદ તે બંને નેપાળ ભાગી ગયા હતા. એ પછી થોડા સમય બાદ દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલને ખબર પડી હતી કે વિક્રમ વાહી દાઉદના દુશ્મન છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવ સાથે મળી ગયો છે અને તેમની સાથે સતત સંપર્કમાં રહે છે એટલે દાઉદે નેપાળના અંડરવર્લ્ડ ડૉન અને સંસદસભ્ય મિરઝા દિલશાદ બેગને વિક્રમ વાહીની હત્યા કરાવી નાખવા માટે સૂચના આપી હતી. મિરઝા દિલશાદ બેગે વિક્રમ વાહીના દોસ્ત એવા શૂટર નૌશાદને જ એ કામ સોંપી દીધું હતું. નૌશાદે 1997ના અંતિમ દિવસો દરમિયાન વિક્રમ વાહીને વિશ્વાસમાં લઈને એક જગ્યાએ તેની સાથે શરાબની મહેફિલ જમાવી હતી અને પછી વિક્રમ શરાબના નશામાં હતો ત્યારે તેની હત્યા કરી નાખી હતી. એ પછી તેણે તેની લાશના ટુકડા કરીને નેપાળની સરહદ નજીક ફેંકી દીધા હતા.


1996માં દુબઈની પોશ હોટેલ ‘રિજન્સી પેલેસ’ની બહાર દાઉદ ગેંગના શાર્પ શૂટર સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા અને તેના બોડીગાર્ડ ઉત્તમ ભોઈફોડેની ગોળીઓ મારીને હત્યા કરાઈ એ વખતે પહેલાં એવી વાત બહાર આવી હતી કે દાઉદના દોસ્તમાંથી દુશ્મન બનેલા છોટા રાજને એ હત્યાઓ કરાવી હતી. જોકે, પછી એવી વાત ફેલાઈ હતી કે સાવત્યા દાઉદની વિરુદ્ધ થઈ ગયો હોવાથી દાઉદે જ સાવત્યાની હત્યા કરાવી નાખી હતી.

દાઉદ ઇબ્રાહિમે જ પોતાની ગેંગના ગુંડાની હત્યા કરાવી હોય એવી અનેક ઘટનાઓ બની છે, તો દાઉદ અને છોટા રાજન વચ્ચેના ગેંગવોરમાં પણ વિદેશોમાં કેટલાય ગેંગસ્ટર્સની હત્યાઓ થઈ છે. 1994માં છોટા રાજન ગેંગના શાર્પ શૂટર મંગેશ પવારે દાઉદ ગેંગના મહત્ત્વના ગુંડા અને ડ્રગ માફિયા પીલુ ખાનની બેંગકોકમાં હત્યા કરી હતી. પીલુ ખાનની હત્યા કરીને મંગેશ પવાર થાઇલેન્ડથી સાઉથ આફ્રિકા નાસી છૂટ્યો હતો. જોકે, દાઉદ ગેંગના શૂટર્સે તેનો પીછો કર્યો હતો અને 1994માં જ સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગ શહેરમાં તેની હત્યા કરી નાખી હતી.


1997માં મિરઝા દિલશાદ બેગે વિક્રમ વાહીની હત્યા કરાવી એ વખતે પહેલાં એવી વાત બહાર આવી હતી કે મિરઝાએ છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવને વિક્રમ વાહીની હત્યા માટે મદદ કરી હતી. જોકે, વિક્રમ વાહીની હત્યાના થોડા મહિનાઓ બાદ છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવે મિરઝા દિલશાદ બેગની હત્યા કરાવી નાખી હતી. એટલે સાબિત થઈ ગયું હતું કે મિરઝા દાઉદ ગેંગ સાથે જ સંકળાયેલો હતો.


દાઉદ ઇબ્રાહિમ ગેંગ દ્વારા છોટા રાજનની હત્યાના અનેક પ્રયાસ થયા હતા. દાઉદ ગેંગના શૂટર્સે 2000ના વર્ષમાં બેંગકોકના સુકુમવિત સોઈ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં ઘૂસીને છોટા રાજનને ગોળીઓ મારી હતી. એમ છતાં છોટા રાજન બચી ગયો હતો, પણ તેનો ખાસ સાથીદાર રોહિત વર્મા માર્યો ગયો હતો.


1997માં કુખ્યાત ગેંગસ્ટર ઇરફાન ગોગાની દુબઈમાં હત્યા થઈ હતી. એ હત્યા દાઉદ ગેંગ દ્વારા જ કરાઈ હતી, કારણ કે ગોગાએ દાઉદ સાથે છેડો ફાડીને બબલુ શ્રીવાસ્તવ સાથે હાથ મિલાવી લીધા હતા. ગોગાની હત્યા બાદ દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમ સહિત 50 ગુંડાઓને દુબઈ પોલીસે અટકમાં લીધા હતા. પછી દાઉદે પોતાની વગ વાપરીને અનીસને એ કેસમાંથી બહાર કાઢી લીધો હતો. બાય ધ વે, 2009માં કરાચીમાં અનીસ પર ગોળીબાર થયો હતો. જોકે, તે બચી ગયો હતો.


2003માં દાઉદ ઇબ્રાહિમના ખાસ સાથીદાર ગેંગસ્ટર શરદ શેટ્ટીની દુબઈની ઇન્ડિયા ક્લબમાં સેંકડો ક્લબ મેમ્બર્સની હાજરીમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ સિવાય 2009માં છોટા રાજનના જમણા હાથ સમા ગેંગસ્ટર બાળુ ઢોકળેની દાઉદ ગેંગના શૂટર્સ દ્વારા મલેશિયાના કુઆલાલમ્પુર શહેરમાં હત્યા થઈ હતી. તો 2003માં જ બેંગકોકની બોબી માર્કેટમાં એજાઝ લાકડાવાલાની છોટા શકીલના શૂટર્સે હત્યા કરી નાખી હતી.


વિદેશોમાં મુમ્બૈયા અંડરવર્લ્ડ દ્વારા હત્યાઓની અને ગેંગવોરની આવી તો ઘણી ઘટનાઓ બની છે. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP