ફિલ્મ ઈન્ડિયા / દેવ આનંદની શ્રેષ્ઠ ફિલ્મ આવી હોય

article by ashok dave

અશોક દવે

Jan 18, 2019, 04:55 PM IST

હજી આજે 41 વર્ષ પછીય દેવ આનંદની આ ફિલ્મ ‘જ્વેલ થીફ’ તમે પહેલી વાર જોવાના હો, તો બેશુમાર નસીબવાન છો. દોષ તમારી ઉંમરનો કાઢવો પડે કે, 67ની સાલના એ જમાનામાં તમે તો નાનું બાળક હતા, એટલે ક્યાંથી જોઈ હોય, પણ હવે જોવાના હો તો સૌથી પહેલો આભાર અમારો માનવાનો આવશે કે, ‘કેવી સનસનાટીવાળું થ્રિલર અમે તમને સજેસ્ટ કર્યું!’


આ ફિલ્મ જેટલો હેન્ડ્સમ દેવ આનંદ બીજી કોઈ ફિલ્મમાં લાગ્યો નથી અને એના એકેય સમકાલીન હીરોલોગ આટલા સુંદર ક્યારેય નહોતા. કપડાંને મામલે રાજ-દિલીપ કરતાં દેવ આનંદ તો ઘણો આગળ હતો અને કારણ કદાચ એ જ હશે કે, મૃત્યુના થોડા અરસા પહેલા એક ટીવી ઇન્ટરવ્યૂમાં રાજ કપૂરે દેવ આનંદને ધ્યાનમાં રાખીને કીધું હશે કે, હું ધારત તો મારી ફિલ્મોમાં હુંય અલ્ટ્રા-મોડર્ન કપડાં પહેરી શક્યો હોત, પણ મારે તો ભારતના એક કોમન-મેનને પરદા ઉપર લાવવો હતો, જે શૂટેડ-બૂટેડ નથી હોતો!’

ફિલ્મ ‘ગાઇડ’ પછી ગુચ્છાવાળી હેરસ્ટાઇલ ફગાવી દઈને દેવ આનંદે તદ્દન સિમ્પલ છતાં મનમોહક હેરસ્ટાઇલ શરૂ કરી હતી. દેવના કપડાં જ નહીં, એની હેરસ્ટાઇલની જેમ ચાલ પણ ખાસ સ્ટાયલિશ હતી. આ ફિલ્મમાં એણે પહેરેલા એક એક બ્લેઝર્સ આજે જ માર્કેટમાંથી લઈ આવવાના ઝનૂનો ઉપડશે. બર્મન બાપ-દીકરાએ તો ઓલમોસ્ટ હરએક ફિલ્મમાં ઉત્તમ સંગીત જ આપ્યું છે, પણ અહીં તો ગીતો જેટલી જ કમાલ પંચમે (રાહુલદેવે) બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ આપી છે. ‘જ્વેલ થીફ’નું ટાઇટલ-મ્યુઝિક હજી કારમાં શોખિનો ખાસ નંખાવે છે.


મુંબઈના પોલીસ કમિશ્નરના પુત્ર વિનય એનો જ હમશક્લ બનાવીને અસલી જ્વેલ થીફ અશોક કુમાર અને એની પૂરી ટોળકી સ્વયં દેવના મનમાં ઠસાવી શકે છે કે, એના જ ચહેરાને અદ્દલોઅદ્દલ મળતો આવતો ‘અમર’ નાનો આ કોઈ જ્વેલ થીફ હીરો-ઝ્વેરાતની મોટી ચોરીઓ કરવા છતાં હમશક્લોને કારણે બધો ઇલ્ઝામ વિનય ઉપર આવે.

ફિલ્મની હિરોઇન વૈજ્યંતિમાલાના નાના ભાઈ માસ્ટર સચિનનું અપહરણ કરી એને ગોંધી રાખવામાં આવે છે, જેથી વૈજુ પાસે ધાર્યા કામો કરાવી શકાય, ત્યાં સુધી કે વૈજુ સાથે દિલોજાનથી પ્રેમ કરવા છતાં વૈજુએ તો એને બનાવટી પ્રેમ જ કરવો પડે છે. છેલ્લે વિનયની કૂનેહ અને સ્માર્ટનેસથી અસલી જ્વેલ થીફ દાદામોની પકડાય છે, પણ એ પહેલા વૈજ્યંતિ માલા કે કોઈ પણ પાલા ઉપર ફિલ્માયો ન હોય એવો ફુટ-ટેપિંગ ડાન્સ ‘હોઠોં’ મેં ઐસી બાત મૈં દબાતી ચલી આઈ’ માણવા મળે છે. દેવ આનંદ અને વિજય આનંદ આ બંને ભાઈઓમાંથી સારો કોણ? એવા લંડનની ખૂબ સફળ પત્રકાર નસરિન મુન્ની કબીરને આપેલા ઇન્ટરવ્યૂમાં વહિદા કહે છે, ‘દેવે ક્યારેય દિગ્દર્શન કરવા જેવું નહોતું ને વિજયે એક્ટિંગમાં માથું મારવા જેવું નહોતું.’


દેવ આનંદ જાણતો હતો કે, (આજે સ્ટુપિડ લાગે એવા) એના મેનરિઝમ્સ પર વિજયનો સખ્ત કાબુ હતો. ડોકી હલાવીને બોલાવવું નહીં, ઝીણી આંખો કરવાની નહીં, લેવાદેવા વગરનું હલહલ નહીં કરવાનું, વગેરે સ્થૂળ અભિનય ભલે એ સમયના બધા એક્ટરોમાં વ્યાપ્ત હતો, પણ કમ સે કમ આ ફિલ્મમાં તો કિરદારને અનુરૂપ નોર્મલ અભિનય જ કરવાનો હતો અને એવો જ થયો, માટે પૂરી ફિલ્મ અદ્્ભુત બની. એમાં બે-ત્રણ સિચ્યુએશનો જકડી રાખે એવી બની છે.

દેવ આનંદના પગમાં પાંચ નહો, છ આંગળી છે, એ સાબિત કરાવવા અશોકકુમાર ભરી મહેફીલમાં દેવ પાસે બૂટ-મોજા કઢાવે છે, હેલનને મળવા અડધી રાત્રે અમર આવવાનો છે ને વિનય પૂરી તકેદારીથી છુપાઈને રાહ જૂએ છે કે, કેટલાક દૃષ્યોમાં ખરેખર અમર આવ્યો કે વિનય છે, તે ધ્રૂજારીઓ વિજય આનંદે બખૂબી મૂકી છે. વિજય ‘ગોલ્ડી’ આમ તો ફિલ્મના કોઈ કેરેક્ટર તરીકે નથી આવતો, પણ ફિલ્મના ટાઇટલ્સ વખતે એક મૂર્તિના ગળામાંથી નેકલેસ કાઢી લેતા હસવાનો અવાજ તેમ જ, હેલનના ઘેર અડધી રાત્રે હેલન ઉપર ફોન આવે છે ને અમરના રૂપમાં ફોન કરનાર અવાજ ગોલ્ડીનો છે.


વેસ્ટર્ન-ડાન્સમાંય તનૂજાના ‘રાત એકલી હૈ’ જેટલી ઝનઝનાટી પેદા કરતો ડાન્સ ફરિયાલનો છે, જેને ચાલું ડાન્સે ઉઠાવી જવામાં આવે છે. હાઇટ-બોડી ઉપરાંત કેબરે-ડાન્સરને છાજે એવું સેક્સી તનબદન ફરિયાલનું હતું. એ સીરિયાના દમાસ્કસ શહેરમાં હિન્દુ પિતા અને સીરિયન મધરને ત્યાં જન્મી હતી. એ શિમલા અને મુંબઈમાં ભણીને એર હોસ્ટેસ બની હતી.


હવે તો ગેગટોક-સિક્કિમ તો શું, આપણઆ ગુજરાતીઓ તિબ્બત અને સિલિગુડીય ફરી આવ્યા છે, પણ આ ફિલ્મમાં દેવ આનંદની ફિલ્મોના પર્મેનેન્ટ પારસી કેમેરામેન ફલી મિસ્ત્રીએ ગેન્ગટોકને વધુ સોહામણું બતાવ્યું છે. ફલી અભિનેતરી શ્યામાંનો પતિ હતો. આ ફિલ્મની ‘વન ઓફ ધ... એકસ્ટ્રાઝ’માં એક નામ અંજુ મહેન્દ્રુનું પણ આવે, જે એક જમાનામાં રાજેશ ખન્ના સાથે પરણવાની હતી. અમજદ ખાનનો ભાઈ ઇમ્તિયાઝ અલી અંજુનો તારણહાર બન્યો.

અંજુબહેનના આંટા ઇમ્તિયાઝભાઈમાંથીય ભરાઈ ગયા અને અંજુ ફરી આખરે રાજેશના મૃત્યુ સમયે પાસે રહી.
રેસ્ટરાંમાં બેઠેલા તનૂજા-દેવને સો-સોની નોટોની થોડીક પરાણે આપી જાય છે, તે બહુ જાણિતો જૂનિયર કલાકાર રતન ગૌરાંગ (નેપાળી) છે. એની પહેલા ઝવેરીની શોપમાં દેવને ‘અમર’ નામથી બોલાવીને ભોંઠો પડતો કલાકાર જગદિશ રાજ છે. ઝવેરી સેઠ વિશંભરદાસના ગોડાઉનમાંથી ઝવેરાતનો સઘળો માલ ગાયબ થઈ જઆ પોલીસ કમિશ્નર નઝીર હૂસેનની હાજરીમાં દેવ જે છુપાયેલા ચોરને પકડીને ધોલધપાટ કરે છે, તે ‘જેરી મોહન’ છે. ‘ઝોની’માં જોહરને હસ્તરેખા બતાવવા આવેલો કાળો ડોસો બિહારી અહીં પણ છે. એના જેવો જ ભૂરી આંખોવાળો ‘ગુંડો જ’ લાગે, તેવો સેમસન અશોક કુમારની ટોળકીમાં છે. ચહેરા ઉપર કચ્છના રણની રેતી જેટલા ખાડાવાળો વિલન હબિબ દાદામોનીના પ્રાયવેટ પ્લેનમાં દેખાય છે.


કમનસીબે, દેવ આનંદની આ જ ફિલ્મ પછી મુહમ્મદ રફી સાથેના નાતો એમણે તોડી નાંખ્યો હતો. ચારે બાજુ કિશોર છવાઈ ગયો હતો અને અમથોય કિશોર-દેવની જોડી બંનેની પહેલી ફિલ્મની ચલણમાં હતી. 70 પહેલાની ફિલ્મોમાં કિશોરે દેવ સિવાય ન છુટકે જ બીજા કોઈ એક્ટર માટે ગાયું હતું. એમાં બંને વચ્ચે નાનકડો ખટરાગ થઈ ગયો અને જીવ્યા ત્યાં સુધી એકબીજા સાથે દેવ-રફીએ સંબંધ રાખ્યો નહોતો. અશોક કુમારની જાડી સ્વ.દીકરી પ્રીતિ ગાંગુલીએ આ ફિલ્મ જોઈને બિન્ધાસ્ત કહી દીધું હતું, ‘આ ફિલ્મનો સાચો હીરો મારા પપ્પા છે.’
પ્રીતિએ જે કાંઈ કીધું હોય, આ ફિલ્મ તો મન મૂકીને જોવા જેવી છે.

ફિલ્મ : જ્વેલ થીફ (67)
નિર્માતા : નવકેતન ફિલ્મ્સ (દેવ આનંદ)
દિગ્દર્શક : વિજય આનંદ
સંગીતકાર : સચિનદેવ બર્મન
ગીતકારો : શૈલેન્દ્ર-મજરૂહ
રનિંગ ટાઇમ : 19 રિલ્સ, 186 મિનિટ્સ
થિયેટર : રિલિફ (અમદાવાદ)
કલાકારો : અશોકકુમાર, દેવ આનંદ, વૈજ્યંતિ માલા, તનૂજા, નઝીર હૂસેન, પ્રોતિમા દેવી, જગદિશ રાજ, સપ્રૂ, હેલન, ફરિયાલ, અંજુ મહેન્દ્રુ, કેશવ રાણા, જગદેવ, પ્રેમ પ્રકાશ, જેરી મોહન, સેમસન, સુદર્શન સેઠી, વિમલ, રતન ગૌરાંગ, બિહારી, હબીબ, રણવીર રાજ, રવિકાંત, વી.ગોપાલ અને મા.સચિન.

ગીતો:
1. યે દિલ ન હોતા બેચારા, કદમ ન હોતે આવારા. - કિશોર કુમાર
2. રૂલા કે ગયા સપના મેરા, બૈઠી હૂં કબ હો સવેરા. - લતા મંગેશકર
3. આસમાં કે નીચે, હમ આજ અપને પીછે. - લતા-કિશોર
4. બૈઠે હૈ ક્યા ઉસ કે પાસ, મેરી તરફ દેખીયે. - આશા ભોંસલે
5. રાત અકેલી હૈ, બુઝ ગયે દિયે, આ કે મેરે પાસ. - આશા ભોંસલે
6. હોઠોં પે ઐસી બાત મેં દબાતી ચલી આઈ. - લતા-ભૂપેન્દ્ર-સાથીઓ
7. દિલ પુકારે, આ રે અરે અરે, અભી ન જા. - લતા-મુહમ્મદ રફી

X
article by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી