Home » Rasdhar » અંકિત ત્રિવેદી
કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.

બે-ત્રણ સાચા મિત્રો અને અનેક શત્રુઓ હોવા જોઈએ

  • પ્રકાશન તારીખ06 Jun 2018
  •  
શત્રુનો શત્રુ મિત્ર કહેવાય છે. શત્રુ શબ્દમાં સત્ પણ છે, જે બરોબરીનો છે. બરોબરી કરવા યોગ્ય છે તે શત્રુ. જે આપણા સૂત્રને જાણે છે અને એને જ સાધન બનાવીને આપણને માત કરે છે તે શત્રુ છે.

આપણા શત્રુ જ આપણને તાવે
છે. જીવતા રાખે છે

શત્રુ-હિતશત્રુ, તેજોદ્વેષી, ઈર્ષાળુ. આ બધાં એક જ કુટુંબનાં મામા-માસીનાં સંતાનો છે. જ્યાં બ્લૂટૂથ ચાલુ કરીએ ત્યાં બધાં નોટિફિકેશન સાથે પ્રગટે છે. સુરેશ દલાલ હંમેશાં કહેતા આપણી દયા ખાનારા વધે એના કરતાં આપણી ઈર્ષા ખાનારા વધે એ જરૂરી છે. અદેખાઈ કરનારા સમાજમાં તરત દેખાઈ જતા હોય છે. મિત્રોનું લિસ્ટ બનાવવું અઘરું પડે એમ છે, કારણ કે કોણ આપણો મિત્ર છે એ સમજવામાં આખી જિંદગી પસાર થઈ જાય છતાં ખ્યાલ ન આવે કે આ જ આપણો મિત્ર છે. શત્રુઓ કે દુશ્મનોનું લિસ્ટ તરત તૈયાર થઈ જાય છે, કારણ કે એમાં આપણી સમજ હંમેશને માટે ધારદાર પુરવાર થતી હોય છે. સૈફ પાલનપુરીએ તો લખ્યું છે,
મને દોસ્તોનો અનુભવ ન પૂછો,
હવે દુશ્મનો પર ભરોસો કરું છું.
જીવનમાં જે ભરોસો કરવા જેવા છે તે મિત્રો નથી, દુશ્મનો છે. જેની સાથે મોજ-મસ્તી, ગપાટા મારવા છે તે મિત્રો છે, દુશ્મનો નથી. હવે જાતે જ નક્કી કરવું પડે કે આપણી સાચી નિસ્બત કોને છે? તાજેતરમાં જ લંડનમાં આપણા વડાપ્રધાનને એક યુવકે પ્રશ્ન કર્યો, ‘તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે?’ વડાપ્રધાને સરસ ઉત્તર આપ્યો કે, ‘આ સાંજને હસી-ખુશીની સાંજ માનવામાં આવે તો છેલ્લાં વીસ વર્ષથી હું દરરોજ 2થી 3 કિલો ગાળો ખાઉં છું.’ વાત સાચી પણ છે અને હસતાં હસતાં વિચારવા જેવી છે.
આપણા શત્રુ જ આપણને તાવે છે. જીવતા રાખે છે. જીવનમાંથી ઈર્ષા કરનારા ઓછા થઈ જશે તો સ્પર્ધા નામનો રોમાંચ ક્યાં જશે? આપણી સફળતાના રહસ્યમાં આપણા શત્રુઓ છે. આપણી આગળ વધતી જિંદગીના સરનામા વગરના મુકામો શત્રુઓએ જ નક્કી કરી આપ્યા છે. જીવનમાં 2-3 સાચા મિત્રો અને અસંખ્ય શત્રુઓ હોવા જ જોઈએ. જ્યારે ધંધામાં મોનોપોલી આવી જાય છે ત્યારે સ્થિર ચાલતા ધંધાની અસરકારતા અને પ્રતિબદ્ધતા ઘટતી જાય છે. મારો શત્રુ કોણ? એનું લિસ્ટ મારા માટે બહુ લાંબું છે. એને શત્રુ કહીને એના દરજ્જાને મારે ઓછો કરવાની ગુસ્તાખી ન કરવી જોઈએ. છેલ્લી લખાઈ ગયેલી કવિતા પછી કોરા કાગળ પર લખાતી નવી કવિતા વખતે જીવાતો સમય કયા નામથી સંબોધું? પૂરેપૂરા લેખમાં ઠલવાઈ ગયા પછી કોરા કાગળ પર લખવાના નવા લેખ વખતની મૂંઝવણને શું કહું? મથામણ બેટરી શત્રુ નામના બેક્ટેરિયાને જીવંત
રાખે છે.
મારી ટીકા કરનારા ઘણા છે. એ બધા પ્રત્યે મને માન છે. એ લોકોએ મારું કામ સરળ કરી આપ્યું છે. એક સફળ કાર્યક્રમનું સંચાલન કર્યા પછી થોડાક જ દિવસોમાં એ જ જગ્યા અને એ જ ભાવકો વચ્ચે ફરીથી સંચાલન કરવા જઉં છું ત્યારે દ્વિધામાં મૂકી દે છે. લોકોએ મારા પર મૂકેલી અપેક્ષા ક્યારેક મારા મારી સાથેના મુકાબલાના લિસ્ટને લાંબું કરી આપે છે. સાહિત્ય અને મારા કાર્યક્ષેત્રની વાતો માટે હું જગજાહેર છું. એટલે એમાં ભૂલો કાઢવી થોડીક અઘરી પડે છે સદ્્મિત્રોને! સફળતા જ્યારે તમારા ખભા પર હાથ મૂકીને તમને હળવા કરે ત્યારે તમે સ્ત્રી હોવ તો દુનિયા ચારિત્ર્યની વાતો ઉઠાવે અને પુરુષ હોવ તો પૈસા અને ખાનાખરાબીની વાતો ઉઠાવે. એ બાબતમાં મારું જીવન સુખરૂપ છે કે મિત્રો મારી ગેરહાજરીમાં મારી વાતો કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તમારા ગમતા કામમાં તમે થોડાક વર્ષો સાધના કરો છો પછી એ સાધના તમને સંતોષના મુકામે મળે છે. ત્યારે શત્રુ અને મિત્ર વચ્ચેની વ્યાખ્યાઓ એકબીજામાં ઓતપ્રોત થઈ ગઈ હોય છે. યુ ટર્ન લેતી જિંદગી અચાનક જ વળાંક વગરના એક્સપ્રેસ હાઇવે જેવી પસાર થાય છે. ત્યારે ધ્યાન આપણું આપણે જ રાખવાનું હોય છે કે ગાડી ચલાવતા ક્યાંક ઝોકું ન આવી જાય. આપણી માફકસરની ઊંઘ આપણાં કામનો બોજ નક્કી કરે છે. જીવનમાં કોઈ સ્થાયી શત્રુ કે મિત્ર નથી. આ સમયે જે છે તે બધું જ હવે પછીના સમયે અલગ હોઈ શકે છે. આપણે જ્યાં સુધી બીજા પાસે અપેક્ષા નથી રાખતા અને આપણને એની પાસેથી અકારણ સ્નેહ મળતો રહે છે ત્યાં સુધી આપણી મિત્રતાની વ્યાખ્યામાં એ વ્યક્તિ ફિટ બેસે છે. આનાથી ઊલટું થાય છે ત્યારે સામેની વ્યક્તિ આપણને આપણી જ ગેરહાજરીમાં આપણા મિત્રોની વચ્ચે એની સંસ્કારિતા પ્રમાણે આપણને ધારી લેતો હોય છે.
મારો શત્રુ હું પોતે જ છું. ગઈકાલ કરતાં આજને મારે હજુ વધારે તીવ્રતાથી અને પ્રામાણિકતાથી જીવવી છે. એટલે ગઈ કાલની ભૂલો શોધું છું. આવતીકાલની ચર્ચા કે વિચારણા વગર ‘આજ’ સાથે મૈત્રી કરું છું, પરિણામે નસીબમાં આજની શાશ્વતી લખાઈ હશે તો એ સાંજની મહેફિલ બની જશે નહીંતર કાલના સમયપત્રકનું નક્ષત્ર. મારી સ્પર્ધામાં મને પોતાને જીવવું ગમે છે. એકના એક દુશ્મનોનાં નામ લઈને મારે મિત્રતાની ગરિમાને લજાવવી નથી. એકના એક મને મારી તુલનામાં મૂકીને મારી જાતને દુનિયામાં રહીને દુનિયાથી દૂર એકાંતની સભામાં ગુંજવી છે. ચન્દ્રકાન્ત બક્ષી કહેતા કે, ‘સુખમાં પહેલો નંબર હોવો જરૂરી નથી અને પહેલો નંબર સુખી જ હોય એ પણ જરૂરી નથી.’ શત્રુઓનું પણ એવું જ છે. કુંડળીમાં છઠ્ઠે રાહુ હોય એના દુશ્મનો વધારે હોય છે. એની પાસે દુશ્મનો ઊભા કરવાની તાકાત હોય છે. વળી, એની સામે દુશ્મનોની હંમેશાં હાર થાય છે. ઊલટાનું દુશ્મનો જ એની સફળતાનો માર્ગ મોકળો કરી આપે છે. હવે આમાં હું ક્યાંથી સેટ થઉં? શત્રુનો શત્રુ મિત્ર કહેવાતો હોય તો મિત્રનો મિત્ર શત્રુ કહેવાય છે. આ બંને હું જ છું. શત્રુ ઊભા કરવાની કળા અને મિત્રતા નિભાવવાની તાકાત આપણી જાતતપાસની સાચી સુનવણીની તાજપોશી છે.{
ઓન ધ બીટ્સ:
મિત્રો બનાવવામાં રહ્યો ‘સૈફ’ હું અને
બહુ સારા સારા દુશ્મનો બીજે સરી ગયા.’
- સૈફ પાલનપુરી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP