કવિ સંમેલનોનાં સંચાલનમાં નોખી ભાત પાડનારા અંકિત ત્રિવેદી ખુદ જાણીતા કવિ અને કટાર લેખક છે.

વરસાદ...

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

વાદળો ઘેરાયેલાં છે અને વરસાદ પડતો નથી. ઉકળાટ અને બફારો વર્તાય છે. કદાચ આ લેખ પ્રદર્શિત થાય ત્યારે વરસાદ આવે પણ ખરો એવાં એંધાણ વર્તાય છે. ઘેરાયેલાં વાદળો નથી વરસતાં ત્યારે આકાશમાં પણ ઝાંઝવાઓ રહે છે તેની ખબર પડે છે. વરસાદ નથી જ પડતો ત્યારે ગુજરાતી કવિતામાં લખાયેલી વરસાદ પરની કવિતાની પંક્તિઓ યાદ આવ્યા કરે છે.
વરસાદ ન પડતો હોય ત્યારે કવિતામાં સચવાયેલા વરસાદથી ચલાવી લેવું એ પાણીને બદલે ઠંડાં પીણાંની બોટલથી ચલાવી લેવા જેવું છે. વરસાદની પંક્તિઓને યાદ કરીએ ત્યારે રમેશ પારેખ પહેલાં જ યાદ આવે છેે.


‘વરસાદડો તો પહેલ્લુકથી છે સાવ વાયડો,
જાણે હું એનું બૈરું ને ઈ મારો ભાયડો.’
જોકે, આજ રમેશ પારેખ લખે છે કે,
‘પથ્થરને પંપાળ્યા તો એ ઘાસ થયા,
પછી પડ્યો દુકાળ અને ઇતિહાસ થયા.’
તો રવીન્દ્ર પારેખ એમ લખે છે કે,
‘એટલો વરસાદ વરસે છે સખત,
ડૂબવાનું હોય જાણે કે જગત.’

વરસાદ પ્રકૃતિના ઉમળકાનું જળસ્વરૂપ છે

વરસાદ ડુબાડે પણ ખરો અને તારે પણ ખરો અને વરસાદની જ વાત ચાલે છે જ્યારે ઉદયન ઠક્કરની પંક્તિઓ કાનમાં છત્રીની માફક ઉઘડે છે.
‘ભીંજવામાં નડતર જેવું લાગે છે,
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે.’
વેણીભાઈ પુરોહિત પણ વરસાદને કવિતામાં વરસાવે છે.
‘આજ નથી જાવું બસ કોઈનાયે કામ પર,
ઓલ્યા ધીંગા વરસાદ, તારા નામ પર.’
આ પંક્તિઓ હિતેન આનંદપરા આગળ વધારે છે...
‘કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જવું,
બહુ જ ઓછા જણને આવું પરવડે વરસાદમાં.’


વરસાદ પ્રકૃતિના ઉમળકાનું જળસ્વરૂપ છે. વરસાદ સાથે કલાકારને હંમેશાં લેવાદેવા રહ્યા જ છે. જે માણસ વરસાદને પ્રેમ કરી શકે છે એ માણસ કલાકાર જ છે. મરીઝસાહેબ પણ સંદર્ભમાં યાદ આવે છે.


‘હતા કંઈ તરબતર એવા સુરાલયમાંથી નીકળીને,
જુએ કોઈ તો સમજી જાય છે વરસાદ પહેરીને.’
વરસાદ પહેરી શકાતો હોત તો? અને સામેથી ચિનુ મોદી ‘ઇર્શાદ’ વરસાદને આંખોમાં આંજીને ખુમારીપૂર્વક પોતાની ગઝલ ખૂબીને રજૂ કરે છે.
‘હું અષાઢી કે કુષાઢી મેઘનું વાદળ નથી,
તું કહે કે ચલ વરસને ત્યાં જ હું વરસી શકું.’
આ લખનાર પણ વરસાદને જુદી રીતે મૂલવે છે.
‘વાતાવરણ ડૂમાને અંદર જઈ પૂછે છે,
વરસાદના અવાજો કઈ રીતે મોકલાવું?’


વરસાદ ભૂલ્યો ભુલાય એવો નથી. વરસાદ જૂની સ્મૃતિઓને વાગોળે છે. વરસાદ સાંજ અને રાત વચ્ચેની દીવાલને ઓગાળી નાખે છે. તો કવિ લલિત ત્રિવેદી કંઈક જૂદું જ કહેવા માગે છે.
‘વરસાદ પડે ને ઘાસ સમું પણ ન ઊગે,
રસ્તા પરના ડામર જેવો માણસ છે આ!’


વરસાદને યાદ કરું છું ત્યારે આંખો સામે કેટકેટલા કવિઓ અને કેટકેટલી કવિતાઓ યાદ આવે છે, પણ વરસાદનાં ટીપાં ગણવા બેસીએ તો વરસાદની મજા બગડી જાય. એમ જ કવિતાને માણવાનું રાખીએ તો જ મજાને મજામાં રાખી શકાય. {
ઓન ધ બીટ્સ : હિમાલય જેટલો ધરખમ ન હોય છેલ્લે તો દીકરીનો બાપ,વરસાદ પહેલાંનો તાપ.

ghazalsamrat@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP