Home » Rasdhar » અંકિત ત્રિવેદી
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.

જિંદગી થંભી જાય ત્યારે

  • પ્રકાશન તારીખ02 Jun 2018
  •  
જા તે ઊભા કરેલા પ્રશ્નો અને કોઈએ આંગળી વગર પૂછેલા પ્રશ્નો વચ્ચે પાયાનું અંતર છે. કોઈએ પૂછેલા પ્રશ્નોમાં ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ બધું જ છે. એ છે એટલે જ તમે સફળ છો. સફળતાની વ્યાખ્યા શું? તમારા આંતર બાહ્ય બધા જ જીવન માટે દુનિયાને એટલે કે તમારા સિવાય બધાને પ્રશ્નો હોય ત્યારે સમજવું કે આપણે સફળ છીએ. દુનિયા બધાને પ્રેમ કરે છે, પણ જરૂરિયાત સમજીને. આપણે બધાયને પ્રેમ કરવાનો આપણામાં રહેલી વિશેષતાને સમજીને! આપણા સંતોષને જ્યારે આપણે આંખો બંધ કરી અનુભવી શકીએ અને એ ચહેરો દુનિયામાં રહેતી વ્યક્તિઓની એસિડિટી વધારી શકે એમાં આપણો વાંક નથી. સંતોષ આંતરિક બાબત છે. સફળતા બધાની ચાહક છે.
સુખના પ્રકાર બદલાય એમ સંતોષના પ્રકાર બદલાતા ફરે છે. સંતોષમાં સુખ આવી જાય છે, પરંતુ સુખમાં સંતોષ હોય જ એ જરૂરી નથી. નિવૃત્તિ પછી કરવાનાં કામો નિવૃત્તિ પહેલાં જ થઈ જાય ત્યારે સંતોષ સફળતાની સીડીને હાંફ્યા વગર ચઢે છે. સમય બધાની ઉંમર પ્રમાણે પોતાને જીવતો હોય છે અને સમયની ઉંમર? જોઈ છે ખરી સમયની ઉંમર? ચુકાઈ ગયેલી નદીના સળમાં, કરચલીવાળા મમ્મીના કપાળમાં, કવિની નહીં લખાયેલી પંક્તિઓના વલખામાં, દીકરીની આંખો વચ્ચે મોટા થતા ચાંદલામાં, પત્નીના બદલાયેલા વલણમાં, દોસ્તો મળતા હતા એ વખતની નવરાશને યાદ કરવામાં, ઝાકળ ફૂલને છોડીને જાય છે ત્યારે રડતી કુંપળમાં, બદલાયેલા એક સમયનાં જૂતાંના માપમાં અને હવે રૂટિન થઈ ગયેલા રસ્તામાં! ક્યાં ક્યાં નથી વર્તાતી સમયની ઉંમર?
રિનોવેશન ઝંખતા ફર્નિચરની જેમ સ્વભાવ પણ રિનોવેશન ઝંખે છે. ત્યારે ‘ઝઘડો લોચન મનનો’વાળી અને ‘ચિત્ત તું શીદને ચિંતા કરે’વાળી કવિતા યાદ આવે છે. જિંદગીમાં માન્યું મનનું અને જીવવા ધારેલું હૃદયનું? સ્વભાવ ઉંમરને ઓળખે પછી ફરિયાદો ઓછી અને જવાબો વધારે જડવા લાગે છે. ત્યારે સ્પષ્ટતા કરવાની જરૂર ઊભી નથી થતી! તમારા હિતશત્રુઓને તમારા મિત્ર બનવાનાં સપનાં આવે છે. જિંદગી પ્રલોભનોથી જિવાતી નથી. પડકાર અને પરિશ્રમથી જિવાય છે. કુદરત પણ પરિશ્રમ કરે છે. પડકારને સ્વીકારે છે. આપણે સ્પેશિયલ કેરટેકર સાથે જન્મેલા માણસો નથી. આપણે એના એવાં સંતાનો છીએ જે કદીક દુનિયાને જીવતા નીકળેલા, જે ક્યારેક પૃથ્વીનો નાશ કરવા નીકળ્યા હતા, જે ક્યારેક 3 પગલાંમાં ત્રિભુવનને પોતાનું ભુવન બનાવવા નીકળ્યા હતા, જેણે હિમાલય ઊંચકીને ઇન્દ્રના આસનને ડોલાવ્યું હતું. આપણો વારસો એવા બ્લૂટૂથનું ક્નેક્શન છે જે નોટિફિકેશન ઉંમર પ્રમાણે આપણા લોહીથી પકડાય છે.
આવું થાય ત્યારે જિંદગી થંભી જવી જોઈએ. કરેલી ભૂલોને પ્રેમથી મળીને સોરી કહેવું જોઈએ. આપણી એકલતા આપણે બધાની પાસેથી અપેક્ષા રાખીને બેઠા છીએ એની છે. આપણું હોવું તો એવા હૃદયની વાત છે જે એક ધબકારો લીધા પછી બીજા ધબકારાને વધારે ફોર્સથી આગળ વધારે છે. કોઈએ આંગળી વગર પૂછેલા પ્રશ્નનો જવાબ આપવો જરૂરી નથી, કારણ કે આપણે આપણા માટે આપણને ધ્યાનમાં રાખીને જીવીએ છીએ, પણ જાતે ઊભા કરેલા પ્રશ્નો જ વધારેમાં વધારે આપણને કોરી ખાય છે. બીજાને આપણા માટે પ્રશ્ન છે એવો વિચાર પણ આપણને જ આવે છે.{
ઓન ધ બીટ્સ: ‘કોઈની ધૂંધળી યાદોના સોગન,
સદા દિલમાં દીવાટાણું રહે છે.’ - અદમ ટંકારવી ghazalsamrat@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP