બ્લેક એન્ડ વ્હાઈટ / હું એલિયનને મળ્યો છું!

article by aashu patel

આશુ પટેલ

Jan 16, 2019, 04:27 PM IST

થોડા દિવસ અગાઉ પુણેના એક માણસે વડાપ્રધાન કાર્યાલયમાં કોલ કરીને દાવો કર્યો કે મેં એલિયનને (પરગ્રહવાસીને) મારા ઘરની બહાર જોયો હતો. એ સમાચાર અખબારો-ટીવી ચેનલ્સમાં ચમક્યા હતા.

  • અનેક લોકો આવા દાવો કરીચૂક્યા છે. જ્યાં પ્રથમવાર યુફો દેખવાનો દાવો થયો હતો એ જગ્યાની મુલાકાત દર વર્ષે લાખો લોકો લે છે

વડાપ્રધાન ઓફિસે મહારાષ્ટ્ર સરકારને તે માણસના દાવા વિશે તપાસ કરવાની સૂચના આપી અને સરકારના આદેશથી પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી કે તે માણસને ભ્રમ થયો હતો કે તેણે એલિયનને જોયો હતો. પુણેના તે માણસને તો ભ્રમ થયો હતો, પણ વિશ્વમાં કેટલાય એવા લોકો છે કે જે માને છે કે પરગ્રહવાસીઓ અવારનવાર પૃથ્વી પર આવે છે. પરગ્રહવાસીઓના પૃથ્વી પર આગમન વિશેની કેટલીક રસપ્રદ-વિવાદાસ્પદ વાતો જાણવા જેવી છે.


દુનિયાના મોટા ભાગના લોકો એવું માને છે કે બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન નથી. તો અંતરિક્ષ વિજ્ઞાનીઓ એવું માને છે કે બ્રહ્માંડમાં આપણા સિવાય અનેક ગ્રહો એવા હોઈ શકે જ્યાં જીવન હોઈ શકે. જોકે, પરગ્રહવાસીઓ પૃથ્વી પર આવ્યા હોય એવું હજી સાબિત થયું નથી, પરંતુ સમયાંતરે એવા દાવાઓ થતા રહે છે કે પરગ્રહવાસીઓ પૃથ્વી પર આવ્યા હતા અથવા તો પરગ્રહવાસીઓના અંતરિક્ષ યાનને જોયું હોવાનો દાવો થાય છે. નાસાના વિજ્ઞાની સિલ્વાનો પી. કોલમ્બાનોએ થોડા સમય અગાઉ જ દાવો કર્યો હતો કે એલિયન્સ ઓલરેડી પૃથ્વીની મુલાકાત લઈ ચૂક્યા હોઈ શકે. તેમની બોડીના વિશિષ્ટ બંધારણને કારણે આપણે તેમની નોંધ ન લઈ શક્યા હોઈએ એવું બની શકે.


વિશ્વમાં ઘણી વાર એલિયનની પૃથ્વીની મુલાકાત વિશે કે યુફોના આગમન વિશે દાવાઓ થતા રહ્યા છે, પણ એક અમેરિકન યુગલના દાવાએ સૌથી વધુ ચર્ચા જગાવી હતી. બેટ્ટી હિલ અને બર્ની હિલે એવો દાવો કર્યો હતો કે એલિયન્સે તેમનું અપહરણ કર્યું હતું. તેમણે એવો દાવો કર્યો હતો કે ’19 સપ્ટેમ્બર, 1961ના દિવસે અમે મોન્ટ્રિયલ અને નાયગ્રા ફોલની મુલાકાત લઈને કારમાં પોર્ટ્સમાઉથ તરફ પાછા વળી રહ્યા હતા એ વખતે ન્યૂ હેમ્પશાયરના લેન્કેસ્ટર નજીક એક ઝળહળતી લાઇટ દેખાઈ હતી અને પછી અમને એલિયન્સ ઉઠાવી ગયા હતા. તેમણે અમને બે કલાક સુધી કેદ કરી રાખ્યા હતા અને પછી અમને છોડતા અગાઉ અમારી એ બે કલાકની મેમરી અમારા મગજમાંથી ભૂંસી નાખી હતી!’


બેટ્ટી અને બર્ની હિલના એ દાવાએ જગતભરમાં ખૂબ વિવાદ જગાવ્યો હતો. અનેક અંતરિક્ષ વિજ્ઞાનીઓ એ યુગલને મળ્યાં હતાં અને અમેરિકન એરફોર્સના ઉચ્ચ અધિકારીએ પણ તે બન્ને સાથે વાત કરી હતી. બેટ્ટી અને બર્ની હિલના એલિયન સાથેના એન્કાઉન્ટર પરથી 1966માં ‘ધ ઇન્ટરપ્ટેડ જર્ની’ બુક આવી હતી, જે બેસ્ટ સેલર બની હતી. એ પછી 1975માં તેમના એલિયન સાથેના એન્કાઉન્ટર પરથી ‘ધ યુફો ઇન્સિડન્ટ’ નામની ફિલ્મ બની હતી.


અમેરિકન કોંગ્રેસના સભ્યોની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર તરીકે લડેલી બેટ્ટીના રોડ્રિગ્ઝ એગિલેરાએ પણ 2017માં દાવો કર્યો હતો કે મેં એલિયનને જોયા હતા. તેણે કહ્યું હતું કે, ‘પહેલી વાર હું સાત વર્ષની હતી અને મારા ઘરની બહાર રમતી હતી ત્યારે મેં એલિયન્સને જોયા હતા અને પછી હું ટીનેજર હતી ત્યારે ફરી વાર એલિયન્સને મળી હતી. એ ત્રણ એલિયન્સ હતા, જેમાં બે ફીમેલ અને એક મેલનો સમાવેશ થતો હતો. બેટ્ટીનાએ એવું પણ કહ્યું હતું કે તેમણે મારી સાથે ઉમળકાભર્યો વર્તાવ કર્યો હતો.

હું તેમના યુફોમાં પણ પ્રવેશી હતી. એમાં ગોળાકાર સીટ્સ હતી!’ બેટ્ટીનાએ વર્ષો અગાઉ એલિયન સાથેની મુલાકાત વિશે મીડિયા સાથે વાત કરી હતી. એ પછી તે 2017માં ચૂંટણીમાં ઉમેદવાર બની ત્યારે તેના એલિયન સાથેના એન્કાઉન્ટર વિશે ‘વોશિંગ્ટન પોસ્ટ’ જેવા પ્રતિષ્ઠિત અમેરિકન અખબાર સહિત કેટલાંય અખબારો અને ટીવી ચેનલ્સે તેનાં ઇન્ટરવ્યૂ કર્યાં હતાં.


બીજા પણ એવા ઘણા કિસ્સાઓ છે, જેમાં કોઈ વ્યક્તિએ દાવો કર્યો હોય કે તેણે એલિયનને જોયા છે અથવા તો તેની એલિયન સાથે મુલાકાત થઈ છે કે એલિયને તેનું અપહરણ કર્યું હતું. કેટલીક વેબસાઇટ્સ પર તો લોકો તેમના એલિયન સાથેની મુલાકાતના કિસ્સાઓ વિશે વિગતવાર લખે છે. જોકે, આજ સુધી સાબિત નથી થયું કે એલિયન પૃથ્વી પર આવ્યા હોય.


આમ છતાં દુનિયામાં કેટલાક યુફોલોજિસ્ટ છે, જે દૃઢપણે માને છે કે આપણાથી એડવાન્સ્ડ એલિયન્સ પૃથ્વીની મુલાકાત લેતા રહે છે. યુફો એટલે કે એલિયન્સના અંતરીક્ષ યાનના પૃથ્વી પર આગમન વિશે સંશોધન કરતા રહે છે.

દર વર્ષે જુલાઈ મહિનામાં ‘વર્લ્ડ યુફો ડે’ મનાવાય છે. જ્યાં પ્રથમ વાર યુફો એટલે કે અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ (જે ફ્લાઇંગ ડિસ્ક તરીકે પણ ઓળખાય છે અને જેનો ઉલ્લેખ આપણે ત્યાં ઊડતી રકાબી તરીકે થાય છે) જ્યાં જોવા મળ્યો હતો એ જગ્યાએ દર વર્ષે ‘રોસવેલ ફેસ્ટિવલ’નું આયોજન થાય છે, જેમાં વિશ્વના જુદા-જુદા દેશોના હજારો લોકો હાજરી આપવા જાય છે. રોસવેલમાં ઇન્ટરનેશનલ યુફો મ્યુઝિયમ એન્ડ રિસર્ચ સેન્ટર છે એની મુલાકાતે દર વર્ષે લાખો લોકો આવે છે. 2017માં બે લાખ ત્રેવીસ હજાર લોકોએ એ મ્યુઝિયમ એન્ડ રિસર્ચ સેન્ટરની મુલાકાત લીધી હતી.


એ જગ્યાનું જગતના કેટલાય લોકોને એટલે આકર્ષણ છે કે 14 જૂન, 1947ના દિવસે ત્યાં યુફો ક્રેશ થયો હોવાની વાત બહાર આવી હતી. 8 જુલાઈ, 1947ના દિવસે અમેરિકન આર્મી ફોર્સીસના પ્રવક્તા વોલ્ટર હાઉટે પ્રેસ રિલીઝ ઇશ્યૂ કર્યો હતો કે યુનાઇટેડ આર્મી ફોર્સીસે ક્રેશ થયેલી એક ફ્લાઇંગ ડિસ્કનો કબજો લીધો છે. એ વાત અખબારોમાં પ્રકશિત થતાં જગતભરમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આખી દુનિયામાં એના વિશે ચર્ચા થવા લાગી. જોકે, બીજે જ દિવસે અમેરિકન સરકારે એક જાહેરાત કરીને એ મામલો શાંત પાડવાની કોશિશ કરી. અમેરિકાની સરકારે જાહેર કર્યું કે એ ફ્લાઇંગ ડિસ્કનો કાટમાળ નહોતો, પણ હકીકતમાં એક ફ્લાઇંગ વેધર બલૂનનો કાટમાળ હતો.


એ વખતે તો મામલો શાંત પડી ગયો, પણ પછી એ જગ્યા પર જઈને અનેક સંશોધકોએ સંશોધન કર્યું. કેનેડાના ન્યૂ બ્રન્સવિકમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા યુફોલોજિસ્ટ સ્ટેન્ટન ફ્રીડમેન દાવો કરે છે કે, ‘બ્રહ્માંડમાં આપણી નજીકના એક લાખ પ્રકાશવર્ષના વિસ્તારમાં જ પચાસ હજારથી વધુ એલિયન પ્રજાતિઓ હોઈ શકે. એટલે કે વધુમાં વધુ એક હજાર પ્રકાશવર્ષના અંતરે આવી એક એલિયન પ્રજાતિ હોઈ શકે. આપણે તો છેલ્લાં સો વર્ષમાં જ ટેક્નોલોજી ક્ષેત્રે આગળ વધ્યા છીએ, પણ એવા કેટલાય ગ્રહો હશે જ્યાંની જીવસૃષ્ટિ આપણા કરતાં હજારો કે લાખો વર્ષ એડવાન્સ્ડ હશે અને એણે બ્રહ્માંડના અન્ય ગ્રહો સુધી પહોંચવા માટે ઝડપી પ્રવાસની શોધ કરી લીધી હશે. એટલે એવી જીવસૃષ્ટિઓમાંથી કોઈ પૃથ્વી પર આવ્યું હોય કે આવતું રહેતું હોય એ શક્ય છે.’


એલિયનના પૃથ્વી પરના આગમનની વાત જેટલી રહસ્યમય છે એટલી જ રોમાંચક પણ છે. હોલિવૂડની ફિલ્મોમાં એલિયનના પૃથ્વી પરના આગમન વિશેની કલ્પના થતી રહે છે, પણ નાસાના અંતરિક્ષ વિજ્ઞાની સિલ્વાનો કોલમ્બાનો દાવો કરે છે એમ વાસ્તવમાં એલિયન્સ પૃથ્વી પર આવી ચૂક્યા હોય અને આપણે તેમના વિશે ન જાણી શક્યા હોઈએ એવું બની શકે!

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી